ગિરનારનાં જંગલમાં એક રહસ્યમય રાત! .
- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- સાધનાનાં શરૂઆતીકાળમાં ભયનો અનુભવ થયા બાદ ગુરુકૃપાથી તેઓ નિરંતર ભયમુક્ત રહીને ચાર દાયકા સુધી સાધના કરવામાં સફળ રહ્યાં છે
ભા રતવર્ષમાં થઈ ગયેલાં મહાન કાપાલિક સાધકોમાંના એક એવા સ્વામી કરૂણાનંદ અને એમની કાપાલિક સાધના અંગે ગયા અઠવાડિયે ચર્ચા માંડી હતી. ૭૪ વર્ષની ઉંમરે તેઓ જ્યારે પટિયાલા (પંજાબ) ખાતે ઓમ સ્વામી (પૂર્વાશ્રમનું નામ : અમિત શર્મા)ને મળ્યાં, ત્યારે તેઓ ચાર દાયકાથી કાપાલિક સાધના કરી રહ્યા હોવાની જાણ થઈ હતી. દર મહિનાની અમાસે તેઓ જે શહેરમાં હોય, ત્યાંના સ્મશાનમાં જઈ અડધી રાતે કાપાલિક સાધના થકી ભગવાન શિવને પ્રસન્ન કરતાં. એમની ઝોળીમાં પૂજાવિધિ માટે એક માનવ-ખોપરી અને બે હાડકાં હંમેશા રહેતાં. સંન્યાસી તરીકેનું જીવન જીવતાં સ્વામી કરૂણાનંદ સ્વભાવે અત્યંત મૃદુ અને ચહેરા પર સાધનાનું અપાર તેજ! ઓમ સ્વામી ઘણી વખત એમને નિંદ્રાધીન થતાં જુએ, ત્યારે એમના ચહેરા પરથી જાણે દિવ્ય આભા પ્રસ્ફુરિત થતી હોય એવું લાગે.
ભગવા વસ્ત્રો ધારણ કરીને એક શહેરથી બીજા શહેરમાં ભ્રમણ કરતાં આ સાધુને જોઈને કોઈને લગીરેય અંદાજ ન આવે કે તેઓ આટલાં ઉત્કૃષ્ટ કાપાલિક ઉપાસક હોવા જોઈએ. ઓમ સ્વામીએ એમને કાપાલિક સાધના સમયે લાગતાં ભય અંગે સવાલ કર્યો ત્યારે અત્યંત પ્રેમપૂર્વક એમણે જવાબ આપ્યો કે સાધનાનાં શરૂઆતીકાળમાં ભયનો અનુભવ થયા બાદ ગુરુકૃપાથી તેઓ નિરંતર ભયમુક્ત રહીને ચાર દાયકા સુધી સાધના કરવામાં સફળ રહ્યાં છે.
પોતાના અનુભવની વાત શરૂ કરતી વેળા એમણે જણાવ્યું, 'માત્ર ૧૯ વર્ષની ઉંમરે ગુરુ દ્વારા ગિરનારનાં જંગલોમાં અડધી રાતે જઈને એક પ્રચંડ સાધના કરવાનો આદેશ પ્રાપ્ત થયો હતો.'
ગુજરાતની ગરિમા સમો ગિરનાર પર્વત અનેકાનેક સિદ્ધોની ભૂમિ રહી ચૂક્યો છે. કહેવાય છે કે ભગવાન દત્તાત્રેય, ગુરુ ગોરખનાથ અને અઘોરી બાબા કીનારામ આજે પણ અહીં વસવાટ કરે છે. ગિરનારનાં ત્રણ શિખરો વાસ્તવમાં આ ત્રણેય સિદ્ધોની આકૃતિ હોવાની લોકવાયકા પણ અહીં પ્રચલિત છે. માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય જ્યારે ગુરુ ગોરખનાથ પાસેથી ચિલ્લમ લે, ત્યારે અઘોરીગુરુ બાબા કીનારામ (જેમનું શિખર ગિરનારમાં વચ્ચોવચ છે તેઓ) અધવચ્ચે જ એમની ચિલ્લમ લઈને ફૂંકતાં હોય છે! આજની તારીખે પણ મહાશિવરાત્રિનાં શાહીસ્નાન વખતે ત્યાં મહાદેવ સ્વયં પધારે છે, એવી લોકમાન્યતા છે. ત્યાંની કંદરાઓમાં કેટકેટલાંય સિદ્ધો નિરંતર સાધનારત છે, જેઓ ભાગ્યે જ પોતાના સ્થાનની બહાર દર્શન આપવા આવે છે!
'સાધનાનાં વિધાન પ્રમાણે સૂર્યાસ્ત સમયે ગિરનારનાં જંગલની મધ્યભાગમાં ચાલવાની શરૂઆત કરવાની હતી.' સ્વામી કરૂણાનંદે પોતાની વાત આગળ ધપાવી, 'એ સમયે આજની જેમ મોબાઈલ કે પછી અત્યાધુનિક સંસાધનો ઉપલબ્ધ તો હતાં નહીં, આમ છતાં મારા ગુરુ દ્વારા એક ટૉર્ચની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.'
સૂર્યાસ્ત વેળા સ્વામી કરૂણાનંદે જંગલ તરફ ડગ માંડયાં. સૂર્યપ્રકાશ જ્યાં સુધી પથરાયેલો હતો, ત્યાં સુધી તો વાંધો ન આવ્યો, પરંતુ જેમ જેમ સાંજ ઢળવા માંડી અને અંધકાર વધવા માંડયો એમ એમ વાતાવરણ વધુ ને વધુ બિહામણું બનવા લાગ્યું. હાલના સમયમાં તો ગિરનાર ખાતે લાઈટ્સથી માંડીને સાઈનબૉર્ડ સુધીની અગણિત વ્યવસ્થાઓ કરી આપવામાં આવી છે, પરંતુ પહેલાં તો ઘનઘોર વન સિવાય ત્યાં કંઈ બીજું હતું જ નહીં.
ધીરે ધીરે સાંજ ને પછી રાત! જંગલ વધુ ને વધુ બિહામણું બનવા લાગ્યું. ખૂંખાર પ્રાણી-પશુની ગર્જના ચારેકોર સંભળાઈ રહી હતી. વચ્ચે વચ્ચે કેટલાક જીવોની અંધારામાં તગતગતી આંખો સમગ્ર વાતાવરણને અત્યંત ભયજનક બનાવવાનું કામ કરતી હતી. આમ છતાં, હિંમત રાખીને સ્વામી કરૂણાનંદ પોતાના માર્ગ પર ચાલી રહ્યા હતા.
એમના ગુરુએ એમને ચેતવણી આપી હતી કે, 'સાક્ષાત્ મહાભૈરવ અર્થાત્ મહાકાલ શિવ આ યાત્રામાં પરીક્ષા લેવા આવશે, પરંતુ એ સમયે ડગવાનું નથી કે હિંમત હારવાની નથી. જો ભૂલેચૂકેય રસ્તામાં અધવચ્ચે પાછળથી કોઈનો સાદ સંભળાય તો પાછું વળીને જોવું નહીં. જ્યાં સુધી મંઝિલ પર ન પહોંચો, ત્યાં સુધી પાછળની તરફ નજર કરવી નહીં. હું તારી સાથે રહીશ.'
પરંતુ અચાનક કંઈક એવું બન્યું, જેની કલ્પના પણ સ્વામી કરૂણાનંદે કરી નહોતી! શું હતી એ ઘટના, જેણે એમનું કાળજું કંપાવી દીધું? વિગતે જાણીશું આવતાં અંકે.