Get The App

શ્રાવણી રંગની જાજમ .

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
શ્રાવણી રંગની જાજમ                                  . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- શ્રાવણને સૂંઘવા નાક માંડો તો અંતર ભીંજાય ને શ્રાવણને જોવા મીટ માંડો તો દેખાય સોનેરી ચાંદનીનાં ચોસલાં!

ધ રતીની અભીપ્સા અને આકાશની કૃપાના મિલનની ક્ષણોની અસરકારકતા શ્રાવણના સદ્ભાગ્યમાં હોય છે. તમામ મહિનાઓમાં શ્રાવણ જ વધારે ભાગ્યશાળી મહિનો કેમ? કૃષ્ણ ભગવાને પૃથ્વી ઉપર અવતરવા કંઈ કારણ વગર જ શ્રાવણ ઉપર પસંદગી ઢોળી હશે? આ મહિનાની પવિત્રતાને આપણી પ્રવૃત્તિઓમાંથી પામીએ : એ મંદિરે-મંદિરે પૂજા-અર્ચના, વ્રત, તપનો માહોલ જોવા મળે છે, ક્યાંક બીલીપત્રો તો ક્યાંક પુષ્પો, ક્યાંક જળધારા તો ક્યાંક કંકુચોખા. ભગવાન ભક્તોને પોકારતા હોય અને ભક્તો ભગવાનને ભેટવા આતુર હોય! વૃક્ષોની ધ્યાનસ્થ મુદ્રા એમની યૌગિક ઊંચાઈનો પરિચય કરાવે છે. વનરાજીનાં અંગેઅંગમાં નૂતન ઉમંગ ફરી નીકળ્યા હોય. અને ધરતી પોતાનું હૃદય ખોલીને સમર્પિતભાવે આત્માનીય પેલે પારનું કંઈક તાકી રહી હોય છે...કશીક ઊંચાઈની ભૂમિકાએ સમગ્ર સૃષ્ટિ આરોહણ કરી રહી હોય, એવો આ મહિનો છે....

શ્રાવણ એટલે વીજઝબકાર! શ્રાવણ એટલે ચમકાર-ચમકાર! આ ઝબકારા અને ચમકારા ચમત્કૃતિના સંકેતો જ નથી પણ આધ્યાત્મયાત્રાના શુભ સંકેતો પણ છે. ધરતીના ઉદરમાં આભનું અજવાળું આવીને કેવી રૂપાંતરણયાત્રા કરે છે! આ વાત પણ સૂક્ષ્મતરે સમજવા જેવી છે.

શ્રાવણમાં વાદળીઓ ભાગદોડ મચાવે છે. સૂરજ પણ પ્રખર બનવાની હિંમત કરી શકતો નથી, વાદળીઓની રમતમાં એ પણ સહજ સહભાગી બની જાય છે. ધરતી ઉપર ક્યારેક અજવાળું ક્યારેક અંધારું...દિવસ અને રાત સતત ઘડીએ-ઘડીએ થયા કરે! એ પણ નવી નવાઈ! સૂરજ જેવો સૂરજ પણ ગરમ થવાને બદલે મૃદુ બની જતો હોય એવા આ દિવસો છે!

શ્રાવણમાં લલિત અપ્સરા જેવી વાદળીઓ ઇન્દ્રધનુના ચાપ ઉપર નૃત્ય માંડે તો ક્યાંક-ક્યાંક તડકાના વરસાદ હોય કે ક્યારેક જળની વર્ષા! નક્કી જ ન થઈ શકે. તડકા ઉપર જળ પડે અને જળ ઉપર તડકો! આભના દિદાર જ જટાળા જોગી જેવા! હમણાં શું હોય..ઘડીકમાં શું નું શું થઈ જાય! ક્યારેક શીતળ ફરફર તો તો ક્યારેક પ્રિયના અડપલાં જેવું ઝાપટું! શ્રાવણની આંખોમાં તુફાન હોય છે કે પ્રેમ હોય છે! એ કહેવું જ અઘરું બને છે, શ્રાવણની નજર તીર જેવી નથી હોતી, કમાન જેવી હોય છે, એટલે તો કમાનાકાર મેઘધનુઓ એના સૌભાગ્યમાં લખાયા હોય છે ને! આ દિવસોમાં જ પશુઓના ઉદરમાં અને પ્રાણીઓની આંખોમાં, પંખીઓની પાંખોમાં અનામ ચમક ઊતરી આવતી હોય છે. વનસ્પતિસૃષ્ટિના ચહેરા ઉપરની ચમકનો સૌથી વધુ ઊંચાઈભર્યો આંક શ્રાવણની લેબોરેટરીમાંથી હાથ લાગી શકે. પ્રત્યેક વનસ્પતિ કોઈ મહાયજ્ઞામાં હાજરી આપવા સજધજ થઈને જવા ન નીકળી હોય! સદ્ય-સ્નાતાં વૃક્ષો, પર્ણો, શાખાઓ, મૂળિયાં સૌની નાભિમાંથી ઉત્સવનો આનંદ તમને સામે મળે!

એકાદ-બે મહિના પહેલાં જ ધરતી ઉપર ભુરાંટી બનેલી, મિજાજ ગુમાવી બેઠેલી પેલી ધૂળ શ્રાવણની હાજરી માત્રથી કેવી નમ્ર બની ગઈ છે! કેવી ડાહીડમરી થઈ ગઈ છે! એ ધૂળ શિષ્યા છે અને શ્રાવણ ગુરુ છે! શ્રાવણના સ્વભાવમાં જ નમ્રતાનો સદ્ગુણ છે. ધૂળની પ્રકૃતિ પલટી નાખવા શ્રાવણનો પ્રભાવ અસરકારક નીવડે છે. આ શ્રાવણનું કામ સર્વત્ર શાંતિ સ્થાપવાનું છે. ઓમ શાંતિ: કર્તવ્યનિષ્ઠામાંથી સાંભળવા મળે છે. જેમ ધૂળનાં તોફાનોને વશ કરવાનું કામ પણ શ્રાવણના સ્વભાવમાં છે, એમ ધરતીની વેદનાને ઠારવાનું કામ પણ શ્રાવણ જ કરતો હોય છે. તમોગુણ કે રજોગુણમાં વકરી ગયેલા કે વિખરી ગયેલા સજીવ પિંડને શ્રાવણની પળો જ સાત્ત્વિકતાનો પરિચય કરાવે છે. શ્રાવણની મૂળભૂત વૃત્તિ પરોપકારની છે. અષાઢ પાસે આક્રોશ હશે પણ શ્રાવણ પાસે તો સહાયતાનો ધર્મ છે. પહાડોની કઠોરતાને રમણીય રૂપ આપવાનું હોય છે. શ્રાવણની પાસે જ જવું પડે... ડુંગરાઓને રૂપાળા બનાવવા હોય, તો શ્રાવણને જ વાત કરવી પડે...નૂતનશ્રી આપવાનું કામ આ રીતે શ્રાવણના દિવસોમાં થતું હોય છે.

શ્રાવણની સીમ જુઓ તો જાણે રંગોની જાજમ! શ્રાવણનાં વાદળો જુઓ તો રમત રમતી પરીઓ! શ્રાવણનાં વૃક્ષો જુઓ તો ધ્યાનસ્થ ઋષિઓ! શ્રાવણની ધરા જુઓ તો પ્રસન્નમુદ્રિત નિત્ય યૌવના! શ્રાવણને સાંભળવા ધ્યાન ધરો તો સંભળાય ઝરણાં...શ્રાવણને સૂંઘવા નાક માંડો તો અંતર ભીંજાય ને શ્રાવણને જોવા મીટ માંડો તો દેખાય સોનેરી ચાંદનીનાં ચોસલાં! સૃષ્ટિ એ શણગાર સજ્યાં છે, એ શણગારની બધી મૂડી શ્રાવણની છે. શ્રાવણનો ભંડાર અખૂટ છે.

શ્રાવણ તો વાદળના વહાણમાં બેસીને હેઠે ઊતરે છે ત્યારે આપણે તો ઉપર જ જોઈ રહ્યા હોઈએ છીએ. એ વાયુનાં વસ્ત્રો પહેરીને આપણને રીઝવવા, ભીંજવવા માંડે છે ત્યારે પણ આપણે એને તો ક્યાં પામી શકીએ છીએ? એને તો પામે છે પેલાં પંખીઓ...માળાઓ....વૃક્ષો...ફૂલો....! શ્રાવણ ક્યારે બેસે છે, ક્યારે પક્વ થાય છે, તેનો હિસાબ પ્રકૃતિ રાખતી હોય છે. શ્રાવણની નાભિમાં જે કસ્તુરી હોય છે તે મોલરૂપે ધરતીમાં આવીને રૂપાંતરનું નવું નજરાણું બને છે. કૂંપળો-છોડ થઈ જે રીતે વૃદ્ધિ પામે છે એના ભેળી સુગંધ પણ વૃદ્ધિ પામે છે. એ સૂક્ષ્મ રીતિનો આલેખ અભ્યાસીઓના માટે દુષ્કર છે, શ્રાવણ માટે સહજ છે. વાડ સિવાય છે અને પૃથ્વીમાં પ્રજનન થાય છે - નદીઓને યૌવન ફૂટે છે અને ડુંગરા ડોલે છે. પર્વતો પીગળે છે અને ઝરણાં ઝૂલે છે. આ મહિનામાં વરસતો વરસાદ સરવરિયાંથી ઓળખાય છે. તારલો હોય તો એમાં ચમકારો હોય, ઝબકારો હોય...એ મૂલ્યવાન ચમક શ્રાવણની રાત્રિમાં જોઈએ, તો ખબર પડે...તારલાની ચમકમાં ઉમંગોનું ઉમેરણ હોય છે. દૂરદૂરથી વૈયાનાં ઝૂંડ ઊતરી આવે છે. શ્રાવણનો એ મહિમા કરે છે...વસુધામાં રસ ઉભરાય છે એ સ્થૂળરૂપે સ્વીકાર થાય છે. ભેંસો મગર જેવી અને વનસ્પતિ તૃષાર જેવી લાગે છે, પણ એ રસનો સૂક્ષ્મ રૂપે જે સ્વીકાર થાય છે, એ વાત ઘણી મોટી છે. ઉપરની કૃપા જ ધરતીના કણેકણમાં ઊભરી આવે છે ફળ બનીને...ફૂલ બનીને...આવો, આપણે એ કૃપાના અધિકારી બનીએ.

Tags :