પુરુષ કેવી રીતે મા બની શકે .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'ભાવિન તું તારી જિંદગી જીવવા મુક્ત છે. મને ખબર છે, વિવેક જોડે થયેલા અન્યાય અને તારા પલાયન માટે તું ગિલ્ટ ફિલ કરે છે. તું મુક્ત છે...
'અ રે, કહું છું લાલાને થોડો હિંચકો નાખોને, જુઓ આઘોપાછો થાય છે. પારણું થોડું હલાવો નહીંતર હમણાં રડવા લાગશે.' - કમલાબેને રસોડામાંથી બુમ મારી અને છાપાના અક્ષરોમાં ધૂણી ધખાવી બેઠેલા અવિનાશભાઈનું ધ્યાન ભંગ થયું.
'હા ભાઈ, લે પારણું હલાવ્યું. તારા લાલાને હિંચકો નાખ્યો. ખબર નહીં આ બાઈઓને કેટલી આંખો હશે. ચારેતરફ જોવાનું અને ટોક્યા કરવાનું.' - અવિનાશભાઈએ ધીમેથી કહ્યું.
'ખોટી બુમો ના મારશો. તમે જે કરતા હોવ એ અમને ખબર જ હોય. તમે ઘોરવાની તૈયારીમાં જ હતા. મારો છોકરો જાગી જાય તે નહીં જોવાનું.' - રસોડામાંથી કમલાબેન બોલ્યા.
'લે તને સંભળાઈ ગયું.' - અવિનાશબાઈ બેઠા થઈ ગયા.
'તમે મનમાં બોલોને તો પણ અમને ખબર પડી જાય. ચુપચાપ કામ કરો. દસ મિનિટમાં રસોડું આટોપીને આવું છું.' - કમલાબેને કહ્યું અને અવિનાશભાઈએ મંદ મંદ હસતા પારણાને હલાવ્યું.
'હું શું કહું છું, સાહેબ. તમે એક વખત ભાવિનને બીજા લગ્ન માટે વાત તો કરી જુઓ. તમે કદાચ બે પુરુષ વાત કરો અને તેની ઈચ્છા થઈ જાય. આ રીતે તો કેમની જિંદગી પસાર થશે. લાલો હજી નવ મહિનાનો છે. આવડા છોકરાને માની જરૂર પહેલી પડે.' - કમલાબેને રસોડામાંથી આવીને ઘોડિયાની બાજુમાં ગોઠવાતા કહ્યું.
'તારી વાત સાચી છે, પણ મારી જીભ ચાલતી નથી. શ્વેતાને ગયાને હજી ચાર જ મહિના થયા છે. શ્વેતા આપણા ઘરનો પ્રાણ હતી. તેમાંય ભાવિન માટે તો જિંદગી હતી. તેના ગયા પછી તરત જ કેવી રીતે ભાવિનને બીજા લગ્ન માટે વાત કરી શકાય.' - અવિનાશભાઈએ કહ્યું.
'વાત તો તમારી સાચી છે પણ એક મા તરીકે દીકરાનું અને તેમાંય દીકરાના દીકરાનું દુ:ખ કેવી રીતે જોવાય. બંનેને પોતાની કહી શકાય એક સ્ત્રીની જરૂર છે.' - કમલાબેન એટલું બોલ્યા અને તેમનાથી ડુંસકું ભરાઈ ગયું.
'તું નાસીપાસ ના થઈશ. આપણે એક કામ કરીએ, આપણી રીતે છોકરીઓ જોવાનું શરૂ કરી દઈએ. આપણને કોઈ પાત્ર યોગ્ય લાગશે તે દિવસે ભાવિનને વાત કરીશું. ત્યાં સુધીમાં મારા મતે બીજા બે-ચાર મહિના તો જતા જ રહેશે. એકદમ બીજવર માટે અને છ ચાર મહિનાના બાળકને સાચવે એવી છોકરી મળી જવાની નથી.' - અવિનાશભાઈએ કમલાબેનને ખભે હાથ મુકીને સધિયારો આપતા કહ્યું. કમલાબેને આંખના ખૂણા લૂછયા અને પારણાને સહેજ ધક્કો માર્યો.
દિવસો જતા હતા, કમલાબેન અને અવિનાશભાઈ પોતાના દીકરાને જોતા, જીવ બાળતા, લાલાને સાચવતા અને બંને માટે યોગ્ય સ્ત્રી પાત્ર શોધવા ચારેતરફ ફાંફા મારતા. ભાવિન પણ પોતાની લાઈફમાં વ્યસ્ત હતો. તેનામાં થોડું પરિવર્તન દેખાતું હતું. તે ઘણી વખત સાંજે લાલાને લઈને બહાર આંટો મારવા જતો. એકાદ-બે કલાક સુધી ફરતો અને ઘરે આવતો. લાલો પણ તેની સાથે મજાથી જતો હતો.
કમલાબેને આ બાબતની ખાસ નોંધ લીધી હતી. તેમને થતું કે કદાચ બહાર ફરવાથી લાલો આનંદમાં રહેતો હોય. બીજી તરફ એવો પણ વિચાર આવતો કે નક્કી કોઈ સ્ત્રી મિત્ર હોવી જોઈએ જેની સાથે જઈને બંને થોડા રાહત અનુભવે છે. કમલાબેન મનમાં ને મનમાં પત્તાના મહેલ બનાવતા જતા હતા. તેમણે અવિનાશભાઈનું પણ આ મુદ્દે ધ્યાન દોર્યું હતું. તેમણે ખાસ રસ દાખવ્યો નહોતો. એક દિવસ રાત્રે ભોજન કરીને ભાવિન પોતાના દીકરાને લઈને બહાર ચક્કર મારવા માટે ગયો ત્યારે કમલાબેન પણ તેની પાછળ પાછળ ગયા.
તેમણે જોયું તો સોસાયટીની સામેની તરફ જે કોમન પ્લોટ હતો તેની એક ખૂણામાં બનેલા મકાન પાસે ભાવિન પહોંચ્યો હતો. ભાવિન તે મકાનમાં ગયો. થોડીવારમાં ભાવિન, તેનો દીકરો અને એ મકાનમાં રહેનારી વ્યક્તિ મકાનની અગાસીમાં દેખાયા. આ ત્રણેયને જોઈને કમલાબેનના પેટમાં ફાળ પડી. અગણિત વિચારો અને ચિંતાઓ તેમના મનને ઘેરી વળી. તેમનો ચહેરો જ મનના ભાવને વ્યક્ત કરતો હતો. તેઓ થોડીવાર ત્યાં કોમન પ્લોટની દીવાલે સંતાઈને ઊભા રહ્યા અને અગાસીમાં જે ચાલતું હતું તે જોઈ રહ્યા. તેમનું મન સામેના દ્રશ્યોને સ્વીકારવા જરાય રાજી નહોતું. તેઓ આખરે આંખમાં આંસુ સાથે ઘર તરફ વળ્યા.
લગભગ કલાક પછી ભાવિન પણ આવ્યો અને તેણે લાલાને પારણામાં નાખ્યો અને ધીમે ધીમે હિંચોળવા લાગ્યો. અવિનાશભાઈ તેમના રૂમમાં ગયા. ભાવિને લેપટોપ ચાલું કર્યું. તે કામ કરતો જતો હતો અને લાલાને ઉંઘાડતો હતો. કમલાબેન થોડીવારમાં રસોડામાંથી બહાર આવ્યા.
'ભાવિન, મારે તારી સાથે એક વાત કરવી છે. ખાસ કરીને લાલાના ભવિષ્ય વિશે કહેવું છે.' - કમલાબેને કહ્યું.
'હા. જે કહેવું હોય તે બોલ મમ્મી. આવી ફોર્માલિટી કરવાની ક્યાં જરૂર છે.' - ભાવિને લેપટોપ સાઈડમાં મુકતા કહ્યું.
'તું છેલ્લાં ઘણા દિવસથી લાલાને લઈને આંટો મારવા જાય છે. બંને જણા એકાદ કલાકે ફરીને આવો છો. મને ખબર છે કે તમે ક્યાં જાઓ છો. મારી તને વિનંતી છે કે, એ ઘરમાં ફરી ના જઈશ.' - કમલાબેને કહ્યું.
'મમ્મી, હું ત્યાં જઈશ. મને ત્યાં ગમે છે. મારા લાલાને પણ ત્યાં ગમે છે. ખાસ તો એ ઘરમાં રહેનારી વ્યક્તિને અમારી હાજરી ગમે છે. તું જે વિચારો કરતી હોય તે વિચારો મગજમાંથી કાઢી નાખજે.' - ભાવિને કહ્યું.
'દીકરા તને ભાન પડે છે. તું શું વાત કરી રહ્યો છે. સમાજે જેને દૂર હડસેલી છે. જેનું આપણી વચ્ચે કોઈ કામ નથી. એવા માણસના ઘરમાં જઈને તને શાંતિ મળે છે. તું એમ કહે છે કે તારો લાલો તેની સાથે ખુશ છે. તું જરાક તો વિચાર કર. તને ખબર છે ને, તારા પપ્પાને આ વાતની જાણ થશે તો ઘરમાં મહાભારત જામશે. તું થોડું તો સમજવાનો પ્રયાસ કર, બેટા.' - કમલાબેને કહ્યું.
'મમ્મી, તમે લોકો સમજવાનો પ્રયાસ કરો. જમાનો ક્યાં જઈ રહ્યો છે. દુનિયા ક્યાં જીવે છે અને તમે આજે પણ સમાજની એ જ જૂની ખખડધજ માન્યતાઓને પકડીને બેઠા છો.' - ભાવિન થોડો અકળાઈ ગયો.
'બેટા, આમાં માન્યતાઓ કે વિચારોની વાત જ નથી. સમાજ જે જૂએ અને સમાજ જે કરે તે આપણે પણ સ્વીકારવું પડે. આપણે છેવટે તો સમાજની વચ્ચે જ રહેવાનું છે.' - કમલાબેન પણ અકળાયા.
'મમ્મી, તું ખોટી ખોટી સમાજની વાતો ના કરીશ. મેં નક્કી કર્યું છે કે, હું, લાલો અને એ ત્રણેય સાથે જ રહીશું. અમને ત્રણેયને એકબીજાની સાથે ફાવે છે. તું દબાણ કરીશ તો અમે ત્રણેય બેંગ્લોર જતા રહીશું. મારી નોકરી ત્યાં જ છે. મારે વર્કફ્રોમ હોમના બદલે ઓફિસ જવું પડશે. અમે ત્યાં ખુશ રહીશું.' - ભાવિન બોલ્યો.
'તને ભાન પડે છે. વિવેક એક પુરુષ છે. તે આખો પુરુષ પણ નથી. તેનામાં પુરુષનો દેહ અને સ્ત્રીની લાગણીઓ છે. સમાજ આખો તેને કિન્નર કહીને બોલાવે છે. તેના પોતાના મા-બાપે તેને દૂર મકાન અપાવ્યું છે. તેને ઘરની બહાર કાઢતા નથી. તું એની સાથે સંસાર માંડવાની વાતો કરે છે. એક પુરુષ તારા બાળકની મા કેવી રીતે બની શકે.' - કમલાબેન બરાડી ઉઠયા.
'મમ્મી, વિવેક મારો બાળપણનો મિત્ર છે. અમે સમજણા થયા ત્યારથી તેની બાયોલોજી બદલાઈ હતી અને સમાજે તેને
સાચવવાના બદલે કિનારે કરી દીધો. તમે લોકોએ પણ મને તેનાથી દૂર કરી દીધો. આટલા વર્ષે અમે મળ્યા છીએ. હું બદલાયો નથી પણ મારી લાગણીઓ આજે પણ વિવેક માટે અકબંધ છે. મારો લાલો તેના હાથમાં ખુશ રહે છે.' - ભાવિને કહ્યું.
'તારો લાલો એની જોડે ખુશ રહે છે. તું કેવી વાતો કરે છે. એક કિન્નર જોડે મારા લાલાને ઉછેરવો છે. મને લાગે છે કે, મારે અત્યારે જ તારા પપ્પાને વાત કરવી પડશે.' - કમલાબેન બોલ્યા ત્યાં અવિનાશભાઈ રૂમમાંથી બહાર આવ્યા.
'તમને ખબર છે આ વિવેક સાથે...' - કમલાબેન બોલતા બોલતા જ રડી પડયા.
'મને ખબર છે. ભાવિન જ્યારથી અહીંયા આવ્યો ત્યારથી દરરોજ વિવેકને મળે છે. મેં જોયું છે, વિવેક, ભાવિન અને લાલો ત્રણેય આનંદથી રહેતા હોય છે. ત્રણેયને એકબીજાની સાથે ફાવે છે. એક વાત નક્કી છે કે, ભાવિનના જીવનમાં શ્વેતા પછી કોઈ સ્ત્રી આવવાની નથી. તે જે રીતે વિવેક સાથે જોડાયો છે તે યોગ્ય છે. તે ત્રણેય સાથે રહેશે તો વધારે સુખી થશે.'
'ભાવિન તું તારી જિંદગી જીવવા મુક્ત છે. મને ખબર છે, વિવેક જોડે થયેલા અન્યાય અને તારા પલાયન માટે તું ગિલ્ટ ફિલ કરે છે. તું મુક્ત છે. તમે ત્રણેય ખુશ રહેતા હોવ તો બેંગ્લોર જઈને સેટલ થઈ જાઓ. હું તારી મમ્મીને સમજાવી લઈશ. અમે તમારા ઘરે આવીશું.'
'એક પુરુષ ક્યારેય માતા ન બની શકે પણ કુદરતે પુરુષમાં મુકેલી સ્ત્રીની સંવેદના એક બાળકને સાચવી શકે. મેં નજરે જોયું છે. તમે સુખી રહેશો મને વિશ્વાસ છે.' - અવિનાશભાઈએ કહ્યું અને કમલાબેન ખુરશીમાં બેસી પડયા.