કહાં ગયે વો દિન! .
- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ
- ઑલિમ્પિકના ઇતિહાસમાં હૉકીમાં ભારતે શિખર અને તળેટી બંને જોયાં છે. 1928માં હૉકીના ઑલિમ્પિક ગોલ્ડમેડલ મેળવનારી ભારતીય ટીમ 1960 સુધી અપરાજિત રહી
કો રોના સાથે જીવવું સરળ છે, પણ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર સ્પોર્ટસને ટકવું મુશ્કેલ છે. કોરોના મહામારીએ દુનિયાના ઘણા દેશોને લોકડાઉનમાં પૂરીને ઘરબંધી કરી. એ લોકડાઉન અનલોક થઇને ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડે છે, પરંતુ હજી આ રમતની દુનિયા કોરોના સાથે મેળ પાડી શકતી નથી. ઑલિમ્પિક પાછી ઠેલાઇ. બીજી બધી સ્પર્ધામાં રદ થઇ ગઇ છે. સ્પોર્ટસ એસોસિએશનો દેવામાં ડૂબી ગયાં છે અને ઊભરતા ખેલાડીઓની આર્થિક સ્થિતિ કફોડી બની ગઇ છે.
ક્રિકેટઘેલું ભારત ઘણા સમયથી ક્રિકેટના કોઇ 'ડોઝ' વગરનું છે અને દુનિયાની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલ એવા સકંજામાં સપડાઇ છે કે હવે કેટલીક ટીમોએ ખાલી મેદાનોમાં 'ટેલિવિઝનની આંખે' ખેલવાનું સ્વીકાર્યું છે. એક માત્ર યૂરોપમાં લા-લીગા ફૂટબોલ સ્પર્ધા પ્રેક્ષકોની વચ્ચે ખેલાઇ રહી છે, જોકે એમાં પણ ઘણાં ખેલાડીઓ બાકાત રહે છે અને રોનાલ્ડો જેવા જગપ્રસિસિદ્ધ ખેલાડીઓ એ ખેલવા માટે તૈયાર નથી. જે સ્ટેડિયમો સ્પોર્ટસ વગર સાવ ખાલીખમ હતાં, ત્યાં ક્યાંક કોરોનાના દર્દીઓના પલંગ નંખાઇ ગયા છે, તો ક્યાંક આ સ્ટેડિયમો ઉજ્જડ અને ભેંકાર ભાસે છે. શું પ્રેક્ષકો વિના ખાલી મેદાન પર મેચ ખેલી શકાય ખરી ?
ક્રિકેટમાં એવી એક-બે ઘટનાઓ મળી આવે છે કે જ્યારે ખાલી મેદાન પર એકાદ દિવસ મેચ રમાઇ હોય, પરંતુ હકીકત એ છે કે આવું ખાલી મેદાન જોઇને ખેલાડીઓનો જુસ્સો ભાંગી જાય છે. પ્રેક્ષકોના અવાજો અને દેકારાઓથી ખેલાડીમાં જે જોશ આવતું હોય છે, એ જોશ પ્રેક્ષકો વગર લાવવું ક્યાંથી ? ગોલ થાય અને લાખો પ્રેક્ષકો સ્ટેડિયમમાં એક સાથે હાથ ઊંચા કરીને ઊભા થઇને બૂમો પાડે, એવી બૂમો અને એવો માહોલ લાવવો ક્યાંથી ? દર્શકો વિના બાઉન્ડ્રી કે સિક્સર લગાવવાની શી મજા આવે ?
ગોલ્ફ જેવી કેટલીક રમત શરૂ થઇ છે, પરંતુ એમાં ખેલાડીઓનો પરસ્પર સંપર્ક હોતો નથી. આથી આવી સંપર્ક વિહોણી રમતો ચાલી શકે. પણ સવાલ એ છે કે જે રમતો માનવ સંપર્ક ધરાવનારી છે, તેનું શું ? 'કોન્ટેક્ટ ગેઈમ'ની કઇ સ્થિતિ ? કુસ્તી કે કબડ્ડીનો વિચાર કરો. એમાં પરસ્પર શારીરિક ઘર્ષણ અનિવાર્ય છે.
વિરોધી મુક્કાબાજને લૉક કરવો અથવા તો કબડ્ડીમાં રેઈડર (આક્રમણ કરનાર) એટલે કે એક ખેલાડી વિરોધી ટીમના ખેલાડીઓના ઘેરામાં ઘૂસી જાય, તે કોરોનાના સમયમાં શક્ય નથી. આમાં ખેલાડીઓ વચ્ચેની કશ્મકશ જ મહત્ત્વની હોય છે. આવી રમતોનું શું ?
ભારતની રણજી ટ્રોફી મેચ કે કેટલીક સામાન્ય મેચો પ્રેક્ષકોની અત્યંત પાંખી હાજરી સાથે ખેલાતી હોય છે. પણ જો પ્રેક્ષકોની પાંખી હાજરી સાથે વન-ડે કે ટી-૨૦ યોજવામાં આવે, તો એનો રોમાંચ ચાલ્યો જાય અને એની એસોસિએશનને થનારી આવક સાવ ઓછી થઇ જાય.
બીજી બાજુ આ પરિવર્તનને સ્વીકારવાની માગ પણ ઊઠી છે. પ્રેક્ષકો વિનાના ખાલીખમ સ્ટેડિયમ હોય, તેનાથી શું થયું ? ખેલાડીઓને એમની તાકાત કસવાની તો અનુકૂળતા મળશે ને ! જો લાંબા સમય સુધી ખેલાડીને આવી કસોટીમાંથી પસાર થવાનું ન મળે, તો એ ધીરે ધીરે કટાઇ જાય છે. બીજી બાજુ એ પણ હકીકત છે કે રમતગમતમાં કાં તો થોડો સમય રાહ જોવી પડશે અથવા તો કોઇ પરિવર્તન લાવવું પડશે.
આપણે સમજીએ કે પરિવર્તન એ આપણો શત્રુ નથી બલ્કે આપણી વર્ષો જૂની શૈલી, સ્થિતિ, રીતભાત કે ઢબ બદલવાનો પડકાર છે. જૂનો રસ્તો છોડીને નવા રસ્તે ચાલવાનું સાહસ છે. આપણે વર્તમાન પરિસ્થિતિથી એટલા બધા ટેવાઇ ગયા હોઇએ છીએ કે જૂની પરિસ્થિતિનો સ્વીકાર કરવો મુશ્કેલ બને છે.
નવી પરિસ્થિતિ આવે એટલે એક પ્રકારની અકળામણ જાગે છે અથવા તો એમ કહેવાય કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે છે. ભારતને માટે એમ કહેવાય છે કે એ પરિવર્તનનો સ્વીકાર કરવામાં રાજી હોતું નથી. પણ સાથોસાથ બહારના પરિવર્તન સાથે તાલ મેળવવામા ંજો આંતરિક પરિવર્તન નિષ્ફળ જાય, તો માનવું કે અંત નજીક છે.
ભારતના રમતગમતના ઈતિહાસ પર દ્રષ્ટિ કરીએ તો એ ખ્યાલ આવશે કે નવાં પરિવર્તનો સ્વીકારવામાં કે એની સાથે તાલ મેળવવામાં આપણે નિષ્ફળ ગયા અને તેને પરિણામે ઘણા પરાજયો કે પીછેહઠ સહન કરવી પડી છે. કેટલીક તો એવી સમસ્યાઓનો સામનો કરવો પડયો કે જે સમસ્યા આજે સાવ હાસ્યાસ્પદ લાગે છે.
હૉકીમાં બૂટ પહેરીને રમવું કે ખુલ્લા પગે રમવું એની ચર્ચા થતી નથી. તો એક સમયે સરોજિની નાયડૂએ એમ કહ્યું હતું કે ક્રિકેટ ફૂટબોલ જેવી રમતો કોઇ કાળે સ્ત્રીઓ ખેલી શકે નહીં. એ વખતે સમગ્ર દેશ પર છવાયેલા કોમેન્ટ્રેટર બોબી તાલિયારખાને આવી વાતોનો વિરોધ કર્યો હતો.
ઑલિમ્પિકના ઇતિહાસમાં હૉકીમાં ભારતે શિખર અને તળેટી બંને જોયાં છે. ૧૯૨૮માં હૉકીના ઑલિમ્પિક ગોલ્ડમેડલ મેળવનારી ભારતીય ટીમ ૧૯૬૦ સુધી અપરાજિત રહી. ઑલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પુરવાર થઇને સતત છ ગોલ્ડમેડલ મેળવ્યા. ઑલિમ્પિકમાં સતત ૩૦ મેચોમાં ભારત વિજેતા રહ્યું. આઠ-આઠ ગોલ્ડમેડલ મેળવનારું ભારત હૉકીની બદલાતી તાસીરને સમજી શક્યું નહીં. ભારત 'ટર્ફ' પર હૉકી ખેલતું રહ્યું, જ્યારે બીજા દેશોએ આર્ટિફિશિયલ ફાર્સ્ટ પીચ પર રમવાનું નક્કી કર્યું. આજે પાછો યુરોપીય દેશોનો ઇરાદો ભારત અને પાકિસ્તાનને હૉકીમાં પાછા પાડવાનો હતો. ભારત 'ટર્ફ' પર ખેલતું હોવાથી યૂરોપમાં પરાજિત થતું રહ્યું એની પીછેહઠ થઇ અને એક સમયે ઑલિમ્પિકની સર્વશ્રેષ્ઠ ટીમ ગણાતી ભારતીય ટીમને ઑલિમ્પિક સ્પર્ધામાં સ્થાન પામવા માટે ફાંફા મારવા પડે છે.
તાજેતરની એક ઘટના પર પણ નજર કરીએ. ઑસ્ટ્રેલિયાએ ભારતને ઑફર કરી કે એક ટેસ્ટમેચ પિન્ક બોલથી રમીએ. ભારતે એની માનસિકતા પ્રમાણે એનો અસ્વીકાર કર્યો અને ભારતીય ક્રિકેટ બોર્ડે આ દરખાસ્ત નામંજૂર કરી. એ પછી ઇંગ્લેન્ડે એક ટેસ્ટ મેચ પિન્ક બોલથી રમવાની દરખાસ્ત કરી. મોડે મોડે જાગેલા ભારતીય ક્રિકેટ બોર્ડને સમજાયું કે જો હવે પિન્ક બોલથી નહીં રમીએ, તો ભવિષ્યમાં એ ટેસ્ટ ગુમાવવાનો જ વારો આવે.
આથી કૉલકાતામાં બાંગ્લાદેશ સામે ભારતે પિન્ક બોલથી રમવાની શરૂઆત કરી અને આગામી ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં પણ પિન્ક બોલથી રમવાની શરૂઆત કરી અને આગામી ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં પણ પિન્ક બોલથી ખેલવાની દરખાસ્તનો સ્વીકાર કર્યો.
આજે માસ્ક ફરજિયાત છે. એક સમયે બેટ્સમેનને હેલમેટ પહેરવું કે ન પહેરવું, એનો વિવાદ જાગ્યો હતો. હેલમેટ નહીં પહેરવાને કારણે ઘણાં ફાસ્ટ બોલરોના વેગીલા ઝડપી દડા બેટ્સમેનોને ધૂ્રજાવી ગયા હતા. મોહિન્દર અમરનાથ હંમેશાં ખિસ્સામાં શુકનિયાળ લાલ રૂમાલ રાખીને બેટિંગ કરવા જતો હતો.
સુનિલ ગાવસ્કર, ઇમરાનખાન, વિવિયન રિચાર્ડ્સ જેવા વિશ્વવિખ્યાત ખેલાડીઓએ મોહિન્દરની અપ્રતિમ પ્રશંસા કરી છે. એ મોહિન્દરે હેલમેટ પહેર્યા વગર ઝડપી ગોલંદાજીનો સામનો કર્યો. એના માથા પર ઘણા ઘા વાગ્યા અને એને પરિણામે એનો આત્મવિશ્વાસ થોડો ડગ્યો હતો. આખરે હેલમેટ પહેરવાનું સ્વીકાર્યું.
ક્યારેક પરિવર્તન તે નવી દિશા આપતું હોય છે. કેરી પેકરની વર્લ્ડ ક્રિકેટ સિરિઝમાં ખેલાડીઓ રંગીન કપડાં પહેરીને રમવા ઊતર્યા. ચૅનલ-૯એ ક્રિકેટ પ્રસારણનો નવો દબદબો ઊભો કર્યો. કાળો સ્ક્રીન રાખવામાં આવ્યો અને ક્રિકેટમાં એક એવું પરિવર્તન આવ્યું કે જેણે શિસ્તબદ્ધ રૂઢિચૂસ્ત અંગ્રેજ પ્રજાની રમતમાં પરિવર્તન આણ્યું. એવું જ પરિવર્તન કબડ્ડીની બાબતમાં આવ્યું છે. પ્રો-કબડ્ડી લીગની આજથી છ વર્ષ પહેલા સ્થાપના થઇ.
ભારતમાં ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ ખેલતી આઈ.પી.એલ.ને લક્ષમાં રાખીને આ પરિવર્તન કરવામાં આવ્યું. સ્ટાર સ્પોર્ટ્સે એમાં મદદ કરી અને ટેલિવિઝનના દર્શકોએ અનુકૂળ આવે એ રીતે કબડ્ડીના નિયમોમાં અને એની પ્રસ્તુતિમાં પરિવર્તન કરવામાં આવ્યું, જેને કારણે આ સ્પર્ધા ભારતમાં અકલ્પ્ય લાગે તેવી લોકપ્રિયતા હાંસલ કરી શકે છે.
વર્તમાન પરિસ્થિતિમાં સ્પોર્ટ્સની દુનિયા પરિવર્તન માટે થનગનતી રહી છે. કોરોના વાયરસનું રહસ્ય હજી ઉકેલાયું નથી, એ જ રીતે આ સ્પોર્ટ્સને કેવી રીતે જીવંત રાખવી એ રહસ્ય પણ હજી સમયની પેટીમાં બંધ છે.
મનઝરૂખો
વિખ્યાત મનોવિજ્ઞાાની એડગરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માનવીના મનને સૌથી વધુ પુષ્ટ કરે એવી કઇ બાબત છે ? આગંતુકે એની જિજ્ઞાાસા દાખવતાં કહ્યું, કે જેમ માનવીના શરીરને માટે પૌષ્ટિક ખોરાક મહત્વનો છે, તેમ મનનો સૌથી વધુ પૌષ્ટિક ખોરાક કયો ?
મનોવિજ્ઞાાની ઊંડા વિચારમાં સરી ગયા અને પછી એમણે આગંતુકને કહ્યું, ''ભાઇ, દરેક વ્યક્તિનાં ચિત્ત જુદાં જુદાં હોય છે. એમનાં વલણો અને અભિગમો નોખાં હોય છે. એમની પ્રકૃતિ અને એમની પસંદગી ભિન્ન ભિન્ન હોય છે. આ સહુના મનને પુષ્ટ અને તુષ્ટ કરે એવી કોઇ એક જ બાબત હોય, તો તે છે મહત્તા.''
આગંતુકને આ સાંભળીને અપાર આશ્ચર્ય થયું. એણે કહ્યું, ''તમારી વાત મને સમજાઇ નહીં.''
મનોવિજ્ઞાાની એડગરે કહ્યું, ''જુઓ, રાષ્ટ્રપ્રમુખથી માંડીને સામાન્ય પટાવાળો પણ એના અંતરમાં કોઇ છાને ખૂણે મહત્તાની ભાવના સેવી રહ્યો છે. પ્રત્યેક માનવીના ચિત્તમાં આ ભાવ સદાય વસતો હોય છે. આ ભાવને જે પારખે છે, તે માનવીની કાર્યશક્તિને પ્રગટ કરી શકે છે, આથી મહત્તા એ મનને પુષ્ટ કરનારની સૌથી મોટી બાબત છે.''
''ધારો કે તમે આવી મહત્તા આપો નહીં તો ? શું એ મૃત્યુ પામશે ? શું એ નિરુત્સાહ ને ઉદાસીન બની જશે ?''
''ના. એ તનથી મૃત્યુ પામતો નથી, પરંતુ મનથી મૃત્યુ પામે છે. એના હૈયામાં ન તો પ્રેરણા હોય છે કે ન તો ઉત્સાહ, એને પરિણામે જીવન પ્રત્યેની નિરાશા વધતી જાય છે અને કાર્ય પ્રત્યેની નિષ્ઠા ઘટતી જાય છે, આથી મહત્તા આપવાથી વ્યક્તિના હૈયામાં જાદુઇ કામ કરી જાય એવી ચેતનાનો સંચાર થાય છે.''
ક્ષણનો સાક્ષાત્કાર
'જલકમલવત્' શબ્દનો ભાવ આ જીવનમાં સાંપડી જાય તો ? જળમાં કમલની જેમ રહેવાની કલા હસ્તગત થઇ જાય, તો માનવીનો બેડો પાર થઇ જાય. એ જીવન જીવતો રહેશે, પરંતુ એની ફરિયાદ નહીં કરે. જીવનમાં બનતી દુ:ખદ ઘટનાઓને એ પૂર્વકર્મનાં પરિપાકરૂપે ઘટાવશે અને કર્મનો ખેલ માનીને એની સાથે તાલ મેળવશે.
તકલીફોથી એ ત્રાસ નહીં અનુભવે, પ્રતિકૂળતાથી એ પરેશાન નહીં થઇ જાય. ગંભીર બીમારીને કારણે મોતના ભયથી ધૂ્રજવા નહીં લાગે, કારણ કે પોતાનાં કર્મોની સમજે એને આ સઘળી આપત્તિઓથી જલકમલવત્ બનાવી દીધો છે.
કેટલીક વ્યક્તિઓ આખું જીવન ફરિયાદમાં ગાળે છે. જો જળકમળવત્ રહેવાની કલા શીખી લઇએ તો વ્યક્તિના ચિત્ત પર બાહ્ય ઘટનાઓ આઘાત કરી શકતી નથી. એને ક્યારેય ગુસ્સો આવતો નથી અથવા તો અતિ તીવ્ર શોક થતો નથી. કારણ કે એ પ્રતિકૂળ પરિસ્થિતિને પોતાની પરીક્ષા માનીને એમાંથી પાર નીકળવાનો પ્રયત્ન કરતો હોય છે. આવેલી આપત્તિઓ અને કષ્ટોને એ કસોટી માનીને એમાંથી બહાર નીકળવા પુરુષાર્થ કરે છે.
એક વાર જળકમળવત્ રહેવાની કલા હાંસલ થઇ જાય પછી સંસાર દુ:ખદાયી નહીં લાગે. જગત સામે ફરિયાદ કરવાપણું નહીં રહે. માણસોની કુટિલતા તમને અકળાવશે નહીં અને એ રીતે જે આનંદ અછતના સમયે ભોગવતા હતા એવો જ આનંદ અછતના સમયે પામી શકશો. એ તમારા મનમાં 'સુખદુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં' એ પંક્તિઓનું ગુંજન પેદા કરશે.