- 21મી સદીના 25 વર્ષ વીતાવી રહ્યા છીએ ત્યારે યાદ રાખવાની જરુર છે કે આપણે અગાઉ જે શોધાયું તેમાં સતત અપડેટ કરતા રહી ઉમેરો જ કર્યો છે.. બ્લેક એન્ડ વ્હાઈટ હતું તો જ કલરનો જમાનો શક્ય બન્યો.
- હોરાઈઝન-ભવેન કચ્છી
- મોટાભાગનું ભૂતકાળમાં કહેવાય, લખાઈ કે ભજવાઈ ચૂક્યું છે..
વ ર્તમાનમાં જેઓ સફળતા, યશ, કીત અને સિદ્ધિના કલદારો બનીને પૂજાય છે તેમાંના ઘણા એવા ભ્રમ અને અહંકારમાં રાચતા હોય છે કે અમે જે પ્રદાન આપી રહ્યા છીએ તે અમારું પોતીકું. પહેલું વહેલું અને વન એન્ડ ઓન્લી પ્રકારનું છે. કોઈ દાદ મેળવતો અભિનય, વક્તવ્ય, સર્જનાત્મક કાર્ય, ગદ્ય કે પદ્ય સાહિત્ય, સ્ટેજ પરફોર્મન્સ, પત્રકારત્વ કે રમતના મેદાનમાં કસબ બતાવે ત્યારે તેને પોતાને 'ટ્રેન્ડ સેટર' માની હવામાં ફરતા હોય છે. આનું એક કારણ એ છે કે જેમને જીનીયસ કહી વધાવી લેનાર ભાવકોએ પણ ભૂતકાળના વિવિધ ક્ષેત્રના પ્રદાનકર્તાઓને જાણવા- માણવાની તસ્દી લીધી નથી હોતી કે પ્રદાન આપનારે પણ ભવ્ય વારસાનાં આર્કાઇવ્સનું વિહંગાવલોકન નથી કર્યું હોતું. આ જ કારણે બને છે પણ એવું કે જુના જમાનાના જુદા જુદા ક્ષેત્રોના ધુરંધરો કોઈ પાર્ટી કે મેળાવડામાં મહેમાન તરીકે આવ્યા હોય ત્યારે નવી પેઢીની વર્તમાન અને તેઓ કરતા ૨૫ ટકા પણ પ્રતિભા ન ધરાવતા છતાં વધુ લોકપ્રિય વ્યક્તિવિશેષ એક પ્રકારના ઘમંડથી તેઓની જોડે સંસ્મરણો વાગોળતો સંવાદ પણ નથી કરતા. હદ તો ત્યારે થાય છે જ્યારે જે વ્યક્તિ જે ક્ષેત્રમાં છે તેઓ જ તેમના ક્ષેત્રના ૨૫- ૩૫ વર્ષ પહેલાના પણ બુલંદ પ્રદાનકર્તાઓથી પરિચિત નથી. ખરેખર તો જે રીતે માનવ જગતની ઉત્ક્રાંતિ થાય છે તેવી જ રીતે કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિ અત્યારે જે મુકામ પર પહોંચ્યો છે તે એક પછી એક કડીની બનેલી સાંકળથી વિશેષ કંઈ નથી. પ્રકરણોથી પુસ્તક બનતું હોય છે.
૨૧મી સદીનો માનવી કોરોના સામે લડી શક્યો તેના પાયામાં ૧૯૧૯ની સાલનો સ્પેનીશ ફ્લુ અને તેના પગલે થયેલા સંશોધનોની શ્રુંખલા છે. કોલેરા, ક્ષય, કમળો, ઓરી અછબડા જીવલેણ ન બને તે માટે કેટલાયે વિજ્ઞાનીએ તેમનું જીવન અર્પણ કરી દીધું હશે. પ્રાચીન શૈલ્ય ચિકિત્સા અને તે પછીના પ્રત્યેક અઢી ત્રણ દાયકા જે સંશોધનો ઉમેરાતા ગયા તેના લીધે આજે રોબોટ સર્જરી શક્ય બની છે. તબીબી જગત તો ઉદાહરણ છે પણ દરેક ક્ષેત્રમાં તેમના અરસાના આવા સિતારાઓ હશે જ ને કે જે તે સમયે તેઓનો જમાનો હશે.
મૂંગી ફિલ્મ અને તે પછી બોમ્બે ટોકીની કે વાડિયાની ફિલ્મો ના હોત તો આપણે વર્તમાન ફિલ્મ યુગમાં ન પહોંચ્યા હોત. તમામ ક્ષેત્રો અને રમત જગતમાં પણ ઘણી વખત તો એવું લાગે કે જે હદે ટેકનોલોજી, સંદર્ભ, રિસોર્સ, મેથડ, સપોર્ટ સ્ટાફ અને વળતરની રીતે ક્રાંતિ થઇ છે તેની તુલનામાં નિર્માણ, રજૂઆત કે હાર્દમાં કંઈ ઝાઝો ફર્ક નથી પડયો. ઉલટું જુનું વધુ પડકારરૂપ છતાં બહેતર લાગે. જૂનાનો વર્તમાનની જેમ વ્યાપ નહોતો. બ્રાન્ડીંગ અને માર્કેટિંગ નહોતું. ફિલ્મ દુનિયાની વાત કરીએ તો વર્તમાન ફિલ્મ કલાકારો જે દ્રશ્ય આપીને દાદ મેળવે છે તેવું ભૂતકાળમાં કોઈ કલાકારે ભજવેલું જ હોય છે. જૂની ફિલ્મોની રીમેક અને તે જ અરસાના કલાકારની જેમ એક એક દ્રશ્ય તે જ સંવાદ સાથે ભજવાય છે.
વયસ્ક નાગરિકો કહી શકે કે અશોક કુમારથી માંડી આમીર ખાન અને દેવિકા રાનીથી દીપિકા અને હેલનથી નોરા ફતેહી તેમના આગવા અંદાજને બાદ કરતા મહદ્દઅંશે સરખું જ કરી ચુક્યા છે. વર્તમાન પ્રદાનકર્તાઓ એવા ઘમંડમાં રાચે કે આ તેઓનું એક્સક્લુઝીવ સર્જન છે તો તેઓ ખાંડ ખાય છે. એવું કહેવાય છે સૃષ્ટિમાં તમે જે વર્તમાનમાં કહો છો, લખો છો તે બધું કહેવાઈ ચુક્યું છે. મારા દાદા ડોંગરે મહારાજની કથા સાંભળી તેમને અવતારી સંત માનતા. આજના કથાકારોના ભક્ત જેવા શ્રોતાઓ 'કોણ ડોંગરે મહારાજ' તેવો પ્રશ્ન બેધડક પૂછી શકે. કુંબલે અને અશ્વિનને લેજેન્ડ સ્પિનર તરીકે નવાજતા ચાહકોને જ્યારે સ્વ. વિનુ માંકડને આઈ સી સીએ ૨૦૨૧ના વર્ષના 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપવાની જાહેરાત કરી ત્યારે દેશના યુવા ક્રિકેટ ચાહક તો શું આઈ પી એલ રમતા લાખોપતિ યુવા સ્પિનરોને પણ ખબર નહીં હોય કે વિનુ માંકડનો ક્લાસ અને કારનામા કેવા હતા.
૫૦ વર્ષ જુના અખબારની ફાઈલ જોતા એવું લાગે કે જે હદે માનવ જગતે અડધી સદીમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ કરી છે તે હદે પ્રોડકશન અને બાહ્ય કલેવરને બાદ કરતા ખાસ કંઈ આમૂલ પરિવર્તન નથી આવ્યું. કદાચ તે વખતે વધુ મૂલ્ય અને સંસ્કાર આધારિત તત્વ હતું. બાકી તે વખતે તે જમાનાની રીતે તહેવારો, રોગચાળો, રાજકારણ, સમસ્યા, ગુનાખોરી, બજાર, ફિલ્મ, રમત અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સમાચાર કવર થતા જ હતા. ખરેખર તો તે વિભાગો, તે શૈલી, તે જ વિશેષ વાંચન વધુ જગ્યા સાથે નવા રંગ રૂપમાં રજુ થયું. સાહિત્યમાં ગ્રામીણ, અને શહેરી સમાજનું પ્રતિબિંબ બદલાતું ગયું. થ્રીલર, રોમાંસ અને મહિલા પડકારોની પેટર્ન બદલાઈ પણ યાદ રહે શરુ કરનાર આજની પેઢી નહોતી.
એક નિરીક્ષણ પ્રમાણે ૧૯૮૦માં જે યુવા પેઢી હતી તેઓને તેમના અરસાની વર્તમાનની સાથે ભૂતકાળ અને ભવિષ્યની પ્રતિભાઓનો પરિચય હતો. રાજેશ ખન્ના અને ધર્મેન્દ્રની ફિલ્મોની પણ મઝા લે અને જૂની ફિલ્મો માટે ખાસ મેટીની શો રહેતો. ભાવિ સ્ટારને પણ આવકારે. ક્રિકેટ ચાહક ગાવસ્કર, કપિલ દેવ અને વેંગસરકરનો પણ ચાહક હતો અને પોલી ઉમરીગર, વિજય મર્ચન્ટ, વિનુ માંકડ કે વિજય હઝારેને નામથી કે પ્રદાનથી જાણવા પ્રયત્ન કરતાં. તેમના જન્મ અગાઉના ખેલાડીઓ અને કલાકારોના અખબાર કે મેગેઝીનમાંથી કાપેલા ફોટા ચિપકાવી આલબમ બનાવતાં. કે. એલ. સાયગલ, તલત મહેમુદ, ગીતા દત્ત અને હેમંતકુમારના કંઠને પણ માણતા અને તેના જમાનાના હિન્દી તેમજ અંગ્રેજી પોપને સંગ પણ ઝૂમતાં. નોન ફિલ્મી વિડીયોની જમાવટ થતી. ઘરમાં ગૃહિણી પણ જૂની પરંપરાને સાચવતા ખાણી-પીણી બનાવતી. સેન્ડવિચ, પીઝા અને નુડલ્સને પણ આવકાર આપ્યો અને ભાવિ ધૂમ મચાવનાર પંજાબી અને ચાઈનીસને પણ અપનાવ્યું. જ્યારે વર્તમાન યુવા પેઢી માત્ર અને માત્ર રીયલ ટાઈમમાં જ જીવન વિતાવે છે. તેઓને એક દાયકા જુનું પણ સ્પર્શી નથી શકતું. તેઓ તે માટે ઊંડા ઉતારવાની પરવા જ નથી કરતા. હા, રીમેક કે રીકેપ કરીને આપો તો સ્વીકારે. ફિલ્મ ફોરમેટમાં હોય તો ઉત્તમ બાકી તે માટેનું પુસ્તક વાંચીને અમારે દાયકા જૂની વાત નથી જાણવી.
કોઈ વડીલ માંડીને રસપૂર્વક વાત કરે તો પણ નહીં. અત્યારે જે ૨૪ વર્ષની વયનો હોય તેને તેના જન્મ વર્ષની આસપાસ ગુજરાતમાં થયેલ ધરતીકંપ કે ન્યુ યોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો વિચલિત નથી કરતો. કસાબ ફેમ મુંબઈ હુમલાની ભયાનકતા વખતે આઠ વર્ષની વય હોય તે હવે યુવાન બની ગયો છે પણ તેને તે દુરનો ઈતિહાસ લાગે છે. આજે જે જુદા જુદા ક્ષેત્રોમાં તેને જે પ્રભાવિત કરે છે તેઓનું સ્તર જેવું પણ છે તેને જ તેઓ હીરો માને છે. કોહલી પણ તેને અંકલ લાગે છે. અમિતાભ બચ્ચનની ડોન અને અગ્નિપથના અફલાતુન ડીલીવરી સાથેના સંવાદ સાથેના દ્રશ્યો કરતા શાહરૂખ ખાનની ડોન અને ઋતિકની અગ્નિપથથી વધુ આફરીન પોકારે છે.
જીંદગીને માણવી હોય તો પણ જુના જોગીઓ વિશે જાણો, તેઓના પ્રદાનનો રસાસ્વાદ કરો. કદાચ તમને એક જુદા લેવલનું જ લાગશે. જુની ફિલ્મ, સંગીત,મનગમતી રમતની મેચ, પુસ્તક, આર્કાઇવ્સમાં ડૂબકી લગાવવા જેવી છે. ઘણા લોકો વર્તમાનમાં જ જીવવાના ઉપદેશને ખોટી રીતે મૂલવે છે. જો તમને વર્ષો જુની ઘટનાં કે વ્યક્તિ પરની બાયોપિક રોમાંચ અને ગૌરવ અપાવી શકતી હોય તો બીજી કેટલીયે જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિગત, સામૂહિક કે સંસ્થાગત સિદ્ધીઓ અને પરફોર્મન્સ છે. હવે તો ગુગલ સર્ચ, યુ ટયુબ અને ઓનલાઈન દસ્તાવેજી બધું જ ઉપલબ્ધ છે. કોઈ નિર્માતા ફિલ્મ નિર્માણ કરે તો જ તે ઘટના રસ જન્માવે તે યોગ્ય નથી. વર્તમાનમાં ભૂતકાળનું પ્રદાન છે.
જ્ઞાન પોસ્ટ
કબાટ જેવડું કોમ્પ્યુટર શોધાયું તો આજે હથેળીમાં સમાય તેવો સ્માર્ટ ફોન શક્ય બન્યો છે : રોબોટિક સર્જરીનું ગોત્ર પ્રાચીન શૈલ્ય ચિકિત્સા સુધી જાય છે


