Get The App

હવે ફોટોગ્રાફીના ખાનગી સ્ટુડિયોની જેમ સેટેલાઈટ ઈમેજનો ધંધો

- ચીનની પૂર્વ લડાખમાં ઘૂસણખોરીનો પુરાવો આપતી સેટેલાઈટ તસ્વીરો અમેરિકાની મેક્સર કંપનીએ ઝીલીને મીડિયાને વેચી હતી

- હોરાઈઝન- ભવેન કચ્છી

Updated: Jun 28th, 2020

GS TEAM

Google News
Google News

- કોઈપણ વ્યક્તિ કે કંપની તેમની જરૂરિયાત પ્રમાણેની સેટેલાઈટ તસ્વીરો આવી  સેવા આપતી ખાનગી કંપનીઓ પાસેથી નજીવી કિંમતે ખરીદી શકે છે

- ઉપગ્રહ લોન્ચ કરવાનું 277 અબજ ડોલરનું અને તેનાથી ફોટા પાડીને વેચવાનું છ અબજ ડોલરનું બજાર

હવે ફોટોગ્રાફીના ખાનગી સ્ટુડિયોની જેમ સેટેલાઈટ ઈમેજનો ધંધો 1 - image

ચી ને  અંકુશ રેખા નજીક લડાખના ગલવાન અને દૌલત બેગ ઓલ્ડી પાસે આવેલ દેસપાંગ વિસ્તારમાં ટેન્કો અને લશ્કરી જમાવડો કરી દીધો છે. ભારત જોડેની સૂલેહ મંત્રણા જારી હતી ત્યારે ચીન પીઠ પાછળ આ ખંધી હરકત આગળ ધપાવતું રહ્યું હતું. ભારતીય રક્ષા મંત્રાલય ચીનને ચેતવણી આપતું હતું ત્યારે ચીન એક જ વાતનું રટણ કરતુ હતું કે 'અમે સરહદે અગાઉની સમજૂતીનો કોઈ ભંગ નથી કરી રહ્યા.' બરાબર આ જ સમયે ચીને કઈ હદે લશ્કરી દબાણ અને બાંધકામ આગળ ધપાવી દીધું છે તેની સેટેલાઈટ તસ્વીરો  ભારતના અને વિદેશી મીડિયાએ રજુ કરી અને ચીનની હલકા માનસ સાથેની ચાલાકી ખુલ્લી પડી ગઈ. 

જેમ પ્રત્યેક તસ્વીર સાથે તે ઝીલનાર ફોટોગ્રાફર કે એજેન્સીનું નામ હોય તેમ આ સેટેલાઈટ ઈમેજિસ આપનાર કંપનીનું નામ 'મેક્સર' છે. જેવી રીતે પ્રિન્ટ, ટીવી અને ડીજીટલ મીડિયા દેશ -વિદેશના રોજે રોજ, પળે પળના સમાચારો, તસ્વીરો અને વિડીયો કન્ટેન્ટ મેળવવા  એક કે વધુ એજેન્સીઓ જોડે વાર્ષિક નિશ્ચિત રકમ આપીને તે સેવા મેળવે છે તેમ હવે મીડિયા જ નહીં પણ ઉદ્યોગ ગૃહો, ટેકનો કંપનીઓ અને અવનવા સેકટર્સ સેટેલાઈટ તસ્વીરો પૂરી પાડતી કંપનીઓ જોડે કરાર કરે છે. આ કંપનીઓ તેમના ગ્રાહકોની જરૂરિયાતની સેટેલાઈટ તસ્વીરો અવકાશમાંથી તેમના પોતાની માલિકીના કે ભાડા પટ્ટે લીધેલા માનવ સર્જિત ઉપગ્રહો (સેટેલાઈટ)ની મદદથી ખેંચી આપે છે. આપણે ડ્રોન ફોટોગ્રાફી જોઇને હજુ દંગ થઈએ છીએ ત્યાં થ્રી ડી સેટેલાઈટ ઈમેજિસની ટેકનોલોજી અને ધંધો વિશ્વમાં સહજ અને હાથવગો બનતો જાય છે.

આમ તો સેટેલાઈટ તસ્વીર કંઈ નવી વાત નથી. જે તે દેશની અવકાશ સંસ્થાઓ તેમના ઉપગ્રહોથી તસ્વીરો ઝીલતી જ હોય છે. ભારતનું 'ઈસરો' કે અમેરિકાનું 'નાસા' અને યુરોપના દેશોના સમૂહનું 'યુરોસેટ' ઉપરાંત ચીન સહીત મોટાભાગના દેશોની માલિકીના સેટેલાઈટ છે. પણ આ સેટેલાઈટ દ્વારા લેવાતી ઈમેજ જે તે દેશની સરકારને હસ્તક જ હોય છે. સરકાર અને તેના વિભાગો વિશેષ કરીને હવામાનની આગાહી કે કુદરતી આપત્તિ વેળાએ સેટેલાઈટ તસ્વીરો ખેડૂતો, સામાન્ય નાગરિકો માટે જાહેર મીડિયામાં મુકે છે. સંરક્ષણને લગતી સેટેલાઈટ તસ્વીરો ગોપનીય પણ રાખે. મોટાભાગના સેટેલાઈટ તો સંદેશા વ્યવહાર  માટે છોડવામાં આવ્યા હોય છે.

એકંદરે એમ કહી શકાય કે જે તે દેશની  અવકાશ સંસ્થાઓ ખાનગી એકમોને સેટેલાઈટ તસ્વીરો પૂરી ન પાડી શકે. બીજી તરફ વિશ્વ કલ્પના બહાર વિકસતું ગયું. અમેરિકાના ઈઓન મસ્કની સ્પેસએક્ષે ખાનગી અંતરીક્ષ ઉડ્ડયન ક્ષેત્રે સફળ પ્રવેશ કરીને ભાવિ વિશ્વને પ્રવાસન, વસવાટ અને સંશોધન માટે અંતરીક્ષ તેમજ અન્ય ગ્રહો જોડે 'ટવીન પ્લેનેટ લીવિંગ'નાં પગરણ પર લાવી દીધું છે અને આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ વચ્ચે હરીફાઈનો તખ્તો ઘડાયો છે .  હવે  ખાનગી કંપનીઓ વચ્ચે તેમની માલિકીના માનવસર્જિત ઉપગ્રહો અંતરીક્ષમાં લોન્ચ કરવાનો અને સેટેલાઈટ ઈમેજિસ વેચવાનો ધંધો પણ વિરાટ આકાશમાં પાંખો ફેલાવતો જાય છે. 

સેટેલાઈટ ઈમેજ વેચવાનો ધંધો હાલ ત્રણ  અબજ ડોલરનો છે પણ હવે જ તેણે ખરી ગતિ પકડી છે. આટલા મુકામે પહોંચતા પંદર વર્ષ લાગ્યા છે પણ હવે છ અબજ ડોલરે ૨૦૨૬ સુધીમાં જ સ્પર્શ કરી લેશે તેવું માર્કેટના નિષ્ણાતો અનુમાન લગાવી ચૂક્યા છે.સેટેલાઈટ ઈમેજીસ  મીડિયા, સરકાર અને સંરક્ષણ વિભાગ સિવાય કોણ ખરીદતું હશે અને આટલો મોટો ધંધો કઈ રીતે શક્ય બનતો હશે તે  સવાલ આપણને થાય તે સ્વાભાવિક છે.

તો જાણી લો કે વિશાળ ખેતરો ધરાવી અવનવા પાક લેતી ફૂડ કંપનીઓને તેમના  પ્રત્યેક પાકની ખાસિયત પ્રમાણેના  હવામાનની સેટેલાઈટ તસ્વીર જોઈએ. કોઈ ઉદ્યોગને જમીન ખરીદવી હોય અને તેની આજુબાજુની દુર સુધીની ભૌગોલિક ખાસિયતો કે ઉણપો ધરાવતી ઈમેજ જોવી હોય તો તે સેટેલાઈટ ઈમેજ કંપનીની મદદ લે. જે તે વિસ્તારમાં વન્ય પ્રાણી, પ્રદુષણ કે અડચણ ઉભા કરતા ટાવરો અને પર્વત માળાઓ છે કે કેમ તે પણ આવી તસ્વીરો બતાવે.  નકશા બનાવવામાં, અર્બન અને રૂરલ પ્લાનિંગ માટે, આફત નિવારણ આયોજન કે મેનેજમેન્ટ, એનર્જી અને કુદરતી સંપદાની કંપનીઓ, આકાશી નજર અને સંરક્ષણ માટે સેટેલાઈટ તસ્વીરોની જરૂર પડે.

સરકાર, મીલીટરી ડીફેન્સ, જંગલ, ખેતી અને ખાણ અંતર્ગત કંપનીઓ , એનર્જી અને પર્યાવરણ, બાંધકામ, આકયોલોજી, ટ્રાન્સપોર્ટ, એરપોર્ટસ, એરલાઈન્સ અને લોજીસ્ટીક જેવી તમામ કંપનીઓને સેટેલાઈટ ઈમેજીસની જરૂર પડતી હોય છે. જે તે  દેશને તેમની  અવકાશ સંસ્થા દ્વારા ઈમેજીસ મળતી જ હોય તો પણ તેઓ ખાનગી સેટેલાઈટ ઈમેજ કંપનીઓ પાસેથી પણ રકમ ચૂકવીને  સેવા લેતા હોય છે.

એક કંપની હરીફ કંપનીની સાઈટની તસ્વીરો પણ મેળવતી હોય છે તો એક દેશ તેના મંત્રાલયને અને સેનાને પણ જાણ ન થાય તેમ ગુપ્ત રીતે તેમના દેશની આંતરિક સુરક્ષા અને અન્ય દેશોની ગતિવિધિ પર નજર રાખતી સેટેલાઈટ તસ્વીરો ખાનગી કંપનીઓ પાસેથી પ્રાપ્ત કરતી રહે છે. અમેરિકાના કોલોરાડોમાં હેડક્વાર્ટર અને કેલીફોર્નીયાના પાલો આલ્ટોમાં મહત્વનું સેન્ટર ધરાવતી મેક્સર ટેકનોલોજીસ , ટેલીસ્પાઝીઓ ફ્રાંસ, વોશિન્ગટન સ્થિત બ્લેક્સ્કાય 

ગ્લોબલ, જીયોઆઈ (વર્જીનીયા), ડીજીટલગ્લોબ (કોલોરાડો), બેઈડુ અને સિવેઈ (ચીન), જર્મનીના મ્યુનીચમાં આવેલ યુરોપિયન સ્પેસ ઇમેજિંગ, ઓસ્ટ્રેલીયાના મેલબોર્નની ગેલીલિયો ગ્રુપ, હેરીસ કોર્પોરેશન (ફ્લોરીડા), ઈમેજસેટ ઇન્ટરનેશનલ (ઈઝરાયેલ), પ્લેનેટ લેબ્સ (સાન ફ્રાન્સિસ્કો), ઉર્થેકાસ્ટ કોર્પોરેટ સેટેલાઈટ (કેનેડા), સરે સેટેલાઈટ ટેકનોલોજી (બ્રિટન), એસ્ટ્રો ડીજીટલ (સીલીકોન વેલી), એરબસ ડીફેન્સ એન્ડ સ્પેસ૯(જર્મની)  એ ડી સી સી ઇન્ટરનેશનલ ઈસ્ટ આફ્રિકા,  કોરિયા સ્પેસ ઈમેજ ટેકનોલોજી, વ્રીકોન અને સ્પેસ વ્યુ જેવી કંપનીઓ સેટેલાઈટ  ઈમેજિસ બિઝનેસમાં મોખરાનો માર્કેટ શેર ધરાવે છે. ગુગલ અને એપલ પણ તેમની મેપિંગ અને  ઈમેજની જરૂરીયાત માટે કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કરતી અને સેટેલાઈટ ઈમેજ કંપનીને આઉટસોર્સ કરે છે.તેઓ પોતાના ઉપગ્રહ ધરાવતી હોય તેવુંે ઓન રેકોર્ડ નથી જણાયું. કેટલાક કહે છે કે તેમના પણ ખાનગી માલિકીના ઉપગ્રહ છે. 

૧૪ ઓગસ્ટ,૧૯૫૯નાં રોજ એક્ષ્પ્લોરર -૬ નામનાં ઉપગ્રહે પૃથ્વીની સપાટીથી ૨૭,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએથી પેસિફિક સમુદ્ર પરના વાદળો અને તેના પર પડતા સૂર્ય કિરણોની સેટેલાઈટ ઈમેજ મોકલી અને એક નવી ટેકનો દુનિયાનો પ્રારંભ થયો. બંને વિશ્વ યુદ્ધ વખતે કે ત્યાં સુધી હવામાનથી માંડી એરિયલ વ્યુ માટે વિશ્વ પાસે  સેટેલાઈટ ઇમેજિસની સુવિધા નહોતી. 

મજાની વાત એ છે કે જે રીતે હાલ ગુગલ કે ફેસબુક અને વોટ્સ એપ જેવી  સેવા આપણને મફતમાં મળે છે  તે જ રીતે દસથી પણ વધુ અર્થ એક્સપ્લોરર ડાટા સોર્સ મફતમાં સેટેલાઈટ ઈમેજ સેવા પૂરી પાડે છે. જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા ૪૦ વર્ષની જુદી જુદી કેટગરીની સેટ ઈમેજિસ આવા માધ્યમથી ઉપલબ્ધ છે. ેંજીય્જી, લેન્ડવ્યુઅર, કોપરનિકસ ઓપન એક્સેસ હબ, સેન્ટીનેલ હબ, નાસા અર્થડેટા, રીમોટ પીક્શેલ અને ઇન્પે ઈમેજ આમાં મુખ્ય છે. આ બધી સવસ ડાઉનલોડ કરવાની રહે છે.

૧૯૫૭માં સોવિએત યુનિયને 'સ્પુટનિક' નામનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં ૮,૩૭૮ આવા ઉપગ્રહો વિશ્વનાં ૪૦ દેશોની  અવકાશી સંસ્થાઓએ અને ખાનગી કંપનીઓએ મળીને લોન્ચ કર્યા છે. જેમાંથી ૪,૯૯૪ હાલ ભ્રમણ કક્ષામાં છે અને ૧૯૦૦ કાર્યરત છે. જેમની   આવરદા પૂરી થઇ ગઈ છે  કે ખોટકાઈ ગયા છે તેઓ ભંગારની જેમ  એમ જ નિરર્થક ગુરુત્વાકર્ષણ કક્ષાની બહાર ફરતા રહે છે. 

સાત જ કૃત્રિમ ઉપગ્રહો એવા છે જેઓ સંશોધન અર્થે પૃથ્વી સિવાયના ગ્રહોની આસપાસ ભ્રમણ કરે છે. ખાનગી કંપનીઓનું કાર્ય પૃથ્વી પરની અને શક્ય એટલી સ્પષ્ટ ઈમેજ આપવાનું  હોઈ તેઓ માટે સેવા આપતા ઉપગ્રહો અન્ય ઉપગ્રહો જેટલી ઉંચાઈએ નથી મુકાતા હોતા. અમેરિકાની સંસ્થા 'નાસા' માને છે કે સાચા અર્થમાં પૃથ્વીવાસીઓ માટે કામના કહી શકાય તેવા ૨,૦૬૨ ઉપગ્રહો જ છે જેમાંથી એકલા અમેરિકાએ જ ૯૦૧ જેટલા કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કર્યા છે. તે પછી છેક બીજા ક્રમે ચીન ૨૯૯ અને ભારતનો આંક ૧૦૪ છે. સેટેલાઈટ ઈમેજિસનો ધંધો છ અબજનો છે પણ સેટેલાઈટ મેકિંગ અને લોન્ચિંગનો ધંધો ૨૭૭ અબજ ડોલરનો છે.

હવે તો  અમેરિકા કે યુરોપનું કોઈ શહેર  કોરોનાના લોક ડાઉન વખતે કેવું લાગે છે તેની સેટેલાઈટ તસ્વીર પણ મીડિયાએ પ્રકાશિત કરી હતી. હાલના ચીન સામેના સંઘર્ષ વખતે કેન્દ્ર સરકાર એવો દાવો કરતુ હતું કે ચીને ઘુસણખોરી નથી કરી. ચીને દેસપાંગ પાસે બાંધકામ અને ટેન્કો ખડી કરી દીધી છે તે પણ સરકાર કદાચ છુપાવતી હતી પણ અમુક મીડિયાએ અને સોર્સે સેટેલાઈટ તસ્વીરો જાહેર કરીને ભારત પર ચીન હાવી થઇ રહ્યું છે તે જગજાહેર કરી દીધું છે. 

તે પછી કેન્દ્ર સરકાર પર દબાણ આવ્યું અને તેઓ હવે કબુલે છે કે છેક મે મહિનાથી ચીન પૂર્વ લડાખ સરહદે બાંધકામ અને જમાવડો કરતુ રહ્યું છે. વિશ્વએ અવકાશ અને અંતરીક્ષને ધંધા માટે ખુલ્લું મૂકી દીધું છે. હવે કોઈ દેશ તેની ગતિવિધિ અને હિલચાલ ક્ષિતિજથી પણ દુર જ્યાં એક જંતુ પણ ન ફરકી શકે ત્યાં કરતો હશે તો સેટેલાઈટમાં ઝીલાય જાય છે  એટલું જ નહીં હું અને તમે પણ તે ઈમેજ સાવ સસ્તામાં ખરીદી શકીએ અને અમુક તો મફતમાં સ્માર્ટ ફોનના સ્ક્રીન પર આવી જાય તેમ છે. નવાઈ લાગશે પણ સેટેલાઇટ ઇમેજિંગ કંપની એક સેટેલાઈટ તસ્વીર ૧૨થી૨૦ ડોલરની સરેરાશ કિંમતે જ વેચે છે.

હવે   કેન્દ્ર સરકારની નજરમાં પણ આવ્યું કે અંતરીક્ષ સાથે જોડાયેલ તમામ સેવાઓના હાર્ડવેર અને સોફ્ટવેરમાં, સ્પેશ શટલ, રોકેટ  લોન્ચર, ઉપગ્રહો લોન્ચ કરવાથી માંડીને સેટેલાઈટ ઈમેજિસના ધંધાના ક્ષેત્રમાં વિશ્વના ટોચના દેશો તો પાંચ  દાયકાથી વધુ અરસાથી ખાનગી કંપનીઓ માટે દ્વાર ખોલીને બેઠા છે ત્યારે ભારતના ટેકનોક્રેટ્સ,કંપનીઓ અને સ્ટાર્ટ અપને પણ ખાનગી કંપની સ્થાપવા દઈને મુક્ત આકાશ અને ઉડાણ ભેટ આપવી જોઈએ.

ગત ગુરુવારે જ આ નવોદય નિર્ણય લેવાયો છે. 'ઈસરો'એ તેની લેબ પણ આ ક્ષેત્રમાં પ્રવેશવા માંગતી કંપનીઓ અને તેના સંશોધકો માટે ખુલ્લી મુકવાની જાહેરાત કરી દીધી છે. અલબત્ત,  પ્રોજેક્ટ અને કંપનીની વિશ્વસનિયતાને ચકાસીને જ 'ઈસરો' મંજુરી આપશે.'ઈસરો' ના ચેરમેન કે. સિવાને આ ઐતિહાસિક કહી શકાય તેવા કાયમી પ્રોજેક્ટ અંગે કહ્યું કે 'ઈસરોની સમાંતર અને તેના હેઠળની એક અલાયદી અવકાશી સંશોધન સંસ્થા જે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લી મુકાશે તેનું નામ 'ઇન્ડિયન  નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ૈંશ-જીૅચબબી)' રહેશે.

વિશ્વના દેશો માટે ખાનગી કંપનીઓ પણ સેટેલાઈટ ઈમેજના ધંધામાં આવી ગઈ હોઈ યુદ્ધની રણનીતિ કે જમીન અને દરિયાઈ સીમાઓમાં સેના -સશસ્ત્ર ગોઠવણીની ગુપ્તતાની રીતે પડકાર સર્જાયો છે. ભારતે ૧૯૯૮માં પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે આબાદ રીતે અમેરિકાના સેટેલાઈટમાં ગતિવિધિ ઝીલાઈ ન જાય તે માટે રાત્રે જ મહત્તમ કાર્ય કરતા રહી દિવસે એરિયલ ફોટોગ્રાફીમાં રણ જ દેખાય તેમ ગોઠવણ કરી નાઈટ શિફ્ટ પૂરી કરાવી પડતી હતી હતી. 

ભવિષ્યમાં વિજ્ઞાાની ભેજાબાજો જે છુપાવવાનું છે તેની પર આકાશમાં   દેખાય નહીં તેવી જાળી(નેટ) કે કવચ બનાવી ચુક્યા છે.  જેની આરપાર ઉપગ્રહ ફોટો જ ન ઝીલી શકે. ખેર અત્યારે તો આપણે ચીનની મેલી મુરાદને ખુલ્લી પાડતી એક પછી એક સેટેલાઈટ ઈમેજ બાજ નજર રાખીને લાઈવ પ્રસારણની જેમ  જોતા રહેવી પડશે.

Tags :