Get The App

એવી કઈ 15 વિશેષતાઓ છે, જે કૃષ્ણનો જીવન સંદેશ બની શકે?

Updated: Aug 28th, 2021

GS TEAM

Google News
Google News
એવી કઈ 15 વિશેષતાઓ છે, જે કૃષ્ણનો જીવન સંદેશ બની શકે? 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણના પુનર્જન્મની પ્રતીક્ષા કરવાનું પર્વ નહીં, પણ આપણાં અંત:કરણમાં કૃષ્ણત્વ પ્રગટાવવાનું પર્વ

જ ન્માષ્ટમી એ પરમેશ્વરના આઠમા અવતાર સ્વરૂપ શ્રીકૃષ્ણની વર્ષગાંઠ. કંસ, શિશુપાલ શલ્ય અને જરાસંઘ જેવા તત્કાલીન આતંકવાદી શાસકોના ત્રાસથી મથુરા, ગોકુળ, વૃંદાવન સહિતની ભૂમિને ત્રાસ મુક્ત કરવા જન્મેલા યુગપુરુષ તે શ્રીકૃષ્ણ. અધર્મીઓ, અનૈતિકો અને દુરાચારી 'અ-સાધુઓ'ને દંડિત કરી માનવતા, પ્રેમ અને સેવા ભાવનાથી પુન: ધર્મજ્યોતને પૂર્ણ પ્રકાશિત કરવા પરમાત્માનો પ્રેમદૂત બની ધરતી પર આવેલી મહાન વિભૂતિ એટલે ભગવાન કૃષ્ણ રાસના રચવૈયા કહો કે ગીતાના ગજવૈયા, પંચજન શંખના બજવૈયા કહો કે ભક્તિ માર્ગના ભજવૈયા, કૃષ્ણ એક પણ રૂપ અનેક એમનો નંદ-યશોદાના પાલિત પુત્ર તરીકે જોવાથી કે દેવકી વસુદેવના પુત્ર તરીકે મૂલવવાથી કૃષ્ણને ન જ સમજી શકાય. કૃષ્ણ અવતારી વિભૂતિ પણ લૌકિક જગતને પ્રેરક બની શકે એવી ૧૫ વિશેષતાઓ તેમનામાં છે જે કૃષ્ણનો જીવન સંદેશ બની શકે.

૧. કૃષ્ણનો માતૃપ્રેમ

૨. કૃષ્ણનો મિત્રપ્રેમ

૩. કૃષ્ણનો અમરપ્રેમ

૪. કૃષ્ણની પરાક્રમશીલતા

૫. કૃષ્ણની સંકલ્પશક્તિ

૬. કૃષ્ણની નિર્ભયતા

૭. કૃષ્ણની પરોપકારવૃત્તિ

૮. કૃષ્ણની નમ્રતા

૯. કૃષ્ણની સેવાભાવના

૧૦. કૃષ્ણનો વેરશૂન્ય સાત્વિક ક્રોધ

૧૧. કૃષ્ણની ક્ષમાભાવના

૧૨. કૃષ્ણનું નેતૃત્વ કૌશલ્ય અદ્ભુત દલીલ શક્તિ

૧૩. કૃષ્ણનો જીવન પ્રત્યેનો 'પ્રેક્ટીકલ' અભિગમ

૧૪. કૃષ્ણનું પ્રસંગોચિત વર્તન

૧૫. કૃષ્ણની નિર્મોહિતા અને નિર્લોભિતા

૧. કૃષ્ણ નંદબાબા અને યશોદાનાં વત્સલ પુત્ર તરીકે રહ્યા પણ ક્યારેય માતા પિતાનું અપમાન નથી કર્યું. માતા ગોપીઓની ફરિયાદ સાંભળી કૃષ્ણને દોરીએ બાંધે પણ કૃષ્ણને માતા યશોદા પ્રત્યે લેશમાત્ર રોષ નહીં અને વસુદેવ અને દેવકીને પણ ભક્તિભાવથી ભીંજવ્યા. દાદા ઉગ્રસેનનો પણ આદર કરી તેમને પુન: મથુરાની ગાદી પર પ્રસ્થાપિત કર્યા. ત્યાગ એ કૃષ્ણના વ્યક્તિત્વનું સૌથી મોટું ભૂષણ છે.

૨. કૃષ્ણનો માતૃપ્રેમ તેવો જ અનન્ય મિત્ર પ્રેમ. મિત્રોને માખણ ખવડાવવા એ 'માખણચોર'ની બદનામી સહેવા પણ તૈયાર થાય છે. મિત્ર સુદામાના પૌંઆ આરોગી એનો અસાધારણ બદલો વાળી આપે છે. જગત સમક્ષ આદર્શ મૈત્રીનું ઉદાહરણ પૂરું પાડે છે. કૃષ્ણના બાળમિત્રો મધુમંગલ, મનસુખો, વિજયાનંદ વગેરે હતા. મુઠ્ઠી હાડકાના મનસુખા માટે બાળકૃષ્ણ માખણની ચોરી કરે છે.

૩. કૃષ્ણ મોહગ્રસ્ત નહીં, વાસનામુક્ત અમરપ્રેમનો સંદેશો આપે છે. સાચો પ્રેમ પ્રેયસીને મહાનતા અર્પે છે. કૃષ્ણ પોતાના કરતાં રાધાના નામને વધુ મહત્ત્વ આપ્યું છે. પ્રેમ કરો તો કરી જાણો એ કૃષ્ણ પ્રણય સંદેશ છે. એકલા કૃષ્ણના નામનું સ્મરણ કરવાને બદલે 'રાધે-કૃષ્ણ' કહીને જગતે આ અમરપ્રેમને ગૌરવપ્રદાન કર્યું. કૃષ્ણનો ગાયો પ્રત્યેનો પણ ભક્તિભાવ હતા. ગંગી ગાયને કૃષ્ણ ખૂબ ચાહતા હતો. કૃષ્ણને જોતાં ગંગીના આંચળમાંથી આપોઆપ દૂધ ઝરવા માંડતું.

૪. કૃષ્ણ કાયરતાના પૂજારી નથી. પરાક્રમનું મૂર્તિમંત સ્વરૂપ છે. બાળ સ્વરૂપ હોવા છતાં કાલિયનાગનું જે રીતે ઝેર ઉતારી એને જમનાજળને વિષમુક્ત કરી ભાગી જવાની સલાહ આપી એ કૃષ્ણનું અદ્ભુત પરાક્રમ છે. કંસે મોકલેલા અનેક રાક્ષસોને કૃષ્ણે કચડી નાખ્યા છે અને કંસના દરબારના ચાણૂર જેવા રાક્ષસોનો ખાત્મો બોલાવી દીધો છે. પોતાના જીવન દ્વારા સંદેશો આપ્યો છે કે દુશ્મન ગમે તેટલો બળવાન હોય પણ તમે હિંમત હારશો નહીં.

૫. કૃષ્ણ નિર્ભયતાનું રહસ્ય સમજાવે છે. શકટાસુર હોય કે નરકાસુર શિશુપાલ હોય કે જરાસંઘ કૃષ્ણ નિડર જ રહ્યા છે. તેઓ મનુષ્યને પણ પડકારી શકે છે અને દેવ સ્વરૂપ ઇન્દ્રને પણ.

૬. કૃષ્ણ પાસેથી અદ્ભુત સંકલ્પ શક્તિની આપણને પ્રેરણા મળે છે. કંસનું મલ્લોની હરીફાઈ માટેનું નિમંત્રણ મળતાં ગોપીઓ અને માતા યશોદાના રુદનથી દ્રવિત થયા વગર કૃષ્ણ મથુરા જાય છે.

૭. કૃષ્ણ પરોપકારી છે. ઉપકારનો બદલો એ અતિ ઉપકારથી વાળે છે એટલે પોતાનું સ્વાગત કરનાર કંસની ચંદનવાહિનીને અંગદોષથી મુક્ત કરી ઉપકારકર્તાનું ઋણ ચૂકવવાનો સંદેશો આપે છે.

૮. કૃષ્ણની મહાનતા એમની નમ્રતામાં રહેલી છે. ભીષ્મપિતા દ્વારા પોતાના પર બાણોની વર્ષા કર્યા છતાં એમના પર કરુણા કરે છે.

૯. કૃષ્ણ સેવાભાવી છે. એ ગૌસેવા પણ કરે છે અને મહાભારતના યુધ્ધ વખતે થાકેલા અશ્વોની સારસંભાળ રાખી તેમને સ્નાન કરાવે છે. યુધિષ્ઠિરના યજ્ઞા વખતે એંઠાં પતરાળાં ઉપાડે છે.

૧૦. કૃષ્ણ ક્રોધ કરે છે પણ એમનો ક્રોધ સાત્વિક હોય છે. વેરવૃત્તિથી મુક્ત હોય છે. સંધી-પ્રસ્તાવ વખતે પોતાને કેદ કરવાની નફ્ફટાઇ કરનાર દુર્યોધન મહાભારતના યુધ્ધ પૂર્વ કૃષ્ણની મદદ માગવા આવે છે ત્યારે તેને તેની માગણી મુજબ પોતાની અક્ષૌહિણી સેના આપે છે.

૧૧. કૃષ્ણમાં વીરોચિત ક્ષમાભાવના છે. એટલે દ્રૌપદીના પાંચ પુત્રોનો વધ કરનાર અશ્વત્થામાને મારી નાખવાને બદલે અર્જુનને તેને જીવતો જવા દેવાની સલાહ આપે છે. પોતાને તીરથી હાનિ પહોંચાડનાર શિકારીને પણ તેઓ માફ કરે છે.

૧૨. કૃષ્ણમાં અદ્ભુત નેતૃત્વ કૌશલ્ય છે. 'ગોવર્ધનલીલા' તેની સાક્ષી પૂરે છે. ઇન્દ્રની પૂજાનો ઇન્કાર કરાવી ગોવાળોને ઇન્દ્રના જળતાંડવ દ્વારા નિર્ભય રાખી ગોવર્ધન પર્વત પર આશરો અપાવી પોતાની અદ્ભુતનેતૃત્વ શક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે. મહાભારતના યુધ્ધ પૂુર્વે અર્જુનનો ભ્રમ અને મોહ દૂર કરવા ગીતાનો બોધ આપે છે.

૧૩. કૃષ્ણનો જીવન પ્રત્યેનો પ્રેક્ટીકલ અભિગમ છે એટલે પાંડવો વતી દુર્યોધન પાસે સંધી પ્રસ્તાવ લઇને જાય છે ત્યારે દુરાગ્રહને બદલે 'છેવટે પાંચ ગામ આપો' કહીને સંઘર્ષ ટાળવાની કોઠાસૂઝ દેખાડે છે.

૧૪. કૃષ્ણને પ્રસંગોચિત વર્તન કરતાં આવડે છે. તેમમે રુકમીને પરાજિત કરી રુક્મિણીનું હરણ કરી વચન પાળ્યું.

૧૫. કૃષ્ણ નિર્મોહી અને નિર્લોભી છે તેઓ આજના રાજકારણીઓ સમક્ષ સત્તા લોભથી મુક્ત રહેવાનો આદર્શ પ્રસ્તુત કરે છે. મથુરાની ગાદી ત્યજી પોતાની અલગ દ્વારિકા વસાવે છે.

જન્માષ્ટમી એટલે કૃષ્ણના પુનર્જન્મની પ્રતીક્ષા કરવાનું પર્વ નહીં. પણ આપણા અંત:કરણમાં કૃષ્ણત્વ પ્રગટાવવાનું પર્વ છે.  આજે જગતમાં ત્રાસ, દુરાચારનું વાતાવરણ છે ત્યારે યોગેશ્વર જગદગુરૂ કૃષ્ણનું મહાન વ્યક્તિત્વ સમયોચિત નિર્ણય લેવાની અને દુશ્મનો સામે નીડરતા દર્શાવી એમને પાઠ ભણાવવાનો મહાન સંદેશ આપે છે.

Tags :