Get The App

યુવા પેઢીને નશાની લત લગાડતી લિકર ચોકલેટ

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
યુવા પેઢીને નશાની લત લગાડતી લિકર ચોકલેટ 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ચોકલેટ શરીરમાં ડોપામાઈન નામના હોર્મોનના ઉત્પાદનમાં પણ  મદદરૂપ થાય છે. ડોપામાઈન લોકોને  માનસિક રીતે સજાગ રહેવામાં મદદરૂપ થાય છે

બે વર્ષ પૂર્વેની વાત છે. મુંબઈની એક ફાઈવસ્ટાર હોટલમાં ક્રિસ્મસ પાર્ટીનું આયોજન થયું છે. પાશ્ચાત્ય સંગીતની ધૂન વચ્ચે જુવાનિયાઓ મન મૂકીને નાચી રહ્યાં છે. અચાનક વીસેક વર્ષની ઉંમર ધરાવતા ચાર યુવક અને એક યુવતી પાર્ટી હોલમાં દાખલ થાય છે. આવી પાર્ટીઓમાં દારૂની છોળો ઉડતી હોય એ તો બહુ સામાન્ય વાત છે.

જોકે હમણાં જ પાર્ટીમાં જોડાયેલા ચાર યુવક અને પેલી યુવતી ડાન્સ ફલોર પર જતાં અચકાય છે. તેથી દૂર જ ઊભા ઊભા નાચ- ગાનનો આનંદ માણે છે. થોડીવારમાં આ યુવકોમાંનો એક પેલી યુવતી રોમાને ઈશારો કરી દૂર લઈ ગયો. પાર્ટીના કોલાહોલથી કંટાળેલી રોમા પણ હોલની બહાર નીકળી ગઈ. બંને જણ નજીકમાં આવેલા સ્વિમીંગ પુલ પાસેની આરામદાયક ખુરશીમાં બેઠાં.

થોડીક આડીઅવળી વાતો પછી છોકરાએ પોતાના ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢી અને રોમાને ઓફર કરી. રોમાએ અચકાતાં અચકાતાં ચોકલેટ લીધી એટલે પેલા છોકરાએ તે ખાવા આગ્રહ કર્યો. રોમાએ તેનું મન રાખવા એ ચોકલેટ ખાધી.

ચોકલેટ બીજી કોઈ સામાન્ય ચોકલેટ જેવી જ હતી તેથી વાંધો ના આવ્યો પણ પછી રોમાને એ ચોકલેટનો સ્વાદ અજીબ લાગ્યો. તે પછીય એ ચોકલેટ તે ખાઈ ગઈ.

થોડી વાર પછી રોમાને લાગવા માંડયું કે તેનું માથે ભારે થઈ ગયું છે. પરંતુ શરીરમાં એકદમ જ ઉર્જા આવી ગઈ છે. તેની સાથેનો યુવક આ બધું જોતો જ હતો. તેણે રોમાનો હાથ ધીરેથી પકડયો. રોમાને એ ગમ્યું પણ અચાનક જ તેને લાગ્યું કે કશુંક ખોટું થઈ  રહ્યું છે. તેણે છોકરાને દૂર કરવા પ્રયત્ન કર્યો, પણ તે એવું ના કરી શકી. પેલો છોકરો તેની એકદમ નજીક આવી ગયો અને ધીરેથી રોમાને કિસ કરવાની કોશિશ કરવા લાગ્યો.

વાત આગળ વધી હોત, પણ ત્યાં જ અચાનક રોમાનો મિત્ર કરણ બહાર આવ્યો. રોમા અને પેલો છોકરો બંને જે રીતે બેઠાં હતાં તે જોયા પછી તેને પરિસ્થિતિ સમજતાં વાર ના લાગી. તેણે રોમાનો હાથ પકડયો અને તેને ખેંચીને અંદર લઈ ગયો. 

કરણ સમયસર ના આવ્યો હોત તો રોમાનું શું થયું હોત તે કહેવાની જરૂર નથી. તે રડી પડી ને તેણે પ્રોમિસ કર્યું કે તેનાં મમ્મી-પપ્પાને કોઈ આ વાત નહીં કરે ને પ્રોમિસ આપ્યું કે તે કોઈ અજાણ્યા છોકરા પાસેથી આ રીતે કશું નહીં ખાય. રોમાને જે અનુભવ થયો તે અનુભવ મુંબઈ, અમદાવાદ કે બીજા કેટલાય શહેરોની કેટલીય છોકરીઓને થયો હશે.

જોકે રોમાને હજીય સમજાતું નહોતું કે પેલા છોકરાએ તેને એવું તો શું ખવડાવ્યું હતું કે એ બધા સંસ્કાર અને શરમને બાજુએ મૂકીને વર્તવા માંડી હતી.

રોમાના આ સવાલનો જવાબ છે લિકર ચોકલેટ. આપણે લિકર ચોકલેટ કઈ બલા છે તે જાણતા પૂર્વે યુવતીઓનો ચોકલેટ પ્રેમ સમજીએ.

એમ કહેવાય છે કે મહિલાઓ અને ડાયમન્ડ વચ્ચે બેસ્ટ ફ્રેન્ડનો સંબંધ છે. એવી જ રીતે ગર્લ્સ અને ચોકલેટનો પણ  અતૂટ સંબંધ છે.  મુંબઈની લોકલ ટ્રેનમાં  આવતાં-જતાં તમારી આસપાસની કિશોરી- યુવતીઓનું નિરીક્ષણ કરજો. મોટા ભાગની યુવતીઓ પાસે  ચોકલેટ હોય છે. આ ચોકલેટ પેપરમિન્ટ કે ટૉફી નથી હોતી, પરંતુ કેરેમલ કે ડાર્ક ચોકલેટ હોય છે. ડાયમન્ડની જેમ જ ચોકલેટની જાહેરાતમાં પણ ફીમેલ જ હોય છે. કદાચ એમ કહીએ તો ખોટું નહીં કે ડાયમન્ડ અને ચોકલેટનો બિઝનેસ ફીમેલને કારણે જ વધારે ચાલે છે. જાણીએ કે ચોકલેટમાં  એવું શું છે જેથી મહિલાઓ એના પ્રત્યે લલચાય છે. એવું તો નથી જ કે માત્ર ગર્લ્સ ચોકલેટ ખાય છે, બોય્ઝને પણ ચોકલેટ ભાવે છે. પરંતુ યુવતીઓની જેમ તેમને ચોકલેટ ખાવાનું ક્રેવિંગ નથી થતું. અમુક યુવતીઓ તો ત્યાં સુધી કહે છે કે સેક્સ કરતાં ચોકલેટ વધુ સારી. સ્ત્રીઓનો ચોકલેટપ્રેમ નજરે દેખાઈ પણ આવે. ચોકલેટની અસર મહિલા અને પુરુષો પર જુદી-જુદી થાય છે. બન્નેના મગજમાં ચોકલેટ અલગ રીતે કામ કરે છે. તેથી બન્નેની ચોકલેટ પ્રત્યેની લાગણી પણ જુદી છે. બન્નેની ચોઈસ પણ જુદી છે.સેરોટોનિન ખુશીનો અંત:સ્રાવ છે. આ હોર્મોન શરીરમાં યોગ્ય માત્રામાં જળવાઈ રહે તો ગર્લ્સના ચહેરા પર સદાબહાર સ્માઈલ રહે. પરંતુ જેવું સેરોટોનિનના પ્રમાણમાં ઉપર-નીચે થયું કે તેમના ચહેરાની સ્માઈલ પણ આવ-જા કરવા લાગે. ત્યારે ચોકલેટ પોતાની રમત રમે છે. એ શરીરમાંથી સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. એના લીધે મૂડ પર  નિયંત્રણ આવે છે. ચોકલેટ મૂડ-સ્વિંગને ઓછું કરી શકે છે તેમ જ ડિપ્રેશન આવતું અટકાવી શકે છે.

એ સિવાય શરીરમાં ડોપામાઈન નામના હોર્મોનના ઉત્પાદનમાં પણ  મદદરૂપ થાય છે. ડોપામાઈન લોકોને  માનસિક રીતે સજાગ રહેવામાં મદદરૂપ થાય છે. ડોપામાઈન પર્ફોર્મન્સ એન્હેન્સિંગ ડ્રગ તરીકે વધુ જાણીતું છે. રમતવીરો આ ડ્રગનો ઉપયોગ કરતા હોય છે. શરીરમાં ડોપામાઈનની કમી વ્યક્તિને બેધ્યાન બનાવે છે અને કામમાં ધ્યાન કેન્દ્રિત કરવા નથી દેતી તેમ જ ખરાબ મૂડનો શિકાર બનાવે છે. ચોકલેટ આ સમસ્યા સાથે લડે છે. જો ચોકલેટ બધા જ માટે સારી છે તો શા માટે મહિલાઓને વધારે ભાવે છે?

મહિલાના મૂડ-સ્વિંગ્સને કુદરત પણ સમજી શકતી નથી એટલે જ કદાચ ચોકલેટનું ઈન્વેન્શન થયું હશે. ફીમેલ્સના માસિક ચક્રને કારણે વારંવાર તેમના હોર્મોનનું પ્રમાણ ઊંચુનીચું થયા કરે છે. એના કારણે તેમના મૂડમાં તીવ્ર બદલાવ આવે છે. જેમ વ્યક્તિના મૂડ વધારે બદલાય તેમ એને નિયંત્રણ કરવા જરૂરી બની જાય છે. ત્યારે ચોકલેટ ફરી પોતાની રમત રમવા આવે છે. ચોકલેટ તેમના મૂડને તરત જ બદલી નાખે છે.

યુવતીઓને માસિક સ્રાવ પહેલાં અને દરમ્યાન ચોકલેટ ખાવાનું ક્રેવિંગ થતું હોય છે, કારણ કે આ સમયે તેમનામાં સેરોટોનિનનું પ્રમાણ ઓછું થઈ જાય છે. ચોકલેટ એની સમતુલા જાળવી શકે છે. એ સિવાય ચોકલેટના ક્રેવિંગ માટે બ્લડ-શુગરના નીચા પ્રમાણ અને હોર્મોનની અસમતુલાને જ દોષ આપવો.

માનસિક તનાવ દરમ્યાન પણ યુવતી આપમેળે ચોકલેટ તરફ વળે છે  અને તેમને સારું પણ લાગે છે. ટૂંકમાં ચોકલેટ છોકરીઓ માટે અતિ ઉત્તમ છે અને છોકરાઓ માટે ગર્લફ્રેન્ડને મનાવવાનો સસ્તો અને સારો ઉપાય છે. તેથી જ તો વેલેન્ટાઈન્સ ડે હોય કે પ્રપોઝ કરવાનું હોય કે બર્થ-ડે હોય, માનુનીને સૌથી વધારે ચોકલેટ ગિફ્ટમાં મળે છે.

મહિલાઓ પર ચોકલેટની અદ્ભુત અસર થાય છે. જ્યારે વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે તેના શરીરમાંથી ફનાઈલિથાયલામનના સ્રાવ તમને જુદી જ દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે. પ્રેમમાં ફીમેલ્સની ખુશી આ હોર્મોનને કારણે હોય છે. ચોકલેટ શરીરમાં આ રસાયણને મુક્ત થવામાં મદદ કરે છે. તેથી ચોકલેટ ખાવાથી યુવતી પ્રફુલ્લિત થઈ જાય છે. ચોકલેટ તેમનાં ઈમોશન્સ  અને સેકસ્યુઅલ ડિઝાયર પર ઘેરી અસર કરે છે. ચોકલેટથી ફીમેલ્સના લિબિડોમાં એટલે કે કામેચ્છામાં વધારો થાય છે. 

રિસાયેલી ગર્લફ્રેન્ડને મનાવના બોયફ્રેન્ડ ચોકલેટ અને ફૂલોનો સહારો લેતા હોય છે. તેમને ખબર નથી હોતી કે આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે. પરંતુ હવે ખબર પડી જશે. ચોકલેટને જોવામાત્રથી છોકરીઓના ચહેરા પર સ્માઈલ  આવી જાય છે. એક વાત નોંધવા જેવી કે ગર્લ્સના પર્સમાં ચોકલેટ ન મળે એવું ભાગ્યે જ બને.

ચોકલેટ એક વ્યસન પણ બની શકે છે. અમુક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચોકલેટની બનાવટમાં આલ્કોહૉલની બનાવટમાં વપરાતું સંયોજન હોય છે. તેથી નિષ્ણાતોનું માનવું છે કે ચોકલેટને માનસિક વ્યસન કહી શકાય.

મહિલાઓને વધારે ચોકલેટ ક્રેવિંગ  લો બ્લડ-શુગરને સ્થિર થવામાં મદદરૂપ થાય છે. અર્થાત્ ચોકલેટ ઓવરઑલ ફીમેલને ફાયદાકારક છે. ચોકલેટ સિવાય અખરોટ, દહીં, ઓલિવ ઓઈલ, દૂધ પણ તમારા મૂડમાં બદલાવ 

લાવે છે. હવે આપણે લિકર ચોકલેટના મૂળ મુદ્દા પર આવીએ.

સૌ પ્રથમ તો લિકર ચોકલેટ બનાવવા કોકો પાવડર સાથે કોકો બટર મેળવીને જાડી પેસ્ટ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં દૂધ અને સાકર મેળવીને ચોકલેટ તૈયાર કરાય છે. ઘણાં ઉત્પાદકો તેમાં કેરેમલ, ક્રીમ, ચીઝ વગેરે મેળવીને વિવિધ  પ્રકારના ચોકલેટ ડ્રિંક બનાવે છે. આ જ પીણાંને તેઓ લિકર ચોકલેટ કહે છે. વિદેશોમાં કેટલીક રેસ્ટોરાં અને બારમાં ચોકલેટી પીણામાં શરાબ ભેળવવાની વર્ષો પહેલાં શરૂઆત થઇ હતી. જે પાછળથી લિકર ચોકલેટ તરીકે ઓળખાવા લાગ્યું.

લિકર ચોકલેટ નામ આમ તો એકદમ નિર્દોષ છે, પણ આ ચોકલેટ ખરેખર એટલી નિર્દોષ નથી. આ ચોકલેટ ખરેખર તો એક પ્રકારનું ડ્રગ જ છે અને મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, કલકત્તા, અમદાવાદમાં અત્યારે આવા ડ્રગ્સની ધૂમ છે. આવી ચોકલેટ બનાવનારા જાણીતી બ્રાન્ડના સાથેના નકલી પેકેટમાં ચોકલેટ વેચે છે. સૂરત અમદાવાદમાં એક બહુ મોટો વર્ગ આ ચોકલેટનો બંધાણી છે તેમાં પણ પાર્ટીના શોખીનોમાં તો તેનો એવો ક્રેઝ છે કે આ વર્ષે ન્યુ યર સેલિબ્રેશનમાં પણ લિકર ચોકલેટ જ ધૂમ મચાવશે. ટીનેજર્સ અને યંગસ્ટરે નવા વર્ષે શું ડ્રેસિંગ કરવું, કયું પરફયુમ છાંટવું, તેની સાથે કઈ એક્સેસરીઝ મેચ કે મિસ મેચમાં પહેરવી, તેનાથી લઈને ક્યાં જવું, કોની સાથે જવું તે તમામનું એડવાન્સ પ્લાનિંગ કરી રાખ્યું હોય છે.

અમદાવાદમાં આ ચોકલેટ આમ તો ઘણે ઠેકાણે મળે છે, પણ સિંધુ ભુવન અને યુનિવસટી વિસ્તાર આ ચોકલેટ ખરીદવા માટેનો મુખ્ય અડ્ડો છે.  

એકલું અમદાવાદ જ નહીં મોટા શહેરનાં તમામ મોટાં મોટાં પાન પાર્લરમાં તમને લિકર ચોકલેટ મળી રહેશે.

યુવા વર્ગમાં અને ખાસ તો છેલછબીલા જુવાનોમાં આ ચોકલેટનો ક્રેઝ છે તેનું એક કારણ એ છે કે આ ચોકલેટમાં એક ખાસ પ્રકારની ચોકલેટ એવી છે કે જે છોકરીઓમાં જાતીય ઉત્તેજના પેદા કરે છે અને છોકરાઓ તેનો ગેરલાભ ઉઠાવે છે. અત્યારે આ પ્રકારની કેફી ચોકલેટની સૌથી વધુ ડિમાન્ડ છે. આ ચોકલેટમાં છોકરીઓની કામેચ્છા પ્રબળ બને અને જ્યાં સુધી તે સંતોષાય નહીં ત્યાં સુધી છોકરી બેચેન રહે તેવી લિક્વિડ સ્વરૂપે ભરવામાં આવે છે. યુવતીઓની વાયેગ્રા ગણાતી આ દવા ભારતમાં પ્રતિબંધિત છે. પરંતુ ૩૧ ડિસેમ્બરે આ ચોકલેટ હોટ ફેવરિટ છે. એ સિવાય બીજાં ડ્રગ્સ ભરેલી ચોકલેટ પણ મળે છે.

ચોકલેટની કિંમત રૂપિયા ૫૦૦થી લઈ તેમાં કયું ડ્રગ્સ ભર્યું છે તેના પર આધારિત છે. હા, જો તમે રેગ્યુલર કસ્ટમર ન હો અને તમારી કોઈ ઓળખાણ ન હોય તો તમારે એથી પણ વધુ રૂપિયા આપવા પડે છે.

જોકે સાવ એવું નથી કે યુવકો જ આ લિકર ચોકલેટના બંધાણી છે અને એ લોકો છોકરીઓને ભોળવીને આ ચોકલેટ ખવડાવીને તેમનો ગેરલાભ ઉઠાવે છે. કેટલીક કન્યાઓ પણ આ લિકર ચોકલેટની બંધાણી છે જ. તેમને પણ તેની એવી લત લાગેલી હોય જ છે કે તે ખાધા વિના તેમને કિક જ ના લાગે. 

ભારતમાં લિકર ચોકલેટની વાતો આમ તો ઘણાં વરસથી થઈ રહી છે. પરંતુ આ પ્રકારની ચોકલેટમાં દારૂના બદલે ડ્રગ્સ ઘુસાડવાના કારસ્તાન હમણાં બહુ વધી ગયાં છે. જેમકે એક અમેરિકન બિઝનેસમેન કડવાં મીઠા ચોકલેટમાં ભાંગનો ઉમેરો કરીને તેને વધુ નશીલી બનાવી  છે. તેણે પોતાની ભાંગમિશ્રિત ચોકલેટનો ટ્રેડમાર્ક પણ રજીસ્ટર કરાવ્યો છે.

પોતાના નવા સાહસ માટે રીકસે 'ભાંગ ચોકલેટ' કંપની ઊભી કરી છે. તેણે માર્કેટીંગના ભાગરૂપે 'ભાંગ ચોકલેટ' લખેલા ટીશર્ટ અને બેઝબોલકેપ વેચવાનું ચાલુ કરી દીધું છે. વ્હાઈટ લેબલ ચોકલેટમાં હેમ્પના બીજ અને હેમ્પ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લેક લેબલ ચોકલેટમાં મારીજુઆનાના અંશ મેળવવામાં આવે છે.

સફેદ લેબલની ચોકલેટમાં વપરાતા હેમ્પમાં નશા માટે જવાબદાર તત્વ ટીએચસી (ટેટ્રાહાઈડ્રોકેનાબીનેટકા) ઓછું હોય છે. જ્યારે કાળા લેબલવાળી ચોકલેટમાં વપરાતા મારીજુઆનામાં ટીએચસી વધુ હોય છે.

હાલમાં મુંબઈ ઉપર કાયદાની એક પછી એક લગામ તણાઈ રહી છે. બાર અને રેસ્ટોરાંમાં જનારા સાથે ઘરમાં શરાબની પાર્ટીનું આયોજન કરનારા તથા તેનું સેવન કરનારા પાસે પરમીટ હોવી જોઈએ તે બાબતનો દેકારો હજુ શમ્યો નથી ત્યાં નવોે હોબાળો શરૂ થયો છે. બોમ્બે પ્રોહિબેશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫(ઈ) વિશે આપણે ખાસ કઈ જાણતા નથી. આ કલમ અનુસાર વ્યક્તિ પરમીશન વગર ઈનટોક્સીકન્ટનું વેચાણ ન  કરી શકે કે પોતાની પાસે ન રાખી શકે. આ કલમથી અજાણ  વરલીના નેહા ગુપ્તા (નામ બદલ્યું છે)ના ઘરે રાજ્યના આબકારી  વિભાગના  અધિકારીઓએ રેડ પાડીને શરાબની ૨૦ બાટલી અને ચોકલેટના ઘણા બધા બોક્સ જપ્ત કર્યાં હતાં. તેમની પાસે શરાબની પરમીટ નહોતી. વાસ્તવમાં તેઓ શરાબ ભેળવેલી ચોકલેટ બનાવવાનો શોખ ધરાવે છે.

રાજ્ય સરકારે જુન ૨૦૧૭માં કાયદામાં સુધારો કરીને આલ્કોહોલ આધારિત ચોકલેટ બનાવતાં કે વેચતાં તમામ દુકાનદારો અને ચોકલેટીયર્સે લિકર લાયસન્સ લેવું ફરજીયાત બનાવ્યું હતું. નેહાને આની જાણ નહોતી. તે જ  પ્રમાણે આવી ચોકલેટ ખરીદનાર પાસે પણ પરમીટ નહિ હોય તો તેઓ પણ કાયદાના પંજામાં સપડાઈ શકે છે.

નેહાએ  જણાવ્યું હતું કે ખ્રિસ્તી નવું વર્ષ આવતું હોવાથી મેં મિત્રો માટે ખાસ ચોકલેટ બનાવી હતી. આ કારણે હું આવી કફોડી સ્થિતિમાં મુકાઈશ તેની મને જાણ નહોેતી. અધિકારીઓએ માત્ર આલ્કોહોલ  અને ચોકલેટ જ નહિ પરંતુ મારા બાર મિક્સ, બાર ગાઈડ અને ચોેકલેટ બનાવવાની રેસીપી બુક  પણ જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત અધિકારીઓએ મને કહ્યું કે જોે મારી પાસે લિકર પરમીટ હોેત તો પણ એક વ્યક્તિને ઘરે  બેજ બાટલી શરાબ રાખવાની છૂટ છે. આનો અર્થ તો એ થયો કે ઘરમાં બાર ધરાવનાર સજાને પાત્ર ગણાશે? આ રીતે તોે અડધા જેટલા મુંબઈકરની અટક થવી જોઈએ.

બીજી તરફ છેલ્લા ૩૦ વર્ષથી ચોકલેટ બનાવતાં મહેર પિન્ટો કહે છે કે શું હવે મારા ગ્રાહકોએ  લિકર ચોકલેટ ખરીદવા પરમીટ લેવી પડશે? આ તદ્ન વાહિયાત છે. રમ નાંખીને  ક્રિસમસ કેક બનાવનારાનું  શું થશે? શું તેઓ દુકાન બંધ કરશે?  વરસમાં એક વખત બનતી આવી કેકની ખરીદી માટે પણ પરમીટ જોઈશે? મારા  મતે આ એક ગાંડપણ છે. શહેરીજનોને આ રીતે હેરાન  કરવા યોગ્ય નથી.

અન્ય એક ડેઝર્ટ સ્પેશીયાલીસ્ટે કહ્યું કે, 'હું  લીકર આધારિત  ચોકલેટ કે કેક નથી બનાવતી છતાં મારે એટલું કહેવું છે કે ચોકલેટ ખરીદવા માટે ગ્રાહકે પરમીટ લેવી જોઈએ તે વિચાર જ તદ્ન મુર્ખામીભર્યો છે. ક્યારેક ટીનએજર તેના વાલી કે મિત્રો માટે આવી ચોકલેટ ખરીદે છે. તેમની પાસે પરમીટની અપેક્ષા આપણે ન રાખી શકીએ.

ખેર, લિકર ચોકલેટની વધુ પંચાત કરવાને બદલે એટલું જ કહીશ કે બર્થ ડે હોય કે વેલેન્ટાઈન પાર્ટી હોય કે નવા વર્ષની ઉજવણી હોય, કોઈ યુવાન અચાનક સારો મિત્ર બનીને ચોકલેટ ઓફર કરે તો એ મોંમા ચગળતાં પહેલાં સો વાર વિચાર કરજો.