Get The App

માત્ર છ પેન્સનું એક પુસ્તક! .

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
માત્ર છ પેન્સનું એક પુસ્તક!                                     . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- પેંગ્વિનની ક્ષિતિજો સતત વિસ્તરવા લાગી. સમય જતાં એના પુસ્તકોની ડિઝાઈનમાં અને ટાઈપોગ્રાફીમાં પણ પરિવર્તન આવ્યાં...

એ લન લેનના દિમાગમાં હંમેશાં ક્રાંતિકારી વિચારો ઝબૂક્યા કરતા હતા. એનું નામ તો હતું એલન વિલિયમ્સ, પરંતુ એની માતાના એક સંબંધીએ એલનને એનાા પ્રારંભકાળમાં નોકરી આપી હોવાથી એણે એલન લેન તરીકે ઓળખાવવાનું પસંદ કર્યું. એના માતૃપક્ષના પિતરાઈ ભાઈ જ્હૉન લેન ઇંગ્લૅન્ડની બ્રોડલે હેડ પબ્લિશિંગ ફર્મના માલિક હતા. આ જ્હૉન લૅન નિ:સંતાન હોવાથી એણે એલન લેનને બ્રિસ્ટોલની નિશાળમાંથી ઉઠાડીને પોતાની કંપનીમાં દાખલ કર્યો. ૧૯૧૯નું એ વર્ષ હતું, ત્યારે એલનની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. એનો અઠવાડિયાનો પગાર એક ગિની હતો, જેમાંથી દસ શિલિંગ તો એને કાકા જ્હૉન લેનના ઘેર સૂવાના આપવા પડતા હતા. એલને પટાવાળાથી માંડીને એકએક કામ શીખવા માંડયું. અને જ્હૉન લેનનું અવસાન થતાં એલન આ કંપનીનો ડિરેકટર બન્યો અને ૧૯૩૦માં તો હજી માંડ ૩૦ વર્ષ પણ પૂરાં કર્યાં ન હતાં, ત્યારે એ કંપનીનો ચેરમેન બન્યો.

૧૯૩૪ની એક ઘટનાએ એલનના મનમાં તોફાન જગાડયું. એની પ્રકાશન સંસ્થાનાં અત્યંત લોકપ્રિય રહસ્ય-કથા લેખિકા આગાથા ક્રિસ્ટી સાથે એ વિકેન્ડ ગાળીને પાછો ફરતો હતો. આ સમયે એકસ્ટેર સ્ટેશન પર લટાર મારવા નીકળ્યો. પ્રકાશક પહેલાં પુસ્તક ભંડાર શોધે, એમ એ સ્ટેશનના બુક સ્ટોલમાં ગયો અને લંડન સુધીના પ્રવાસમાં વાંચવા કોઈ પુસ્તક શોધવા લાગ્યો. એણે જોયું તો માત્ર થોડાંક સામયિકો સિવાય બુક સ્ટોલમાં કશું ન હતું.

એના મગજમાં ક્રાંતિકારી વિચાર જાગ્યો, તે એ કે સસ્તી કિંમતે જો પુસ્તકો મળે, તો એના વેચાણમાં તકલીફ પડે નહિ અને આવા બુક સ્ટોલ પર પણ એ સહેલાઇથી મળી રહે. મનોમન સંકલ્પ કર્યો કે છ પેન્સની કિંમતનું પુસ્તક બહાર પાડવું. વળી આ પુસ્તક કોઈ જેવું તેવું ન હોય, પરંતુ વાચનક્ષમતા ધરાવતું ઉચ્ચકક્ષાનું ફિકશન કે નૉન-ફિકશન હોય.

એ જમાનામાં ઇંગ્લૅન્ડમાં છ પેન્સમાં તો દસ સિગારેટનું એક પેકેટ મળતું અને બીજી બાજુ પેપર બૅકમાં પ્રગટ થતાં પુસ્તકોને પ્રકાશકો 'ગંદો કચરો' કહેતા હતા. એલન લેને પોતાની પ્રકાશન-સંસ્થાના ડિરેકટરોને આ વાત કરી, ત્યારે બધાયે એની વાતને મૂર્ખામી ગણીને હસી કાઢી. એલન લેન પોતાની વાતમાં મક્કમ હતો કે પેપર બૅક દ્વારા લોકોને સારી નવલકથાઓ અને ઉત્કૃષ્ટ વાચન આપવું. વળી એ સસ્તી કિંમતે મળશે એટલે સહુ કોઈ લેવા પ્રેરાશે. એના બીજા ડિરેકટરો એ વાત સ્વીકારવા સહેજે તૈયાર નહોતા. એમણે એલન લેનને કહ્યું કે, 'તું તારા હિસાબે અને જોખમે આ સાહસ કર, વળી કંપનીમાં તારા કામના સમયે નહિ, પરંતુ એ પછીના કલાકોમાં આવું 'પેપર બૅક'નું પરાક્રમ કરજે.'

એ સમયે બોર્ડનાં ડિરેકટરોને એક ભય પણ હતો કે એમના દ્વારા જેમ્સ જોઈસનું વિવાદાસ્પદ પુસ્તક 'યુલિસીસ' પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને એની સામે અદાલતી કાર્યવાહીનો ભય પણ ઊભો હતો. આથી એલન લેનને વિદાય આપવામાં એમને કશો વાંધોય નહોતો.

એલન લેને એના કાર્યનો પ્રારંભ કર્યો અને એના બે ભાઈ ડીક અને જ્હૉન પણ એની સાથે જોડાયા. પહેલાં વિચાર કર્યો કે આ પ્રકારનાં પુસ્તકોની પ્રકાશન સંસ્થાનું નામ ડૉલ્ફિન બુક્સ રાખીએ, પરંતુ છેવટે પેંગ્વિન બુક્સ નામ ઉપર આ ત્રણેય ભાઈઓએ કળશ ઢોળ્યો. બ્રોડલે હેડ પ્રકાશ સંસ્થાના ચિત્રકાર એડવર્ડ યંગને લંડનના પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓના સ્કૅચ દોરવા મોકલ્યો અને એમાંથી આ કંપનીઓ પેંગ્વિનનો લોગો નક્કી થયો. એમનો ખ્યાલ એવો હતો કે આ લોગો તરત ઓળખાઈ જાય તેવો અને લોકચાહના પામે તેવો હોવો જોઇએ.

આ પુસ્તકોમાં કોઈ ચિત્રો ન હોય, માત્ર એના વિષયવસ્તુ પ્રમાણે એના મુખપૃષ્ઠનો રંગ હોય, જો એના મુખપૃષ્ઠ પર લીલો રંગ હોય, તો તે અપરાધકથાનું પુસ્તક હોય, બીજા પ્રકારની કથાઓ-નવલકથાઓ માટે નારંગી રંગનું મુખપૃષ્ઠ હોય અને ફિકશન સિવાયના સાહિત્ય માટે વાદળી રંગનું મુખપૃષ્ઠ હોય. આ મુખપૃષ્ઠ પર વિષયને લગતું કોઈ ચિત્ર નહિ, બીજી કોઈ આકૃતિ નહિ. એના સર્જનનું રેખાચિત્ર પણ નહિ. એલન લેનને કહ્યું કે, સસ્તું પુસ્તક આપવું હોય તો આ બધું કરવું પડે.

પ્રારંભમાં તો પુસ્તક વિક્રેતાઓ અને લેખકોએ પેપર બૅકનો વિરોધ કર્યો. એમને એવો ભય હતો કે વાચકો પુસ્તકની ખરીદી પાછળ જે રકમ ખર્ચતા હતા, તે હવે ઓછી રકમ ખર્ચશે. એલન લેન પોતાની વાતમાં મક્કમ રહ્યો અને એણે પ્રેરણા અને મૌલિક વિચારો સાથે કંપનીનું કામ આગળ ધપાવ્યું. જ્યાં સુધી એનો વિચાર મૂર્ત-સ્વરૂપ ધારણ ન કરે, ત્યાં સુધી એને જંપ વળતો નહીં. પેપર બૅક કરવાનો વિચાર કર્યા પછી તરત જ એને માટે એ બીજા પ્રકાશકો અને લેખકોનો સંપર્ક સાધવા લાગ્યો અને પેપર બૅક માટેનાં હક્કો ખરીદવા માંડયો. એણે કહ્યું,'મને સમજાતું નથી કે સસ્તી કિંમતનાં પુસ્તકો શા માટે સારી ડિઝાઈન ધરાવતા ન હોય.' એ સારી ડિઝાઈનવાળા હોવા જોઇએ. હકીકતમાં તો ખરાબ ડિઝાઈનનો જેટલો ખર્ચ થાય છે, એટલો જ સારી ડિઝાઈનનો ખર્ચ થાય છે.

પેપર બૅકમાં ઉત્કષ્ટ પુસ્તકો આપવાના સાહસનો પ્રારંભ કરતી વખતે એણે અર્નેસ્ટ હેમિંગ્વે, આન્દ્રે મોર્વા, આગાથા ક્રિસ્ટી જેવા સમર્થ સર્જકોનાં સાહિત્યને પ્રગટ કરવાનું નક્કી કર્યું. હવે આ પુસ્તકો વેચવા માટે વૂલવર્થના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સના પુસ્તક ખરીદી કરનાર પાસે એલન લેન ગયા અને એમણે એના સેમ્પલ બતાવ્યા. આ સેમ્પલ જોઇને આ ચેઇનસ્ટોર્સ વતી ખરીદી કરતા પેસ્કોટ નામના સજ્જને સાફ સુણાવી દીધું કે, પુસ્તકો તો સુંદર બાંધણીવાળાં, જાડા પૂંઠાંવાળા અને ચિત્રમય હોવાં જોઇએ, આવી નાની સાઇઝ પણ ચાલે નહિ, માટે માફ કરશો. એકે પુસ્તક નહિ જોઇએ. એણે એલનને નિરાશ કર્યો.

એ પછી પેસ્કોટે એની પત્નીને આ વાત કરી. એની પત્ની તો છ પેન્સમાં એક મહત્ત્વપૂર્ણ પુસ્તકની વાત સાંભળીને જ પાગલ થઇ ગઈ. એણે એના પતિને કહ્યું કે, 'તમે શા માટે એલન લેનને જાકારો આપ્યો. આવો વિચાર કરનારને તો મોટો આવકાર આપવો જોઇએ.' એ એણે પહેલા જ ધડાકે ૬૩,૫૦૦ નકલોનો ઓર્ડર આપ્યો. આનો અર્થ એ થયો કે ઓછામાં ઓછું આ દસ પુસ્તકો પ્રગટ કરવાનું પેંગ્વિનનું પ્રથમ સાહસ સહેજે નુકસાન નહિ કરે.

પુસ્તકો પ્રકાશિત થયાં ત્યારે એલન લેન અને એના સાથીઓના મનમાં નિરાંત હતી. એનાં જુદાં જુદાં ટાઈટલ ઝડપથી વેચાવા માંડયાં અને નવા નવા ઓર્ડર આવતાં પુસ્તકોનું પુનર્મુદ્રણ ઝડપથી કરવું પડયું. ૧૯૩૫માં એલન લેને બીજાં પુસ્તકોનાં પ્રકાશન ઉપરાંત પેંગ્વિન બુક્સને એક આગવી કંપનીનું રૂપ આપ્યું. એમાં એ અને તેમના ભાઈઓ ડિરેકટર તરીકે રહ્યા અને ૧૦૦ પાઉન્ડની કેપિટલથી એણે કંપનીની શરૂઆત કરી. એ પછી બ્રોડલે હેડમાંથી રાજીનામું આપીને એલન એલિકન સિરીઝ શરૂ કરી, જેમાં એચ.જી.વેલ્સ અને બર્નાર્ડ શોનાં પુસ્તકો પ્રગટ કર્યા. જે માત્ર છ પેન્સમાં મળતાં હતાં અને એ ખૂબ ઝડપથી વેચાતાં હતાં. એ પછી તો આમાં ક્લાસિક પણ પ્રગટ થવા લાગ્યાં.

પેંગ્વિનની ક્ષિતિજો સતત વિસ્તરવા લાગી. સમય જતાં એના પુસ્તકોની ડિઝાઈનમાં અને ટાઈપોગ્રાફીમાં પણ પરિવર્તન આવ્યાં. અંગ્રેજી, સ્પેનિશ, પોર્ચુગિઝ અને કોરિયન ભાષામાં એના ક્લાસિક પેપર બેકમા પ્રગટ થયા. બિનયુરોપિય લેખકોનાં પુસ્તકોનાં અનુવાદો પણ પ્રકાશિત થતા રહ્યા. એ પછી તો પોકેટ બુક વિશ્વભરમાં ફેલાઈ ગઈ. ભારતમાં પણ એના આગમન સમયે પ્રમાણમાં લોકરંજન વિષયો એ ક્રાઈમથ્રીલર આપવામાં આવતા હતા, પંરતુ સમય જતાં એમાં પણ પરિવર્તન આવ્યું છે.

ભેજાબાજ એલન લેનને ૧૯૫૨માં બ્રિટિશ રાણીએ 'સર'નો ખિતાબ આપ્યો. ૬૭મા વર્ષે કેન્સરને કારણએ ૧૯૭૦માં તેનું અવસાન થયું, પરંતુ અંગ્રેજ પ્રજાએ અંગ્રેજી ભાષામાં સસ્તી કિંમતે આવું સાહિત્ય જગતમાં પ્રસારવવા માટે એને સલામ કરી અને કહ્યું કે, 'ધ ટાઈમ્સ' અખબાર અને 'બી.બી.સી.'એ વિશ્વભરમાં ઇગ્લેન્ડને, આદરપૂર્વક જાણીતું કર્યું, એ જ રીતે એલન લેનના ભેજાની ઊપજ સમાન પેપર બૅકે અંગ્રેજી ભાષા અને સાહિત્યને વિશ્વવ્યાપી અપાર પ્રતિષ્ઠા અપાવી. આવી પેંગ્વિન પેપર બૅક આગામી ૩૦મી જુલાઈ ૨૦૨૫ના દિવસે યશસ્વી ૮૯ વર્ષ પૂરાં કરીને નેવુમા વર્ષમાં પ્રવેશશે, ત્યારે એ દિવસે જગત ભેજાબાજ એલન લેનને જરૂર યાદ કરશે.

મનઝરૂખો

અમેરિકન નૌકાદળની 'બાયા એસ.એસ.૩૧૮' નામની સબમરીનમાં ૧૯૪૫ના માર્ચમાં રોબર્ટ મૂર એના બીજા સાથી ૮૮ સૈનિકો સાથે ૩૭૬ ફૂટ નીચે પાણીમાં પસાર થતો હતો. એ સમયે ટેલિસ્કોપથી જોતાં જાણ થઇ કે જાપાનનાં ત્રણ યુદ્ધ જહાજો એમના તરફ ધસી રહ્યાં છે. અમેરિકન સબમરીને ત્રણ ટોરપીડો છોડીને એના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યાંત્રિક ખામીને કારણે અમેરિકન ટોરપીડો નિષ્ફળ ગયા. એવામાં આકાશમાં ઊડતા જાપાની વિમાનનો સંકેત પ્રાપ્ત કરીને જાપાનના નૌકાદળના રક્ષક જહાજે સબમરીનની જગાને શોધી કાઢી. એ સમયે સબમરીનનો સહેજે અવાજ ન સંભળાય તે માટે પંખા, કુલિંગ સિસ્ટમ તેમજ ઇલેક્ટ્રિક ગિયર બંધ કરી દીધા. બધા હાલ્યાચાલ્યા વિના બેસી રહ્યા અને સબમરીનને ચારે તરફથી બંધ કરી દીધી. ત્રણેક મિનિટ બાદ જાપાની જહાજમાંથી બૉમ્બ ફેંકાયા એટલે તત્કાળ સબમરીન ૨૭૬ ફૂટ નીચે લઇ જવામાં આવી. જાપાનના હુમલાખોર જહાજે પંદર કલાક સુધી બોમ્બ ઝીક્યે રાખ્યા. જો આમાંથી એક પણ બૉમ્બ ૧૭ ફૂટ નજીક પડયો હોત, તો સબમરીનમાં કાણું પડી જાત. આ પંદર કલાકમાં સામે મોત દેખાતાં રોબર્ટ મૂરના મનમાં ગત જીવનના અનેક અનુભવો પસાર થઇ ગયા.

ઓછો પગાર, બોસનો વિચિત્ર સ્વભાવ, પત્ની સાથેના કલહ-કંકાસ એ બધી વાતો યાદ આવી અને થયું કે હું કેવી નાની નાની બાબતો માટે ચિંતા સેવતો અને ઝગડતો હતો. એ સમયે મૃત્યુની સન્મુખ ઊભેલા રોબર્ટ મૂરને અફસોસ થયો કે જીવન તો કેવું અતિ મૂલ્યવાન છે. આવી નાની નાની ચિંતાઓનું એમાં સ્થાન ન હોવું જોઇએ. એને અફસોસ થયો કે કેવી કેવી ચિંતાઓ અને ભાવો સેવીને મેં મારા જીવનને વ્યર્થ અને વામણું બનાવી દીધું. કેટલીય અર્થહીન બાબતો માટે બીજી વ્યક્તિ સાથે, સમાજ સાથે અથડામણમાં ઊતર્યો. રોબર્ટ મૂરે પોતાની જાતને વચન આપ્યું કે જો હું જીવતો બહાર નીકળીશ તો હું ક્યારેય ચિંતા નહીં કરું.

સદ્ભાગ્યે રોબર્ટ મૂરની એ સબમરીન જાપાનના યુદ્ધ જહાજોના હુમલામાંથી હેમખેમ બચી ગઈ, પણ કટોકટીના પંદર કલાકે રોબર્ટ મૂરને જીવન જીવવાની ચાવી આપી દીધી.

Tags :