- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- રામગોપાલ વર્માને 'ધુરંધર' ફિલ્મ એટલી ગમી કે એનો રિવ્યુ લખીને સોશિયલ મીડિયા પર શેર કર્યો. એક સમયે ઉત્તમોત્તમ ફિલ્મ બનાવી ચુકનાર રામુ જેવા સિનિયર ફિલ્મમેકર જ્યારે ખુલ્લા દિલે નવી પેઢીના ડિરેક્ટરના કામની સમીક્ષા કરે ત્યારે આપણને થાય કે વાહ, ફિલ્મ રિવ્યુ આ રીતે લખાય!
રા મગોપાલ વર્મા પાછા મેદાનમાં ઉતર્યા છે. એક ફિલ્મમેકર તરીકે નહીં, પણ ફિલ્મ રિવ્યુઅર તરીકે. રામગોપાલ વર્મા માટે એક સમયે કહેવાતું હતું કે આ માણસે બોલિવુડમાં એક સમાંતર ઇકો સિસ્ટમ ઊભી કરી છે. એમણે ઇન્ડસ્ટ્રીને અનુરાગ કશ્યપ અને મનોજ બાજપેયી જેવા કેટલાક પ્રતિભાશાળી કલાકાર-કસબીઓ આપ્યા છે, અને જેમની 'સત્યા', 'રંગીલા', 'સરકાર' જેવી કેટલીય ફિલ્મો આજે કલ્ટ-ક્લાસિક તરીકે પોંખાય છે. (એક ફિલ્મમેકર તરીકે રામગોપાલ વર્માનું જે અધ:પતન થયું છે તે પણ દંતકથારૂપ છે, પણ તે અલગ વિષય થયો.) રામગોપાલ વર્માએ 'ધુરંધર' ફિલ્મ જોઈ, અને પછી તેનો ધમાકેદાર રિવ્યુ લખ્યો ને એક્સ (ટ્વિટર) પર શેર કર્યો. સિનેમાપ્રેમીઓમાં તે ખૂબ વાઇરલ થયો છે.
ફિલ્મ રિવ્યુ હંમેશા એક વ્યક્તિનો અંગત અભિપ્રાય હોવાનો, પણ કોણ જાણે કેમ, લોકો છાપામાં છપાતી, ટીવી પર દેખાડાતી કે ડિજિટલ મીડિયા પર શેર થતી ફિલ્મ સમીક્ષાઓને બહુ પર્સનલી લઈ લેતા હોય છે. 'ધુરંધર'ના કિસ્સામાં તો હદ થઈ ગઈ. 'ધુરંધર'નો નબળો રિવ્યુ આપનાર કેટલાક અંગ્રેજી સમીક્ષકોની સોશિયલ મીડિયા પર જોરદાર ધોલાઈ થઈ. અનુપમા ચોપડાએ યુટ્યુબ પરથી પોતાના રિવ્યુને હટાવી દેવો પડયો, જે એક અભૂતપૂર્વ ઘટના (કે દુર્ઘટના) છે. જે સમીક્ષકોને 'ધુરંધર' ન ગમી એમને ડાબેરી વિચારધારાના વાહકો તો ઠીક, દેશદ્રોહી સુધ્ધાં ગણાવી દેવામાં આવ્યા.
ખેર, આવા માહોલમાં રામગોપાલ વર્માનો રિવ્યુ આવે છે. તેમને 'ધુરંધર' જોરદાર ગમી ગઈ છે તે બરાબર છે, પણ મુદ્દો એ નથી. મુદ્દો છે, એમણે જે રીતે ફિલ્મ રિવ્યુ લખ્યો છે, તે. ઉત્કૃષ્ટતા આંબી ચૂકેલો એક ફિલ્મમેકર જ્યારે બીજા કોઈ ડિરેક્ટરની ફિલ્મની સૂક્ષ્મતાઓ સમજાવે ત્યારે આપણને મજા પડી જાય છે. આપણને થાય કે વાહ, ફિલ્મનો રિવ્યુ આમ લખાય! લો, રામગોપાલ વર્માનો અંગ્રેજી રિવ્યુ તમે અહીં ગુજરાતીમાં વાંચો:
'હું માનું છું કે આદિત્ય ધરે એકલા હાથે ભારતીય સિનેમાનું ભવિષ્ય બદલી નાખ્યું છે. આમાં નોર્થ અને સાઉથ એમ તમામ પ્રાંતોની ફિલ્મો આવી ગઈ. આ હું એટલા માટે કહું છું કે 'ધુરંધર' માત્ર એક ફિલ્મ નથી, તે ભારતીય સિનેમાએ મારેલો એક હનુમાન કૂદકો છે. (રામગોપાલ વર્માએ અહીં 'ક્વોન્ટમ લીપ' શબ્દપ્રયોગ કર્યો છે.) આદિત્ય ધર અહીં માત્ર સીન ડિરેક્ટ નથી કરતા, એ પાત્રો અને ઓડિયન્સ બન્નેની માનસિકતાને ચોક્કસ ઘાટ આપતા જાય છે. પહેલા જ શોટથી તમને ફીલ થવા માંડે કે પડદા પર એવી કશીક ઘટનાઓની પરંપરા સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાંથી પાછા વળી નહીં શકાય. અહીં ઓડિયન્સ માત્ર એક મૂક દર્શક બની રહેતો નથી, પણ એ પડદા પર ચાલતી ગતિવિધિઓનો હિસ્સો બની જાય છે.
આ પહેલી એવી ફિલ્મ છે જેને સુંવાળા રહેવામાં જરાય રસ નથી. લખાણમાં કોઈ ઢાંકપિછોડા નથી, દ્રશ્યોનું સ્ટેજિંગ એવું થયું છે કે આપોઆપ ખોફનો અનુભવ થાય. અહીં મૌન પણ ઘાતક શસ્ત્રની જેમ વપરાયું છે - ફિલ્મની ધમાકેદાર સાઉન્ડ ઇફેક્ટની જેમ. આદિત્ય ધર બરાબર જાણે છે કે સ્ટોરીટેલિંગ એટલે ખૂબ બધી કહી દેવું એમ નહીં, પણ ધીમે ધીમે પ્રેશર ઊભું કરવું. દરેક સીન દબાયેલી સ્પ્રિન્ગ જેવો છે, જે ક્યારે ઊછળશે તે કળી શકાતું નથી.
ફિલ્મનાં પર્ફોર્મન્સીસ એવી રીતે ડિઝાઇન થયાં જ નથી કે તમારે એને ગમાડવા પડે, બલ્કે ફિલ્મનાં પર્ફોર્મન્સીસ એવી રીતે ડિઝાઇન થયાં છે કે ફિલ્મ પૂરી થયા પછી તમે થિયેટરમાંથી બહાર નીકળો તે પછી ક્યાંય સુધી તમારા મનમાં તે ઘુમરાયા કરે. અહીં પાત્રોના ખભા પર અતીતનો ભાર છે. ડિરેક્ટરને ભરોસો છે કે પ્રેક્ષકોને એકેએક વાત સમજાવવા બેસવાની જરૂર નથી, પાત્રોના જખમ ઓડિયન્સ જાતે સમજી લેશે. આ ડિરેક્ટરનો કોન્ફિડન્સ છે, જે કોઈને અહંકાર પણ લાગી શકે... પણ આ જ કારણે 'ધુરંધર' ફિલ્મ ભારતીય સિનેમા માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થવાની છે. આદિત્ય ધર સ્પષ્ટપણે માને છે કે ઓડિયન્સ બુદ્ધિશાળી છે. એક ડિરેક્ટર પોતાના ઓડિયન્સ પ્રત્યે આના કરતાં વધારે સન્માન બીજી
કઈ રીતેે વ્યક્ત કરી શકે?
ટેકનિકલી, આ ફિલ્મ મેઇનસ્ટ્રીમ હિન્દી સિનેમાનું ગ્રામર નવેસરથી લખે છે. અહીં સાઉન્ડ ડિઝાઇન દ્રશ્યોને શણગારતા નથી, બલ્કે, ચુપચાપ દ્રશ્યોને પીછો કરે છે. અહીં કેમેરા પાત્રોને જોતો નથી, બલ્કે શિકાર પર ત્રાટકવા મથતા શિકારીની જેમ પાત્રો ફરતે ચકરાવા મારે છે. અહીં એક્શન દ્રશ્યોની કોરિયોગ્રાફી ઓડિયન્સની તાળીઓ ઉઘરાવવા માટે નહીં, પણ જે-તે પાત્રોના દ્રષ્ટિકોણને જસ્ટિફાય કરવા માટે કરવામાં આવી છે. ફિલ્મના એક્શન સીન્સ બહુ જ કદરૂપાં છે - અસલી હિંસાની જેમ જ.
ક્રાફ્ટ સિવાયની વાત કરીએ તો, 'ધુરંધર'ને ઊંચાઈ પર લઈ જાય છે તેના મેકરનો ઇરાદો. આ ફિલ્મને ટ્રેન્ડ્ઝને અનુસરવામાં કે બીજાઓની સ્વીકૃતિ મેળવવામાં કોઈ રસ નથી. આ ફિલ્મ ઘોષણા કરે છે કે, ભારતીય સિનેમાએ સફળ થવા માટે પોતાની તીવ્રતા ઓછી કરી નાખવાની કે સમજ્યા-કારવ્યા વિના હોલિવુડની નકલ કરવાની કશી જરૂર નથી. આદિત્ય ધરે સાબિત કર્યું છે કે તમે એવી ફિલ્મ ચોક્કસ બનાવી શકો છો જેનાં મૂળિયાં ભારતીય વાસ્તવિકતામાં દટાયેલાં હોય અને છતાંય ફિલ્મ ઇન્ટરનેશનલ લેવલની હોય.
ફિલ્મ પૂરી થાય અને સ્ક્રીન પર કલાકાર-કસબીઓનાં નામ સ્ક્રોલ થવાનું શરૂ થાય ત્યારે તમને એવું નથી લાગતું કે વાહ, મારું કેવું સરસ મનોરંજન થયું, બલ્કે તમને એવું લાગે છે કે તમે ભીતરથી કોઈક રીતે બદલાઈ ગયા છો... અને આ એવા ફિલ્મમેકરની નિશાની છે જે માત્ર ફિલ્મ બનાવતો નથી, પણ જમીનને નવેસરથી ઘાટ આપે છે, એ જમીનને જેના પર અમે બધા ફિલ્મમેકરો ઊભા છીએ.'
કલ્પના કરો કે આવી અદ્ભુત સમીક્ષા વાંચીને આદિત્ય ધર કેવા હરખાઈ ગયા હશે! એમણે પણ રામુના ટ્વિટની નીચે કમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા લખી. તે પણ મસ્ત છે. સાંભળો:
'સર, જો તમારું આ ટ્વિટ ફિલ્મ હોત તો હું ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શોમાં તે જોવા ગયો હોત, લાઇન લગાવીને ઊભો હોત અને ફિલ્મ જોઈને બહાર નીકળત ત્યાં સુધીમાં હું ભીતરથી બદલાઈ ગયો હોત.
હું થોડાં વર્ષો પહેલાં મુંબઈ આવ્યો ત્યારે મારી પાસે એક સુટકેસ હતી, એક સપનું હતું અને એક જીદ હતી કે એક દિવસ હું રામગોપાલ વર્માના હાથ નીચે કામ કરીશ જ. જોકે તે શક્ય ન બન્યું, પણ મારી આ યાત્રા દરમિયાન અજાણપણે હું તમારા સિનેમામાં જીવતો રહ્યો. તમારું સિનેમા જોઈને હું ફિલ્મો કેવી રીતે બનાવવી તે ન શીખ્યો, પણ તમારી ફિલ્મોએ મને શીખવ્યું કે હાઉ ટુ થિન્ક ડેન્જરસલી... જોખમી રીતે શી રીતે વિચારવું!
તમે કહો છો કે 'ધુરંધર' ભારતીય સિનેમા માટે એક હનુમાન-કૂદકો છે... આ વાંચીને હું ઇમોશનલ થઈ ગયો છું. મને તમારું આ વિશેષણ અદ્ભુત લાગે છે, અને સાચું કહું તો થોડું અન્યાયી પણ લાગે છે, કેમ કે હવે પછી હું જે કંઈ બનાવીશ તેણે તમારા આ રિવ્યુના માપદંડ પર ખરા ઉતરવું પડશે.
તમે મારા સૌથી ગમતા ભારતીય ફિલ્મમેકરો પૈકીના એક છો કે જેમણે ભારતીય સિનેમાને નીડર, ઉદ્દંડ અને જીવંત બનાવ્યું છે. જો 'ધુરંધર'ના આ ત્રણ ગુણના ડીએનએના થોડાક અંશ પણ હોય તો એનું કારણ એ છે કે, હું જ્યારે 'ધુરંધર' લખી રહ્યો હતો અને ડિરેક્ટ કરી રહ્યો હતો ત્યારે તમારી ફિલ્મો મારા મસ્તકમાં ધીમા અવાજે (તો ક્યારેક ચીસો પાડીને) મારી સાથે વાતો કરતી હતી.
જો મેં પ્રેક્ષકોને ઇન્ટેલિજન્ટ માન્યા હોય, તો એનું કારણ એ છે કે તમે એક આખી પેઢીને શીખવ્યું છે કે સિનેેમાએ ક્યારેય ઊંચું નિશાન તાકવામાં સંકોચ કરવાનો ન હોય.
આ ઉદારતા, આ પાગલપણું અને આ સ્વીકૃતિ માટે તમારો આભાર.'
વાહ!
શો-સ્ટોપર
'આજના જુવાનિયાઓ દિલીપકુમાર કે રાજ કપૂરને ઓળખતા નથી. તેઓ ફક્ત રણબીર કપૂરને ઓળખે છે. એ જ રીતે, આજથી પચ્ચીસ વર્ષ પછીની પેઢી કદાચ પૂછશે કે, શાહરૂખ ખાન એટલે કોણ?'
-વિવેક ઓબેરોય


