Get The App

ઓનલાઈન 'ટીચિંગ' અને ઓફલાઈન 'લર્નિંગ' શિક્ષણ દીવાલમાં નહિ, દિલમાં હોવું જોઇએ!

- સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

- જ્ઞાાનની અનુભૂતિ ન હોય તો એ અભિનય બની જાય! નવા પરિવર્તનનો સ્વીકાર જો વર્તનમાં નથી, તો કેળવણીમાં મેળવણી જાણવી!

Updated: Jun 28th, 2020

GS TEAM

Google News
Google News
ઓનલાઈન 'ટીચિંગ' અને ઓફલાઈન 'લર્નિંગ'  શિક્ષણ દીવાલમાં નહિ, દિલમાં હોવું જોઇએ! 1 - image


ઓ નલાઈન ઓર્ડર કરેલું એક પાર્સલ આવ્યું, કિચનમાં ઉપયોગમાં લેવાના ઇલેક્ટ્રોનિક ગેજેટનું ભણેલી ગૃહિણીએ ખોખું ખોલ્યું : છુટા સાધનો એસેમ્બલ કરવાનું 'ઇસ્ટ્રકશન મેન્યુઅલ' જોડે હતું. એ વાંચીને એને જોડવાનો પ્રયાસ કરવામાં બહેન થાકી ગયા. કંટાળી બધું ટેબલ પર મૂક્યું.

બહારથી સાંજે પરત આવ્યા તો, સરસ રીતે બધું જોડાઈને ડિવાઇસ 'રેડી ટુ ફંકશન' પડયું હતું! અચરજથી એમણે અભણ કામવાળીને પૂછ્યું. શેઠાણીને કામવાળીએ એ જોડયું એ જાણી ઓર નવાઈ લાગી. 'તને કેવી રીતે આવડયું?' એ સવાલના જવાબમાં કામવાળી કહે : 'જ્યારે તમને સૂચનાઓ વાંચતા ન આવડે, ત્યારે ફરજીયાત તમારે મગજ દોડાવવું પડે છે!'  

થોડા વર્ષો પહેલાં આવેલા સુપરહીરો ફિલ્મોના ઘોડાપૂર વચ્ચે ભારતીય મૂળના 'શિવહંસ' પ્રોડકશનનો ય જેમાં ફાળો હતો, એવી એકટર-ડાયરેકટર મેટ રોસની મસ્ત અમેરિકન ફિલ્મ આવી હતી : કેપ્ટન ફેન્ટાસ્ટિક.

ના, આમાં દુનિયા બચાવતા કોઈ સુપરહીરોની વાત નહોતી. પણ પોતાનો પરિવાર બચાવતા એક જગતથી ઉફરા (યાને ઉંધા, અવળા પણ ઇન એ પોઝિટિવ વે) ચાલતા ફાધર હીરોની વાત હતી. નામ મુજબ થોડી ફેન્ટેસીવાળી. જેમાં એક હોશિયાર બાપને આસપાસના ઓર્ગેનાઇઝડ રિલિજીયન, પોલિટિક્સ એન્ડ કોર્પોરેટથી પ્રદૂષિત વાતાવરણ સામે વાંધો છે. એને કોઇની બનાવેલી ફિકસ્ડ ફ્રેમમાં નથી જીવવું. કોઇને નડયા-કનડયા વિના ખુદની ઓળખ ઘડવી છે. એવું વાતાવરણ બનાવવું છે. એ કેરટેકર છે, લવર છે, ફાધર છે અને ટીચર છે. એને કોઈ ડાબેરી સામ્યવાદ જેવી ક્રાંતિમાં કે ઇસાઇ-ઇસ્લામ જેવી અતિશ્રદ્ધાની ભ્રાંતિમાં રસ નથી. એ તો અસલી હિન્દુ ઋષિની જેમ પ્રકૃતિના ખોળે જજમેન્ટલ થયા વિના રહસ્યોના સત્યો શોધવામાં અને સહજ જીવન જીવી લેવામાં રસ ધરાવે છે.

એટલે માનસિક બીમાર પત્ની એના ધનકુબેર પિયરમાં સારવાર હેઠળ છે, ત્યારે એ ગાઢ જંગલમાં હેનરી ડેવિડ થોરો જેવો ફિલોસોફર રહેવા ગયેલો એમ કુટિરો બાંધીને રહે છે. આધુનિક વિશ્વનો તિરસ્કાર નથી કરતો. એની ભેંટ જરૂરી હોય એ વાહનથી વસ્ત્રો, પુસ્તકોથી પ્રસાધનો સુધી સ્વીકારે છે. પણ એની 'ઇન્ફ્લ્યુઅન્સ' યાને અસરમાં જીવતો જણ નથી. અને બાળકોને ય એવી અસરો વિના જીવતા શીખવે છે. રાધર, એ શીખવતો નથી. છથી અઢાર વર્ષના દીકરા-દીકરીઓ જાતે જ બધું પ્રકૃતિના ખોળે રમતાં ભમતાં શીખે, એવો માહોલ તૈયાર કરીને એમને આપે છે. રિયલ નર્ચર ઓફ પેરન્ટિંગ. એ સપનું શરૂઆતમાં હમખયાલ હમસફર પત્ની સાથે એણે ઉછેરેલું છે. જે સ્ત્રી અમીર હોવા છતાં આવા અલગ ક્રાંતિકારી ખયાલોથી એના પરિવારથી અલગ છે. માટે તો એના પ્રેમને એના રઇસ પિતા ગાંડિયાના વહેમ સમજે છે.

ફિલ્મ આખી ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલિંગની 'મેથડોલોજી' અઢળક સીન્સમાં કોમ્યુનિકેટ કરે છે. જંગલમાં પરમેનન્ટ કેમ્પસાઇટની જેમ રહેતા બાળકો વધુ ફિટ છે. ચંચળ છે. સર્વાઇકલ સ્કિલ્સ આદિમાનવોની જેમ નેચરલી એમનામાં ખીલી છે. ફરજીયાત શહેરની સફર કરવી પડે છે, ત્યારે જંક ફૂડ પીરસતાં રેસ્ટોરાંનું મેનૂ જોઇને ભૂખ એમને નથી લાગતી, સૂગ ચડે છે! જાહેરાતો એમના દિમાગને અસર નથી કરતી. સ્કૂલમાં ભણતા એમના અર્બન કઝીન કરતાં એમના નોલેજનું વોલ્યુમ અને ક્લેરિટી વધુ છે. કારણ કે, એમણે જ્ઞાાન પરીક્ષાઓ પાસ કરીને માર્કસ મેળવવા પ્રાપ્ત નથી કર્યું. નવું જાણવાના રસિક-રોમાંચક કૂતુહલ થકી કોઈ પરીક્ષાની લટકતી તલવાર ન હોય, તો ય મેળવ્યું છે. શારીરિક-માનસિક-ચૈતસિક વિકાસનું સંતુલન છે. એમની વિપ્લવી મા ય વસીયતમાં લખે છે, 'મને કોઈ ધર્મ નથી આકર્ષતો. પણ દરેક ધર્મોમાં જે શુભ ચિંતન છે, એ આકર્ષે છે. બૌદ્ધ (હિંદુ) પરંપરા મુજબ મારા મૃતદેહનો અંતિમસંસ્કાર બાળીને કરવો. શોકને બદલે નાચી ગાઈ એનો ઉત્સવ ઉજવવો. આત્માના સંગીતને વહેવડાવવું ને ગાવું સાંભળવું. ખાણીપીણી ઉજાણી બાદ એની રાખ કોઈ ભીડવાળી જગ્યાએ ફ્લશ કરીને કથા સમાપ્ત કરી, યાદો જેમને જીવન મળ્યું એમનામાં જાળવવી!'

મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ગાઇડેડ સેલ્ફ લર્નિંગમાં કોઈ વાતનો 'શાસ્ત્રોમાં કહ્યું છે... આપણી સંસ્કૃતિ આમ છે... પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે... નહિ કરો તો પાપ થશે...' જેવો રેડીમેઇડ, ધરાર સ્વીકાર નથી. એને ખુલ્લા મનના પડકાર બાદ મન માને તો જ અપનાવવાનું છે. પ્રશ્નો પૂછવાની, શંકા પૂછવાની, ચર્ચા કરવાની છૂટ છે. પણ કક્ષા ગુમાવી વ્યક્તિગત નફરત વિના. મજાકિયા મોજીલા અંદાજમાં. વડીલ કે ગુરૂને પરાણે પગે લાગવાની વાત નથી. એમની જોડે ય અસહમતી પ્રગટ કરીને મક્કમતાથી એમના તરફ અણગમો રાખ્યા વિના ખુદનો મત ઘડી શકાય છે. આ નવીનતાની ડાળીઓ વિકસે નહિ તો ફળ-ફુલ-પાન-ટહૂકાથી સમૃધ્ધ વૃક્ષ બને જ કેવી રીતે? માત્ર લાકડાની જડ બેન્ચ એવા મૂળિયા-થડિયાં જ રહે! જેટલા સગવડદાયી આવિષ્કાર આપણે ભોગવીએ છીએ એની પાછળ કોઇ ને કોઇ ઈનોવેટરનું ચાલુ ચીલાને છોડવાનું ને નવી કેડીએ ચાલવાનું સાહસ છે!

ધેટ્સ ધ કી ઓફ એજ્યુકેશન. ક્રિએટિંગ ક્રિટિકલ થિંકિંગ. બધાં સાવજ ન થઈ શકે. પણ એનો અર્થ એવો ય નહિ કે બધાં ઘેટાં થઇને જ રહે! ખુદનો વોઇસ તો રાખે. એટલે કેપ્ટન ફેન્ટાસ્ટિકની હોમ સ્કૂલિંગવાળી ટોળીને કોઇ છોછ નથી. ત્યાં નાની દીકરી બાપને પૂછી શકે છે કે 'સેક્સ અને રેપ - એના કાને અથડાતા આ બે શબ્દોમાં શું ફરક છે?' અને બાપ અસહજ થયા વિના શાંતિથી એને 'પ્લેઝર' અને 'પેઇન' વચ્ચેનો, વિલફુલ એક્ટ (સ્વેચ્છાએ) અને ફોર્સફુલ એક્ટ (બળપૂર્વક, પરાણે)નો તફાવત શેરીઓના અધૂરિયા જ્ઞાાનનો વિડિયો ફોરવર્ડ કર્યા વિના પ્રેમ અને વિજ્ઞાાનથી સમજાવીને ઘડી શકે છે. બહારની દુનિયામાં પગ મૂકતા યુવાન પુત્રને કહી શકે છે : તને ગમતી છોકરીઓ સાથે દોસ્તી કરજે. એની સાથે સૂઇને આનંદ કરજે. પણ એમને પરેશાન ન કરતો. એ ના કહે તો એને રિસ્પેક્ટ આપજે. એમનું આકર્ષણ થાય તો પ્રેમના નામે છેતરતો નહિ. એમને સમજીને વાતો કરજે. સચ્ચાઇનો માર્ગ આસાન ન હોય પણ એ જ લેવાનો. મરવા માટે નહિ, જીવવા ને જીવાડવા. દરેક દિવસ છેલ્લો છે, એ માની કોઇની પરવા વિના બિન્દાસ જીવી લેવાનું. શ્વાસ એના માટે છે!

અને દીકરી સાથે 'લોલિતા' જેવી નવલકથાના પાત્રોના ડાર્ક મનોભાવોની ખુલ્લી ચર્ચા કરી શકે છે. કંપનીઓએ કબજે કરેલી જીંદગીના કન્ઝ્યુમરિઝમ સામે ચેતવી શકે છે, ને જેના પુરતા પુરાવા નથી એવા હજારો વર્ષો પહેલાના ભગવાનોના તહેવારો ઉજવીએ, તો જે વિજ્ઞાાનીઓ, કળાકારો, ફિલસૂફો થઇ ગયા જેમને લીધે માનવજાત બહેતર બની એમના દિવસોને પર્વ કેમ ન માનીએ! (ફિલ્મમાં બાળકો ક્રિસ્મસને બદલે નૉઆમ ચોનસ્કી ડે ઉજવે છે!)ને આવી વાતો ન ગમે, તો પપ્પા / શિક્ષકે કહ્યું એવી ફરજિયાત જોહૂકમી નહી. લેટ્સ ડિસ્કસ. પ્રૂવ યોર પોઇન્ટ. એન્ડ ફ્રી ટુ હેવ યોર ફેઇથ. દસ વરસનું ટાબરિયું બળવો ય કરી શકે!

આ ઘેર રહીને, પણ ઘરની ય ચાર દીવાલોમાં બંધ થયા વિના મેળવાતું શિક્ષણ છે. જેમાં સ્માર્ટફોનમાં આવતા ફાલતુ ફોરવર્ડની ચરણચંપીમાં વિચારો ગીરવે મૂકવાના નથી. જાતને અને જગતને વિવેકથી સવાલો પૂછવાના છે. આકાશના તારાઓ જોતાં ય શીખવાનું છે વૈજ્ઞાાનિક રીતે, અને કવિતાની પંક્તિઓ ઉકેલતા ય સાહિત્યિક રીતે. કોઇ એક જ વિષયની ગુલામી નથી. પગાર મેળવવા માટે નહિ, જીવન સમજવા માટે ભણવાનું છે. ગળી જવા માટે, ગોખવા માટે નહિ પણ પર્સોક્ટિવ, દ્રષ્ટિકોણ ઘડવા વાંચવાનું છે. ક્વોન્ટમ ફિઝિક્સથી યોગધ્યાન સુધીની રેન્જ બનાવવાની છે. સારાને સારું, ખરાબને ખરાબ કહેવાનું છે : કોઇ દેશ, રંગ, ધર્મ, જાતિ, જેન્ડર વચ્ચે લઇ આવ્યા વિના.

અલબત્ત આના અતિરેકની પણ ફોલ્ટલાઇન્સ ફિલ્મમાં સાક્ષીભાવે દેખાડાઇ છે. તદ્દન સ્વતંત્ર કે નાણાવિહીન જિંદગી ફિલમ ફેન્ટેસી છે. રિયાલિટીમાં એમ ટકી શકાતું નથી. યુવાન છોકરો પહેલી વાર મળેલી છોકરીને કિસની સાથે સીધી મેરેજ પ્રપોઝલ મૂકી દે એમાં છોકરી ડઘાઇ જાય છે! સ્ટ્રેઇટ ફોરવર્ડ થિંકિંગ તમને સમાજમાં સાવ મિસફિટ કરી દે. એવા આઉટસાઇડર ન બનવું હોય તો થોડું વ્યવહારજ્ઞાાન કેળવવું પડે. શું બોલવું, શું ન બોલવું એના પ્રમાણભાનની 'વિવેકબુદ્ધિ' રાખીને ક્યારેક ન ગમતું ય ફરજ કે સેવાના ભાગરૂપે કરવું પડે. લાગણીનું માન જાળવવું પડે. અમુક વખતે અમુક પુખ્તતા વિના બધું જ્ઞાાન આપવું એ ય નકામું. આપણા વન્ડર એન્ડ ફન સાથે સમાજ એની વિકૃત ટાંટિયાખેંચની રમતો કરી શાંતિ ન હણી લે, માટે ચાલાક મુકાબલો કરતા અને ખુદની ખુશી ફરતે પ્રોટેક્ટિવ કિલ્લો રચતાં ય આવડવું જોઇએ. વળી, મેડિકલ જેવી કોઇ ઈમરજન્સી હોસ્પિટલ પણ જોઇએ, લોકોનો સહયોગ ને રૂપિયા પણ જોઇએ.

ફિલ્મમાં આ કન્ફ્રન્ટેશન છે. બહુ સ્પષ્ટ ઉકેલ વિના. થોડા સમજણપૂર્વકના સમાધાનો ય છે. આ વાત છેડી એ અધૂરી રાખે છે, ત્યાં એક નવલકથા પરથી બનેલી અને નેટફ્લિક્સમાં ઉપલબ્ધ 'લિવ નો ટ્રેસ' ફિલ્મ પણ જોવા જેવી છે. એમાં ય જંગલમાં રહેતા પિતા-પુત્રી છે. પિતા પૂર્વ સૈનિક છે, જે માનસિક બીમારીને લીધે સમાજ વચ્ચે જીવી નથી શકતો, ટીનએજર દીકરી બાપને બહુ ચાહે છે. સાથ પણ આપે છે.પણ જેમ અનુભવ થાય એમ સમજે છે કે સ્કૂલ કોલેજ માત્ર 'ઈન્ટલેકચ્યુઅલ સ્કિલ' માટે નથી. સોશ્યલ સ્કિલ માટે ય છે.'ઈન્ટરપર્સનલ રિલેશન' સમજવા શીખવા માટે છે. નવી વાતો, નવા મિત્રો, નવી ઉઘડતી દિશાઓ, કોમ્યુનિટી લિવિંગ - બધા સાથે રહેવાના સંયુક્ત આનંદો... 'લિવ નો ટ્રેસ' ખામોશીની, ધીમી ધારે ખુલ્લી લીલોતરીમાં પડતા વરસાદ જેવી ફિલ્મ છે. જ્યાં અંતે લાગણી બરકરાર રાખી, દરેકે પોતાના રસ્તા જાતે શોધવાના છે, એ શરૂઆત છે...

કોવિડ ૧૯ને લીધે યુનેસ્કોના અહેવાલ મુજબ જ ગતના ૧.૨૬ અબજ વિદ્યાર્થીઓની સ્કૂલ બંધ થઇ ગઇ છે. આખી પૃથ્વીમાં એનો હાહાકાર છે. ભલભલા મેગેઝીનો કવરસ્ટોરીઝ બનાવે છે. સાઉથ કોરિયા જેવા અમુક ફારઇસ્ટના દેશોએ કોરોના કાબૂમાં આવતા સાવચેતી સાથે સ્કૂલો શરૂ કરી છે. ફિન્લેન્ડમાં તો પહેલેથી જ 'ડિસ્ટન્સ લર્નિંગ'નું ઘેરબેઠાં ભણવાનું ઈન્ફ્રાસ્ટ્રકચર રેડી હતું. જાપાન કે ઈસ્ટોનિયા જેવા દેશોનાં કરક્યુલમનો અડધોઅડધ હિસ્સો એક્ઝામ સાથે કનેક્ટેડ ન હોય એવી એક્ટિવિટીઝનો છે. એ શરૂ થઇ છે. નેધરલેન્ડ્સમાં નાના-નાના ગુ્રપમાં અમુક દિવસે શાળા શરૂ, બાકી પાડોશ મુજબ જૂથ બનાવી ડિજીટલ ક્લાસ એવું શરૂ થયું છે. બ્રિટનમાં ભારતની જેમ પોતપોતાની રીતે બધા આયોજનો કરે છે. અમેરિકા ઓનલાઇનની મથામણમાં છે. ફ્રાન્સમાં તજવીજ બધાને સિંગલ ઓનલાઇન પોર્ટલ તરફ વાળવાની ચાલે છે.

કેવી અજીબ જેવી વાત છે? ક્યારેક થાય એ યુદ્ધ માટે આપણે અબજોના ખર્ચે રોજ તૈયારી અને અભ્યાસ કરીએ છીએ, જે સંરક્ષણ માટે જરૂરી પણ માનો. છતાં એટલી ખબરદારી હેલ્થ એન્ડ એજ્યુકેશનમાં કોઇ રોગચાળા કે કુદરતી આફતને લીધે બધું ખોરંભે પડે, ત્યારે શું કરવું એની નથી. વિશ્વભરમાં નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૭૨% ઘેર બેઠાં છે આજે સ્કૂલ વિના એવું યુનેસ્કો કહે છે. ભારતમાં એ સંખ્યાનો અંદાજ ૩૨ કરોડનો છે! નેટના હજુ ધાંધિયા શહેરોમાં ય છે. 

નેટવર્કની આવનજાવન વચ્ચે હોમવર્ક ગોટે ચડી જાય, એવો ઘાટ છે. ઝૂમ, વૉટ્સએપ, સ્ટ્રીમયાર્ડ, ગૂગલ મીટ, સ્કાયપીની બોલબાલા વધી ગઇ છે. અત્યાર સુધી કારણ વગર આડા હાથ કરી ઈન્ટરનેટ, મોબાઇલ, ટેબ, લેપટોપ-કોમ્પ્યુટરથી બાળકોને દૂર રાખવા મથતા મા-બાપે હવે એમને એ ડિવાઇસ લઇ દેવા પડે, એવી હાલત છે! ઈચ્છા હોય તો ય ઘણા મિડલ ક્લાસના પેરન્ટ્સ પાસે એટલું બજેટ નથી. શોખથી કોર્સેરા, યુડેમી, એડએક્સ, જેવા વેબ પ્લેટફોર્મ પર જવાન થઇને ઈ-લર્નિંગથી કોર્સ કરવા એક વાત છે. પણ નાના બાળકોને કોન્સ્ટન્ટ એટેન્શન જોઇએ. ટીચર માત્ર ઈન્ફોર્મેશન પ્રોવાઇડર નથી. મોટીવેટર પણ છે. યુટયુબ પર શ્રેષ્ઠ જ્ઞાાન રસપ્રદ રીતે મળશે. પણ માથે ફરતો હાથ કે સાવધાની રાખતી નજર નહિ મળે!

પેરન્ટ્સ લાંબા લોકડાઉન ને આર્થિક મૂંઝવણોને લીધે ફ્રસ્ટ્રેટેડ છે. લાંબા સમયથી ઘરમાં રહેલા બાળકોથી થાક્યા છે, અને આવક વગર ફી કેમ ભરવી એની ચિંતામાં છે. શાળાસંચાલકો ઈન્વેસ્ટમેન્ટ કર્યા બાદ ટીચર્સને પગાર કેમ આપવો ને નામ કેમ ટકાવવું એની દુવિધામાં છે. વળી અમેરિકા હોય કે ભારત - બધે વત્તેઓછે અંશે ડિજીટલ ડિવાઇડ છે.અમુક જગ્યાએ પૂરતા સાધનો નથી. અમુક જગ્યાએ નેટવર્ક નથી. કુમળી વયે વધુ પડતો મોબાઇલ/લેપટોપનો બેરોકટોક વપરાશ થાય, તો આંખ અને ફોકસ (એકાગ્રતા)ને ય થોડી અસર આવે. ઉંઘવાની પેટર્ન પર સ્ટ્રેસની અસર વર્તાય. ને અમુક વખતે ટીચર કે સ્ટુડન્ટ ઓનલાઇન પણ ભણાવવા કે ભણવા સિવાય ટાઇમપાસની આડી લાઇને ચડી જાય તો સુપરવિઝન રહે નહિ.

ઘણા જોક બન્યા છે, કાર્ટૂન વાઇરસ થયા છે, ઓનલાઇન એજ્યુકેશનના કરન્ટ સિનારિયો પર. પણ મામલો હસી કાઢવા જેવો નથી. સિરિયસ છે. અમુક પરિવર્તનો સ્વાભાવિક રીતે અપનાવો નહિ, તો અચાનક કાળચક્રમાં તેને એડજસ્ટ કરતો આંચકોધક્કો આવતો હોય છે. ડિજીટલ ટેકનોલોજીને બ્લેકબોર્ડ કે બોલપેન જેવા ટૂલ તરીકે ન અપનાવનાર જૂનવાણી મૂર્ધન્યોની હાલત કફોડી છે. ટીનેજર તો ચેન્જ ઝપાટાબંધ અપનાવી લેશે, પણ આ પાકટ વયના કેટલાક વિદ્વાનોને સામે કોઇ બેઠું ન હોય એમ વેબકેમ સામે તાકીને ભણાવવાનું, બોલવાનું ફાવતું નથી. ક્લોઝ અપમાં દેખાતા ચહેરાઓમાં બોડી લેંગ્વેજથી ક્લાસમાં ઊભો થતો વટ કરમાઇ ગયો છે!

પણ આપણે ત્યાં આઉટસાઇડ ધ બોક્સ વિચારવાની આદત જ જન્મજાત કેળવાઇ નથી. તત્વચિંતનના દાર્શનિક વારસાની 'સા વિદ્યા યા વિમુક્તયે'ની મોકળાશ જ આપણે ખોઈ નાંખી છે ને બીજાની વાનરનકલમાં ધર્મની ય હવે તો જડબેસલાક વાડાબંધી કરી નાખી છે. જરાક જુદું અર્થઘટન કરી નવી વાત મૂકો તો ગયા કામથી! મઝહબપરસ્ત મુલકોની જેમ ભગવાન બાબતે કશું કહેવાય નહિ 'ઇશનિંદા' ઉર્ફે બ્લાસ્ફેમી થાય, પણ સાયન્સ બાબતે મોટા મોટા નેતાઓ ય મનફાવે એવી બ્લાસ્ફેમી કરે તો સાંસ્કૃતિક જાગરણ કહેવાય!

આપણા શૈક્ષણિક સુધારાઓની નજર પણ હજુ પુરાતન ભૂતકાળમાં જ છે. આગામી ભવિષ્યમાં નથી. અભિનેતા કરતા સાયન્સ સ્કોલર વધુ એવા સુશાંતસિંહ રાજપૂતે એક બેઝિક ક્વેશ્ચયન ઉઠાવ્યો હતો. એના પર ઑનલાઇન અદાલતો માંડી બેસનારાઓએ એ બાબતે નેશનલ ડિબેટ નથી કરી! એ બતાવે છે કે આપણે નામદામના 'અર્નિંગ'માં જેટલા પાવરધા છીએ, એટલા 'લર્નિંગ'માં નથી. સુશાંતે કહેલું કે, જે ઝડપે દુનિયા બદલાય છે, એ ઝડપે આપણા અભ્યાસક્રમો કે પરીક્ષા પદ્ધતિ બદલાતી નથી. મોંઘી હાઇટેક શાળા- કોલેજોમાં ભણીને બાળક બહાર આવે છે, ત્યારે પણ પ્રેશરમાં હોય છે સકસેસના, બિઝનેસના, જોબના. કન્ફ્યુઝડ જ રહે છે. કારણ કે પરીક્ષા અને જીવનની કસોટી વચ્ચે ગેપ છે. જે રાતોની રાતો વાંચીને ભણ્યા, એમાંનું મોટા ભાગનું પ્રેક્ટિકલી આઉટડેટેડ થઈ ગયું છે. તો ફ્યુચર પર ફોકસ કરતું એજ્યુકેશન બનાવો. પાસ્ટની આંગળી પકડશો તો તમે ય ભૂતકાળ થઈ જશો!

કેમ ભણતરમાં 'હાયકારો' લાગે છે. નવું શીખવાની મજાનો 'હાશકારો' નથી? હુ વોટ એન્ડ હાઉનું જ ગોખ્યા કરવાનું, પણ વ્હાયનું કનેક્શન જ નહિ? સફળ જ બનાવવા છે બધાને સંતાનોને, માણસ તરીકે સરસ નથી બનાવવા? શરીર વિશે જ શરમ અનુભવતી પેઢી હશે, તો સૌંદર્યનું સર્જન કરતા ભેજાઓની પેટન્ટ વિદેશી જ નહિ રહે? શિક્ષિત માણસ ડિગ્રીધારી હોવા છતાં કેમ વિચારોમાં ઝનૂની કે પછાત રહે છે? એજ્યુકેશન નાતજાતધર્મના વાડા ઘટાડવાને બદલે વધુ અહંકાર ભરી મજબૂત કેમ કરે છે?

આ ઇઝી બ્રેઇનવૉશિંગના યુગમાં આ બધું ય વિચારવાનું છે આપણે. કોરોનાકાળને સ્લોડાઉન તરીકે લેવાનો છે. જરાક નિરાંત મળી કાયમી સારો સુધારો કરવાની. શિક્ષક જો નહિ શીખે, તો વિડિયો એને રિપ્લેસ કરી દેશે, કરી જ રહ્યો છે. સ્ટુડન્ટ જો નહિ શીખે તો આવતીકાલની વધતી બેકારીના યુગમાં ટિપિકલ પર્કસ પેકેજનું ગ્લેમર ગળાકાપ હરિફાઈમાં બધાને મળવાનું નથી. આ વિકરાળ સચ્ચાઈ તરફ સમતા કેળવે એ છે જીવનશિક્ષણ.

એ જૂના ધર્મગ્રંથોના પોપટપાઠથી નહિ મળે. અનલોક વન્ડર યોર હાર્ટ. વિસ્મયની આંગળી ઝાલો. ઘરે ભણનાર આજીવન વિદ્યાર્થી તરીકે એડમિશનથી એક્ઝામની આ ધક્કામુક્કીનું કાયમ અચરજ થયું છે. મા-બાપ પાસે સમય નથી, ને જગત આખાના પંડિતો બચ્ચુ રમકડાથી રમતું હોય ત્યાં એના વિકાસની ફિકર કરતા બીવડાવે છે. ખોટાડા છે બધા. ડરપોક છે. છ મહિના કે એક વરસ સ્કૂલ બંધ રહે તો આસમાન પાતાળમાં નથી જતું રહેવાનું. ધંધાની ચિંતા હશે. પણ અભ્યાસ વર્ગખંડની દીવાલો કે ઑનલાઇન ક્લાસ મીટિંગનો મોહતાજ નથી.

તમારું ઘર એ જ નિશાળ છે. વિશ્વ એ જ વિદ્યાલય છે. વાંચો ભલે બૂક્સ હાથવગી ન હોય તો સ્ક્રીન પર. ઉતાવળ શું છે વરસ પૂરું કરી પાસ થવાની? નવી સ્કિલ શીખો. ખીલી મારતા, સ્ક્રુ ટાઇટ કરતા, દોરીને ગાંઠ બાંધતા, કચરા પોતા કરતા, કપડાં ધોતાં, રસોઈ કરતાં, ખેતી કે બાગાયત કરતા, યોગ- કસરત કરતા, શાક સમારતા, કપડા સાંધતા, નકશા જોતા, ડ્રાઇવિંગ કરતા, ચિત્રો બનાવતા, કશુંક વગાડતા... અરે વરસાદ જુઓ બારીએથી વરસતો, વિશ્વ સાહિત્યની ક્લાસિક દળદાર કૃતિઓ વાંચો, ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ્સ જુઓ, હાય હાય વરસ બગડયું ને રહી ગયા એવો ડર કાઢી વાળીઝૂડીને બહાર. જુઓ વેકેશન લંબાયું એમાં આટલી કીડીઓ કેમ ચટકાં ભરે છે ઝટ ભણી લેવાની? આ નહોતું ત્યારે ય માણસ હજારો વર્ષ પહેલાં શીખતો હતો ને? ડુ વોટએવર યુ લાઇક ટુ લર્ન! કથિત ભણતર કરતાં આવડત હશે તો આગળ નીકળશો! અરે, કશું ન કર્યા વિના લહેરથી બેસવું એ ય શીખવાનું છે આપણે!

ફાસ્ટ ફોરવર્ડ

'માણસ પત્નીને મારઝૂડ કરે, મિલકત નાદાનીયતમાં ફૂંકી મારે, આપઘાત કરે તો દુનિયા સમજે ખરી પણ સમર્થન ન કરે. પણ માણસ ફુરસદનો સમય જીવજંતુઓ નીરખવામાં કે અવનવી ઘટનાઓ સમજવામાં ગાળે તો એનું સમર્થન ભલે કરે, પણ સમજે કોઈક જ.' 

(કુંદનિકા કાપડિયા)

Tags :