Get The App

કામ બોજ નહીં, પણ મોજ .

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
કામ બોજ નહીં, પણ મોજ                             . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- આ વ્યવસાયમાં રાત-દિવસ સખત મહેનત કરવી પડે છે, પરંતુ ક્યારેય તેનો બોજ તો નથી લાગ્યો. બલ્કે તેઓ એક સ્વતંત્રતાનો અનુભવ કરે છે

ગા ઝિયાબાદના રાજ સિંઘે બી.ટૅક. કરીને માર્કેટિંગમાં એમ.બી.એ.ની ડિગ્રી મેળવીને કોર્પોરેટ ક્ષેત્રે નોકરી કરવા લાગ્યા, પરંતુ કોર્પોરેટ ક્ષેત્રની રોજિંદી એકસરખી દિનચર્યા અને સંકુચિત વાતાવરણને કારણે જીવનમાં સંતોષ કે આનંદ નહોતો મળતો. ૨૦૧૭માં વર્ષે પચીસ લાખ રૂપિયાની નોકરી છોડીને ડેરી ફાર્મિંગ શરૂ કર્યું. ગાઝિયાબાદમાં આવેલા તેમના ફાર્મમાં ચાળીસ ગાયો હતી. તેઓ આંત્રપ્રિન્યોર બનવા ચાહતા હતા અને તેમણે ડેરી ફાર્મિંગ પર પસંદગી ઉતારી. સાત એકર જમીન ભાડાપટ્ટે લીધી અને બહુ ઝડપથી ગાયોની સંખ્યા અઢીસો સુધી પહોંચી ગઈ. ધીમે ધીમે બધું ગોઠવાઈ જશે એવી શ્રદ્ધા સાથે ઉત્સાહભેર કાર્ય શરૂ કર્યું, પરંતુ કોવિડ-૧૯ની મહામારી સમયે લોકડાઉન આવતા બધું બંધ થઈ ગયું અને દર મહિને સાઠ લાખ રૂપિયાનું નુકસાન થતાં ડેરીનું કામ બંધ કરવું પડયું.

રાજ સિંઘ હિંમત હાર્યા વિના વિચારવા લાગ્યા કે કાં તો તેમણે બદલાવું પડશે અથવા તો બરબાદ થઈ જવું પડશે. આવી વિપરીત પરિસ્થિતિમાં તેની નજર ગાયના ગોબર પર પડી કે જે તેઓ સાવ નજીવા ભાવે વેચતા હતા, પરંતુ હવે તેમને ગાયના ગોબરને એક કચરા તરીકે નહીં, પણ તેમાંથી બનતા વર્મીકંપોસ્ટ ખાતર તરીકે જોવા લાગ્યા. એમાંથી તેમના સ્ટાર્ટઅપ ગ્રોઇંગ ટ્રી ઓર્ગેનિક પ્રાયવેટ લિમિટેડનો જન્મ થયો. ડેરી વ્યવસાયના અનુભવે રાજ સિંઘને ખબર હતી કે ગાયનું ગોબર નહિવત્ કિંમતે ખરીદી શકાય છે, તેથી ગાયના ગોબરમાંથી વર્મીકમ્પોસ્ટ કેવી રીતે બનાવાય એ અંગે તેણે તપાસ શરૂ કરી. એક બાજુ ડેરી વ્યવસાયમાં ખૂબ નુકસાન થયું હતું, તો બીજી બાજુ ટકાઉ અને જૈવિક ખેતી વધી રહી હતી તે કારણે જૈવિક ખાતર પર લક્ષ્ય કેન્દ્રિત કર્યું.

બજાર કરતાં ઓછી કિંમત રાખી અને ક્યારેક તો ત્રણ રૂપિયે કિલો ખાતર વેચ્યું. આજે અનેક ખેડૂતો તેના ગ્રાહક છે. ઘણા ખેડૂતો સ્થાનિક ખાતર પર નિર્ભર રહેતા, પરંતુ તેની ગુણવત્તા સારી નહોતી. કેટલાક તો ભૂસા જેવું ખાતર આપતા અને તેની અસર ન થતાં રાસાયણિક ખાતર વાપરવું પડતું હતું. ઘણા ખેડૂતો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરીને રાજ સિંઘનું વર્મીકમ્પોસ્ટ મેળવે છે. પરિવહન ખર્ચ સાથે પણ તે સ્થાનિક બજાર કરતાં સસ્તું પડે છે.

એક સરકારી અને બીજી ખાનગી ગૌશાળાની નજીકમાં તેમણે આ સ્ટાર્ટઅપ માટે જગ્યા લીધી છે. તેને કારણે એને દોઢ હજાર રૂપિયામાં એક ટન ગોબર મળી જાય છે, જ્યારે એમણે છ વર્ષ પહેલાં વર્મીકમ્પોસ્ટની શરૂઆત કરી, ત્યારે તેમની પાસે દસ બેડ હતા. આજે આશરે પાંચસો બેડ છે. આના માટે તેમણે કોઈ શેડ બાંધ્યા નથી. તેઓ તેને ખુલ્લામાં જ રાખે છે, કારણ કે તેઓ ઝીરો બજેટમાં તે બનાવવા માગે છે. ખુલ્લામાં વર્મીકમ્પોસ્ટ બનાવવામાં તેઓ અળસિયાને ગરમી ન લાગે તે માટે તેના ઉપર કેળના પાન પાથરી દે છે. જો પરાલી પાથરવામાં આવે તો તે તેની સાથે ચોંટી જાય છે. કેળના પાન ઉપરથી ઢાંકતા વચ્ચે ચારેક ઈંચ જગ્યા રહે છે અને તે કૂલરનું કામ કરે છે. ૪૫ ડિગ્રી ગરમીમાં પણ અંદરનું ટેમ્પરેચર ૨૫ ડિગ્રીથી વધારે હોતું નથી, તેથી અળસિયાને વાંધો આવતો નથી. આ અળસિયા કેળના પાનને ખાય છે અને તે ખાતરમાં જાય છે. ફોસ્ફરસનો આનાથી મોટો બીજો કોઈ સ્ત્રોત નથી. વધારામાં આજુબાજુ કેળાંનો પાક થાય છે અને બજારમાં આવતાં કેળાં કેળનાં પાનમાં આવે છે જે પાન તેઓ રાજ સિંઘને આપી જાય છે.

ખાતરમાં થતા અળસિયા ગોબર મળે તો તે ક્યાંય જાય નહીં, તેથી તે ગોબર ખાય અને તેના મળમૂત્ર પણ તેમાં ભળે. તેથી ખાતર વધુ સમૃદ્ધ બને છે. તે જમીનમાં આઠ સે.મી.થી નીચે જઈ શકતા નથી. તેમણે તેમના બેડ પણ પચાસ ફૂટથી માંડીને એંશી ફૂટના રાખ્યા છે, જેથી શ્રમિકોને જે વળતર આપવાનું હોય તે સસ્તું પડે. દર બે મહિને વર્મીકમ્પોસ્ટ તૈયાર થાય છે એ રીતે વર્ષની પાંચથી છ સાયકલ મેળવે છે. એક સાયકલમાં બસોથી ત્રણસો ટન ખાતર તૈયાર થાય છે. મણિપુરથી કર્ણાટક સુધી તેમના ગ્રાહકો છે. સીમલા, હિમાલય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પુણેમાં વિશેષ વેચાણ થાય છે. ખાતર સિવાય તેઓ માત્ર વર્મ પણ આપે છે, જે પંચોતેર રૂપિયે કિલો હોય છે અને તેમાં એક હજાર વર્મ હોય છે. જો ત્રણ મહિનામાં વર્મ મૃત્યુ પામે તો બીજા આપે છે, પરંતુ રાજ સિંઘ કહે છે કે એવું કદી બન્યું નથી. તેઓ કન્સલ્ટીંગ પણ કરે છે. એકવાર તેઓ જેને વર્મ આપે તેને વ્યવસાય પણ શરૂ કરાવી દે છે અને તે જગ્યાએથી પણ તેઓ ભાગીદારીમાં ખાતર વેચે છે. જો વર્મ ન વેચે તો તે મરી જાય, જેથી વેચનારને અને ખેડૂતને નુકસાન થાય. દર મહિનાના છેલ્લા શનિવારે તેઓ ખેડૂતોને નિ:શુલ્ક તાલીમ આપે છે. આજે તેને ત્યાં કામ કરતાં સત્તર શ્રમિક પરિવારને નજીકમાં ઘર આપ્યા છે. આ બધું કરીને તેઓ વર્મીકમ્પોસ્ટ ચાર કે સાડા ચાર રૂપિયે કિલો વેચે છે અને વર્ષે આશરે અઢી કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેમના બે ભાઈઓ તેમની સાથે કામ કરે છે. તેમને કોર્પોરેટ ક્ષેત્ર છોડવાનો ક્યારેય અફસોસ નથી થયો. આ વ્યવસાયમાં રાત-દિવસ સખત મહેનત કરવી પડે છે, પરંતુ ક્યારેય તેનો બોજ તો નથી લાગ્યો. બલ્કે તેઓ એક સ્વતંત્રતાનો અનુભવ કરે છે.

પીડિતાના આંસુ લૂછવાની જિગર

ભૂમિકા વિહાર સંગઠન પીડિતોને જીવનના પુનનિર્માણમાં મદદ કરે છે. આજે હજારો યુવતીઓ આ સંગઠન સાથે જોડાઈ છે

ભા રતની માનવાધિકાર કાર્યકર્તા શિલ્પી સિંહનો જન્મ બિહારના કટિહારની ઈમરજન્સી કોલોનીમાં થયો હતો. એ સમયે ત્યાંના સમાજમાં દીકરીઓને ભાગ્યે જ કોઈ મેટ્રિકથી આગળ અભ્યાસ કરાવતા, પરંતુ શિલ્પી નસીબદાર હતી, કારણ કે તેના પિતા અરુણ સિંહ શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા. શિલ્પીના દાદા વૈદ્યનાથ સિંહ રેલવેમાં હતા. તેઓ ઇચ્છતા કે તેમનો પુત્ર અરુણ એન્જિનિયર કે વકીલ બને, પરંતુ તેઓએ રાષ્ટ્રનિર્માણ અને સમાજસુધારાનો માર્ગ પસંદ કર્યો. અરુણ સિંહને ત્રણ પુત્રી હતી તેમાં શિલ્પી સૌથી મોટી. શિલ્પીને પિતાએ કથક ડાન્સ એકૅડેમીમાં પ્રવેશ અપાવ્યો, ત્યારે સમાજની ટીકાનો સામનો કરવો પડેલો. ખુદ શિલ્પીના દાદા ગુસ્સામાં કહેતા કે શિલ્પીના લગ્ન વખતે છોકરાવાળા પૂછશે કે તે શું કરે છે, ત્યારે કહેવું પડશે કે, 'બાપ ઢોલકિયા, બેટી નચનિયા.' આવે સમયે જ્યારે જ્યારે શિલ્પી ભાવુક થઈ જતી કે આંખમાં આંસુ આવી જતાં ત્યારે પિતા હંમેશા તેને કહેતા કે, 'ઘરનો ઉંબરો ઓળંગીને બહાર જઈશ ત્યારે હજારો પુરુષો સામે લડવું પડશે. એક સિપાહીની જેમ ખુદને મજબૂત કરો.'

૧૯૮૪ની વીસમી ઑગસ્ટે જન્મેલી શિલ્પી આજે પોતાના પિતાની તાલીમને યાદ કરતાં કહે છે કે તે સમયે પિતા સાથે મારા સંબંધો એટલા સારા નહોતા, કારણ કે તેઓ વાળ લાંબા રાખવા ન દે, નેઈલ પોલિશ, લિપસ્ટીક કે આઈ-બ્રો કરવા ન દે, જેનો તે ઉંમરે ખૂબ શોખ હોય, પરંતુ તે સમજાવતા કે જો બોર્ડર પરના સિપાહીને પ્રેમથી તાલીમ આપવામાં આવે અને તેને છૂટ આપવામાં આવો તો તે એક સાચો સિપાહી બની શકતો નથી. પરંતુ આજે તો શિલ્પી કહે છે કે તે જે કંઈ છે તે તેના પિતાને કારણે જ છે. અભ્યાસની સાથે સાથે તેના પિતાએ ૧૯૯૬માં સ્થાપેલ 'ભૂમિકા વિહાર' સંગઠન સાથે જોડાઈને તે ઘણું શીખવા લાગી, પરંતુ ૨૦૧૩માં કિડનીની બીમારીને કારણે પિતાનું અવસાન થતા માતા અને બે નાની બહેનોની જવાબદારી શિલ્પી પર આવી પડી.

શિલ્પીએ 'બ્રાઇડલ ટ્રાફિકિંગ સામે અવાજ ઉઠાવ્યો. ગામમાં જે ઘરોમાંથી પુરુષ પલાયન થઈ ગયા હોય, છ-સાત સંતાનો હોય તેમાંય ખાસ કરીને દીકરી હોય તેવા પરિવારોની છોકરીઓ સાથે લગ્ન કરીને તેને વેચવામાં આવતી. લગ્ન માટે મુખ્ય ભૂમિકા નકલી વરની હોય છે. લગ્ન કરીને તે બીજાને વેચે. ઘણી છોકરીઓ ત્રણ-ચાર વાર વેચાય છે. આવી હજારો છોકરીઓનું કાઉન્સેલિંગ કરીને, તેમને સીડ મની આપીને મુખ્યધારામાં લાવવાનો પ્રયત્ન કરે છે. આ કામ કરવામાં ખૂબ જોખમ રહેલું છે, કારણ કે આની આખી સીન્ડીકેટ હોય છે, અને તે મૃત્યુ સુધીની ધમકીઓ આપે છે.

આપણા સમાજમાં દીકરીઓને બોજ માનવામાં આવે છે, તેથી માતા-પિતા તપાસ કર્યા વિના લગ્ન કરવા તરત તૈયાર થઈ જાય છે. ઘણી વાર રાત્રે પણ છોકરીઓને બચાવી છે. જે દલાલો આમાં કામ કરતા હોય છે, તે મોટેભાગે ગરીબ પરિવારની મજબૂરીનો લાભ લે છે અને મોટેભાગે બારથી પંદર વર્ષની કિશોરવયની છોકરીઓમાં તેમને વધુ પૈસા મળે છે. એક તો તેને સહેલાઈથી ફોસલાવી શકાય છે અને તે વિરોધ કરી શકતી નથી. ઘણા તો બાળકો માટે લગ્ન કરે છે અને બાળક થતાં છોડી દે છે. સરહાનપુરમાં ટ્રેનમાં લઈ જતી કિશોરી ઉપર સતત બળાત્કાર કરવામાં આવ્યો. કુટુંબના દરેક સભ્ય તેના પર બળાત્કાર કરે. તેથી પીડિતાને એના બાળકનો પિતા કોણ છે તેની પણ ખબર ન હોય. અત્યાર સુધી આશરે બે હજાર સ્ત્રીઓને શિલ્પીએ બચાવી છે. શિલ્પીએ સીમાંચલના સૌથી મોટા ગુંડાની ધરપકડ કરાવી છે અને તે જેલમાં છે.

ભૂમિકા વિહાર સંગઠન પીડિતોને જીવનના પુનનિર્માણમાં મદદ કરે છે. આજે હજારો યુવતીઓ આ સંગઠન સાથે જોડાઈ છે. બાળકો અને યુવાનો માટે શિક્ષણનો કાર્યક્રમ ચલાવે છે. બાળવિવાહને રોકવાનું કામ કરે છે. તેણે કમજોર કિશોરીઓના સમૂહ બનાવ્યા છે. એક સમૂહમાં એક જ પંચાયતની વીસ છોકરીઓ હોય છે. અરરિયા અને કટિહારમાં આવા પચાસ સમૂહ સક્રિય છે. તેમણે 'વન નાઈટ બ્રાઈડ', 'લજ્જા', 'સ્વાહા' 'ઔર ઝટકા' જેવી ડોક્યુમેન્ટરી બનાવી છે. આંચલ યોજના અંતર્ગત અનાથ અને ત્યજાયેલા બાળકોને સહાય કરે છે. એના કામની પ્રશંસા પરદેશમાં પણ થઈ. કેનેડામાં માનવઅધિકારના અભ્યાસ માટે તેને સ્કોલરશિપ મળી. અમેરિકા, નેધરલેન્ડ અને લંડનમાં પણ તેને નિમંત્રણ મળ્યું.

તે કહે છે કે દહેજમાં નહીં શિક્ષણ પાછળ ખર્ચ કરો. દીકરીને શિક્ષિત અને સક્ષમ બનાવો તો તે સુરક્ષિત આપોઆપ થશે. દેશની રક્ષા બોર્ડર પર રહીને જ કરી શકાય તેવું નથી. સાધારણ સ્ત્રી પણ દેશને સહયોગ આપી શકે. દરેક માતા પોતાના દીકરાને બે સંસ્કાર આપે એક તે કોઈ સ્ત્રીની છેડતી ન કરે અને બીજા તે કોઈ પર બળાત્કાર ન કરે. સ્ત્રી પોતાને કમજોર ન માને.પોતાની બેટી માટે લડનાર દરેક પિતાને તે સલામી આપે છે. તેને અફસોસ એટલો જ છે કે જે પીડિત છે તે મોં છુપાવીને જીવે છે અને જે ગુનેગાર છે તે ખુલ્લેઆમ ફરે છે.

Tags :