- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- હિન્દુવિરોધી તરીકે સિલેક્ટિવ મેમરીથી નાહક બદનામ બોલીવૂડ પાસે અજર-અમર ખજાનો શ્યામરંગી કૃષ્ણગીતોનો કેવો અણમોલ છે એ વિચાર્યું છે?
ઈ ટાલીના રોમેન્ટિક જળનગર વેનિસમાં કોઈ કાળે એવી પરંપરા હતી કે શેરીને બદલે જ્યાં પાણીની કેનાલ છે, ત્યાં હોડીમાં ઉભા રહીને પ્રેમી પોતાની પ્રેમિકાનું નામ, માત્ર નામ જ મ્યુઝિકલી ગાઈને પોકાર કરે! મીન્સ, એ મારિયા હોય તો માઆઆ... રિઈઈઈ.... યા.... એમ આરોહઅવરોહમાં ગોઠવીને નામનો પોકાર કરે! નામને પોતાની રીતે સંગીતમય કમ્પોઝ કરે ને પ્રેયસીના નામનું જ પ્રેમગીત કરે!
કૃષ્ણ નામનું ય એવું જ છે. સદીઓથી માત્ર એ નામ જ કરોડો ભારતવાસી માટે મધુર માધવગીત છે. ગીતામાં ય સંગીતકળાના સામવેદને યોગેશ્વર સ્વરૂપમાં યાદ કરતા બાંકેબિહારી ચક્રધર હોવા છતાં મુરલીધર તરીકે વધુ વ્હાલા છે. નવરાત્રિ માતાજીની ને એમાં રાસ કાનુડાના. ક્રિષ્ના (અંગ્રેજી ઉચ્ચાર સાચો તો નથી, પણ હવે તો જખ મારીને જીભે ચડાવવો પડે એટલો ફેમસ થઈ ગયો છે) ઇઝ મ્યુઝિક ઓફ લાઈફ એન્ડ લવ.
ભારતમાં સૌથી વધુ ચરિત્રાત્મક પુસ્તકો મોહનદાસ કરમચંદ ગાંધી અને મોહન મથુરા, સોરી મધુરાધિપતિ પર લખાયા હશે. અને સૌથી વધુ કવિતાઓ પ્રેમ અને એના પર્યાયસ્વરૂપ કૃષ્ણ પર લખાઈ હશે. કૃષ્ણગીતો, કૃષ્ણકવિતાઓની તો આખી પરંપરા છે, જે ધર્મપુસ્તકોમાંથી ઠેકડો મારીને રસિકમસ્તકોમાં બિરાજમાન થઈ ચૂકી છે. નરસિંહ, મીરા, સૂરદાસ, ચૈતન્ય મહાપ્રભુ, રસખાન વગેરેએ તો આખું આયખું હોમી દીધું, કૃષ્ણમય રચનાઓ થકી આરાધના કરવામાં. હા, વર્ષોથી એક મીઠી ફરિયાદ ખરી કે હજારો કૃષ્ણ પરની કવિતાઓ રાધા પર હશે, પણ ભાગ્યે જ કોઈ રડીખડી (ઢંગની હજુ તો જોવાય નથી મળી) કૃષ્ણ-રૂકિમણી કે કૃષ્ણ-સત્યભામા પર હશે! રાધા યાને તારૂણ્યના વૃંદાવનની સખી ગોપીઓનો સાથ મધુરો પણ અધૂરો રહ્યો આજીવન એ રતાશનો રંગ વધુ ઘાટો થયો હશે? બુદ્ધ તો પોતાના મૂળિયા તરફ એક વાર પાછા ફરે છે, ભલે સ્થિર રહીને પત્નીના ઉપાલંભ સાંભળવા પણ સ્થિતપ્રજ્ઞા કૃષ્ણે એ સ્થિતિ ટાળવા ઉધ્ધવને મોકલી દીધા છે, વિહરવેદના તણા મહેણા સાંભળવા.
અલબત્ત, કૃષ્ણગીતોના અત્યંત કર્ણપ્રિય ઢાળ આપણા લોકગીતોમાં જોવા મળે અને ઉત્તમોત્તમ કવિતા સંસ્કૃતમાં. જેના પર વિગતે લખવાની ઇચ્છા આ જન્માષ્ટમીએ ય પૂરી નથી થઈ એ જયદેવનું પર્સનલ ફેવરિટ 'ગીતગોવિંદ' જ લઈ લો. ઓપનિંગ જ કેવું છે એનું! એ ય શ્રાવણિયા ચોમાસામાં તરબોળ ભીંજવે એવું! 'મેઘૈમેંદૂરમમ્બરમ્ વનભુવ: શ્યામાસ્તમાલદ્રુમેર્નક્તં ભીરુરંય ત્વમેવ તકિમમ્ રાધે ગૃહં પ્રાપ્ય.' અર્થાત્, 'હે રાધે, આકાશ મેઘવાદળોથી કાળું ડિબાંગ છે, એમાં ગાઢ તમાલવૃક્ષોથી વનભૂમિ ય અંધકારમય છે.
રાતનો સમય અને હું તો ડરપોર, મને સાથે લઈને ઘેર પહોંચાડો!' આચાર્ય વિદ્યાનિવાસ મિશ્રે સમજાવેલું એમ ઘેરા અંધકારમાં રાધા ગોરીમાંથી શ્યામ થઈ ગઈ અને શ્યામ વળી ગાઢ એવા ઘનશ્યામ! અને શ્યામશ્યામાની રસકેલીના મિલન થકી વન તરબોળ ભીંજાયું એ વરસાદ! આહા! રૂપ ગોસ્વામીનું મેઘદૂતના જેવું 'હંસદૂત' યાદ આવી જાય.
પણ આ કક્ષાએ બધા ફિલ્મીગીતો ન પહોંચે. એનું શાસ્ત્ર પણ જુદું અને ઓડિયન્સ પણ જુદું. સિચ્યુએશન ને કમ્પોઝીશન મુજબ લખવાનું ને પૈસા ખર્ચતા એવરેજ દર્શકને સમજાય એટલું સરળ જ મોટે ભાગે લખવાનું એ આગોતરો પડકાર. પણ ગણ્યા ગણાય નહિ, વીણ્યા વીણાય નહિ એટલા કૃષ્ણગીતો હિન્દી ફિલ્મોમાં આવ્યા છે. હરમંદિરસિંહ હમરાજ જેવાના ગીતકોશ ખંખોળો તો દાયકાદીઠ સો-દોઢસો જડી આવે. આખું ગીત ન હોય તો વચ્ચે ક્યાંક રાધા કે શ્યામના રેફરન્સ હોય એવા ય અપરંપાર. સરકાર જેવી ફિલ્મ સીરિઝમાં બેકગ્રાઉન્ડમાં ગોવિંદા ગોવિંદા વાગતું હોય એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ. અમુક જાણીતી કવ્વાલી કે ઠુમરીઓ.
ઓબ્ઝર્વ કર્યું હોય તો છેલ્લા કેટલાય વર્ષોથી જે ફિલ્મસંગીતમાં મેલોડીનો ઘોર દુકાળ છે અને મહિનાઓમાં ભૂલાઈ જાય એવું બીબાંઢાળ મ્યુઝિક ઝીંકાય છે, એમાં કૃષ્ણગીતો તો આવતા જ બંધ થઈ ગયા છે અને રડયાખડયા આવે એ ય 'ઠીક મારા ભૈ' ટાઈપના!
ત્યારે ચાલો, આ જન્માષ્ટમીએ કોવિડે બધાને વિડિયોવાસી બનાવી દીધા છે ત્યારે કેટલાક પર્સનલ ફેવરિટ ફિલ્મી કૃષ્ણગીતોની ધૂમ મચાવીએ. વન્સ અગેઈન, આ કોઈ બેસ્ટ લિસ્ટ એવું નથી. ક્યારેક શબ્દો, ક્યારેક ધુન, ક્યારેક ગાયકી, ક્યારેક વરાયટી એમ વિધવિધ કારણ ગમેલા ગીતોનો ગોપાલ-ગુલાલ છે. રેન્ડમ ક્રમમાં મુકેલું લિસ્ટ વાંચતા વાંચતા કોઈ આંખો વાટે કાનમાં ગૂંજે તો એ ય ને નંદ ઘેર આનંદ ભયો!
(૧) મોહે પનઘટ પે નંદલાલ: મધુબાલાને રાધારમણીરૂપ દર્શાવતું આ મોગલ-એ-આઝમનું ક્લાસિક એટલે મંગળાચરણમાં મુકવાનું કે એમાં નૌશાદે ફોક મ્યુઝિક સમજીને બોલ સહિત જે ધુન તફડાવેલી એ ગીત મૂળ ગુજરાતી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ (સાયબો મારો ગુલાબનો છોડ વાળા)નું હતું. જૂની રંગભૂમિના ગુજરાતી નાટક 'છાત્રવિજય' માટે લખેલું ૧૯૨૦માં! એ વખતે ફરિયાદ બાદ શકીલ બદાયૂનીના નામે ચડી ગયેલા એ ગીત બદલ આસિફે ૧૧,૦૦૦ રૂપિયા ચૂકવવા પડેલા પણ ક્રેડિટ નહોતી મળી, જે એમના પૌત્ર ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટે પછી કલર મુગલ-એ-આઝમ રિલીઝ થઈ ત્યારે લડત લડી ડીવીડી વર્ઝન્સમાં અપાવી! કલરમાં વધુ જોવું ગમે એવું નયનરમ્ય ને કર્ણપ્રિય ગીત.
(૨) જા રે નટખટ: એક સમયે જે બ્રેથલેસ ટાઈપ પ્રાસાનુપ્રાસ ધરાવતા રેપ સોંગનો વાયરો ફૂંકાયો હતો, એના પૂર્વજ જેવું 'નવરંગ' ફિલ્મનું આ હોળીનું કૃષ્ણગીત ભરત વ્યાસે લખેલું. કલહ (મીઠા કજીયા) થકી પ્રણયનું નટખટ સોંગ જ છે. સાંભળો તો શબ્દોની એમાં કેવી રમઝટ છે એની છડી તો ઓપનિંગમાં જ પોકારાઈ જાય. ''અટક અટક ઝટપટ પનઘટ પર ચટક ચટક એક નાર નવેલી, ગોરી ગોરી ગ્વાલન કી છોરી ચલી, ચોરી ચોરી મુખ ગોરી ગોરી મુસ્કરાયે અલબેલી, કંકરી ગલે મેં મારી કંકરી કન્હૈયા ને પકડી બાંહ ઔર કી અટખેલી !''
(૩) શ્યામ તેરી બંસી પુકારે રાધાનામ: આહા. હિન્દી સિનેમાએ આપેલું એક અપ્રતીમ કૃષ્ણગીત. સાવ સાદા શબ્દો. લોગ કરે મીરા કો યૂં હી બદનામની કમ્પલેઈનનો જવાબ - સાંવરે કી બંસી કો બજને સે કામ, રાધા કા ભી શ્યામ, વો તો મીરા કા ભી શ્યામ. કેટલી સરળતાથી એકથી વધુ ચાહનારા ય હોય ને ચાહી શકાય એ અઘરી વાતનો કોળિયો ગળે ઉતરાવી દીધો! ગીતકાર-સંગીતકાર બેઉ હોય એવા ઓછા સંગીતકારો આવ્યા આપણે ત્યાં, એમાં યાદગાર પ્રજ્ઞાાચક્ષુ રવીન્દ્ર જૈનના આ ગીતના ગાયકો આરતી મુખરજી અને જસપાલ સિંહ યાદ ન રહે પણ આ ગીત જરૂર ગાતા ચલ!
(૪) એક રાધા, એક મીરા: વન્સ અગેઇન એ જ રવીન્દ્ર જૈનનો ડબલ રોલ. વન્સ અગેઈન એ જ સામસામી સરખામણી રાધા અને મીરાની. પણ આ વખતે સરળ શબ્દોમાં ડેપ્થ વધી ગઈ. કારણ કે સ્પર્શ 'બાપુજી' રાજ કપૂરના હાથનો હતો. રણધીર કપૂરે કહેલું કે આ ગીત રવીન્દ્ર જૈન પાસેથી દિલ્હી ખાનગી લગ્નમાં સાંભળેલું રાજ કપૂરે તે પછી 'રામ તેરી ગંગા મૈલી'ના સાત ગીતો પાંચ દિવસમાં જ તૈયાર કરાવેલા! એની વે, એક પ્રેમદીવાની, એક દરદ-દીવાની એ સૌથી વધુ પ્રસિદ્ધ કૃષ્ણગીતોમાંનું એક બની ગયું. મરમી શબ્દો, એકને વળતો પ્રેમ મળે, ને એક માત્ર પ્રેમ કરે એ બે શાશ્વત અવસ્થાનો ભેદ. અને ક્લાઇમેક્સ સોંગના જાદૂ સાથે આવા જ મતલબનું ગીત ઈસુભાઈ ગઢવીએ લખેલું એ ય ગુજરાતીમાં વાંચવા જેવું!
(૫) મૈયા યશોદા યે તેરા કનૈયા: હિન્દી ફિલ્મોના ઘણા વિખ્યાત કૃષ્ણગીતો હિન્દુ ન હોય એવા મુસ્લીમ શાયરોએ લખ્યા છે કે સિંગરોએ ગાયા છે. પોતાની પત્ની પાખી માટે બનાવેલી અને સારી હોવા છતાં એ જ કારણથી સરેઆમ પીટાઈ ગયેલી ફિલ્મ 'જૂઠા હી સહી' માટે દિગ્દર્શક અબ્બાસ ટાયરવાલાએ આ મસ્ત મજાનું રમતીયાળ ગીત લખેલું. પેપી રિધમ અને જૂના વ્રજ લોકગીતોની મસ્તી (કાનો દાણ માગે ટાઈપ) નવા સ્વરૂપમાં. નટખટ નટખટ જમુના કે તટ પર કુછ તો ચુરાયે હાય મૈયા... દિલ ચુરાયે, નીંદ ચુરાયે, ચૈન ચુરાયે... આખું સાંભળજો. ને સેમ મુખડું 'હમ સાથ સાથ હૈ' માટે રામ લક્ષ્મણે આર. કિરણ નામના કવિના શબ્દોને કમ્પોઝ પણ કેવા મસ્ત અંદાજમાં કર્યું છે! જેમાં પનઘટ પે પકડે હૈ બૈયાં ત્યારે ગોપી છટકે છે કેમ? 'મૈં બચી રામજી કી કૃપા સે!' રામ અવતાર પરંપરામાં કૃષ્ણની પહેલા એટલે સાર્થક પણ ગણાય.
(૬) રાધા કૈસે ન જલે : ઓબ્વિયસ ચોઈસ. લગાનનું ફ્લેગશિપ સોંગ. એવરગ્રીન આશા ભોંસલે સાથે અવધી મિજાજને રિફ્લેક્ટ કરતા જાવેદ અખ્તરના શબ્દો. સ્ત્રીની મીઠી ઈર્ષામાંથી ટપકતાં પ્રેમનું ભાવગીત. કેરમની જેમ ઉલટી ઇમોશનથી પ્રીત બતાવવાની ભારતીય લોકપરંપરા છે. એમાં આમાં વિરહની તડપનો 'વિપ્રલંભશૃંગાર' પણ ભળ્યો છે. ગોપીઓ ચમકતા તારલાનો જથ્થો છે, પણ રાધા તો ચાંદ છે, છતાં ય એને ઇનસિક્યુરિટી કેમ છે? વેલ, આવી મૂંઝવણ, અસલામતી તો પ્રેમની જ સાબિતી છે. અલબત્ત, સોલ્ટ સ્યુગરની જેમ એનો અતિરેક
થાય એ નુકસાનકારક રોગ થઈ જાય. કૃષ્ણ કૃતિઓમાં રાધાગીત ગણી જ લેવાના કારણ કે, રાધાને કૃષ્ણ પ્રેમની એવી આકૃતિ છે, જેમાં એકના સ્થાને બીજું જુઓ તો ય સરખું જ છે!
(૭) ક્રિષ્ના ધરતી પે આજા તૂ : હિન્દી સિનેમાના તમામ કૃષ્ણગીતોમાં આ સોંગ એકદમ આગવું છે. જેની ક્રેડિટ ભપ્પી લહેરીને પહેલા જાય પછી ગીતકાર ગાયક નંદૂ ભીંડે અને પરફોર્મર મિથુનને જાય. સારું થયું ડિસ્કો ડાન્સરમાં ડિસ્કો બીટ્સમાં એ ૧૯૮૨માં આવ્યું, હમણા આવ્યું હોત તો વળી સનાતનના નામે તનાતની કરવા તૈયાર લાગણીદૂભાઉ ટોળાએ ઠેકાણે પાડી દીધું હોત. સંભવામિ યુગે યુગે કહેતા કૃષ્ણને કરેલો પ્યારથી પોકાર છે. શા માટે? સ્વીટ રિઝન : પ્યાર સીખા જા તૂ. રાઇટ, એ જ તો સૌથી મોટી તાકાત છે કૃષ્ણની. સુદર્શન નહિ, પણ સ્નેહનું સ્મિત. જિંદગી કુછ નહિ, દર્દ હૈ પ્યાસ હૈ... હર ખુશી હૈ વહાં, તૂ જહાં આસપાસ હૈ... આજા આજા આજા... મિટા દે તૃષ્ણા... હિપ્પી સ્ટાઈલના હરે કૃષ્ણ, હરે રામ ઈમ્પેક્ટ છે એમાં... અને સ્વીકારભાવ સહજનો : છેડ દે બાંસુરી, ગીત વો પ્યાર કે... ઝૂમ કે હમ જીયે, પ્યાર મેં હાર કે! 'મીરા કા મોહન'માં એની નબળી કોપી જેવું 'ઓ ક્રિષ્ના યુ આર ગ્રેટેસ્ટ મ્યુઝિશ્યન' આવ્યું. જરાય ન જામ્યું.
(૮) યશોમતી મૈયા સે બોલે : આ તો કલ્ટ ક્લાસિક સોંગ ગણાય. એક જ ગીતમાં મા અને પ્રેયસી બેઉ આવે - અને કાળી આંખ ને જગસે નિરાલા વાળા બે સુંદર કાવ્યાત્મક તર્ક પણ. શ્યામને સુંદર ગણી પૂજતી પ્રજા માટે જે ગોરી ત્વચા માટે ફેરનેસ ક્રીમની ય દીવાની છે. પણ આ ગીત અને સત્યમ શિવમ સુંદરમનું લાજવાબ ટાઈટલ સોંગ પણ લક્ષ્મી-પ્યારે માટે લખનાર ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા (જેમણે આવું જ સુપર પોપ્યુલર ફિલ્મી ભજન 'જ્યોતિ કલશ છલકે' લખેલું) એના ખરા હીરો છે. ફિલ્મની કથા કદરૂપી પણ સુંદર ગાતી છોકરીની છે એવું રાજ કપૂરે કહેલું એને પર્સનલ ટોણો સમજી લતા ત્યારે નારાજ હતા. પણ પંડિતજી ખાતર એમણે ગાયું. ભારતની આઝાદીની લડતમાં જોડાયેલા પંડિતજી બાદમાં નહેરૂ સાથે કામ કરતા અને નહેરૂએ જ એમને વિવિધભારતીના પ્રથમ ડાયરેક્ટર બનાવેલા. ઇન્ડિયન કલ્ચર થોડો વોટસએપમાં ઉધાર મેસેજ ફેરવનારાઓનો જ ઠેકો છે?
(૯) વો કિસના હૈ : સુભાષ ઘઈની આ ફિલ્મ ન ચાલી, એટલું આ સોંગ ચાલ્યું. હજુ ય સ્કૂલ કોલેજના એન્યુઅલ ફંક્શન્સ (કોરોનાકાળ પહેલાના) ગજવે છે. જાવેદ અખ્તરના શબ્દો તો ટિપિકલ છે. પણ અહીં ધમાલ કમાલ ઇસ્માઇલ દરબારના સંગીતની છે. ઇન્સ્ટન્ટ ફૂડ ટેપિંગને ભારતીય વાદ્યોની એરેજન્મેન્ટ. ઢોલત્રાંસા સાથે જાણે જન્માષ્ટમીની શોભાયાત્રા! બાય ધ વે, ફિલ્મમાં લેવાયું જ નહિ એટલે અહીં મૂકી ન શકાય, પણ કિસનાની શરૂઆત સીડી બહાર પડી એમાં રાશીદ ખાનના કંઠે કોઈ ખાસ વાદ્યો વિના અદ્ભુત રચના હતી 'તોરે બિના મુજે ચૈન નહિ, બ્રિજ કે ઓ લાલા' કૃષ્ણને શોધતા ફરતા એકાકાર ભાવિકની વેદના રસબસતી હતી એમાં.
(૧૦) ઓ રાધા તેરે બિના / આજ રાધા કો શ્યામ : 'રાધા કા સંગમ' ફિલ્મ તો સહન થાય એવી નહોતી પણ આ ગીત હસરત જયપુરીનું સંગીતબદ્ધ સરસ અનુ મલિકે કરેલું. અગેઇન સીધાસાદા શબ્દો. એક ભાવ કે કોઈના વિના જો એને પ્રેમ કરીએ તો આપણે અડધા નથી. પૂરા જ છીએ, કારણ કે પરસ્પર સાચો પ્રેમ હોય એ એકબીજામાં સમાઈ જાય છે. રોમેરોમ ને હૃદયમાં ય. આ ગીત પછી બેક ટુ બેક જ 'ચાંદ કા ટુકડા' માટે ગુજરાતી રાસના ફોર્મેટમાં પિક્ચરાઇઝ થયેલું 'આજ રાધા કો શ્યામ યાદ આ ગયા' સાંભળવું. એમાં ય શબ્દોમાં કોઈ ભલીવાર નથી પણ ગીત મેલોડિયસ છે, ને આ બે ય ગીત પૂરક છે એકબીજાને.
(૧૧) રૈના બીતી જાયે : 'અમરપ્રેમ' ફિલ્મનું નામ પડે એટલે તરત જ 'બડા નટખટ હૈ યે કિશન કન્હૈયા' યાદ આવે જ. એ છે ય અદ્ભુત પણ આરડીએ ગજબનાક ખાલીપાની ટીસ સાથે કમ્પોઝ કર્યું એ આ સોંગનું આનંદ બક્ષીનું મુખડું જ પૂરતું છે. 'રૈના બીતી જાય, શ્યામ ન આયે.. નીંદીયા ન આયે..' બસ, વિરહની પરાકાષ્ઠા આવી ગઈ એમાં. આ શબ્દોનો જ જવાબ આપતું હોય એવું ગીત ૧૯૬૭ની શાગીર્દ ફિલ્મમાં મજરૂહે લખેલું : 'કાન્હા કાનહા આન પડી મૈં તેરે દ્વાર મોહે ચાકર સમજ કે નિહાર...'
(૧૨) જાગો મોહન પ્યારે : નરસિંહ મહેતાને સરખી રીતે આપણે અંગ્રેજી તો ઠીક, હિન્દી સુધી ય પહોંચાડયા નથી. બાકી, કેવી અદ્ભુત રચનાઓ લખી ગયા છે જે ગુજરાતનો જ નહિ, સમગ્ર માનવ જાતનો વારસો છે. એની વે, શૈલેન્દ્રનું આ મશહૂર ગીત યાદ આવતાની સાથે જ નરસિંહ એટલે યાદ આવી જાય કે આ ય હિન્દી ફિલ્મ સોંગના પેકેજીંગમાં એક પ્રભાતિયું છે. 'જાગતે રહો' ફિલ્મની બધી રીતે સવાર એના થકી જ પડે છે. જીસને મન કા દીપ જલાયા, દુનિયાને ઉસી કો ઉજલા પાયા! મોહન પ્યારે જાગે પછી નવયુગના નૈન ચૂમે નિહારે અને કિસ કી પરી ગગરી છલકાયે!
(૧૩) મન બસીયા/ સાંવરે સુનાઓ બાંસુરી : એક એકવીસમી સદીની 'તેરે નામ' ફિલ્મનું ગીત અને બીજું વીસમી સદીનું 'બસેરા' ફિલ્મનું એક સમીરે લખેલું, એક ગુલઝારે લખેલું. પણ આ ય એફએમ રેડિયો સ્ટાઇલમા બેક ટુ બેક સાંભળવાનો જલસો પડી જશે. કંઇક અંશે એક જ રાગ પર આધારિત છે અને ભાવ પણ સરખો છે. મેલોડી જે ખોવાઈ ગઈ છે. આજે, એ તરત જડી પણ આવશે કે માધુર્ય કેવું હોય.
(૧૪) શ્યામ રંગ મેં રંગ દો / મોરા ગોરા અંગ લઈ લે : હોળીનું કૃષ્ણગીત બહુ જ પ્યારું હોવા છતાં ખાસ જાણીતું નથી થયું. દીપા મહેતાની સુંદર ફિલ્મ 'વોટર' માટે એ.આર. રહેમાને કમ્પોઝ કરેલું રકીબ આલમે લખેલું. અહીં શ્યામરંગમાં રંગાઈ જવાની ઝંખના એટલે પ્રેમરંગમાં તરબોળ થવાની તમન્ના. વોટર ફિલ્મમાં આવું જ મધુર ગીત હતું 'પિયા હો...' જેમાં બ્લ્યુ યેનમાં શ્વેત વસ્ત્રમાં બાંસુરી વગાડતા ગાંધીવાદી યુવાન જોન અબ્રાહમના ગંગા તટે સમાજથી તરછોડાયેલી વિધવા સ્ત્રી સાથેના અભિસારને દેખીતો કૃષ્ણત્વનો ટચ અપાયો હતો. ભાવના તો એ જ ચિરસ્મરણીય એવું 'બંદિની'નું મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે! ધ ગ્રેટ ગુલઝાર.
(૧૫) ગોવિંદા આલા રે / મચ ગયા શોર / ગો ગો ગોવિંદા : આ ત્રણ ફિલ્મો, બ્લફ માસ્ટર, ખુદ્દાર, ઓહ માય ગોડ વચ્ચે દાયકાઓનું અંતર શમ્મી કપૂર, અમિતાભ, પ્રભુ દેવા ત્રણેય જનરેશનના પ્રતિનિધિ. પણ ડબલ બિલને બદલે ટ્રિપલ એટલે લખ્યા કે ત્રણે ય મુંબઈ માટે ફેમસ દહીહાંડી સોંગ છે. ગોવિંદા શબ્દ જ એમાંથી આવ્યો છે ગોવિંદ માટેનો. ત્રણેય ડાન્સ ધમાલવાળા ક્રાઉડ સોંગ. જન્માષ્ટમી સ્પેશ્યલ આયા બિરજ કા બાંકા સમ્હાલ તેરી ગગરી રે કે તેરી ગગરી સમ્હાલ બ્રિજબાલામાં ય કેવું સામ્ય/ કાલા બાઝારમાં ૧૯૯૧માં ય એક ગોવિંદા સોંગ આવેલું પણ ભૂલવા જેવું જ હતું તો ભૂલાઈ ગયું. પણ 'બદલા' (શત્રુઘ્ન)નું શોર હજુ ય યુ ટયુબ પર ગુંજે છે.
(૧૬) મોહે કાન્હા જો આયે પલટ કે/મનમોહના : એક સરદારી બેગમ માટે, બીજું જોધા અકબર માટે. એકમાં વનરાજ ભાટિયાનું મ્યુઝિક બીજામાં એ. આર. રહેમાનનું. પણ કોમન ફેક્ટર એ કે બે ય જાવેદ અખ્તરના લખેલા. સરદારી બેગમની ઠુમરીમાં વ્રજનો અસલી શૃંગાર રસ, યે ગુલાલ અપને તન પે લગા કે, રંગ દુંગી ઉન્હે ભી લિપટ કે! અને પછી જરા ધોંસ જમાવવાની પ્રીતમાં - કી ઉન્હોને અગર જોરાજોરી ગાલીયા મૈને રખી હૈ રટ કે! પ્રેમલક્ષણા ભક્તિની હઠ! અને મનમોહનમાં ફિલસૂફી: જીવન એક નદીયા હૈ, લહર લહર બહતી જાયે... ઇસમેં મન કી નઇયા, કભી ડૂબે કભી તટ પાયે... તુમ હો ખેવૈયા તો કોઈ તટ કૈસે પાયે! વાહ સમર્પણ ક્યારે આવે? એનો જવાબ છે જ : તુમ કો દેખું, મૈં દેખુ દર્પણ.
(૧૭) બડી દેર ભાઈ નંદલાલા/ મોહે છેડો ના નંદ કે લાલા : આ બેય ગીત એક જૂની 'ખાનદાન' માટે રાજેન્દ્ર કિશને લખેલું અને બીજું 'લમ્હે' માટે આનંદ બક્ષીએ - એમાં નંદલાલા અને બ્રિજ બાલા છે. એકમાં પેલી એ જ સનાતન પ્રતીક્ષાની આરઝૂ છે અને બીજામાં જુદી પ્લેફૂલનેસ છે કે મૈં હું બ્રિજબાલા નહિ મૈં હંન રાધા તેરી. કાનુડાને ગોપીભાવે પ્રેમ કરવાની મજા જ એ છે કે એમાં કોઈ બહુ મોટી હસ્તી સામે હાથ જોડી ઉભા રહેવાનો પૂજ્યભાવ જ નથી. એની સાથે શરારત, અડપલા, રૂસણા મનામણા ને કજીયા પણ થાય એવો પ્રેમભાવ પણ છે.
(૧૮) રાધા બિના હૈ કિસન અકેલા / ક્રિષ્ના ક્રિષ્ના : ફિલ્મનું નામ જ કિશન કન્હૈયા હોય ત્યાં પછી શું બાકી રહે. રાકેશ રોશને ભાઈ રાજેશ રોશન સાથે મળીને બે ય ઉત્તમ ગીતો ઇન્દિવરે લખ્યા એને સુપેરે પડદા પર સજાવ્યા છે. એકમાં સફેદ સાડીમાં ભીંજાતી યુવાન શિલ્પાની મદમસ્ત ચાહત. તરૂણાઈને ભરડીને ભીંસી દે એવી. અને બીજામાં મંદિરના ઘંટારવમાં થતી હૃદયની પરમ પ્રાર્થનાનું વૃંદગાન. વારંવાર જોવા ને સાંભળવા ગમે તેવા કૃષ્ણ ગીતો.
(૧૯) રાધા ના બોલે/ રાધા નાચેગી / મધુબન મેં રાધિકા / રાધે રાધે / રાધા તેરા ઠુમકા / ચલી આઇયો રાધેે રાની / : લ્યો, એક સાથે સાત ગીતોનો રાધા લૂપ. હજુ આમાં 'રાધિકા તુને બંસરી ચૂરાઈ' પણ લઈ લો તો આઠ થઈ જાય. આઝાદ ફિલ્મ માટે ૧૯૫૫માં રાજેન્દર કિશને ઘૂંઘટ કે પટ ના ખોલે રે લખ્યું. આજે ય એવરગ્રીન મધુબન મેં રાધિકા નાચે રે તો કોહીનૂર ફિલ્મ માટે દિલીપકુમાર પર પિક્ચરાઇઝ્ડ, રફીએ ગાયેલું, નૌશાદે કમ્પોઝ કરેલું અને શકીલ બદાયૂનીએ લખેલું! (ઓલા શરિયાવાળા દેશોમાં કદી થાય આવું!) ક્લાસિકલી ક્લાસિક. રાધે રાધે તો કુમારે મીત બ્રધર્સ માટે આયુષ્યમાનની ડ્રીમ ગર્લ માટે લખેલું. થોટ એ જ. તેરે બિના ક્રિષ્ના તો લાગે આધે આધે પણ રજૂઆત સાવ નવી. મસ્ત ધમાકેદાર રાધા ઓન ધ ડાન્સ ફ્લોર જેનાથી આલિયાની એન્ટ્રી થઈ એય એવું જ ઝિંગી સોંગ છે. અન્વિતા દત્તે લખેલું. મસ્ત મિક્સિંગ આજની યુથફૂલ લેંગ્વેજ અને સ્ટેપ્સનું થિરકવા ન લાગો તો રાસના રસના ગીતો શું કામના? અને કેમ ટાઇટલ હોવા છતાં પહેલાં જ સાત લખ્યું એનો ખુલાસો એ કે રાધા નાચેગીનો તો સ્કવેર છે. તેવર ફિલ્મમાં આવ્યું એ તો ખાસ યાદ ન રહે એવું હતું. પણ સૌદાગર માટે જે ગીત આનંદ બક્ષીએ એલપી સાથે જમાવટ કરી છે - સુનકર ડફલી, શંખ, મંજીરે ભોર ભયે નદીયા કે તીરે... લાજ શર્મ ન રસ્તા રોકે, આજ ન કોઈ ઉસકો ટોકે... નટખટ બંસીવાલે ગોકુલ કે રાજા, મેરી અખિયા તરસ ગઈ અબ તો આજા - જમુના કે તટ પર નટખટ બંસીવાલે કી બંસી બાજેગી... રાધા નાચેગી ! અને કે. વિશ્વનાથ કી 'સંગીત' માટે એલ.પી.એ માધુરી પર કમ્પોઝ કરેલું ગીત પણ 'સુંદર : ચલી આઇયો રાધે રાની, જમુના કે તીર... લિખેગેં પ્રેમ કહાની...'
(૨૦) વૃંદાવન કે ક્રિષ્ન કન્હૈયા/ આયો રે આયો નંદલાલ / બડા નટખટ હૈ / આયો કહાં સે ઘનશ્યામ : પહેલા 'પ્યાર હુઆ ચોરી ચોરી' જેવી મિથુન- ગૌતમીની ભૂલાઈ ગયેલી ફિલ્મનું ન ભૂલાવું જોઈએ એવું ક્લાસિકલ સોંગ, જેમાં આનંદ બક્ષીના શબ્દો તો ખાલી જગ્યા ભરવા પૂરતા છે. બાકી તો હરિહરન અને સુરેશ વાડકર જેવા તાલીમબદ્ધ કંઠનો જ બધો કમાલ છે. ડિટ્ટો એવો જ કમાલ મન્ના ડે (હુ એલ્સ ઇન બોલીવુડ ક્લાસિકલ) અને અર્ચનાએ આર.ડી. માટે મજરૂહના શબ્દોમાં આયો કહાં સે ઘનશ્યામ બિરજ મેં'માં કરી બતાવ્યો છે. ફિલમ ઓમપ્રકાશવાળી 'બુઢ્ઢા મિલ ગયા'. અમરપ્રેમનું 'બડા નટખટ હૈ કિશન કન્હૈયા' અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ 'મિસ મેરી'નું 'વૃંદાવન કા ક્રિષ્ન કન્હૈયા' તો એકબીજાનું કાઉન્ટર ફોઇલ છે. બે યમાં મધુવનમાં માધવ કેવા એ ચિત્રણ છે.
આટલા બધા ગીતોના રસથાળ પછી ય ગીતો રહી જાય છે. બધા ન સમાવતા માત્ર યાદી પૂરતા ગમતા બીજા આટલા નોંધી લઈએ : (૧) સાંચા તેરા નામ (બીવી હો તો ઐસી), (૨) ઓ કન્હૈયા (રાજા ઔર રંક), (૩) સોજા જરા (બાહુબલી), (૪) કાન્હા (શુભમંગલ સાવધાન), (૫) રાધે ક્રિષ્ન કી જ્યોતિ (વિવાહ), (૬) માખનચોર નંદકિશોર (ટક્કર), (૭) અરી મૈં તો પ્રેમદીવાની (નૌ બહાર), (૮) ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો (જોની મેરા નામ), (૯) મેરે તો ગિરધર ગોપાલ (મીરા), (૧૦) તીન બત્તીવાલા ગોવિંદા આલા (મુકાબલા), (૧૧) માખન ચુરાને આયા ગોપાલા (માખણ જેવું જ નગ્માનું પેટ નચાવતું હમ સે હૈ મુકાબલા) (૧૨) હર તરફ હૈ શોર (વાસ્તવ)
શુભ જન્માષ્ટમી
ફાસ્ટ ફોરવર્ડ
હરિ જુ આયે સો ભીલી કીન્હી
મો દેખત કહી ઉઠી રાધિકા,
અંક તિમિર કો દિન્હી
અર્થાત્ : હે કૃષ્ણ, તમે આવ્યા એ સારું થયું કહી રાધાએ ઉઠીને અંધકારને આલિંગન આપ્યું! (સૂરદાસ)


