આપણે તો રોટલામાં રાજી રાજી !
- ઝાકળઝંઝા- પરાજિત પટેલ
- નાનકડા દીવડાને કમનીય કંઠનો 'સૂરજ' બનાવી દેનાર છે સ્ટુડિયો માલિક હનુમંત દેસાઈ ! માનવતાના મશાલચી !!
'એ કોણ હશે ?'
આ પંચાક્ષરી સવાલ માત્ર એકાદ માણસના મનમાં નથી જાગતો, પણ નદીપારના આ સ્થળે આવ-જા કરનાર સહુના મનમાં ઊઠે છે ! ને એમ થાય એ પણ સ્વાભાવિક છે. માણસ, રોડની બાજુમાં ઊભેલા ઝાડ નીચે સાવ ભિખારણ જેવી, ફાટેલા કપડાંવાળીને ફાટેલી સાદડી પર બેઠેલી પાંત્રીસેક વરસની ઓરતને જુએ, તો કહેજો, એના મનમાં આવો સવાલ ન થાય ? રૂપાળા, ચહેરા પર લીંપાયેલી ગરીબી દેખાય તો જરા કહેશો કે આવો સવાલ ન જાગે ? એમાંય એ રૂપવતી ઓરતને છુટ્ટા કાગળમાંથી ડાયરીમાં કંઇક ઉતારતી જુએ, તો મને કહેશો કે વિચિત્ર ઓરતને જોઇને સવાલ ન જાગે ?
જાગે જ.
અવશ્યમેવ જાગે !
હા, નજીકમાં ઉછાળા મારતા જળવાળી નદી વહે છે. વચ્ચે લાંબો પુલ છે. ને પુલની આ બાજુ લીમડાનું ઝાડ છે... ઝાડ બહુ બોલકું છે. ઝાડ પર કોયલો માધુર્ય છલકતા કંઠે ગીતડાં ગાય છે. ઝાડની ડાળીઓ પર પંખી ટહુકા કરે છે. ચકલીઓ ચીં...ચીં કરે છે. કબૂતર ગટરગૂ કરે છે, ને ઝાડ નીચે ફાટેલા કપડા ઉપર બેઠી છે એ ભિખારણ જેવી ઓરત ! કાગળમાંનું લખાણ વાંચીને ડાયરીમાં કશુંક લખે છે, પછી આવતા-જતા માણસો સામે જોઈને લહેંકા સાથે હાથ લંબાવીને કહે છે : 'આપણે તો રોટલામાં રાજી રાજી ! કાંક આપો દયાળુ આજે માગે દાસી !'
કોઈક નજીક આવે છે.
એના હાથમાં પાંચની નોટ મૂકી દે છે.
કોઈ રોકડો રૂપિયો મૂકી દે છે.
તો કોઈ દરિયાવ દિલવાળો જણ દસની નોટ મૂકી દે છે !
પછી એ કામમાં પડી જાય છે... કામ એટલે ? લખવાનું કામ ! કાગળ કાઢવાનો, ડાયરી ખોલવાની, પેન્સીલ વડે કશુંક લખવાનું... વાંચવાનું... રાજી રાજી થઇ જવાનું ! પાછો હાથ લાંબો કરવાનો : 'શાક ન જોઇએ, ન જોઇએ ભાજી ! આપણે તો રોટલામાં રાજી રાજી !'
'ભાવશે ?'
'ભાવશે, ને ફાવશે. એક રોટલામાં તો મારું પેટ ભરાઈ જશે. ફાડય રોટલો વધશે તો સાંજે ખાઈ લઈશ !'
'ભલે'
ને થોડીવારમાં તો બે આખા રોટલા, ચટણી અને છાશ આવી જાય. પેલા ભાઈ એના હાથમાં મૂકતાં કહે છે : 'ખાવ, બહેન ખાવ !'
આ જ એનો દૈનિક કાર્યક્રમ ખાવું ને લખવું. ડાયરીમાં અક્ષરો પાડવાના પછી લખેલું વાંચવાનું... રાજી રાજી થવાનું ! પછી એકાદ ભારેખમ નિસાસો નાખવાનો : 'અરેર, મારી આ દશા ? ધણીએ બૈરીને રાખીને મને ઘરમાંથી કાઢી મૂકી... પેટ આપ્યું છે ઉપરવાળાએ. પેટમાં ટાઈમ થાય એટલે કશુંક નાખવું પડે ! અહીં બેઠી છું.. શોખ છે એટલે ગાઉં છું. લોકો દયાળું છે. ખાવાનું આપી જાય છે. પૈસાય આપે છે. મારે બીજું શું જોઇએ?'
પછી કાગળ કાઢવાનો... ડાયરી કાઢવાની. પછી પેન્સીલ... પછી લખવાનું... કશુંક લખે છે લખે છે ત્યારે ખોવાઈ જાય છે. હા, એનો કંઠ સરસ છે... ગાય છે સરસ. ક્યારેક એ મૂડમાં આવી જાય છે. ને ગાવા લાગી જાય છે : 'જાવ છો તો જાવ ભલે, વ્હેલેરા આવજો ! પહોંચીને ઝટ મને મેસેજ મોકલાવજો !'
કંઠમાં કોયલ બેઠી છે !
કોયલ ગીતડાં ગાય છે.
બધાંને વિચિત્ર વિચિત્ર લાગે છે.
છે ભિખારણ ! પણ ભિખારણ જેવી લાગતી નથી. ગોરી ગોરી કાયા છે નેણમાં ચમકારા છે. કપાળળ મારે ઝગારા ! રૂપવંતી છે ઓરત ! હા, ફાટેલો સાડલો છે... થીંગડાળો કબજો છે. ચહેરા પર દુ:ખને કારણે થોડીક ઝાંખપ છે. વાળ હોળેલા છે. રૂપની બાબતમાં ધનવાન છે. બુધ્ધિ બેમિસાલ છે. દેહશુધ્ધિની બાબતમાં અબજોપતિ છે. કાયાની કમનીયતા બાબતે કોટયાધિપતિ છે.
છતાંય ભીખ માગે છે.
છતાં ય આવતાં જતાં સામે હાથ લાંબો કરે છે : કંઇક આપો, ભામાશા કૈંક આપો ! ઝાઝુ ન જોઇએ કે તાજુ ન જોઇએ, વાસી એકાદો રોટલો આપો !
લોક આપે છે.
રૂપિયા ય આપે છે.
ને રોટલો ય આપે છે.
ને એ ગાય છે : 'આપણે તો રોટલામાં રાજી રાજી ! શાક ના જોઇએ, ના જોઇએ ભાજી ! છાલિયામાં છાશ હોય તાજીતાજી ! આપણે તો રોટલામાં રાજી રાજી !'
'વાહ...! અચાનક કોઇનો અવાજ આવે છે. એ જુએ છે કોઈ સજ્જન છે. પેન્ટ-શર્ટ પહેર્યાં છે, આંખો પર ગોગલ્સ છે ! એ મહાશય પાસે આવે છે : 'વાહ, શો સરસ કંઠ છે, બહેન, તમારો !'ને પછી એ સજ્જન નજીક આવીને બેસી ગયા... પછી બોલ્યા : 'બહેન, મારો પોતાનો સ્ટુડિયો છે... ને તમે ગાવ છો સરસ. કુદરતે તમને અદ્ભુત કંઠ આપ્યો છે... ને આવો કમનીય કંઠ આપીને ઉપરવાળાએ કમાલ કરી છે...ને બીજી વાત -''
'કઇ ?'
'મારું નામ છે હનુમંત દેસાઈ : ક્યારેક હુ પણ ગીતો લખું છું.'
'મારી ભીતરમાં પણ કોઈ ગાયિકા લપાઈને બેઠી છે... બાકી દેસાઈ સાહેબ, જિંદગી વેરવિખેર થઇ ગઈ છે. અરમાનોના ગળે ટૂંપો દેવાઈ ગયો છે. પતિએ બીજી કોઈ રૂપાળીને રાખી છે, ને મને ઘરમાંથી કાઢી મૂકી છે...જિંદગી બની ગઈ છે માત્ર રઝળપાટ.. ક્યાંય આશા નજરે નથી પડતી'
'એવું ન બોલો... આશાને જીવંત રાખો... જિંદગીને રઝળપાટ બનતી મિટાવી એને સોનેરી રાજમાર્ગ બનાવી દો.'
'પણ બનશે શી રીતે ?'
'હું બનાવીશ... ચાલો મારી સાથે...મારો સ્ટુડિયો તમારી રાહ જોઈ રહ્યો છે. જગતને બતાવી દો કે તમે તૂટેલી ઝૂંપડી નથી, મનભાવન મહેલ છે. તમે ગીતો ગાવ છો.. કંઠ પણ ખૂબ સરસ છે... ચાલો મારી સાથે તમારા સુખદ ભવિષ્યનું નિર્માણ કરવા ! શું નામ તમારું ?'
'ચંદના રાજપરા'
'તો ચાલો..'
સ્ટુડિયોમાં ગઇ એ ઓરત. ડાયરીમાનું ગીત ગાવા બેસી ગઈ એ : 'આપણે તો રોટલામાં રાજી રાજી...!ને સ્ટુડિયોના દિગ્દર્શક ઝુમી ઉઠયા : 'વાહ, શો મધુર કંઠ છે !' ને પછી એક પછી એક ગીતો ગવાતાં ગયાં. ચાહકોની સંખ્યા કરોડોના આંકડાને વટાવી ગઈ ! બંગલો બની ગયો ! અફલાતૂન કારમાં એ ફરવા લાગી ! આખા યે ગુજરાતમાં એનો જાદૂ પ્રસરી ગયો ! ઠેર ઠેર એની ડિમાન્ડ વધવા લાગી ! ચંદના રાજપરા દેશ-વિદેશમાં વસતા ચાહકોનું લાડકું નામ બની ગઈ ! ત્યારે એક દિવસે એક પુરુષ એના બારણે આવીને ઊભો રહ્યો. એ હતો એને છોડી દેનાર એનો પતિ કનક. એણે કહ્યું : 'ચંદના, પાછી આવી જા.. આપણું ઘર તારી રાહ જોઈ રહ્યું છે !''
'ને પેલી રૂપાળી ?'
'એ તો બેવફા નીવડી. એક શ્રીમંત યુવાનને લઇને ભાગી ગઈ !'
'બેસો.'
કનક બેઠો. ચંદનાએ કહ્યું : 'હું તમને નિરાશ નહિ કરું. પણ તમારા ઘેર નહિ આવી શકું ! તમે મારે ત્યાં આવી શકો છો ! પણ જુઓ, મારી દુનિયા હવે અવાજની દુનિયા છે. આપણે સાથે રહીશું...પણ પતિ તરીકેનો હક તમને નહિ મળે, કે પછી પત્ની તરીકેની દૈહિક સુખની માગણી પણ હું નહિ કરું ! બોલો, કબૂલ છે ?'
'કબૂલ છે !'
'તો આ જાઓ મેરે મહલમેં, રાજ્જા !'