કોરોના વાઇરસના ઉપદ્રવ વખતે મનને ઠેકાણે રાખવું ખૂબ જરૂરી છે
- ફિટનેસ- મુકુંદ મહેતા
- મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ જણાવ્યું કે માનવીની શારીરિક અને માનસિક તંદુરસ્તી સાથે મનના વિચારો અને લાગણીઓને ખૂબ જ ગાઢ સંબંધ છે
ગ રીબ છો કે પૈસાદાર, ભણેલા છો કે અભણ કોરોનાને કોઈ ફેર નથી પડતો. દેશ હોય કે પરદેશ સરકારની બધી જ સૂચનાઓ, માસ્ક બંધાવાની, વારે વારે હાથ ધોવાની સોશીઅલ ડીસ્ટન્સીંગનું અને ક્વૉરેન્ટીનનું પાલન કરવા છતાં લગભગ બે અઢી મહિનાના લોકડાઉન પછી પણ કોરોનાનો ઉપદ્રવ વધતો જ જાય છે.
૨. બે મહિનાના લોકડાઉન પછી, સોશીઅલ ડીસ્ટન્સીંગ અને ક્વૉરેન્ટાઈન પછી, માંસ્ક પહેરવાની અને હાથ ધોરવાની સૂચના પાળ્યા છતાં પણ કોરોના જવાનું નામ લેતો નથી.
૩. થોડા ઘણા સમૃદ્ધ લોકોને બાદ કરતા કેટલી બધી ઉપાધી. નોકર કે કામવાળી નથી, ગાડી છે પણ ડ્રાઇવર નથી. લોક આઉટને કારણે બહાર જવાનું બંધ છે. અમુક ઘરોમાં પુરૂષોને ઘરના બધા જ કામ કરવાની ટેવ નથી અને કરવા પડે છે. શું દશા બેઠી છે ? શું જમાનો આવ્યો છે ?
૪. કોઈને ધંધાની ચિંતા છે, કોઈને નોકરીની ચિંતા છે. ઘરમાં પૈસા નથી. બેંકમાં જવાતું નથી. પાડોશીને ત્યાં જવાનું હોય તો માસ્ક બાંધીને... કોઇ સગા કે ઓળખીતા ને ત્યાં સારા કે માઠા પ્રસંગે જવાનું હોય ત્યારે પણ કોરોના નડે છે. દરેકના મનમાં એમ જ થાય છે કે આ કોરોના તો લોહી પી ગયો. ક્યારે
જશે ?
૫. ઘરવાળાને ચિંતા છે ઘર ચલાવવાની. શાકભાજી નથી, કરીયાણું નથી. નાસ્તા માટે પણ જરૂરી વસ્તુઓ નથી. બહાર જવાની બીક લાગે છે ઘરના કોઈને બહાર જવાની છૂટ નથી. નાની નાની બાબતોમાં મન ઊંચા થાય છે. ચિંતાનો પાર નથી.
૬. ઘરમાં નાના બાળકો હોય કે મોટા સ્કૂલો બંધ છે, કોલેજો બંધ છે. ઘરમાં વડીલો હોય તો તેમની પણ સંભાળ રાખવી પડે છે. પાડોશીને ત્યાં જવાતું નથી. સતત કોરોનાની બીક લાગે છે. નાની નાની બાબતોમાં ઘરમાં મન ઉંચા થાય છે. ઘરના બધા જ સતત ટી.વી. સામે હોય કે છાપાં વાંચતા હોય. વાતો ચાલતી હોય તો તેમાં પણ બીજી વાત ના હોય કોણ હોસ્પિટલમાં દાખલ થયું કે કોણ ખલાસ થઇ ગયું એ જ સમાચાર હોય.
૭. સૌથી વધારે તકલીફ માબાપ ભારતમાં હોય અને દીકરા દીકરી પરદેશ હોય. એટલે પહેલા મહિને એકાદ વખત ખબર પૂછવા ફોન થતો હોય હાલ તો બધા નવરા છે એટલે રોજે રોજ ખબર પૂછવાને બહાને કોરોનાનો સ્કોર પણ પૂછી લે છે.
૮. કેટલાંક કિસ્સામાં ખરી મુશ્કેલી તો યુરોપ, અમેરિકા કે ઓસ્ટ્રેલિયા ફરવા ગયા હોય અને ત્યાં ફસાઇ ગયા હોય તેવા ''ટુરીસ્ટો''ની છે. ફરવાનું ફરવા ને ઠેકાણે રહ્યું પૈસા તો ગયા જ અને હવે બધું છોડીને ઘર પાછા ફરવાની ચિંતા ઉભી થઈ છે.
૯. રોજ કમાઈ અને રોજ ખાનારાની અને જેમ બને તેમ ઘેર પહોંચવાની ચિંતાવાળા સૌથી વધારે છે. સરકારે વ્યવસ્થા કરી હોવા છતાં એવા ઘણા લોકો છે જે ને ખબર જ નથી કે ઘેર ક્યારે પહોંચાશે ? ઘેર જઈ ને પણ શું કરીશું ?
ઉપરની બધી જ વાતો નો સાર એટલો જ કે સમાજના મોટાભાગના લોકોને સખત ભય લાગી રહ્યો છે અને ચિંતાનું પ્રમાણ કુદકે ને ભૂસકે વધતું જાય છે. શું થશે એની ખબર નથી. આ બધું ક્યાં સુધી ચાલશે એની ખબર નથી. બસ બધાના મનમાં કોરોના કોરોના થઇ ગયું છે અને દરેકને પોતે જાણે લાઇનમાં બેઠા છે અને પોતાનો વારો ક્યારે આવશે એની રાહ જોતા હોય તેવો માહોલ ઉભો થઇ ગયો છે.
તમારે શા માટે ગભરાવાની જરૂર નથી તે બરોબર સમજો
૧. મિશિગન યુનિવર્સિટી (યુ.એસ.એ.)ના વૈજ્ઞાાનિકોએ જણાવ્યું કે માનવીની શારીરિક અને માનસિક તંદુરસ્તી સાથે તેના મનના વિચારો અને લાગણીઓને ખૂબ જ ગાઢો સંબંધ છે. જો માનવી મનમાં આવતા વિચારો અને તેને કારણે ઉત્પન્ન થતી લાગણીઓ (એટીટયુડ) ઉપર કાબૂ રાખી શકે તો તેને શારીરિક અને માનસિક તંદુરસ્તી મેળવવામાં કોઈ મુશ્કેલી પડે નહિ.
મનને ઠેકાણે રાખવાની સરળ રીતો : ૧. વિચારો અને આચારમાં હંમેશાં વર્તમાનમાં રહો :
૨. ભૂતકાળ જે ગયો તેને યાદ ના કરો :
તમારો ભૂતકાળ જે સારો કે ખરાબ ગયો તે અત્યારે જતો રહ્યો છે માટે તેને વારે વારે યાદ ના કરો.
૩. તમારા ભવિષ્યકાળની તમને કે કોઈને ખબર નથી માટે તેનો વિચાર ના કરો
૪. તમારા મગજને (મનને) મજબૂત રાખો :
આ વાત ખાસ યાદ રાખશો જન્મથી શરૂ કરીને જીવનના અંત સુધી માનવીની આજુબાજુ તેના કુટુંબીજનો, આડોશી પાડોશી, સગાસંબંધી અને મિત્રોની હાજરી હોય છે. આ સિવાય રોજે રોજ અનેક અજાણી વ્યક્તિઓના સંપર્કમાં તે આવે છે. તેના રોજિંદા જીવનમાં બનતા બનાવો અને પ્રસંગોની અસર પહેલા તેના મનની લાગણીઓ પર થાય કે પછી તરત જ તેના શરીર પર થાય છે. તેના આખા જીવન દરમ્યાન સારા આનંદ આપે તેવા અને અણગમતા દુ:ખ આપે તેવા બંને પ્રકારના પ્રસંગો બનતા હોય છે. આ વખતે તેના મનોભાવ એટલે કે તેના મનનું વલણ (એટીટયુડ) અને માન્યતા (બિલિફ)નું ઘડતર તેના જીવનમાં બનતા પ્રસંગોથી અને વ્યક્તિઓના વાણી વર્તન અને વ્યવહારની અસરથી થયા જ કરે. મન (માઇન્ડ) અને શરીર (બોડી) બંને એકબીજાની સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા છે. આ બંનેનો સંબંધ માનવીના રોજિંદા જીવન પર ખૂબ જ હકારાત્મક (પોઝિટિવ) અસર કરે છે. જેને લીધે માનવીની તંદુરસ્તી તો જળવાય છે જ પણ સાથે સાથે જીવન શૈલીપણ સુંદર બને છે જાય છે. લાગણીવશતા ને કારણે થનારા શારીરિક ફેરફારોને કારણે શારિરીક ને માનસિક પ્રોબ્લેમ્સ થાય છે. માટે મગજને (મનને) મજબૂત રાખો :
૫. ઇમ્યુનિટિ (રોગ પ્રતિકારક શક્તિ વધારો)
એ. કસરત કરો.
તમને પસંદ હોય અને તમે સહેલાઇથી કરી શકો તેવી એરોબિક એકસરસાઇઝ કસરત મોટી ઉંમરે પણ સતત ચાલુ રાખો. તમારી ઉંમર વધાર હોય પણ તમે ધીરે શરૂઆત કરી ને મજબૂત રાખીને તમે ઘરમાં ચાલવાની, સ્ટેશનરી સાઇકલ ચલાવવાની, જિમમાં ટ્રેડમિલ પર ચાલવાની અને ફાવતું હોય અને સગવડ હોય તો સ્વિમિંગ કરવાની કસરત કરો. આનાથી તમારા શરીરમાં હવામાં રહેલો ઓક્સિજન (પ્રાણવાયુ) જે શ્રેષ્ઠ એંટીઓક્સિડંટ ગણાય છે તે જશે અને તેનાથી તમારા શરીરની ઇમ્યુનિટિ વધશે.
બી. પૌષ્ટિક ખોરાક લો
વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, અને ફલેવેનોઇડ્સ શરીરમાં વધારે જાય માટે બ્લુબેરી. જાંબુ, બોર, દ્રાક્ષ, પપૈયું, નારંગી, પાઈનેપલ, કિવિ ફ્રૂટ, અળસી, સૂર્યમુખીના બી અને સૂકો મેવો લો.
સી. પૂરતો આરામ લો. ૬ થી ૮ કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે.
ડી. સિગારેટ અને દારૂ પીવાની અને કેફી પદાર્થનો ઉપયોગ કરવાનું તદ્દન બંધ કરો.
ઇ. માનસિક તનાવ (સ્ટ્રેસ) જેટલા પ્રમાણમાં વધારે હશે તેટલા પ્રમાણમાં ઇમ્યુનિટિ ઓછી થશે.