Get The App

સાચી મૈત્રી એક ઋણાનુબંધ છે .

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
સાચી મૈત્રી એક ઋણાનુબંધ છે                                 . 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- ''ડૉક્ટર સાહેબ, એ અભાગી ન્યારી હું જ છું. મારી ગેરહાજરીમાં મારા પપ્પાએ તેને મારાથી અલગ કરવા અહીં બોર્ડિંગમાં દાખલ કરી દીધી છે''

''ભ વ્યતા, મને લાગે છે કે મારી જિંદગીનાં ગણ્યાં-ગાઠયાં દિવસો બાકી રહ્યાં છે. મારા પતિના અવસાન પછી મેં મારી દીકરી ક્યારીને પિતાની ખોટ સાલવા દીધી નથી. મારી આંખ મિચાય પછી ક્યારીનું કોણ એ પ્રશ્ન મારા કાળજાને કોરી રહ્યો છે. કેટકેટલાં સગાંઓને મેં મદદ કરી છે, પણ એમાંનું કોઈ ક્યારીને રાખવા તૈયાર નથી, એક સહેલી તરીકે મને હવે માત્ર તારા પર જ ભરોસો છે. બલ્ડ કેન્સરગ્રસ્ત દિવ્યાએ કહ્યું.

''દિવ્યા, મારા પર તારા અનેક ઉપકારો છે. આપણે ઘનિષ્ઠ સખીઓ છીએ. સુખદુ:ખનાં સાથી છીએ. તું ક્યારીની જરા પણ ચિંતા ના કરીશ. ક્યારીને જમાડયા પછી જ હું મારા મોંઢામાં કોળિયો મૂકીશ. આ મારું વચન છે.''

ભવ્યતાદેવીનાં વચનો સાંભળી દિવ્યાની આંખ ભીની થઈ ગઈ. ગળે ડૂમો ભરાઈ ગયો. થોડીવાર પછી સ્વસ્થ થઈ તેણે કહ્યું : ''ભવ્યતા, તારી મૈત્રીની ઉદાત્ત ભાવનાની કદર કરું છું પણ મને ખબર છે, તું માંડ-માંડ ઘર ચલાવે છે. તારા પતિ હર્ષકુમારની બાંધી આવકમાં તારે તારો સંસાર ચલાવવાનો છે. એમાં ક્યારીને રાખવાની ભણાવવા-ગણાવવાની જવાબદારી ઉમેરાય એટલે હર્ષકુમારને પણ ક્યારીનું આગમન ખટકે. મારી પાસે બેન્ક-બેલેન્સ નથી પણ આ ઘર અને ગામડે પાંચ વીઘા જમીન છે, તે હું તારે નામે કરી દઉં છું. ઘરના ભાડાની આવક અને ખેતીવાડીની ઊપજ એ બન્ને ક્યારીના ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ થશે. આટલી વાત તારે માનવી જ પડશે.'' દિવ્યાએ કહ્યું.

''જો દિવ્યા, મને શરતી લાગણી કે પ્રેમ દેખાડતાં નથી આવડતું. મારે મૈત્રીની પવિત્ર ભાવનાને સોદાબાજીથી અભડાવવી નથી. મારે મન મારી દીકરી ન્યારી, તેવી જ ક્યારી હશે. ઘરમાં ક્યારીનું માન-સન્માન સચવાય અને પરાયાપણું ન લાગે તે જોવાની જવાબદારી મારી હશે. હું જીવીશ ત્યાં સુધી તારાં ઘર અને જમીનના ટ્રસ્ટી તરીકે કામ કરીશ. મને મારો મૈત્રીધર્મ અદા કરવા દે.'' ભવ્યતાદેવીએ ચોખવટ કરી.

અને દિવ્યાની હયાતીમાં જ ક્યારીને ભવ્યતાદેવી પોતાને ઘેર લઈ ગયાં. ક્યારીને આવેલી જોઈ ન્યારી ખુશખુશાલ થઈ ગઈ, પણ ભવ્યતાદેવીના પતિ હર્ષકુમાર નારાજ થઈ ગયા. એમણે કહ્યું : ''એકલી ક્યારીને શું કામ લાવ્યાં ? તમારા હૈયાના હાર જેવાં દિવ્યાને પણ સાથે લાવવા હતાં ને ! ભવ્યતા, માણસાઈ દેખાડવા માટે પણ ખિસ્સું ભરેલું હોવું જોઈએ. ઘર બાળીને તીરથ ન થાય. હું ન્યારીના ભોગે ક્યારીને સુખી રાખવા બંધાયેલો નથી. એણે ખાવા જેટલા ઘરકામ કરવાં જ પડશે.''

ભવ્યતાદેવી ચૂપ રહ્યાં. પુત્રી ન્યારી શાન્ત અને સમજુ હતી. એને પપ્પાના ક્યારી વિષેના શબ્દો જરાય ન ગમ્યા. એટલે એણે ક્યારીને કહ્યું : ''ક્યારી, તું જરાપણ ચિંતા ના કરતી. આપણે બન્ને એક જ ધોરણમાં ભણીએ છીએ. એટલે સાથે જ લેસન કરીશું અને સાથે જ વાંચીશું. તારા મમ્મી અને મારી મમ્મી જિગરજાન મિત્રો છે. શું આપણે બન્ને એમના જેવા જિગરજાન દોસ્ત ના બની શકીએ ? મારા પપ્પાનો સ્વભાવ આકરો છે, પણ હું હંમેશા તારી ઢાલ-બનીશ.''

ક્યારીની ચિંતામાંથી મુક્ત થયા બાદ દિવ્યાએ બે મહિના પછી દેહ છોડયો હતો. ક્યારી જ્યારે પણ પોતાની મમ્મી દિવ્યાને મળતી, ત્યારે ભવ્યતા આન્ટીની પુત્રી ન્યારીના ભરપેટ વખાણ કરતી અને અન્કલ હર્ષકુમારના બનાવટી પ્રેમની વાતો કરવાનું પણ ચૂકતી નહીં. ક્યારીની વાતો સાંભળી દિવ્યાના હૈયાને ટાઢક વળતી તે મનોમન ભવ્યતાના કલ્યાણ માટે પ્રાર્થના કરતી.

દિવ્યાના મૃત્યુ બાદ હર્ષકુમારની નારાજગી છતાં ભવ્યતાદેવીએ મિત્ર તરીકેની બધી ફરજો બજાવી અને મરણોત્તર ક્રિયા પણ સંપન્ન કરી. તકનો લાભ લઈ હર્ષકુમારે કહ્યું : ''ભવ્યતા, તારી મિત્ર દિવ્યા તો હવે સ્વર્ગે સિધાવી. એણે ઘર અને જમીનની વ્યવસ્થા તો વિચારી જ હશે. તારા નામનું વીલ કરેલું છે એ મને ખબર છે. ઘર અને જમીન વેચીને જે આવક થાય તે બેન્કમાં મૂકી દો, એટલે ક્યારીની જવાબદારી અદા કરવામાં આપણને રાહત થશે.''

ભવ્યતાદેવી હર્ષકુમારની મેલી મુરાદ પામી ગયાં હતાં. એટલે એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : ''દિવ્યાની જમીન અને ઘરનો વહીવટ હું ટ્રસ્ટીની જેમ કરીશ. જે કાંઈ આવક થશે એ ક્યારીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવીશ. ક્યારીના ખર્ચાની તમે ચિંતા ના કરશો. મેં આજુબાજુમાં રહેતાં બાળકોના ટયૂશન કરવાનું સ્વીકારી લીધું છે. એટલે ક્યારીનો બોજો તમારે સહન કરવો નહીં પડે.''

ભવ્યતાદેવીને એ વાતનો આનંદ હતો કે ન્યારી ક્યારીને સગી બહેનની જેમ ચાહતી હતી. ક્યારી પ્રથમ નંબરે આવે અને એને સ્કોલરશીપ તથા ઈનામ મળે, એ માટે ન્યારી જાણી જોઈને એકાદ-બે પ્રશ્નોના ઉત્તર જ પેપરમાં લખવાનું ટાળતી હતી. ક્યારીને પણ એ વાતનું દુ:ખ હતું કે ન્યારી તેજસ્વી હોવા છતાં વાર્ષિક પરીક્ષાના પરિણામમાં કેમ તેના કરતાં પાછળ રહેતી હતી. એણે વર્ગશિક્ષકને સોગંદ આપીને પૂછપરછ કરી ત્યારે શિક્ષકે કહ્યું કે 'ન્યારી જાણી જોઈને એક બે પ્રશ્નોના ઉત્તર આપવાનું છોડી દે છે, જેથીતારા કરતાં એના માર્કસ વધુ ન આવે.''

ક્યારી વર્ગમાંથી બહાર નીકળી ધૂ્રસકે-ધૂ્રસકે રડી પડી. ન્યારીની મહાનતાએ તેને હચમચાવી મૂકી હતી. એકબાજુ હર્ષકુમાર અન્કલનો ત્રાસ અને બીજી બાજુ ન્યારીનો અત્યંત ઉષ્માભર્યો ત્યાગપ્રધાન પ્રેમ ! સાંજે અભ્યાસખંડમાં બન્ને ભેગાં થયાં ત્યારે ક્યારીએ ન્યારીના પગ પકડી લીધા અને એક અનાથ છોકરીના કલ્યાણ માટે પોતાની જાતને નુકસાન પહોંચાડનાર ન્યારીનો રડતાં-રડતાં આભાર માન્યો.

ન્યારીએ ક્યારીને ભેટીને કહ્યું : ''ક્યારી, તું મારા દિવ્યા આન્ટીની થાપણ છે. મારા મમ્મીએ તેમને મૃત્યુપૂર્વે આપેલું વચન મારી પણ જવાબદારી બને છે. તું નોકરી લાયક બની સ્વાવલંબી બનીશ, પછી તારી ચિંતા કરવાનું છોડી દઈશ. પણ મૈત્રીભાવના વધુને વધુ મજબૂત બનાવીશ.''

ન્યારી હરવા-ફરવામાં તથા ભોજનમાં ક્યારીને સાથે જ રાખતી હતી. બીજી બાજુ ક્યારી ભવ્યતાદેવીના આખા પરિવારના કલ્યાણ માટે હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી હતી.

એકવાર ન્યારીના મોસાળમાં નવા બંગલાનું વાસ્તુપૂજન હતું. એટલે ન્યારીના મામાએ ચાર દિવસ અગાઉ તેને રહેવા બોલાવી હતી. ભવ્યતાદેવીની ઇચ્છા હતી કે તેઓ ક્યારીને પણ સાથે લઈ જાય પણ ક્યારીનું ભણવાનું ના બગડે એ આશયથી ન્યારીએ તેને સાથે લઈ જવાનું માંડી વાળ્યું. પત્ની અને દીકરીની ગેરહાજરીએ હર્ષકુમારને મન પોતાની મેલી મુરાદ બર લાવવાનો વણમાગ્યો મોકો હતો.

હર્ષકુમારે બે-ચાર બોર્ડીંગ સ્કૂલની માહિતી મેળવી ક્યારી અનાથ બાળકી છે એમ સંચાલકને સમજાવી 

ક્યારીને બોર્ડીંગ સ્કૂલમાં દાખલ કરી દીધી. શાળા છોડયાનું પ્રમાણપત્ર પણ જમા કરાવી દીધું. ભવ્યતાઆન્ટી અને ન્યારીની ગેરહાજરીમાં હર્ષઅન્કલનો હુકમ માન્ય સિવાય ક્યારી પાસે કોઈ વિકલ્પ નહોતો. 

ન્યારીને ફોન કરવાની પણ હર્ષઅન્કલે મનાઈ ફરમાવી હતી. ક્યારીએ લાચારીપૂર્વક હર્ષઅન્કલે આપેલો ઘરવટો માથે ચઢાવીને વિદાય લીધી. પોતાને ઘરમાંથી કાઢી મૂકવાનું ક્યારીને દુ:ખ નહોતું પણ ન્યારી જેવી દીદીથી અલગ રહેવાનો તેના મનમાં આઘાત હતો. બોર્ડિંગની બહાર કોલસેન્ટર પરથી એણે ન્યારીને ફોન કરી બધી વિગત જણાવી. ન્યારીના આઘાતનો પાર નહોતો. પોતાના ચાલબાજ પપ્પા પ્રત્યે તેના મનમાં નફરત જન્મી. તેણે તેના પપ્પાને ફોન પણ ન કર્યો.

મામા પાસેથી ઉછીના પૈસા લઈ ન્યારી તાબડતોબ પોતાની સ્કૂલ પર પહોંચી ગઈ. શાળાના આચાર્યને મળીને ક્યારીનું ફરી એડમીશન કરીને, મામાએ આપેલા પૈસામાંથી ફી ચૂકવી ક્યારીને મળવા ન્યારી બોર્ડિંગ પર દોડી ગઈ.

ત્યાં ડૉક્ટર થર્મોમીટરથી તાવ માપી રહ્યા હતા. અતિશય તાવને લીધે ક્યારી બેહોશ જેવી સ્થિતિમાં હતી, ન્યારીને જોઈ ડૉક્ટરે કહ્યું : ''મેં દવા અને ઇંજેકશન તો આપ્યાં છે, એટલે તાવ તો ઊતરી જશે. પણ ક્યારીના હૃદયને આઘાત લાગ્યો છે. એ વારંવાર, ન્યારી તું ક્યાં છે ? મારી પાસે જલદી આવી જા એવા વાક્યો બડબડયા કરે છે. આ ન્યારી છે કોણ ?''

''ડૉક્ટર સાહેબ, એ અભાગી ન્યારી હું જ છું. મારી ગેરહાજરીમાં મારા પપ્પાએ તેને મારાથી અલગ કરવા અહીં બોર્ડિંગમાં દાખલ કરી દીધી છે. હું ક્યારીના કાનમાં બે શબ્દો કહીશ, એટલે એ અવશ્ય હોશમાં આવી જશે.'' અને ડૉક્ટરની મંજૂરી લઈ ન્યારીએ ક્યારીના કાનમાં કહ્યું : ''મારી વ્હાલી બહેના, હું ન્યારી તારી પાસે ઊભી છું. તારાથી મને કોઈ અલગ કરી શકે નહીં. મેં ફી ભરીને પાછું આપણી સ્કૂલમાં જ તારું એડમિશન લઈ લીધું છે.'' અને તરત જ ક્યારીએ આંખ ખોલી હતી. ન્યારીને ગળે વળગીને એણે કહ્યું : ''ન્યારી દીદી, આપણો સંબંધ તો આ ભવનો નહીં, ભવેભવનો છે. કોઈ ઋણાનુબંધે જ તમારા પ્રેમને લાયક હું બની શકું છું. હવે મને મોતનો પણ ડર નથી.'' ન્યારીએ ક્યારીને બેઠી કરી પાણી પીવડાવ્યું અને એના મસ્તક પર ઠંડાં પાણીનાં પોતાં મૂકવાનું શરૂ કર્યું. વાતાવરણમાં શબ્દો ગૂંજતા હતાં :

''તારો મને સાંભળશે સથવારો રે.''

ત્રણ દિવસ સુધી ન્યારી ઘેર પાછી ફરી નહીં એટલે એના પપ્પાએ અખબારમાં તેના પાછા ફરવા વિષયક જાહેરાત આપી.

ન્યારીએ કહ્યું : ''હું એક જ શરતે ઘેર પાછી આવું. મારી સખી ક્યારીને વાત્સલ્યપૂર્વક સાથે રાખો તો અને હા, મારા મામાએ એમની જમીન વેચી દસ લાખ રૂપિયા અમારા ભણતર અને ખોરાકીના ખર્ચ માટે બેન્કમાં જમા કરાવ્યા છે એટલે મને જરા પણ તકલીફ નહીં પડે. પપ્પા, પિતા કે પપ્પા એ હોદ્દો નથી પણ સંતાનો માટે ખુવાર થવું પડે તો ખુવાર થવાની તૈયારીનું નામ છે.''

અને હર્ષકુમાર બોર્ડિંગ પર દોડી ગયા હતા. ગૃહમાતાની રજા લઈ ક્યારી અને ન્યારી બન્નેને પોતાની સાથે લઈ ઘેર જવા નીકળ્યા હતા. તેમનામાં એક નવા જ હર્ષકુમારનો જન્મ થયો હતો.

Tags :