Get The App

રાહબર બની રાહને .

- આજકાલ- પ્રીતિ શાહ .

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
રાહબર બની રાહને                      . 1 - image


આ ફ્રિકામાં આવેલું નાઈજિરિયા છેલ્લાં ઘણા સમયથી પોલિયોમુક્તિનું અભિયાન ચલાવી રહ્યું છે. લાખો કાર્યકરોએ ભારતને પોલિયોમુક્ત કરવામાં મહત્ત્વનું યોગદાન કર્યું છે. દરેક બાળકને યોગ્ય સમયે રસી આપવી અને એ માટે એના માતા-પિતાને સમજાવવા એ અતિ વિકટ કામ છે ! આ માટે પ્રતિબદ્ધર્તાં ર્ંધરાવનારા કાર્યકરો જોઈએ. નાઈજિરિયાની આવી જ એક કાર્યકર્તા છે રાહને લૉલ. નાઈજિરિયાની રાજદૃાની અજુબાથી ત્રણસો કિમી. દૂર કાડુના નામનું રાજ્ય આવેલું છે.

એના નાનકડા ગામમાં રાહનેનો પરિવાર રહેતો હતો. દસ બાળકોની માતા રાહને લૉલ પાસે એટલા પૈસા નહોતા કે તે પોતાનાં બાળકોને પ્રાથમિક સ્કૂલ પછી આગળ વધુ અભ્યાસ કરાવી શકે. આટલા મોટા પરિવારને બે ટંકનું ભોજન મળી રહે, તેના માટે તેઓ બંને મહેનત કરતા હતા. વળી મુશ્કેલી એ હતી કે તેઓ જ્યાં રહેતા હતા, ત્યાં રાજકીય અરાજકતા ફેલાયેલી હતી અને કાનૂન વ્યવસ્થા ભાંગી પડી હતી. ચોરી, અપહરણ અને હત્યાઓ જેવા ગુનાઓ થવા એ  સામાન્ય વાત હતી.

આફ્રિકામાં નાઈજિરિયા એક માત્ર એવો દેશ છે કે જ્યાં પોલિયોના વાઈરસ સક્રિય છે, જે બાળકોને માથે અભિશાપ બનીને આવે છે અને એમને કાયમ માટે જીવનભરના અપંગ બનાવી દે છે. રાહને લૉલ એ જાણતી હતી કે જો બાળકોના હાથ-પગ સારા રહ્યા, તો મોટા થઈને કોઈપણ નાનું-મોટું કામ કરીને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકશે, તેથી એણે તો પોતાનાં બાળકોને પોલિયોની રસી અપાવી હતી. નાઈજિરિયામાં જ્યારે યુનિસેફે આ કામ માટે કેટલાક લોકોની તપાસ ચલાવી, તો રાહને લૉલ સ્વેચ્છાએ આ કામ સાથે જોડાઈ.

કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર તરીકે રાહને લૉલ ગામેગામ ચાલીને જતી હતી. ત્યાં જઈને તે માતા-પિતા તથા પરિવારને બાળકોને શા માટે પોલિયોની રસી આપવી જોઈએ અને એનાથી શું ફાયદો થાય છે તે સમજાવતી હતી. આમાં સૌથી મુશ્કેલ કામ માતા-પિતાને સમજાવવાનું હતું, કારણ કે તેઓ શંકાથી જોતા કે મલેરિયા જેવી બીમારીનો ઈલાજ નિ:શુલ્ક નથી થતો, તો આ રસી શા માટે નિ:શુલ્ક આપવામાં આવે છે ? બીજું તેઓ એમ માનતા કે એક વખત આ રસી પીવડાવવામાં આવે પછી બાળક નપુંસક થઈ જાય છે. આની સામે રાહને લૉલ પોતાનાં સંતાનોનું પ્રત્યક્ષ ઉદાહરણ આપીને સમજાવતી હતી.

આ કામ માટે રાહને લૉલને યુનિસેફ તરફથી કોઈ પગાર મળતો નહોતો, માત્ર તેને જે ખર્ચ થાય તે આપવામાં આવતો હતો. તેઓ તો એક લોકકલ્યાણની ભાવનાથી કામ કરતાં, પરંતુ એનો ઉત્સાહ અને સક્રિયતા જોઈને એ વિસ્તારના ડાકુઓને લાગ્યું કે યુનિસેફ તરફથી એની સારી એવી મોટી રકમ મળતી હશે, તેથી ૨૦૧૮ના ઑક્ટોબર મહિનાની એક રાત્રે બે વાગ્યે તેઓ રાહને લૉલના ઘરમાં ધસી આવ્યા અને એના પતિના હાથ અને મોંઢાને બાંધીને બીજા રૂમમાં લઈ ગયા.

ત્યારબાદ એની પુત્રીના કપાળે રિવોલ્વર ધરીને ઘરમાં પડેલા તમામ પૈસા કાઢવાનું કહ્યું. રાહને લૉલ સતત કરગરતી રહી. એમને કહ્યું કે તમે ઇચ્છો તો આખા ઘરમાં ફરી વળો. તમારે જે જોવું હોય તે જુઓ. જે તપાસવું હોય, તે તપાસો. આ દરમિયાન તેના સસરાથી પૌત્રીની હાલત જોવાતી નહોતી. તેથી તેઓએ તેને છોડવા માટે જોરથી ઊંચા અવાજે બૂમ પાડીને કહ્યું. ડાકુઓથી આ સહન ન થયું. તેણે તેમના પર બંદૂકની ગોળી ચલાવી અને તેના સસરા ત્યાં જ મૃત્યુ પામ્યા.

ડાકુઓ આટલેથી અટક્યા નહીં. તેઓ રાહને લૉલનું અપહરણ કરીને જંગલમાં લઈ ગયા. ડાકુઓએ એના પતિ પાસે પચાસ લાખ રૂપિયાની માગણી કરી. જે પરિવાર બે ટંકનું ભોજન ભેગો માંડ થતો હોય, તેની પાસે આટલા બધા પૈસા તો ક્યાંથી હોય ? દિવસો પસાર થવા લાગ્યા અને ડાકુઓ રોજ એને હેરાન કરતા, મારપીટ કરતા. છેવટે ડાકુઓએ લૉલના માતા-પિતાને ફોન કર્યો અને કહ્યું કે હવે જો પૈસા નહીં આપો તો અમે રાહને લૉલને ગોળી મારીને ઉડાવી દઈશું. માતા-પિતાએ વિનંતી કરીને કેટલોક સમય માંગ્યો.

આ દરમિયાન ડાકુઓને એ સમજાઈ ચૂક્યું હતું કે તેઓ એમને શ્રીમંત માનતા હતા તેવું નથી. લૉલના માતા-પિતા દાન મેળવવા મસ્જિદ ગયા, પોતાની જમીન વેચી, ઘરનો સામાન અને અનાજ વેચ્યું - આ બધંું મળીને પાંચ લાખ રૂપિયા ભેગા થયા. પાંચ લાખ આપ્યા ત્યારે અગિયાર દિવસ બાદ રાહને લૉલ ઘરે પાછી ફરી. ત્યારબાદ તે લોકો એ વિસ્તાર છોડીને અન્ય જગ્યાએ રહેવા લાગ્યા. અસહ્ય માનસિક યાતના અને દર્દમાંથી સ્વસ્થ થઈને યુનિસેફને આપેલા વચનને નિભાવવા તે ફરી કાર્યરત થઈ.

નવી જગ્યાએ એના આસપાસના વિસ્તારોમાં પોલિયોની રસીના મહત્ત્વ વિશે સમજાવવા લાગી. રાહને લૉલ જેવી પ્રતિબદ્ધ કાર્યકર્તાઓને કારણે કદાચ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પહેલાં નાઈજિરિયા પોલિયોમુક્ત થાય તો નવાઈ નહીં. ગયા વર્ષે નાઈજિરિયામાં પોલિયોનો એક પણ કેસ આવ્યો નથી. નાઈજિરિયા તો પોલિયોમુક્ત થઈ જશે, પરંતુ રાહને લૉલ જેવા કાર્યકર્તાઓની પ્રતિબદ્ધતા અને તપસ્યા લોકો જાણે એ જરૂરી છે, તેથી યુનિસેફે એને 'અનસંગ હીરો ઍવૉર્ડ'થી સન્માનિત કરી છે. ૫૧ વર્ષની રાહને લૉલ એટલું જ કહે છે કે, 'આ સન્માને મારી હિંમત વધારી છે હવે હું વધુુ ઉત્સાહપૂર્વક આ ક્ષેત્રમાં કામ કરીશ.'

રાહબર બની રાહને                      . 2 - image

કૃષ્ણનની કૃષિ-સૃષ્ટિ

ખે ડૂતોની સ્થિતિ વિશે રોજબરોજ આવતા સમાચારો સાંભળીને આજનો યુવાન ભાગ્યે જ કારકિર્દી તરીકે ખેતી અપનાવવાનું પસંદ કરે, પરંતુ તામિલનાડુના ત્રિચીનાપલ્લીના થુરૈયુર નામના ગામમાં રહેતા નવીન કૃષ્ણનને સ્કૂલમાં કોઈ પૂછતું કે તારે મોટા થઈને શું બનવું છે ? ત્યારે એનો સ્પષ્ટ અને એક જ જવાબ રહેતો કે ખેતી અને પશુપાલન કરવું છે. ખેતી અને પશુ-પક્ષી પ્રત્યેનો નાનપણથી જ એનો લગાવ જોઈને એના ખેડૂત બનવા વિશે એના પિતાને ખાતરી થઈ ચૂકી હતી. તેથી થોડી થોડી જમીન ખરીદવા લાગ્યા. આજે નવીન પાસે પચીસ એકરનું ખેતર છે. નવીને ત્રિચીનાપલ્લીમાં બિશપ હેબર કૉલેજમાં બાયોટૅક્નૉલૉજીમાં માસ્ટર્સ અને એમ.ફિલ.નો અભ્યાસ કર્યો અને ત્યારબાદ હૈદરાબાદની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ફૉર ડ્રાયલૅન્ડ એગ્રીકલ્ચરમાં ડેરી ફામગ અને ખેતી વિષયક ટ્રેનિંગ કોર્સ પણ કર્યો. ૨૦૦૬માં એણે પોતાનું ડેરી ફાર્મ શરૂ કર્યું, પરંતુ પાણીની સમસ્યાને કારણે ૨૦૧૦માં તેને બંધ કરવું પડયું.

આ ઘટનાથી નાસીપાસ થયા વિના નવીને વિચાર્યું કે એની શું ભૂલ થઈ હતી ? કઈ બાબતમાં સુધારણા કરવાની જરૂર છે અને કઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બધી બાબતો વિશે વિચાર કરીને એક વર્ષ પછી પોતાનું કામ શરૂ કર્યું, ત્યારે તેની કાર્યપદ્ધતિ અને ઉદ્દેશ બંને તદ્દન ભિન્ન હતા. એ કહે છે કે ખેતી એ કોઈ વ્યવસાય નથી, કિંતુ જીવવાની કલા છે. એમાં સફળ થવા માટે માટીના એક એક કણને જાણવો પડશે. એ સમજવું પડશે કે ખેતીમાં માત્ર પાક લેવાનો નથી, પરંતુ તે પ્રકૃતિ અને પર્યાવરણનો આધાર છે. આવી સમજણ સાથે ૨૦૧૨માં એણે પોતાના ખેતરમાં ઈન્ટીગ્રેટેડ ફાર્મિંગ અર્થાત્ પ્રાણીઓ પર આધારિત જૈવિક ખેતીનો પ્રારંભ કર્યો. પોતાના ખેતરની આજુબાજુ એક વાડ બનાવી અને સાથે પશુપાલનની શરૂઆત કરી. તેનો ઉદ્દેશ પોતાની ખેતીને ટકાઉ બનાવવાનો હતો.

આજે તે પોતાના ખેતરમાં દાડમ, નીલગિરી, મકાઈ, મગફળી, અનાજ અને શાકભાજી ઉગાડે છે. એની સાથે સાથે મરઘીપાલન, મધમાખી ઉછેર, માછલી પાલન પણ કરે છે. એ ખેતરમાં બેસહારા કે ઘાયલ પશુઓને રાખે છે. કૂતરા, ઘોડા, ઊંટ અને મોર પણ જોવા મળે. નવીન કહે છે કે એને પોતાના ખેતર માટે ક્યારેય અલગથી જૈવિક ખાતર કે પંચગવ્ય વગેરે બનાવવાની જરૂર નથી પડી, કારણ કે હવે એનું ખેતર સસ્ટેનેબલ બની ગયું છે. આજે એના ખેતર પર કૃષિ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેમજ વૈજ્ઞાાનિકો આવે છે. આ બધા માટે આ ખેતર સંશોધનકેન્દ્ર અને તાલીમકેન્દ્ર બની રહ્યું છે. એમાં ઘણા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. જૈવિક અને ટકાઉ ખેતી પર અત્યાર સુધીમાં આશરે પાંચસો કાર્યક્રમ કરી ચૂક્યા છે. આ માટે તેઓ કોઈ ફી નથી લેતા, કારણ કે તેમનો ઉદ્દેશ એમને મદદ કરવાનો છે. તામિલનાડુ વેટરનરી ઍન્ડ એનિમલ સાયન્સીઝ યુનિવસટીના વૈજ્ઞાાનિકો પણ અહીં નિયમિત મુલાકાત લે છે. પ્રકૃતિ અને પશુ-પક્ષી પ્રત્યે અત્યંત સંવેદનશીલ નવીન કૃષ્ણનને ૨૦૧૧માં ગ્લૉબલ નૅચર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જેના દ્વારા તેઓ ખેતીમાં થતા સંશોધનો અને પર્યાવરણના સંરક્ષણ પર કામ કરે છે અને એવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપે છે. ખાસ કરીને શહેરના યુવાનો પ્રકૃતિ પ્રત્યે અભિમુખ અને જવાબદાર બને તે માટે એણે આ અભિયાન શરૂ કર્યું છે.

આજ સુધીમાં એમણે સાતસો જેટલા સોપાને તેમજ મોર, કૂતરા, બિલ્લી, હરણ જેવાં અનેક પ્રાણીઓને બચાવ્યાં છે, કારણ કે તેઓ માને છે કે વૃક્ષો અને જીવજંતુઓ વિના મનુષ્યના જીવનનું અસ્તિત્વ ટકી શકે નહીં. ખાસ કરીને ખેડૂતોએ તો એ સમજવાની જરૂર છે કે જીવજંતુ એમના મિત્ર છે, દુશ્મન નહીં. જો તમે પ્રકૃતિનું સન્માન કરો તો ખેતીમાં કોઈ જંતુનાશક દવા વાપરવાની જરૂર નહીં પડે. તે કહે છે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકની સાથે જ ફળો અને અન્ય વૃક્ષો પણ ઉછેરવા જોઈએ, જેથી તે માટીને બાંધી રાખવામાં, ભૂગર્ભના જલસ્તરને વધારવામાં અને માટીમાં ભેજને જાળવી રાખવામાં ઉપયોગી બની રહે છે.

આજ સુઘીમાં એમણે આશરે પચાસ હજાર વૃક્ષો વાવ્યાં છે અને મિયાવાકી નામની જાપાનીઝ પદ્ધતિથી પ્રેરિત થઈને જંગલ પણ બનાવ્યું છે. એના ખેતરમાં જ દસ હજારથી વધારે વૃક્ષો છે. એમણે સાયન્સ ક્લબ શરૂ કરી છે. જેમાં ૪૫ સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ આવે છે. એના દ્વારા જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ર્ધાઓ પણ યોજાય છે. બાળકો સાથે કૃષિ અને પ્રકૃતિ વિશે વાત કરે છે અને એમને સમજાવે છે કે કોઈ પણ જીવ કે છોડને નુકસાન પહોંચાડતા પહેલા હજાર વાર વિચાર કરવો. આટલા મોટા ખેતરમાં માત્ર ત્રણ વ્યક્તિ કામ કરે છે. બાકીનું કામ અહીં શીખવા આવતા સ્વયંસેવકો કરે છે. સ્વયંસેવકોનો ખર્ચ નવીન કૃષ્ણન કરે છે, પરંતુ એમણે ચાર-પાંચ કલાક ખેતરમાં કામ કરવાનું હોય છે. આજે નવીનના ખેતરનું વાષક ટર્નઓવર બે કરોડ રૂપિયા છે. નવીન કહે છે કે આ કંઈ રાતોરાત થતું નથી. એના માટે પંદર વર્ષ રાત-દિવસ મહેનત કરવી પડી છે.

આજકાલ જે લોકો ખેતી કરવા માગે છે તેઓ બે વર્ષમાં સારા વળતરની આશા રાખે છે, પરંતુ પાંચ વર્ષ લગાતાર કામ કર્યા પછી નફો મળે છે. જોકે નવીનનું માનવું છે કે માત્ર પૈસા મેળવવાની ઇચ્છાથી ખેતી ન કરવી એની સાથે તમે સમાજ અને પર્યાવરણ માટે કંઈક કરી શકો છો તેવા ઉદ્દેશ સાથે ખેતી કરવી જોઈએ.

Tags :