Get The App

રહસ્યમય અમરનાથની ગુફા .

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
રહસ્યમય અમરનાથની ગુફા                                      . 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- અમરનાથ ગુફા હિન્દુઓનું મુખ્ય તીર્થ સ્થળ છે. પ્રાચીન કાળમાં અહીં અમરેશ્વર મહાદેવનું મંદિર હતું. પુરાણ અનુસાર અમરનાથના શિવલિંગના દર્શનનો મહિમા અનેરો છે.

યં ત્ર-મંત્ર-તંત્ર અધ્યાત્મ સાધનાના સર્વાધિક મહત્ત્વપૂર્ણ અંગો છે. ત્રણેય એકબીજા સાથે અનુસ્યૂત છે. મૂર્તિ પૂજા અને મંત્ર સાધના એક પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયા જ છે. મૂર્તિઓ અને યંત્રો આકાર-આકૃતિના માધ્યમથી ચેતનાને ઉચ્ચતર દિવ્ય આયામમાં લઈ જાય છે અને મંત્રો-સ્તોત્રો-ભક્તિગીતો ધ્વનિના માધ્યમથી ચૈતન્ય ઊર્જા ક્ષેત્રમાં વિશિષ્ટ તરંગો આંદોલિત કરી એને દિવ્ય આયામમાં લઈ જવા સહાયભૂત બને છે. આ મૂર્તિઓ, યંત્રો જ્યાં પ્રતિષ્ઠિત હોય અને મંત્રો તથા પૂજાથી વધારે ઊર્જાન્વિત કરાયેલ હોય તેવા મંદિરો, સિદ્ધાશ્રમો કે અતિ પવિત્ર ગુફાઓ એ સંચિત થયેલી દૈવી ઊર્જાના અખૂટ ભંડાર સમા બનેલા હોય છે.

ભારતના જમ્મુ-કશ્મીર રાજ્યના પહેલગામ પ્રદેશમાં અનંતનાગ જિલ્લામાં શ્રીનગરથી લગભગ ૧૪૧ કિલોમીટર દૂર ૧૨,૭૫૬ ફૂટની ઉચાઈએ આવેલા અમરનાથની ગુફામાં દર વર્ષે કુદરતી રીતે નિર્મિત થતું બરફનું શિવલિંગ એક દૈવી ચમત્કારનું જ ઉદાહરણ છે. દિવ્ય સત્તા દ્વારા કુદરત વડે કરાતો એ અદ્દભુત ચમત્કાર જ છે. અમરનાથની ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થાય છે એટલે ેને સ્વયંભૂ બરફિલું શિવલિંગ કહેવાય છે. લગભગ દોઢસો ફુટ વિસ્તારની આ ગુફામાં અમાસના દિવસે જ્યાં કંઈ જ નથી હોતું ત્યાં એના બીજા દિવસથી ચંદ્રની કળા વધે તેમ બરફનું શિવલિંગ નિર્મિત થવા લાગે છે. શુકલ પક્ષની એકમથી પૂનમ સુધી કળા વધતી જાય તેમ તેમ શિવલિંગનો આકાર પણ વધતો જાય છે અને પછી જેમ જેમ ચંદ્રની કળા ઘટતી જાય તેમ તેનો આકાર ઘટીને નાનો થવા લાગે છે અને અમાસના રોજ પીગળીને અદ્રશ્ય થઈ જાય છે. કુદરતી રીતે બનતા આ બરફના શિવલિંગને ચંદ્રની કળાઓના વધતા-ઘટવા સાથે મોટા અને નાના થતા જવાનો શો સંબંધ હશે, એ બન્ને વચ્ચે શો તાલમેલ હશે એનું રહસ્ય કોઈ ઊકેલી શક્યું નથી.

અમરનાથની ગુફાના આ શિવલિંગની બાબતમાં બીજી ચમત્કારિક બાબત એ છે કે આ શિવલિંગ પાકા અને સખત બરફનું બનેલું હોય છે જ્યારે આ ગુફામાં તો બધે એકદમ કાચો, રૂના પોલ જેવો બરફ જોવા મળે છે. તે એટલો નરમ હોય છે કે હાથમાં પકડતાની સાથે જ ભાંગીને ભુક્કો થઈ જાય છે. આ ગુફામાં બીજી વિસ્મયકારી બાબત એ બને છે કે ભગવાન શિવના પ્રતીકરૂપ શિવલિંગથી થોડે દૂર પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને ભૈરવના સ્વરૂપે અલગ અલગ હિમખંડો પણ નિર્મિત થાય છે એટલે આખો શિવ પરિવાર બરફની મૂર્તિ રૂપે પ્રગટ થાય છે !

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે પહેલગામમાં નંદીનો ત્યાગ કર્યો હતો. ચંદનવાડીમાં પોતાની જટાઓમાંથી ચંદ્રને મુક્ત કર્યો હતો. શેષનાગ સરોવરના કિનારે પોતાના શરીર પર વીંટાળેલા સર્પોને છોડયા હતા. મહાગુનાસ (મહાગણેશ) પર્વત પર ગણપતિને પણ છોડયા હતા. પછી તાંડવ નૃત્ય કર્યું હતું. છેલ્લે દેવી પાર્વતી સાથે પવિત્ર ગુફા અમરનાથમાં આવ્યા હતા અને ત્યાં નિવાસ કરી એમની સાથે એકાંતવાસ ગાળ્યો હતો. ભગવાને શિવજીએ અમરનાથની ગુફામાં નિવાસ કર્યો ત્યારે પાર્વતીને તંત્ર શાસ્ત્રનું ગૂઢ જ્ઞાન અને અમરત્વ કેવી રીતે પ્રાપ્ત થાય તેનું રહસ્ય સમજાવ્યું હતું. એટલે અમરનાથ ગુફા તંત્ર-મંત્ર અને આધ્યાત્મિક જ્ઞાનનું કેન્દ્ર માનવામાં આવે છે. આ ગુફામાં કરેલી તંત્ર સાધના સિદ્ધિદાયિની બને છે.

પૌરાણિક માન્યતા છે કે આ ગુફામાં ભગવાન શિવજીએ પાર્વતીને અમરતદાનું ગૂઢ જ્ઞાન આપ્યું એ વખતે ત્યાં એક શુક (પોપટ)નું બચ્ચું પણ હાજર હતું. તેણે તે સાંભળ્યું હતું. તે જ આગળ જતાં વ્યાસપુત્ર શુકદેવ મુનિ રૂપે રૂપાંતરિત થયું હતું અને શિવ-પાર્વતીની અમરકથા સાંભળી હોવાથી તે અમર બની ગયા હતા. આ ગુફામાં એક બીજું અચરજ પણ જોવા મળે છે. તે છે અવારનવાર દેખાતું કબૂતરોનું જોડું. એવું માનવામાં આવે છે કે પેલા પોપટના બચ્ચા (શુક શિશુ)ની જેમ આ કબૂતર યુગલે પણ શિવ-પાર્વતીનો ગૂઢ, રહસ્યમય સંવાદ સાંભળ્યો હતો. તેથી તે પણ અમર થઈ ગયું છે. એટલે અખંડિત યુગલ (જોડા) રૂપે તે બન્ને સદીઓથી અધિકારી ભક્તોને દર્શન આપવા ગુફામાં આવતું રહે છે. જે કોઈને એમના દર્શન થઈ જાય તેમના પર શિવ-પાર્વતીની કૃપા ઊતરશે એવું સૂચન થાય છે. એમના દર્શન મરણ બાદ મોક્ષ પ્રાપ્તિ કરાવશે એવી માન્યતા પ્રવર્તે છે.

અમરનાથ ગુફા હિન્દુઓનું મુખ્ય તીર્થ સ્થળ છે. પ્રાચીન કાળમાં અહીં અમરેશ્વર મહાદેવનું મંદિર હતું. પુરાણ અનુસાર અમરનાથના શિવલિંગના દર્શનનો મહિમા અનેરો છે. કાશીના શિવલિંગના દર્શનથી દસ ગણું, પ્રયાગના શિવ સ્વરૂપથી સોગણું, અને નૈમિષારણ્યના શિવ સ્વરૂપથી હજારગણું વધારે પુણ્ય અમરનાથના શિવલિંગના દર્શનથી મળે છે. પૌરાણિક માન્યતા છે કે એકવાર કાશ્મીરની ઘાટી જળબંબાકાર થઈ ગઈ અને તેણે એક મોટા સરોવર જેવું રૂપ ધારણ કરી દીધું. જગતના પ્રાણીઓની રક્ષા માટે કશ્યપ મુનિએ એ જળને અનેક નદીઓ અને ઝરણાં રૂપે વહાવી દીધું. તે જ સમયે ભૃગુ ઋષિ પવિત્ર હિમાલય પર્વતની યાત્રા કરી રહ્યા હતા. તે ત્યાંથી પસાર થતા હતા. તે વખતે પાણીનું સ્તર ઓછું થઈ જવાને કારણે સૌથી પહેલીવાર અમરનાથની ગુફા અને બરફના શિવલિંગના દર્શન કર્યા હતા. ભૃગુ ઋષિએ એમની દિવ્ય શક્તિથી આ ગુફા અને શિવલિંગના મહિમાને જાણ્યો હતો અને ત્યાં રહીને શિવ-આરાધના કરી હતી. ત્યારથી આ સ્થાન શિવ-સાધનાનું મુખ્ય દેવ-સ્થાન બની ગયું હતું.

નીલમત પુરાણ, બૃંગેશ સંહિતામાં અમરનાથ તીર્થનો વારંવાર ઉલ્લેખ આવે છે. છઠ્ઠી સદીમાં લખાયેલા નીલમત પુરાણમાં કાશ્મીરનો ઈતિહાસ, ભૂગોળ, લોકકથાઓ, ધાર્મિક અનુષ્ઠાનોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. ઈસ્વીસન પૂર્વે લખાયેલી કલ્હણની 'રાજતરંગિણી'ના તરંગ દ્વિતીયમાં પણ ઉલ્લેખ છે કે કાશ્મીરના રાજા સામદીમત શિવભક્ત હતા અને પહેલગામના વનમાં બનતા બરફના શિવલિંગની પૂજા કરવા જતા હતા. બરફનું શિવલિંગ અમરનાથની ગુફા સિવાય બીજે ક્યાંય બનતું નથી એટલે એણે ત્યાં નો જ ઉલ્લેખ કરેલો છે એ સ્પષ્ટ થાય છે. અગિયારમી સદીમાં રાણી સૂર્યમઠીએ ત્રિશૂળ, બનાલિંગ અને બીજી પવિત્ર વસ્તુઓ આ અમરનાથ ગુફાના મંદિરમા ભેટ સ્વરૂપે આપી હતી. મુક્તિ પ્રદાયક, અમરતા આપનાર ગૂઢ તંત્ર વિદ્યાનું જ્ઞાન જ્યાં શિવજીએ પાર્વતીને પ્રદાન કર્યું તે અમરનાથ ગુફા અત્યંત દિવ્ય રહસ્યમય સ્થળ છે. તંત્રમાં શિવ અને પાર્વતીને પરમ ચેતના અને ઊર્જાનું સ્વરૂપ કહેવામાં આવે છે જે બ્રહ્માંડની રચના અને અસ્તિત્વ માટે જરૂરી છે. તંત્ર શિવ અને શક્તિના મિલન પર આધારિત છે જ્યાં શિવ ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે અને પાર્વતી શક્તિ અને સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે.

Tags :