Get The App

એથ્લેટિક્સ વિશ્વમાં નવા સીમાચિહ્નો સર કરી રહેલી બ્રિએટ્રસ ચેબટની ગોલ્ડન રનિંગ

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
એથ્લેટિક્સ વિશ્વમાં નવા સીમાચિહ્નો સર કરી રહેલી બ્રિએટ્રસ ચેબટની ગોલ્ડન રનિંગ 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- દાદીમાના કહેવાથી એથ્લેટિક્સમાં ઝુકાવનારી કેન્યાની ૨૫ વર્ષની એથ્લીટ ચાર વિશ્વવિક્રમ તોડવાની સાથે ઓલિમ્પિકમાં બેવડી સુવર્ણ સિદ્ધિ મેળવી ચૂકી છે

દ રેક સ્પર્ધામાં વિજય રેખા એક જ સ્થાન પર સ્થિર રહીને નવા વિજેેતાની પ્રતીક્ષા કરતી રહે છે. જે ખેલાડી સૌથી પહેલા તેને પાર કરી લે છે, તેને જ વિજેતા તરીકે આખી દુનિયા ખભા પર ઊંચકી લે છે. દરેક સ્પર્ધા શરુ થાય, ત્યારે બધા ખેલાડીઓ એક જ કતારમાં બરોબરીએ જ ઊભા હોય છે. ભૂતકાળના વિજેતા હોય કે પછી સાવ નવોદિત દરેકને આરંભ રેખા પર તો એક સમાન જ તક આપવામાં આવે છે, પછી પરિણામ એ ખેેલાડીની મહેનત, પ્રયત્ન અને તનાવ વચ્ચે પણ ટકી રહેવાની સાથે આગળ નીકળી જવાના ઝનૂન પર આધાર રાખે છે. યોગ્ય સમયે, યોગ્ય સ્થાન પર પહોંચવાનો શ્રેય મહેનત અને ભાગ્યના સમન્વયને આભારી હોય છે. આ જ કારણે મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા શબ્દપ્રયોગ પ્રચલિત છે, જે પણ પહેલા મનુષ્યના યત્ન એટલે પ્રયત્નને પૂર્વશરત તરીકે મૂૂકે છે.

સખત મહેનત અને સંઘર્ષમય જિંદગીની સામેના બરોબરીના મુકાબલામાં વિજેતા બનેલી કેન્યાની એથ્લીટ બ્રિએટ્રસ ચેબટે વિશ્વ એથ્લેટિક્સમાં તેની આગવી ઓળખ ઉભી કરી છે. અસીમ સહનશક્તિ અને ગમે તેવી સ્થિતિ થતાં પગને ક્યાંય અટકાવા ન દેવાનો સ્વભાવ એ કેન્યાના એથ્લીટ્સની ખાસિયત છે. કોઈ પણ પ્રકારની સુવિધાઓ તેમજ પોષણયુક્ત આહાર વિના પણ માત્ર ને માત્ર આત્મબળને સહારે દોડતાં રહેેતા કેન્યાના એથ્લીટ્સ મોટાભાગની લાંબા અંતરની સ્પર્ધાઓમાં પોતાની આગવી છાપ છોડી જાય છે અને આ જ પરંપરાને ૨૫ વર્ષની બ્રિએટ્રસ ચેબટ આગળ ધપાવી રહી છે.

હજુ તો યુવાનીમાં ડગ માંડનારી બ્રિએટ્રસ ચેબટ ઓલિમ્પિકમાં ૫૦૦૦ અને ૧૦૦૦૦ મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીતવાની સિદ્ધિ મેળવી ચૂકી છે. જ્યાં દુનિયાભરના ખેલાડીઓ ઓલિમ્પિક જેવા મહા રમતોત્સવમાં ભાગ લેવા માત્રથી ધન્યતા અનુભવતા હોય છે, ત્યાં પહેલી જ વખતમાં બેવડા સુવર્ણ જીતવાની સિદ્ધિએ ચેબટને મહાન ખેલાડીઓની હરોળમાં સ્થાન અપાવી દીધું છે. આધુનિક એથ્લેટિક્સમાં જ્યાં ડોપિંગ એટલે કે પ્રતિબંધિત ડ્રગ્સના સેવન અંગેના આકરા અને આંટીઘુંટીથી ભરેલા નિયમો હોય છે, તેમાં પણ બેદાગ રહેવાની સાથે સાથે પોતાની પ્રતિભાની શ્રેષ્ઠતાને પુરવાર કરવાનું કઠિન કામ ચેબટે અસરકારક રીતે કરી બતાવ્યું છે. 

ઓલિમ્પિક જ નહીં, ડાયમંડ લીગ, કોમનવેલ્થ ગેમ્સ, આફ્રિકન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ તેમજ વર્લ્ડ રોડ રનિંગ ચેમ્પિયનશિપના રેકોર્ડ પર નજર માંડીએ તો ચેબટની પ્રતિભા શીખર પર પહોંચવા માટે  જ સર્જાયેલી હોય તેમ લાગે. આ તમામ ચેમ્પિયનશિપમાં તેણે કુલ મળીને જીતેલા તમામ ૧૧ ચંદ્રકો સુવર્ણ છે, જે તેની મહાનતાનો પુરાવો આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓમાં સાતત્ય સાથે સફળતા મેળવી રહેલી ચેબટે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ પાંચ હજાર મીટરની દોડમાં સતત બે વર્ષ અનુક્રમે કાંસ્ય અને રજત ચંદ્રક જીત્યા છે. આમ, વિશ્વ એથ્લેટિક્સ અને ખંડીય સ્પર્ધાઓની હવે કોઈ એલિટ ઈવેન્ટ બાકી નથી કે જેમાં ચેબટને એક પણ ચંદ્રક મળ્યો ન હોય. 

એથ્લેટિક્સના જાણકારો માને છે કે, ચેબટની કારકિર્દીએ જે પ્રકારની ધમાકેદાર શરુઆત કરી છે, તે ખરેખર ચમત્કારિક કહી શકાય. તેેના જોશમાં હવે સફળતાનો ચમકારો પણ ઉમેરાયો છે અને જેમ જેમ તેને સ્પર્ધાના અનુભવનો અભ્યાસ મળશે તેમ તેમ તેની પ્રતિભા મહાનતાના નવા સીમાચિહ્નોને હાંસલ કરી લેશે. ત્રણ વર્ષના ગાળામાં ચાર વિશ્વવિક્રમો નોંધાવનારી ચેબટમાં અખૂટ ધીરજ છે અને તે ખુબ જ કુશળતાથી ચહેરા પરના સ્મિતની સાથે પોતાની જાતને આગળને આગળ ધપાવતી રહે છે, આ જ કારણે તેને સ્માઈલિંગ કિલર તરીકેની હૂલામણું નામ પણ આપવામાં આવ્યું છે. 

કેન્યાના પર્વતીય વિસ્તાર કેરિચોમાં જન્મેલી ચેબટના માતા લિલિયન કિરુઈ અને પિતા ફ્રાન્સીસ પરિવારનું ગુજરાન ચલાવવા માટે સખત મહેનત કરતાં. તેઓ એક ચા ના બગીચામાં કામ કરતા અને આ કારણે નાનકડી ચેબટ તેની દાદીમા પાસે કેરિચોથી ૫૦ કિલોમીટર દૂૂર આવેલા લોન્દીએનીમાં રહેતી. ત્યાં જ સ્થાનિક શાળામાં તેણે અભ્યાસ કર્યો. કેન્યામાં અન્ય બાળકોની જેમ ચેબટ પણ પ્રાથમિક શાળામાં હતી, ત્યારથી જ એથ્લેટિક્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી. જ્યારે તે માધ્યમિક શાળામાં હતી, ત્યારે તેણે પાંચ હજાર મીટરની દોડમાં જબરજસ્ત દેેખાવ કરતાં છોકરીઓ જ નહીં, છોકરાઓને પાછળ રાખી દીધા.તેના આ પ્રદર્શનથી પ્રભાવિત થયેલા એક પડોશીએ તેની દાદીને સલાહ આપી કે, ચેબટની અંદર એક એથ્લીટ તરીકેની અસાધારણ પ્રતિભા પડેલી છે, તો તેને રજાના દિવસોમાં ઘરે જ બેસાડી રાખવાના બદલે એથ્લેટિક્સના કેમ્પમાં તૈયારી માટે મોકલો, તો તેનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે. 

ચેબટની દાદીને તેમની વાત પસંદ તો આવી પણ તેમણે તત્કાળ તેના પર અમલ ન કર્યો અને થોડો સમય રાહ જોઈ. તેમણે ચેેબટના અભ્યાસમાં રસ લેવા માંડયો, પણ તેના શિક્ષકોની સાથે વાત કર્યા બાદ તેમને લાગ્યું છે કે, અભ્યાસ કરતાં એથ્લેટિક્સ ચેબટની જિંદગીમાં વધુ અજવાળું પાથરી શકે તેમ છે. આખરે તેમણે ચેબટને પણ તેની ઈચ્છા પૂછી, તે તો એથ્લેટિક્સમાં પ્રવેશ મેળવવા માટે ઉતાવળી હતી.

તેમણે નજીકની એથ્લેટિક્સ કલબની તલાશ શરુ કરી અને તેેમના ઘરની પાસે લેમોટીટ એથ્લેટિક્સ કલબ આવેલી હતી, જ્યાંની બે બહેનો સાન્દ્રા અને એમિલીએ તે સમયે વૈશ્વિક સ્પર્ધાઓમાં જબરજસ્ત સફળતા હાંસલ કરી હતી. આ પછી ચેબટને તેની દાદીએ લેમોટીટ એથ્લેટિક્સ કલબમાં કોચ પોલ કેમેઈના માર્ગદર્શનમાં તાલીમ માટે મુકી. માત્ર ૧૫ વર્ષની વયે એથ્લેટિક્સમાં પ્રવેશ મેળવનારી ચેબટે બે વર્ષની સખત મહેનતને સહારે કેન્યાની ૩૦૦૦ મીટરની દોડ સ્પર્ધા જીતી લીધી અને ૨૦૧૭ની વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં સ્થાન મળ્યું,જ્યાં તે થોડા માટે ચંદ્રક ચૂકી ગઈ અને ચોથા ક્રમે રહી. 

તેને સૌપ્રથમ સફળતા ૨૦૧૮માં વર્લ્ડ અંડર-૨૦ ચેમ્પિયનશિપમાં મળી, જ્યાં તેણે ૧૦૦૦૦  મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીત્યો. ઈથોપિયાનો આ ઈવેન્ટમાં દબદબો હતો અને ચેબટ તે સમયે છેલ્લા ૧૨ વર્ષમાં એવી પહેલી નોન-ઈથોપિયન ખેલાડી હતી, જેણે આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો. વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં સુવર્ણ જીતી ચૂકેલી ચેબટે ૨૦૨૨ની યુજીન વર્લ્ડ એથ્લેટિક્સ ચેેમ્પિયનશિપમાં માત્ર ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાના ઈરાદે પહોંચેલી ચેબટે ૫૦૦૦ મીટરમાં રજત ચંદ્રક જીત્યો અને ત્યારથી તેની ડ્રીમ રનની શરુઆત થઈ. તેે જ વર્ષે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણિમ સફળતા મેળવ્યા બાદ તેણે આફ્રિકન ચેમ્પિયનશિપ પણ ડાયમંડ લીગ પણ જીતી.

૨૩ વર્ષની ઉંમરે તેણે વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં બે અને વર્લ્ડ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક સુવર્ણચંદ્રક જીત્યો અને વર્લ્ડ એથ્લેટિક્સમાં કાંસ્ય હાંસલ કર્યો, તેની સાથે સાથેે તેણે ડિસેમ્બર-૨૦૨૩માં પાંચ કિલોમીટરની મહિલાઓની દોડમાં વિશ્વવિક્રમ 

તોડી નાંખ્યો. પેરિસ ઓલિમ્પિકના વર્ષ ૨૦૨૪માં તેણે રમતોના મહાકુંભના પ્રારંભ અગાઉ જ ૫૦૦૦ અને ૧૦૦૦૦ મીટરની દોડમાં નવા વિશ્વવિક્રમ સ્થાપિત કર્યા અને ત્યાર બાદ પેરિસ ઓલિમ્પિકમાં બંને સ્પર્ધાના સુવર્ણચંદ્રકો જીતવાની સાથે આગવો ઈતિહાસ રચી દીધો. વર્ષ ૨૦૨૪ ચેબટની કારકિર્દી માટે સ્વર્ણિમ સિદ્ધિઓનું  વર્ષ બની રહ્યું અને ડિસેમ્બરમાં તેણે પાંચ કિલોમીટરની મિક્સ રેસમાં પણ વિશ્વવિક્રમ સર્જી દીધો. 

એથ્લેટિક્સને સહારે દુનિયાભરમાં આગવી નામના હાંસલ કરનારી ચેબટે નવા કીર્તિમાનો સર્જવાની સાથે સુવર્ણચંદ્રકો હાંસલ કરીને આગવી ઓળખ ઉભી કરી છે. તેની સફળતા થકીં તેની અને તેના પરિવારની મુશ્કેલીઓનો પણ હવે અંત આવી ગયો છે. સફળતાના શિખરે પહોંચવા છતાં ચેબટની વિનમ્રતા હજુ બરકરાર છે અને તે બાળકો અને યુવાનોને એથ્લેટિક્સની કારકિર્દીમાં આગળ વધવા માટે પ્રેરણા પુરી પાડતી રહી છે. કારકિર્દીમાં તમામ મેજર ટુર્નામેન્ટમાં સુવર્ણ જીતી ચુકેલી ચેબટના કલેક્શનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનો સુવર્ણ ચંદ્રકની ખોટ વર્તાય છે, જે આ વખતે જાપાનમાં સપ્ટેમ્બરમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં પૂર્ણ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Tags :