પ્રણવાનંદને લાગ્યું કે 'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' એમ 'સંતાનદેવો ભવ'નું સૂત્ર ઉમેરવું જોઇએ
- પપ્પા, તમે બહાર તો મારાં વખાણ કરતાં થાકતા નથી ! ઘરમાં શા માટે વગોવો છો ? શું તમને રેંજી-પેંજી, કાયર, સ્વમાનહીન અને આંધળી ભક્તિવાળો પુત્ર જ ગમે છે ?''
કેમ છે, દોસ્ત- ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
સ્વા ભિમાનના પપ્પા પ્રણવાનંદે કહ્યું : ''તારા જેવો અભિમાની મેં આજ સુધી જોયો નથી ! હું તારા પર અનેક ઉપકારો કરવા તત્પર હોઉં છું પણ સ્વમાનનું પૂંછડું તેં એવા જોરથી પકડયું છે કે એને ઢીલું મૂકવા તૈયાર નથી. સંતાને તો માતા-પિતા સમક્ષ પોતાનું સ્વમાન નગણ્ય માનવું જોઇએ, એને બદલે તું તારી જાતને અત્યંત મહત્વ આપે છે. નાનાં-મોટાંનું માપ ઠેબે ચઢાવે તે ક્યારેય સુખી ન થાય.''
સ્વાભિમાને તરત જ કહ્યું : ''પપ્પા, બહાર તો તમે મારાં વખાણ કરતાં થાકતા નથી ! ઘરમાં શા માટે વગોવો છો ? શું તમને રેજીં-પેંજી, કાયર, સ્વમાનહીન અને આંધળી ભક્તિવાળો પુત્ર જ ગમે છે ? મારે તુચ્છ પ્રાણી નથી બનવું. સ્વમાની બનવું એ દુર્ગુણ નથી, દુર્ગુણ તો છે અહંકારી બનવું.. હું હંમેશાં એ વાતનો ખ્યાલ રાખું છું કે મને જેમ મારું સ્વમાન વહાલું છે, તેમ બીજાને પણ પોતાનું સ્વમાનપ્રિય હોય છે. મારા એક શિક્ષકે મને 'બુદ્ધુ''' કહ્યો, ત્યારે મેં આખો વર્ગ માથે લીધો હતો. શિક્ષકને કહ્યું હતું કે બુદ્ધુની વ્યાખ્યા મને સમજાવો. શિષ્યને ઉતારી પાડવો એ શિક્ષકધર્મ નથી ! મામલો સ્કૂલના આચાર્ય સુધી પહોંચ્યો હતો અને આચાર્ય મારા સ્વમાનના રક્ષક બન્યા હતા. એમણે શિક્ષકને ઠપકો આપ્યો હતો અને છેલ્લાં ત્રણ વર્ષની પરીક્ષાઓનાં પરિણામ બતાવી તેમણે સાબિત કરી આપ્યું હતું કે હું એક તેજસ્વી વિદ્યાર્થી છું. પપ્પા, હું સ્વમાનપ્રિય છું પણ વિનયશૂન્ય નથી, એ વાતને આપ કેમ મહત્વ આપતા નથી !''
પ્રણવાનંદે મૌન ધારણ કર્યું : એમને લાગ્યું કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ,ની જેમ 'સંતાનદેવો ભવ'નું સૂત્ર ઉમેરાવું જોઇએ. શિક્ષણ સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓ પર તો ટકે છે. એમણે 'શિષ્યદેવો ભવ'ની વાત સ્વીકારવી જોઇએ. મને લાગે છે કે મારા પુત્ર સ્વાભિમાનની વાતમાં સચ્ચાઇ છે. પણ સત્યના પ્રયોગો ઉતાવળે ન કરવા જોઇએ.
સ્વાભિમાનની વાતથી એક સરકારી અધિકારી તરીકે પ્રણવાનંદનું માનસ પરિવર્તન કરી નાખવું જોઇતું હતું, પણ તેવું પરિવર્તન તેઓ તાત્કાલિક ન કરી શક્યા. ઓફિસર તરીકે પ્રણવાનંદ થોડાક અભિમાની અને અહંકારી. એમને દુરાગ્રહ કે કોઇપણ કર્મચારી સામે જવાબ ન આપે. ઓફિસરની સામે મોં ખોલવાને તેઓ અપરાધ માનતા હતા.
એમની જ ઓફિસમાં ભવિષ્ય નામનો એક ક્લાર્ક હતો. કામમાં અતિ ચીવટ, વેશભૂષામાં પણ અતિ ચીવટ, ફાઇલોમાં એનું નોટિંગ પણ મુદ્દાસરનું અને ડ્રાફ્ટિંગ પણ સ્પષ્ટતાપૂર્ણ. દરેક ફાઇલમાં એની નોંધ સ્પષ્ટતાપૂર્ણ અને નિર્ભયતાયુક્ત. મિ. પ્રણવાનંદ માનતા કે કારકૂને માત્ર નોંધ મૂકવી જોઇએ. પોતાનો અભિપ્રાય વગર પૂછે દર્શાવવાનું કામ ક્લાર્કનું નથી ! તેથી ભવિષ્ય ફાઇલોમાં જે નોંધ મૂકતો, તેમાંથી કોઇને કોઇ ખામી શોધી પ્રણવાનંદ તેને ધમકાવતા. થોડો સમય તો ભવિષ્ય ચૂપ રહ્યો, પણ તેનું સ્વમાન ઉકળી ઊઠયું. એણે કહ્યું : ''અધિકારીનું કામ દોષદ્રષ્ટા બનવાનું નહીં પણ ગુણદ્રષ્ટા પણ બનવાનું છે. મારી દ્રષ્ટિએ મેં કરેલું નોટિંગ 'પરફેક્ટ' છે, તેમ છતાં એમાં આપને ખામી લાગતી હોય તો આ જ વિષય પરનું આદર્શ નોટિંગ મને લખી બતાવો. હું ઠીક લાગશે તો તેને અનુસરીશ.''
ભવિષ્યના એ શબ્દોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. ગેરશિસ્ત આચરવા બદલ પ્રણવાનંદે તેને મેમો આપ્યો અને તેના ખાનગી અહેવાલમાં પણ વિપરીત શૅરો ઉમેર્યો.
ભવિષ્ય સ્વમાની હતો. ત્રણ દિવસ પછી એ પ્રણવાનંદને ઘેર ગયો અને પોતાનું રાજીનામું હાથોહાથ ધરી દેતાં કહ્યું : ''સર, જે મને સમજવા માગે નહીં તેને હું પણ સમજવા માગતો નથી ! 'મેમો'નું હથિયાર એ એક નિર્દોષ કર્મચારીને હણવાનું બ્રહ્માસ્ત્ર નથી. અધિકાર પ્લેગના રોગ જેવો છે, જેને એ સ્પર્શે એને ખતમ કરી નાખે. સર, મોટી ખુરશી મોટા બનવા માટે નહીં પણ અન્ય યોગ્ય કર્મચારીને મોટા બનાવવા માટે અપાય છે. અધિકારનો ઉપયોગ નશીલા પદાર્થની જેમ નહીં પણ બળ્યા-જળ્યાને ઠારવાના ઔષધ તરીકે થવો જોઇએ. પણ આ વાત આપ નહીં સ્વીકારો, કારણ કે આપનો અહંકાર આપને ઉદાર નહીં બનવા દે. મારી સ્વમાનપ્રિયતા એ મારો અપરાધ નથી !''
પ્રણવાનંદનો પુત્ર સ્વાભિમાન રાજીનામું આપનાર કર્મચારી ભવિષ્યની વાત સાંભળી રહ્યો હતો. સ્વાભિમાનને લાગ્યું કે તેના પપ્પા પ્રણવાનંદ એક નિર્દોષ, સ્વમાનપ્રિય કર્મચારીને અન્યાય કરી રહ્યા છે. એણે ભવિષ્યને કહ્યું : ''ભવિષ્ય, ભાગવું એ સમસ્યાનું સમાધાન નથી ! તું એક ઓફિસર તરીકે મારા પપ્પાની ઓફિસ છોડી તું ભાગીશ, તો ઠેરઠેર તને મારા પપ્પા જેવા અહંકારી અને અભિમાની ઓફિસરો જોવા મળશે. અધિકારપ્રિયતા વ્યક્તિને સીમાહીન બનાવી દે છે, એ વાત મારા પપ્પા સ્વીકારવા તૈયાર નથી. લાવ, તારું રાજીનામું, એને અબ ઘડી ભસ્મીભૂત કરી દે. અને તારામાં જન્માવ કે સંયમી વિદ્રોહી, જેને અધિકાર-અંધ કોઇપણ ઓફિસર કચડી શકશે નહીં.''
એણે ભવિષ્યના હાથમાંથી રાજીનામાનો પત્ર છીનવી લીધો અને તેના ટુકડા કરી કચરાટોપલીમાં નાખી દીધો. અને કહ્યું ''ભવિષ્ય, હું તારી ખુમારીની કદર કરું છું. તારે નોકરી પર કાર્યરત રહેવાનું છે. હું તારી સાથે છું.. ઓ.કે. આવજે. વધુ ચર્ચા માટે હું તારે ઘેર આવીશ.''
ભવિષ્યે પ્રણવાનંદને નમસ્કાર કરી વિદાય લીધી.
એના ગયા પછી પ્રણવાનંદે કહ્યું : ''સ્વાભિમાન, તારે મારી ઓફિસના કામમાં દખલ કરવી જોઇતી નહોતી. વ્યક્તિના અવગુણને તો ઉગતો જ દાબી દેવો જોઇએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની આઝાદી, નિર્ભયતા જેવા શબ્દોનો આજના યુવાનો પોતાના શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. એક અધિકારી તરીકે મારી ફરજ છે કે ભવિષ્યને ઉદ્ધત બનતો મારે અટકાવવો જોઇએ.''
''પપ્પા, સત્ય કહેવું એ ઉદ્ધતાઇ નથી, પણ વ્યક્તિત્વની એક ઉજળી બાજુ છે. હા, સત્યનો ઉપયોગ ઉન્માદી બનવા માટે ન થવો જોઇએ. પણ મારી નજરે આપનો કર્મચારી ભવિષ્ય નથી ઉદ્ધત કે નથી ઉન્માદી. વિદાય લેતી વખતે પણ એણે આપને વંદન કર્યાં, એ તેની નિખાલસતા સૂચવે છે. પપ્પા, અધિકારીઓની ખુરશીમાંથી અહંકારની બદબૂ નહીં પણ પ્રેમ અને સૌજન્યની સુગંધ આવવી જોઇએ. સંવેદનાશૂન્યતા એ એક મહારોગ છે. અને એ આજકાલ મોટાભાગના અધિકારીઓને સ્પર્શી રહ્યો છે ! મારી ઈચ્છા નહીં આગ્રહ છે કે મારા પપ્પા, એક આદર્શ અધિકારી બની અન્ય અધિકારીઓ માટે અનુકરણીય દ્રષ્ટાન્ત બને.'' - કહી સ્વાભિમાન પોતાના શયનકક્ષમાં ચાલ્યો ગયો.
પુત્ર સ્વાભિમાનની વાત પ્રણવાનંદને સ્પર્શી ગઇ. સ્વાભિમાનની વાતમાં રહેલી સચ્ચાઇએ તેમને હચમચાવી મૂક્યા. આખી રાત તેઓ ઊંઘી શક્યા નહીં.
સવારે ઊઠયા ત્યારે તેમનામાં એક નવા પ્રણવાનંદનો જન્મ થયો હશે. એમણે સ્વાભિમાનને બોલાવી તેની સાથે જ ચા-નાસ્તો પતાવ્યાં. ઓફિસ જતી વખતે એમણે સ્વાભિમાનને પ્રેમથી બોલાવ્યો તેના માથે હાથ ફેરવી એક મીઠી ચૂમી ભરી. સ્વાભિમાનને લાગ્યું કે માણસનું દિલ ભગવાને નથી બનાવ્યું કાચનું કે નથી બનાવ્યું વજ્ર સરીખું. માણસના દિલને પળમાં પલટાય એવું લચીલું બનાવ્યું છે. પોતાના પપ્પા પ્રણવાનંદમાં એક પ્રેમાળ માનવીનો ઉદય થઇ રહ્યો છે, એનો સંકેત પામી સ્વાભિમાન ખુશ થયો હતો.
પ્રણવાનંદ ઓફિસ પહોંચ્યા ત્યારે પટાવાળાથી માંડી ઉપસ્થિત સર્વ કર્મચારીઓને નમસ્તે કહ્યું.. કેટલાકને ખભે પ્રેમાળ હાથ મૂકી શુભેચ્છા પાઠવી. પ્રણવાનંદમાં આવેલું પરિવર્તન સહુને આશ્ચર્યજનક લાગતું હતું.
થોડી વાર પછી એમણે ડી.ટી.પી. ઓપરેટરને બોલાવ્યો અને ડિકટેશન આપ્યું, જેમાં તાત્કાલિક અસરથી ભવિષ્યને પ્રણવાનંદના પર્સનલ આસિસ્ટંટ તરીકેની બદલીનો હૂકમ હતો.
પત્ર તૈયાર થતાં પ્રણવાનંદે ડિસ્પેચ ક્લાર્કને બોલાવી ઓર્ડરવાળું બંધ કવર ભવિષ્યને તાત્કાલિક હાથોહાથ આપવા જણાવ્યું..
ડિસ્પેચક્લાર્ક બંધ કવર લઇ ભવિષ્યના ટેબલ પાસે પહોંચ્યો. ભવિષ્યને લાગ્યું કે પ્રણવાનંદ સર ગઇકાલની ઘટનાને બદલો લેવા નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો હૂકમ કરી રહ્યા છે. તેણે ડિસ્પેચ ક્લાર્કે આપેલું કવર ખોલ્યું નહીં અને રોષાવેશમાં પ્રણવાનંદ પાસે પહોંચી ગયો. પ્રણવાનંદ તેને આવકાર્યો, પણ ભવિષ્યે કહ્યું : ''તમારે જો મને સસ્પેંડ જ કરવો હતો, તો આપના પુત્રે મારા હાથમાંથી મારું રાજીનામું છીનવી ફાડી નાખવાની જરૂર નહોતી. તમારો દીકરો પણ આ કાવત્રામાં સામેલ હશે, એની મને કલ્પના નહોતી.''
પ્રણવાનંદે કહ્યું : ''દીકરા, શાન્ત થા. લાવ, મેં મોકલાવેલું કવર'' કહી એમણે ભવિષ્યના હાથમાંથી કવર લઇ લીધું અને કવર ખોલી ભવિષ્યના હાથમાં મૂક્યું. ભવિષ્ય એ કવરનો કાગળ સડસડાટ વાંચી ગયો ! એને પ્રતીતિ થતી નહોતી કે પ્રણવાનંદ જેવો અહંકારી અધિકારી તેને દંડિત કરવાને બદલે પુરસ્કૃત કરશે !
ભવિષ્યની આંખ ભીની થઇ ગઇ. એણે કહ્યું : સર, આટલી બધી ઉદારતા ? હું કાંઇ સ્વપ્ન તો નથી જોઇ રહ્યોને !
એટલામાં ઓફિસ સુપ્રિન્ટેન્ડેટ આવીને કહ્યું : ''સર, આપના નવા પી.એ.ની કેબીન તૈયાર થઇ ગઇ છે અને મિ. ભવિષ્ય સત્યવ્રતીના નામની તકતી પણ કેબીનના દરવાજે લગાવી દીધી છે !''
પ્રણવાનંદે ઊભા થઇને કહ્યું : ''મારા પ્રિય પી.એ. ચાલો, તમને તમારી કેબીનમાં બેસાડવા આવું.''
ભવિષ્ય ગદગદ્ થઇ ગયો. તેણે ચરણસ્પર્શ કરી પ્રણવાનંદ સરના આશીર્વાદ લીધા.
એ બન્ને ભવિષ્યની કેબીન પાસે પહોંચ્યા, ત્યારે સ્વાભિમાન બૂકે લઇને ભવિષ્યની રાહ જોઇ રહ્યો હતો.
એણે ભવિષ્યને અભિનંદન આપતાં કહ્યું : ''સત્ય અને ક્ષમા ક્યારેય હારતાં નથી. મારા પપ્પાએ મને ફોન કરીને તમને પ્રમોશન આપ્યાના સમાચાર આપ્યા હતા. તમારી સ્વમાનપ્રિયતાની જીતને હું અભિનંદન પાઠવવા આવ્યો છું.'' ભવિષ્યને બૂકે આપીને તરત જ સ્વાભિમાને વિદાય લીધી હતી. એ ઓફિસના કામમાં દખલરૂપ થવા નહોતો ઈચ્છતો.
પ્રણવાનંદ અને ભવિષ્ય વચ્ચે બૉસ અને કર્મચારીના સંબંધો પ્રણવાનંદે ખતમ કરી નાખ્યા હતા. ઓફિસના અન્ય સ્ટાફ સાથે પણ એમનું વર્તન લાગણીભીનું અને સ્નેહાળ રહ્યું હતું...
એ વાતને છ મહિના વીતી ગયા. કુરિયરે એક કવર પ્રણવાનંદના પી.એ. ભવિષ્યને સોંપ્યું.. ઓફિસ ઓર્ડર હોવાને કારણે તેણે તે કવર ખોલ્યું, જરૂરી વિધિ માટે. પણ કવરમાંનો કાગળ વાંચતાં એણે જબર્દસ્ત આંચકો અનુભવ્યો. પ્રણવાનંદની પ્રમોશન સાથે મુંબઇની ઓફિસમાં બદલી કર્યાનો ઓર્ડર હતો !
પ્રણવાનંદને પ્રમોશન મળ્યું એનો ભવિષ્યને આનંદ હતો, પણ પોતે પિતૃતુલ્ય અધિકારીના સાન્નિધ્યથી વંચિત થશે, એનું એને પારાવાર દુ:ખ હતું.
ભવિષ્યએ બદલી હૂકમનો કાગળ પ્રણવાનંદ સરના હાથમાં મૂક્યો અને ધૂ્રસકે-ધૂ્રસકે રડી પડયો. સ્ટાફને એ વાતનો આનંદ હતો કે પ્રણવાનંદ સરને પ્રમોશન મળી રહ્યું છે. તેઓ ભવ્ય વિદાય સમારંભ ગોઠવવાનો વિચાર કરી રહ્યા હતા, પણ ભવિષ્યએ કહ્યું : ''પ્રણવાનંદ સર જ્યાં જશે અને હશે, ત્યાં હું એમની સાથે જ રહીશ. હેડ ઓફિસને આજે જ ઈ-મેઈલ મોકલીને મારી પણ મુંબઇ ખાતે ટ્રાન્સફર કરવા રજૂઆત કરી રહ્યો છું'' બધાંએ ભવિષ્યનો પ્રસ્તાવ વધાવી લીધો.
અને એક જ અઠવાડિયામાં ભવિષ્યની બદલી પણ પ્રણવાનંદજી વાળી મુંબઇની ઓફિસમાં થયાનો ઓર્ડર આવી ગયો. પ્રણવાનંદ અને ભવિષ્યના આનંદનો પાર નહોતો.
સાંજે ભવિષ્ય પ્રણવાનંદનો વિશેષ આભાર માનવા તેમને બંગલે ગયો. તેણે કહ્યું : ''સર, હું તમારી સેવા કાજે તમારી સાથે મુંબઇ આવવા તૈયાર છું.. પણ''
''પણ,' કહીને કેમ અટકી ગયો બેટા ?... આપણા સબંધો હવે કર્મચારી અને બૉસના નથી. તારી જે કાંઇ મુશ્કેલી હોય તેના નિરાકરણ માટે હું તારી સાથે જ છું.''
પ્રણવાનંદની લાગણીભીની વાત સાંભળી ભવિષ્યએ કહ્યું : ''વાત એમ છે સર કે મારી બહેન મંતવ્યા અહીંના અનુસ્નાતક કેન્દ્રમાં એમ.એ.નો અભ્યાસ કરી રહી છે. આ તેના અનુસ્નાતક અભ્યાસનું છેલ્લું વર્ષ છે અમારાં મા-બાપ બે વર્ષ પહેલાં જ એક એક્સિડેન્ટમાં ગુજરી ગયાં છે. હું મુંબઇ આવું તો મારી બહેન મંતવ્યાને અહીં એકલી રાખવી પડે. સાથે લઇ જાઉં તો એનો અભ્યાસ અધૂરો રહે. આપ રજા આપો તો હું ત્રણ મહિના માટે રજા લઉં અને મારી બહેન મંતવ્યાનો અભ્યાસ પૂરો થતાં હું આપની પાસે મુંબઇ આવી પહોંચું.''
સ્વાભિમાન ત્યાં હાજર હતો. એને ઉદ્દેશીને પ્રણવાનંદે કહ્યું : ''સ્વાભિમાન, આપણે માટે હવે ભવિષ્ય પરાયો નથી. એની મુંઝવણ તેં સાંભળી છે. એ સમસ્યાના સમાધાનમાં મારે તારી મદદ જોઇએ છે.''
''પપ્પાજી, મારા પ્રેમને વશ થઇ મારી વાતને મહત્વ આપી આપે આપનું સમગ્ર વર્તન બદલી નાખ્યું એટલે મારી પણ ફરજ છે કે હું આપનું ઋણ ચૂકતે કરું... હૂકમ કરો પપ્પા'' - સ્વાભિમાને કહ્યું.
''દીકરા સ્વાભિમાન, મેં ભવિષ્યની બહેન મંતવ્યાને જોઇ છે. એનામાં રૂપ અને સંસ્કારિતાનો અદ્ભુત સમન્વય છે... તું કહે તો આપણે તારી સાથે ભવિષ્યની બહેન મંતવ્યાનું લગ્ન ગોઠવીએ. ભવિષ્યને એક ઊંચો સામાજિક દરજ્જો મળી રહે.. તારા સાળા તરીકેનો અને મારા વેવાઇ તરીકેનો !''
પ્રણવાનંદ સરની વાત સાંભળી ભવિષ્ય આશ્ચર્યચકિત થઇ ગયો ! એને લાગ્યું કે પ્રણવાનંદ સર દેવ કોટિના ઈન્સાન છે !
એટલામાં સ્વાભિમાને કહ્યું : ''પપ્પાજી, આપની ઈચ્છા હું સાનંદ સ્વીકારું છું. જો મંતવ્યાની સમ્મતિ હશે તો.''
''મંતવ્યા મને ખૂબ વહાલી છે અને એનો સ્વભાવ એટલો ભ્રાતૃવત્સલ છે કે મારો બોલ કદાપિ એ ઉથાપે નહીં'' ભવિષ્યે કહ્યું..
અને એક અઠવાડિયા પછી સાદી વિધિથી મંતવ્યા અને સ્વાભિમાનનાં લગ્ન ગોઠવાઇ ગયાં ! ભવિષ્યે હળવાશ અનુભવી. અને કહ્યું : ''પપ્પાજી, હવે આપણે વહેલી તકે મુંબઇની ઓફિસમાં હાજર થઇ જઇએ. હા, માત્ર પિતા-પુત્રના નાતે નહીં પણ વેવાઇના નાતે.'' કહી પ્રણવાનંદ હસી પડયા.
પાર્થિવસંબંધો પણ શું જન્મજન્માંતરના ઋણાનુબંધથી વિકસતા હશે ? હવામાં પડઘાતા હતા એ શબ્દો.