- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- પહેલાં તો જાન પગપાળા આવે..વરરાજા માટે બળદગાડું હોય, પછી ગાડાં જોડાતાં... પછી ટ્રેકટર...ટ્રક, બસ, ટ્રેઈન એમ જાનૈયાઓ માટેનાં વાહનોમાં પરિવર્તન આવવા માંડયું. હવે ગામચોરે જાન ઊતરતી નથી
ગા મમાં જાન આવવાની હોય ત્યારે જાનને ઉતારો આપવાની જગ્યા અથવા જાન જ્યાં નિવાસ કરે તે જાનીવાસો. ગામમાં કોઈને ત્યાં જાન આવવાની હોય ત્યારે તેનો ઉતારો મુકરર કરવો જ પડે. મોટાભાગે તો 'ગામચોરો' જ જાનીવાસો બની જાય. જ્યાં 'ગામચોરો'ના હોય ત્યાં કોઈ કુટુમ્બી ભાઈનું મોટું ઘર જાનીવાસો થઈ જાય, ગામમાં કોઈ મોકળાશવાળી જગ્યા જાનીવાસમાં પલટાઈ જાય... જાનીવાસનો મોટો મહિમા હતો. એ લગ્નના મંગલટાણે કોઈ એમ ના કહે 'ગામચોરે' જઈએ છીએ, 'જાનીવાસે' જઈએ છીએ તેમ જ બોલે. તૂટુ તૂટુ થઈ ગયેલો 'ગામચોરો' વરસમાં બેચાર દિવસ નવો નવો લાગતો. હવે વાડી અને હોલનું ચલણ વધતાં 'જાનીવાસો' શબ્દ વિસરાઈ ગયો છે. ત્યારે વીજળી ન્હોતી. પેટ્રોમેક્ષથી, ફાનસથી જાનીવાસો ઝળહળે. સાંજે જાન આવવાની હોય તો બે દિવસ પહેલાંથી તેની કાયાને નવડાવી-ધોવડાવી ચાંદી જેવી ચોકખી કરાય... જાન આવે ત્યારે ઢોલત્રાંસાથી, (પછી બેન્ડવાજાં આવ્યાં) સ્વાગત થાય. બ્હેનો ગાણાં શરૂ કરે... ગામમાંથી ઉઘરાવી લાવેલી ગોદડીઓ લેવા જાનૈયા પડાપડી કરે. ગોદડીઓ પાથરી આડા પડે..ગોળનું પાણી તૈયાર કરેલું હોય તે જાનૈયાને અપાય. 'ગામચોરો' એવું સ્થળવાચક નામ પણ ભુલાઈ જાય. 'જાનીવાસો' જાનૈયાની જેમ ઠસ્સાભેર સગવડો ભોગવે જાણે!
પહેલાં તો જાન પગપાળા આવે..વરરાજા માટે બળદગાડું હોય, પછી ગાડાં જોડાતાં... પછી ટ્રેકટર...ટ્રક, બસ, ટ્રેઈન એમ જાનૈયાઓ માટેનાં વાહનોમાં પરિવર્તન આવવા માંડયું. હવે ગામચોરે જાન ઊતરતી નથી. શહેરના જેવા મોટામોટા હોલ ગામડે પણ થવા માંડયા છે, એટલે પુરાતન જાનીવાસાની અસલિયત ક્યાંય નજરે પડતી નથી. 'જાનીવાસો' જાન આવવાની હોય ત્યારે લીંપાતો, સાફ થતો. તેનો અવસર ટાણે જ ભાવ પૂછાતો. 'ગામચોરો' આમ તો મુખીનો અડ્ડો. ભજનમંડળીનું થાનક. નવરાઓની બેઠક. સરપંચ-તલાટી-ચોકિયાતની જાણે ધણિયાતી જગ્યા. ત્યાં ભાંજગડો કુટાય. ન્યાય તોળાય. ગામમાં કોઈ બહુરૂપી, નટ, વહીવંચો આવે ત્યારે તેનો ઉતારો પણ ત્યાં. ચોરાની બાજુમાં દેવાલય હોય, મહાદેવ જ મોટેભાગે હોય. ગામચોરો કાચું મકાન. માટીની દીવાલ ઉપર પતરાં...તેમાંથી પાણી પણ પડે! પહેલાં તો જાન ત્રણ ચાર દિવસ રોકાતી. એ દિવસોમાં પરિચયો પાંગરતા અને સ્થાયી બની જતા.
ચોરો જ્યારે જાનીવાસ બની જાય ત્યારે તેનો રૂઆબ જોવા જેવો! નૂતન અવતાર જાણે! 'ચોરો' જ્યારે જાનીવાસ બની જાય ત્યારે ખુશ થઈ જતો. જાનીવાસનો નજારો તો સામૈયું ગણાય. જાન આવી ગયા પછી થોડાક વખત પછી સામૈયું થાય.. જાનમાં આવેલા વરપક્ષના કતારબદ્ધ ઊભા હોય અને કતારબદ્ધ કન્યા પક્ષના ભાઈઓ એક પછી એક સામ સામે 'રોમ રોમ' કરે. આવકારવાની અનોખી પ્રથા! 'રોમ રોમ' કરતી વખતે પરિચયો પણ થાય. અરસપરસના ખબર અંતર પણ પુછાય....કન્યાપક્ષના લોકો વર પક્ષના મોટિયારોને ધારી ધારી જુએ. વળી પાછા સંબંધો બાંધવાનાં બી ત્યાંથી નંખાય... 'રોમ રોમ' બોલતા જાય અને હસતે મોંઢે આગળ વધતા જાય.. વરપક્ષના અને કન્યાપક્ષના લોકોને પોતપોતાનાં દીકરા-દીકરી માટેનાં ઠેકાણાં આવાં સામૈયાં શોધી આપતાં.
સામૈયું પૂર્ણ થાય પછી જાન જાનીવાસે ભોજન કરવા માટે જાય... બંને પક્ષની બહેનો સામસામાં ફટાણાં બોલે. વરરાજાને કંસાર ખવડાવવા જાની વાસેથી સાસુમા આવે તેને 'કલેવો' કહેવાય, ઉત્તર ગુજરાતમાં તેને 'કલવો' કહે છે મૂળ તો કવલ (કોળિયો) સંસ્કૃત શબ્દ ઉપરથી આવ્યો હશે, પણ તે એક લગ્નની એક વિધિ માટે વપરાવા લાગ્યો શબ્દ 'કલવો' જાન આવ્યા પછી વરરાજાનો ઉઘલાવો થાય ત્યારે પૂર્વે તેમને કંસાર જમાડવા માટે જે ચાર પાંચ બહેનો જાય તે વિધિ. ત્યારે આમ ફટાણાં ગવાય. 'લાડો તો કાળમાંથી આવ્યા રે લાડો ડૂચે ડૂચે મંડયા રે.' એક તરફ માંડવડે વરરાજા પધારે તે પહેલાં વરરાજા ગામચોરે - જાનવાસે કંસાર ખાધો હોય, તેને 'કલવો' કહેવાય એ 'કલવા' ઉપરથી બોલીમાં 'ચલવો' પણ કહે છે.
જાનીવાસાનું બીજું નજરાણું વર ઉઘલાવો... સામૈયું અને વર ઊંઘ લાવો બે દ્રશ્યો જાનીવાસાનાં મુખ્ય ગણાય. વરરાજા તૈયાર થાય, સાફો બાંધે, સાફામાં કલગી નંખાય, ઝબક ઝબક લાઈટ થાય....આવાં દ્રશ્યો જોવા ગામનાં બાળકો કન્યાઓ ટોળે વળે... તેની રૂપસજ્જાની વાતો કરે... પછી વરરાજાને જાનીવાસેથી ઘોડે બેસાડીને માંડવે લાવવામાં આવે, ત્યાં ચોરીમાં લગ્નવિધિ થાય... જાનીવાસેથી માંડવે જતો વરઘોડો પણ મોભાદાર વિધિ ગણાય. આગળ ફટાકડા ફૂટે, ઢોલ વાગે, બેન્ડવાજાં (પછી આવ્યાં) ગાણાં ગવાય.. અને ધીમે ધીમે ઘોડો આગળ વધતો વધતો તોરણે પ્હોંચે. પછી લગ્નગાણાંની રમઝટ વચ્ચે લગ્નવિધિઓ પ્રારંભાતી.
ગામમાંથી કોની દીકરીને, ક્યો વરરાજા કયા ગામમાં લઈ ગયો...કયા ગામની જાનમાં આવેલા જાનૈયાઓએ કાળો કેર વરતાવેલો....એ બધી સારી માઠી ઘટનાઓનો તે સાક્ષી છે. આજે જાનીવાસા છે પણ હોટેલ, મોટેલ, હોલમાં પરિવર્તિત થયા છે. પણ ક્યારેક જૂના..જાનીવાસાનો સ્મરણ પટારોય ખોલવા જેવો છે હોં!


