Get The App

મહાભારતમાં મહાદેવ : જ્યારે શ્રીકૃષ્ણ શિવની સ્તુતિ કરે છે

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
મહાભારતમાં મહાદેવ : જ્યારે શ્રીકૃષ્ણ શિવની સ્તુતિ કરે છે 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- શ્રાવણના આરંભે પ્રચલિત શિવ સાહિત્ય ઉપરાંત વેદવ્યાસના મહાભારતમાં પણ અલગ અલગ સ્થાને એમનો મહિમા છે, જેની છાલકમાં તરબોળ થાવ!

'ખો બામાં જળની અંજલિ ભરી, એમાં પ્રિય ગૌરીના મુખનું પ્રતિબિંબ શિવે જોયું. મંત્રોચ્ચાર પડતા મૂકીને એ જ સંધ્યા વંદન જેમણે કર્યા એ શિવને મારા પ્રણામ !'

પ્રખર વિદ્વાન સ્વ. હરિવલ્લભ ભાયાણીએ 'ગાથા માધુરી' નામનો ગ્રંથ પ્રાકૃત મુક્તકોના અનુવાદો આપણી ભાષાને આપ્યો. કેવી સુંદર સ્તુતિ છે આ ! પ્રશંસા એટલે વાહવાહ કહીને કમરેથી ઝૂકી જવું નહિ. સ્તુતિ એને કહેવાય જેમાં સામી વ્યક્તિના કોઈ પણ સરસ ગુણોને બિરદાવવામાં આવે. એનું વર્ણન હોય પછી સુંદરતા હોય કે સજ્જતા. અહીં શિવનો પ્રેમરસ વ્યક્ત થયો કર્યો છે, હજારો વર્ષ પહેલાના કવિએ.

કેવી મનોહર વાત છે. ને કેટલી બોલ્ડ લાગે આજના સનાતનના નામે તાલિબાની મર્યાદાના કોપીકેટ થઈ જતા અભણોને ! સાક્ષાત શિવ સંધ્યાના અર્ધ્ય માટે અંજલિ લે છે, પણ હૃદયપ્રિયા પડખે છે, એનો ચહેરો એમાં દેખાય એટલે પ્રિયજનના દર્શનને જ પૂજા સમજી લે છે !

શિવમહિમાનો મહિનો શ્રાવણ અલગ અલગ રીતે શિવસ્તુતિ માટે જ છે. શ્રાવણમાં જ આગળ તો જન્માષ્ટમીનો કૃષ્ણ જન્મોત્સવ આવે છે. કૃષ્ણ યાદ આવે તો તરત ગીતા યાદ આવે. ગીતા યાદ આવે તો મહાભારત યાદ આવે. ભાગવત પછી કૃષ્ણપ્રીતિ માટે સૌથી અગત્યનો ગ્રંથ જ મહાકાવ્યોમાં પણ શિરમોર મહાભારત છે. પણ આ મહાભારતમાં પણ અદ્ભુત શિવસ્તુતિઓ છે એ કેટલાને ખબર છે? ખબર પાડવા માટે વાચવું પણ જોઈએ ને ! હવે તો ગુજરાતીમાં પણ વીસ ભાગમાં સમશ્લોકી અનુવાદ સાથે ઉપલબ્ધ એવું મહાભારત ! સંસ્કૃતિની વાતો કરનારાને સંસ્કૃત વાંચવાની ખબર નથી પડતી ને સંસ્કૃતના મહાપંડિતોને મોક્ષમાં જ રસ પડે છે, મહોબ્બતમાં શુષ્ક થઈ જાય છે!

ખેર, મહાભારતમાં મુખ્ય ભૂમિકા કૃષ્ણની ગણો તો પણ ઠેકઠેકાણે મહાદેવની દ્રશ્ય કે અદ્રશ્ય હાજરી દેખાયા કરે છે.

મહાભારતમાં શિવ ફિમેલ ફ્રીડમના ઉદ્ગાતા તરીકે જોવા મળે છે. પૂર્વજન્મોની કથા જૂનવાણી માનસ ગણો તો પણ દ્રૌપદીને પાંચ પતિ હોવાનું 'વરદાન' શિવ થકી મળેલું છે ! અને શિખંડીની કથા તો જાણીતી છે. પોતાના સાવકા ભાઈઓના લગ્ન માટે શાલ્વરાજના પ્રેમમાં રહેલી અંબાનું ભીષ્મે અપહરણ કર્યું. અંબાએ પોતાના પ્રેમપ્રકરણને વાત કરતા અંતે એને પ્રિય શાલ્વરાજ પાસે મોકલવામાં આવી. અન્ય પુરૂષે અપહરણ કરેલું હોઈને પ્રેયસીને સ્વીકારવાનો શાલ્વરાજે ઇન્કાર કર્યો. અંબા ફરી ભીષ્મ પાસે આવી, પણ ભીષ્મે એનો સ્વીકાર પ્રતિજ્ઞાવશ કર્યો નહિ. પિતાને ઘેર જઈ શકાય એમ નહોતું. મૈથિલી ધરતીમાં સમાય એવી સ્થિતિ ઉભી થઈ.

એ વનમાં ગઈ, એના સાધુ થઈ ગયેલા માતામહ (નાના, મમ્મીના પપ્પા) હોત્રવાહન એને મળ્યા, જેના થકી એ પરશુરામને મળી. એને ન્યાય અપાવવા પરશુરામ- ભીષ્મ વચ્ચે તુમુલ યુદ્ધ થયું પણ ભીષ્મને પરશુરામ પણ હરાવી ન શક્યા, ને અંતે દેવતાઓએ યુદ્ધ અટકાવ્યું. કાશીરાજપુત્રી અંબા ભટકતી રહી. ગંગાને મળી, ઋષિઓને મળી પણ એને ન્યાય ન મળ્યો. અંતે તપસ્યાથી પ્રસન્ન થઈ આવતા જન્મમાં નારી ને નરના સંયુક્તરૂપે અવતરી ભીષ્મને હણવાનું વરદાન પણ શિવે આપ્યું! 

ધ પ્રોગ્રેસિવ શિવ!

અરણ્યપર્વમાં શિવ કિરાત ભીલનું સ્વરૂપ ધારણ કરી અર્જુનની કસોટી કરી એને હરાવે છે, એ પછી પ્રસન્ન થઈને પાશુપત સહિત અસ્ત્રોશસ્ત્રો પણ આપે છે, એના પરથી તો ભારવિએ સુપ્રસિદ્ધ કથાકાવ્ય 'કિરાતાર્જુનીયમ્' લખ્યું. શિવનું એક વરદાન રાવણની જેમ ખલનાયકની ભૂમિકાએ રહેલા જયદ્રથને પણ મળેલું, જેનો ઉપયોગ અભિમન્યુવધ સમયે એણે કરેલો, પછી સદાશિવે અર્જુનને પણ મદદ કરેલી. અશ્વત્થામાને પણ શિવના આશિષ હતા અને ગાંધારી, ચિત્રાંગદા જેવા પાત્રો પણ શિવભક્ત હતા. કૃષ્ણને પણ શિવના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિની કથા છે.

પણ મહાભારતમાં શિવસ્તુતિ ખરી બે જગ્યાએ આવે છે. દ્રોણપર્વના અંતે સ્વયં વેદવ્યાસ પ્રગટ થઈને શિવનો મહિમા ગાય છે. જેમાં વ્યાસ નર, નારાયણ સ્વરૂપે થયેલી શિવતપસ્યાનું વર્ણન કરે છે. ત્યારે અદ્ભુત શબ્દોમાં શિવના વખાણ છે. સ્થાવર-જંગમ વિશ્વનું અધિષ્ઠાન અજન્મા એવા શિવને ગણીને 'સર્વભૂતહૃદિ સ્થિતમ્' - દરેક પ્રાણી એના હૃદયમાં વિરાજેલા શિવ કહે છે.

વ્યાસજી આગળ વધે છે : દુષ્ટો પર ક્રોધ કરનારા, સત્પુરૂષો તરફ ઉદાર, અનંત વીર્યવાન ને સોના જેવા પ્રકાશમાન યુદ્ધમાં જીતવા અસંભવ એવા શિવને કહે છે. પિનાકિન (પિનાક ધનુષ્ય ધારણ કરેલા) શબ્દ ત્યાંથી આવ્યો છે. ચમકતું ત્રિશૂળ, ફરસી, ગદા, તલવાર બધા આયુધો, મસ્તક પર ચંદ્ર, વ્યાઘ્રચર્મ, હાથમાં દંડ અને મનોહર નેત્રભ્રમર ! (૭.૧૭૨.૫૧) સર્પની જનોઈ, સુંદર બાજુબંધ, પંચમહાભૂતનું મૂળ કારણ, રૂદ્રાક્ષ ધારણ કરેલા અને પાપ તથા ગ્લાનિ (ડિપ્રેશન?)થી મુક્ત તપસ્વીઓને જ દર્શન થાય એવા શિવની વાત વ્યાસજી ગાય છે. કોઈ જ શરમના માર્યા શબ્દો ચોર્યા વિના 'ચાર્વંગ્યા પાર્વત્યા' એવો શબ્દ પ્રયોજે છે. ચારૂ એટલે અતિસુંદર. એવા નયનરમ્ય અંગોવાળા પાર્વતીની સાથે વરદં યાને વરદાતા શિવ પધારે છે ! (૭.૧૭૨.૬૪)

સ્તુતિમાં તો સમર્પણ હોય. શિવને દેવો, અસુરો, રાક્ષસો, પિશાચો, મનુષ્યો તમામની ઉત્પત્તિના કારક ગણી વ્યાસજી રૂપ અને તેજ, શબ્દ અને આકાશ, વાયુ અને સ્પર્શ, રસ અને જળ, ગંધ અને પૃથ્વી, કામ અને કાળ (જોડકાં તો જુઓ !) બધું શિવમાંથી ઉત્પન્ન થયું છે. મોટા જળાશયના જળબિંદુઓ ઉછળે ફુવારાની જેમ પણ ધીમા પડી એમાં જ ભળે, એમ બધી સૃષ્ટિના સર્જન ને વિનાશનું કારણ શિવ છે ! એ સત્યને જે જાણે, એ શિવના સાયુજ્યને પામે ! અહીં વેદવ્યાસની જ ગીતાનો વિભૂતિયોગ યાદ આવે. સમજવું જોઈએ કે વાર્તારસ થકી વર્ણન તો બ્રહ્મતત્વના ચૈતન્યનું અલગ અલગ રૂપે થયા કરે છે ! આ વર્ણન પણ વ્યાસ નારાયણે શિવતપસ્યા કરી, એમાં જે સ્તુતિ કરી એનું છે. મનના વૃક્ષ પર જીવ ને આત્મા એ બે પક્ષીઓ છે, જેનું સપ્ત ધાતુ (રક્ત, માંસ, મજ્જા, ચેતા વગેરે) રક્ષણ કરે છે, ને દેહરૂપી નગરને દસ ઈન્દ્રિયો ધારણ કરે છે, એ સર્વતત્વોના સર્જક શિવ છે.

અહીં જ વ્યાસજી ઘણા કહેવાતા શાસ્ત્રજ્ઞાો ભૂલી જાય છે, એવી લિંગપૂજાની વાત પણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. 'લિંગેઅર્ચિતો' કહીને અશ્વત્થામાને વ્યાસ કહે છે કે નારાયણે લિંગપૂજા કરી હતી, પણ તેં પ્રતિમાપૂજા કરી હતી. 'સર્વરૂપં ભવં જ્ઞાત્વા લિંગેયોઅર્ચતિ પ્રભુમ્' કહી મહેશ્વરની પૂજા સર્વસ્વરૂપના સર્જક તરીકે લિંગરૂપે થાય ને દેવો, સિદ્ધો, મહર્ષિઓ એમ જ પૂજન કરે એવું કહી વ્યાસજી રોકડું કહે છે કે શિવલિંગની પૂજા લિંગને પ્રજનન થકી સર્જનના પ્રતીકરૂપે મહર્ષિઓ કરે છે. (૭.૧૭૨.૯૦)

પછી અર્જુન એમને પૂછે છે કે ''હું સંગ્રામમાં બાણો છોડતો હતો ત્યારે મારી આગળ કોઈ તેજસ્વી પુરૂષની આકૃતિ જોતો હતો જેના થકી શત્રુઓનો સંહાર થતો હતો. હું તો માત્ર એમની પાછળ જતો હતો. આ દિવ્ય પુરૂષ કોણ જેના થકી મને જશ મળે છે ?'' અને કૃષ્ણદ્રૈપાયન વ્યાસજી ફરી સ્તુતિ કહે છે શિવની કે એ જ શંકર સર્વવ્યાપક છે, બધા લોકના નિયંતા ભુવનેશ્વર ત્રંબકેશ્વર છે. ત્રિનેત્રધારી, જટાધારી, વલ્કલધારી રૂદ્ર છે. વેદવ્યાસ અર્જુનને આગળ કહે છે : કૌરવસેનાનો પરાજય મહાન દેવ મહેશ્વર મહાદેવની મદદ વિના વિચારી પણ ન શકાય ! 'ત હિ ભૂતં સમં તેન ત્રિષુ લોકેષુ વિદ્યતે' ત્રણે લોકમાં મહાદેવની સમકક્ષ આવે એવો કોઈ સજીવ નથી ! એ જો ક્રોધિત બને તો એમની ગંધમાત્રથી શત્રુના ગાત્રો કંપી ઉઠે છે. એમને નમસ્કાર કરીને જ દેવો સ્વર્ગમાં ને મનુષ્યો ધરતી પર રહી શકે છે. અર્જુન, તું પણ આ શાંતસ્વરૂપ તેજસ્વી રૂદ્રને નમસ્કાર કર. એ કર્પદિ (જટાધારી), કરાલી (ભયંકર), યામ્ય (કાળસ્વરૂપ), અવ્યક્ત કેશધારી (ગણી કે માપી ન શકાય એવા કેશ ધરાવતા), નીલનેત્ર ધારી પરમપુરૂષ શિવને સજ્જનો પ્રિય છે, ને એ જ સુતીર્થ છે, એમને નમસ્કાર કર. એ વૃક્ષપતિ છે, જળપતિ છે, વિશ્વપતિ છે, અંતર્યામી છે, હજારો મસ્તકો ને નયનોવાળા છે. વૃષભનેત્ર એટલે કે વૃષભ જેવા નેત્રોવાળા છે, સર્વલોકના આશ્રયસ્થાનરૂપ એમની નાભિ છે (વૃષનાભ) એવા શંકરને નમસ્કાર છે. વર્ણન તો ૧૭૩મા અર્ગમાં ઘણુ છે, અહીં માત્ર ઝલકની છાલક છે !

આગળ કેવી રીતે દક્ષના યજ્ઞાને શિવે સમાપ્ત કરીને બધે અંધકાર છવાયો ને બધા ભયભીત થયા એનું હોરર સ્ટોરી જેવું વર્ણન છે. આકાશના સ્પેસસ્ટેશન જેવા ત્રણ નગરોના નાશની વાત છે. ઇન્દ્રના વજ્ર સહિતના હાથને કેમ થંભાવ્યો એનું વર્ણન છે. ઉમાપતિ શિવને જ વ્યાસે મૃત્યુ ને જીવન, રાત ને દિવસ, ઋતુઓ ને સંવત્સર કહ્યા છે. (૭.૧૭૩.૬૭) વિધાતા વિશ્વાત્મા શિવ એક હોવા છતાં અનેક છે. શરણે આવેલાનું પરમસ્થાન છે. આયુષ્ય, ઐશ્વર્યના અને આરોગ્યના દાતા છે, પણ જો કોપ આવે તો બધું છીનવી લે !

શતરૂદ્રી સ્તોત્ર જેમના નામે છે, સમુદ્રમાં પણ જેમનું આગ ઓગતું 'વડવામુખ' (વલ્કેનો ?) છે, દિવ્ય કામનાઓના વરદાતા છે, જેમના મુખમાંથી અગ્નિ પ્રગટ થાય છે એ પશુપતિ લિંગસ્વરૂપે બ્રહ્માંડમાં પૂજાય છે. ઋષિઓ ને અપ્સરાઓ પણ લિંગરૂપે એમની પૂજા કરે ત્યારે એ પ્રસન્ન થાય છે. ધુમ્રવર્ણના 'ધુ્રર્જટિ' લિંગમય સ્વરૂપે સ્થિર કોઇને સ્થાણુ કહેવાય છે. પ્રલયકાળે સર્વને એ બાળે છે. આવા અનેક રીતે વખાણ કરીને વ્યાસજી એમના શતરૂદ્રી સ્તોત્રનું સમાપન કરે છે.

પણ મહાભારતમાં એમણે આવી જ પ્રશસ્તિ ભીષ્મ અને યુધિષ્ઠિર સંવાદમાં પણ કરી છે. અનુશાસન પર્વમાં તો સ્વયં વાસુદેવ કૃષ્ણ પણ કહે છે : ન ગતિ: કર્મણાં શક્યા વેનુમીશસ્ય તત્વત: અર્થાત્ ભગવાન શિવના કર્મોની ગતિને યથાર્થરૂપે જાણવી અશક્ય છે. પછી સ્વયં શ્રીકૃષ્ણના મુખે મહાદેવની સ્તુતિની શરૂઆત રૂકિમણી અને જાંબવતી થકી થયેલા સંતાનો મહાદેવની તપસ્યાનું ફળ છે એ વાતથી કરે છે. (૧૩.૧૪.૧૯) અને પછી ઉપમન્યુના હિમાલયસ્થિત આશ્રમમાં સંતાનપ્રાપ્તિ માટે શિવતપસ્યા કરવા કૃષ્ણ જાય એનું પ્રફુલ્લિત વર્ણન છે. જાંબુ, બિલી, ધવ, કદંબ, કકુંભ, વત્સનાભ, વડ, પાટલા, વરૂણક, અરબ, કોઠી, પ્રિયાલ, આલ, તાડ, બોરડી, મોગરો, પુન્નાગ, આંબા, આસોપાલવ, મહુડો, કોવિદાર, ચંપો, ફણસ વગેરેના નામો પણ છે ! આશ્રમ કેવો હોય એ માટે આ લાંબુ વર્ણન વાંચવું જોઇએ અનુશાસન પર્વનું !

એમાં મહાદેવ શુભને ઉત્પન્ન કરી અશુભનો નાશ કરે છે, એ વાત કહેતા ઉપમન્યુ હરખથી એમને સજોડે અહીં વિહાર કરે છે એમ કહે છે ! (સ્ત્રીસંગની કોઈ ઉપેક્ષા કે મનાઇ નથી ! એ તો પ્રશંસાનો ભાગ છે !) હિરણ્યકશ્યપુના પુત્ર મંદારથી લઇ દૈત્ય વિદ્યુત્પ્રભ સુધીના અનેકને શિવે આપેલા વરદાનોના વર્ણન છે. શતમુખ કે વાલખિલ્ય એવા નામો પણ સાંભળ્યા છે શિવભક્તોના ! અત્રિ ઋષિના પત્ની અનસૂયાની પણ વાત છે. શાકલ્ય ને સાવર્ણ જેવા ઋષીઓએ તો શિવ ગ્રંથકર્તા યાને લેખક બની પુસ્તક કરવાના આશીર્વાદ આપે છે ! ઉપમન્યુ ઋષિ કૃષ્ણ સાથે પોતે કરેલા શિવના તપની 

વાતમાં એમણે ઈન્દ્રને પણ કહેલું કે માત્ર શિવ જ લિંગરૂપે પૂજાય છે, બીજા કોઈ દેવની શક્તિનું એ રીતે પૂજન થતું નથી. (૧૩.૧૪.૧૦૧) એ કહી એમણે કરેલા સાત મસ્તકના સર્પ જેવા પાશુપત અસ્ત્ર દર્શનનું વિગતે વર્ણન કરી માંધાતાની વાત કરી યોગીનાં નિષ્કલ યાને અખંડ શિવની સ્તુતિ કરે છે. વનપશુઓમાં સિંહ, પાલતુ પશુઓમાં નંદી, વેદોમાં સામવેદ, સાંખ્યમાં પુરૂષ, વર્ણમાં બ્રાહ્મણ, આદિત્યોમાં વિષ્ણુ એવા કેટલાય વિશેષણ આપે છે ! પછી કૃષ્ણ અર્જુનને પોતે કરેલા શિવના દર્શન બાબતે વાત કરે છે. પાર્વતી સાથે જોયેલા શિવને 'સોમેન સહિત: સૂર્યો' સૂર્યચંદ્રના એકસાથે દર્શન કહે છે. છંદો, દક્ષો, અપ્સરો, ગંધર્વો, દિશાઓ, પર્વતો, સમુદ્રો બધા શિવને વંદન કરતા હતા. કૃષ્ણે પણ સ્તુતિ કરી શિવની. યજ્ઞા, દાન, અભ્યાસ, નિયમ, લજ્જા કીર્તિ, શ્રી, તુષ્ટિ, સિદ્ધિ વગેરે મહાદેવ કૃપાથી મળે છે એમ કહ્યું. કામ, ક્રોધ, લોભ, ભય, મદ, મોહ, મત્સર પણ વ્યાધિરૂપે શિવનું સર્જન છે એ વર્ણવ્યું. પ્રકૃતિ ને પ્રલય બધું જ શિવ છે. બ્રહ્મા ને વિષ્ણુ એમના થકી પેદા થયા છે. બુદ્ધિ, પ્રજ્ઞા, જ્ઞાન, ખ્યાતિ, સ્મૃતિ, ધૃતિ બધું જ શિવ છે. અષ્ટ, સિદ્ધિ, સૂક્ષ્મ તત્વો, કર્મા, સચરાચરનું કેન્દ્ર  જ કૃષ્ણે મહાદેવને કહ્યા. શિવે એમને બળ, યુદ્ધમાં અજેય રહેવાનું, યશ વગેરેના વરદાન આપ્યા ને પાર્વતીએ હજારો સ્ત્રીઓના પ્રીતિપાત્ર ને કમનીય રૂપના આશીર્વાદ આપ્યા !

આ સ્તુતિ લાંબી છે, પણ એમાં સત્વ, રજસ, તમસ, સ્વર્ગ, મોક્ષ, યમ, વાણી, ગતિ બધું શિવને આભારી કહ્યું છે. સ્વયં શાશ્વત સનાતન કાળપુરૂષ એમને કહ્યા છે. ઉદ્વેગરહિત પરમ આનંદ એટલે સર્વદર્ર્શી સર્વજ્ઞા શિવ ! પછી તો ચોસઠ કળાના જ્ઞાતા વિરૂપાક્ષ નટરાજ શિવના એક હજાર નામોનું સ્તોત્ર પણ મહાભારતમાં છે !

બોલો, કેટલા દાયકાઓ સુધી વિષ્ણુભક્તો ને શિવભક્તો અંદરોઅંદર લડતા રહ્યા ને મહાભારત જેવા લોકભોગ્ય ગ્રંથમાં કૃષ્ણ-શિવની સ્તુતિ કરે એ વર્ણનો ગવાતા રહ્યા ! પરમતત્વ અલગ અલગરૂપે વ્યક્ત થાય છે, ને પ્રાચીન ઈશ્વરીય ચરિત્રોમાં કોઈ ભેદ નથી, આટલું સત્ય સમજવામાં આપણને સદીઓ વીતી જાય છે, કોઈક જ ભોળાનાથના આશીર્વાદે સહજ સમજ અને અનુપમ  આનંદ ભોગવે છે ! જય શ્રી કૃષ્ણ, જય શિવશંભુ !

ફાસ્ટ ફોરવર્ડ

'નાસ્તિ શર્વસમો દાને, નાસ્તિ શર્વસમો રણે

નાસ્તિ શર્વસમો દેવો, નાસ્તિ શર્વ સમા ગતિ: .... યં જ્ઞાત્વા ન પુર્નજન્મ મરણં આપિ વિદ્યતે

યં વિદિત્વા પરં વેદ્યં વેદિતવ્યં ન વિદ્યતે''

ભાવાર્થ : શિવ સમાન કોઈ દાતા નથી, શિવ સમાન કોઈ યોદ્ધો નથી, શિવ સમાન કોઈ દેવ નથી, શિવ સમાન કોઈ ગતિ નથી ! જેમને જાણ્યા પછી ફરી જન્મ અને મરણ પણ નથી અને જેમને જાણ્યા પછી બીજું જાણવા યોગ્ય રહેતું નથી, એ મહાદેવ છે !

Tags :