Get The App

ચંદ્ર પર હવે સામ્રાજ્ય સ્થાપવાની સ્પર્ધા જામશે

Updated: Aug 27th, 2023

GS TEAM


Google News
Google News
ચંદ્ર પર હવે સામ્રાજ્ય સ્થાપવાની સ્પર્ધા જામશે 1 - image


- ચાંદામામાની કિંમતી ખનીજો મેળવવા અધીરી બની છે મહાસત્તાઓ

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- મંગળ ગ્રહ તરફ જતા સ્પેસક્રાફ્ટ  ચંદ્ર  પર ઉતરી ફ્યુઅલ લઈ શકશે. અમેરિકાનું અંતિમ એપોલો ચંદ્ર  અભિયાન ૧૯૭૨માં થયું હતું. હવે ફરીથી ચંદ્રના અભિયાનો શરૂ થયા છે

મા નવીએ ચંદ્ર પર છેલ્લી વાર પગ મૂક્યો એ વાતને આડે  પાંચ  દાયકાથી વધુ  સમય  વીતી ચૂક્યાં છે ત્યારબાદ  કેટલાંક વર્ષો સુધી   શું  અમેરિકા કે રશિયા યા ચીન કોઈએ ચંદ્રની મુલાકાત લેવાનો વિચાર સુધ્ધાં  કર્યો ન હતો.  પરંતુ ૨૦૦૯માં ભારતના મૂન મિશને ચંદ્ર પર  પાણી હોવાનું  ખોળી કાઢ્યું ત્યારથી ચંદ્ર  પર ચઢાઈ લઈ જવાનું શૂર અનેક દેશોને ચઢ્યું છે. 

અમેરિકાએ પોતાના મૂન મિશનને નવેસરથી લોન્ચ કર્યું છે. તેને ચીન અને રશિયા તરફથી તીવ્ર સ્પર્ધા   મળી રહી છે.  બીજી તરફ ભારત સહિત અન્ય ઘણા દેશો પણ પોતાના અભિયાનને આગળ વધારી  રહ્યા છે. બે ખાનગી કંપનીઓ - એલન મસ્કની સ્પેસ એક્સ અને જેફ બેઝોસની બ્લુ ઓરિજિન પણ આ હોડમાં સામેલ છે. દરેક દેશ એવી વેતરણમાં છે કે બીજા કરતા આપણે સૌ પ્રથમ ચંદ્ર પર માલિકી હક્ક જમાવીએ અને અબજોની કમાણી કરીએ.

એની સાથે જ  ચંદ્રની માલિકી વિશે એક ઉગ્ર વિવાદ અત્યારે પૃથ્વી પર છોડાયો છે. વિવાદનો મુદ્દો એ છે કે ચંદ્ર પર માલિકી કોની ગણાય? રશિયાની? અમેરિકાની? કે ભારત સહિત દુનિયાભરના બધા દેશોની? આવો  પ્રશ્ન ઉદ્ભવે  તે સ્વાભાવિક છે. કારણ કે હવે પછી ચંદ્ર પર આરોહણ  કરનાર દરેક દેશ ચાંદામામાની જમીન પર પોતપોતાના ઝંડા ગાડતા  જશે.  એટલું જ નહીં,  ચીન જેવો બંડખોર દેશ તો ચંદ્રના ચોક્કસ  વિસ્તાર પોતાની બાપીકી  જમીન હોય  તેવો દાવો પણ જોરદાર રીતે ઠોકી દે. 

શીત યુદ્ધ દરમિયાન સોવિયેત  સંઘ  અને અમેરિકની જેમ ચીને પણ પોતાની અંતરિક્ષ   મહત્વકાંક્ષાને શક્તિશાળી બનાવવા પ્રયત્ન શરૂ કરી દીધો હતો. જાન્યુઆરીમાં ૨૦૧૯માં ચીને  ચંદ્રના એક છેડે પોતાનું સસ્પેસક્રાફ્ટ ચાંગ ઈ-૪ ઊતાર્યું હતું. તે અગાઉ એ અજાણ્યા સ્થળે કોઈ દેશ પહોંચ્યો નહોતો. એ સમયે સ્પેસક્રાફ્ટના   ડિઝાઈનર વુ વીરેને કહ્યું હતું કે અમે ચીનને  સ્પેસ લોર્ડ (અવકાશનો રાજા) બનાવી રહ્યા છીએ.  ન્યૂપોર્ટમાં   સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીના પ્રોફેસર જોન જોન્સન કહે છે કે આગામી પાંચ વર્ષમાં ચીનનું  ેપોતાનું  સ્પેસ  સ્ટેશન હશે.   તેઓ ચંદ્ર પર માણસ મોકલશે. અંતરિક્ષમાં નવી સ્પર્ધા   પાછળ  ટેક્નિક  અને પોલિટિકલ કારણ કામ કરી રહ્યા છે. સ્પેસ સાથે સંકળાયેલા બિઝનેસની વૈશ્વિક જીડીપીમાં ૩૫૦ અબજ   ડોલરની   હિસ્સેદારી છે. મોર્ગન સ્ટેન્લીના  

જણાવ્યા મુજબ ૨૦૪૦ સુધીમાં તે વધીને ૧.૪ ખરબ ડોલર થઈ જશે, અંતરિક્ષમાં વસવાટ કરવા અને તેના સંસાધનોનો ઉપયોગ કરવા ચંદ્ર પહેલું સ્ટેશન  હોઈ શકે છે.   મંગળ તરફની યાત્રામાં પણ અવકાશ યાનનો માર્ગ તો વાયા ચંદ્ર થઇને જ  જશે. આ માટે બળતણ રૂપે વપરાય તેવા ખનીજ અને ઈલેક્ટ્રોનિક્સમાં ઉત્પાદનમાં કામ આવતી દુર્લભ ધાતુ ચંદ્ર પરથી મેળવાશેે. 

 ચંદ્ર પર જવા વિજ્ઞાની અને ટેકનિકલ કારણ પણ  છે. ધરતી  પરનું  લાઈટ  પોલ્યુશન  અને  રેડિયો  એમિશનથી  બચી  રહેવાને કારણે ચંદ્રના દૂરના છેડે બનનારી વેધશાળા ધરતી પર લાગેલા કે અંતરિક્ષમાં ચક્કર મારી રહેલા ટેલિસ્કોપ કરતા વધુ શક્તિશાળી હશે. જુનો અનુભવ કહે છે કે સ્પેસ ટ્રાવેલ માટે વિક્સાવેલી ટેકનોલોજીનો અંતે તો ધરતી પર ઉપયોગ થાય છે, જેમ કે  સ્ક્રેચપ્રૂફ  કાર, હળવી હાઈસ્ટોરેજ બેટરી, મેમરી ફ્રેમ, ફાયરપ્રૂફ ફેબ્રિક અને જીપીએસ નેવિગેશન.  ભવિષ્યમાં  આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ,  બાયોટિક સેન્ટર, એટ્રાફિક ટ્રોલ, ફર્ટીલાઈઝર અને એલઈડીના ક્ષેત્રમાં નવી સ્પેસ ટેકનોલોજી કામ આવશે.  આ કારણસર  તમામ હરીફની નજર ચંદ્રના દક્ષિણ ધુ્રવ  પર છે. દક્ષિણી  હિસ્સામાં બર્ફીલું પાણી   પૂરતી માત્રામાં છે.  પાણીને  ઓક્સિજન અને હાઈડ્રોજનમાં તોડી શકાય છે. હાઈડ્રોજન  અને ઓક્સિજનને મેળવી શક્તિશાળી  અને સ્વચ્છ રોકેટ ફ્યુઅલ બનાવી શકાય છે.મંગળ ગ્રહ   તરફ જતા સ્પેસક્રાફ્ટ  ચંદ્ર  પર ઉતરી ફ્યુઅલ લઈ શકશે. અમેરિકાનું અંતિમ એપોલો ચંદ્ર  અભિયાન ૧૯૭૨માં થયું હતું. તેણે ચંદ્રની તરફ ફરી  ધ્યાન આપ્યું છે. નવી રચાયેલી નેશનલ સ્પેસ કાઉન્સિલના તત્કાલિન વડા માઈક પેન્સે  જાહેરાત કરી હતી કે, ૨૦૨૪ સુધીમાં અમેરિકા ચંદ્ર પર માણસ  મોકલશે.  અમેરિકાએ કન્વરલ લોન્ચપેડ ૩૯- બી  પર   ૫૦ કરોડ ડોલરના ખર્ચે ૩૮ માળનો મોબાઈલ લોન્ચ ટાવર બનાવ્યો છે. જ્યાં સુધી ખાનગી કંપનીઓની વાત છે તેમાં  મસ્કનું  કહેવું છે કે સ્પેસ એક્સ આગામી છ મહિનામાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કેટલા અંતરિક્ષયાત્રીઓને લઈ જશે.  બીજી બાજુ   બેઝોસની બ્લુ ઓરિજીનની યોજના અંગે રહસ્ય છે. ચીનની આશા લોંગ માર્ચ રોકેટ સીરીઝ પર   છે. આ વર્ષના અંતે ચંદ્ર પર રોબોટ મોક્લવા ઉપરાંત તે ૨૦૨૪ માં મંગળ અભિયાન શરૂ કરશે. આમ તો ચીનના મૂન મિશન પર કેટલાક સવાલ પણ ઊઠયા છે, અમેરિકા સ્થિત વિજ્ઞાનીના એક ગુ્રપના   ચીન પ્રોજેક્ટના મેનેજર ગ્રેગરી ઉલાકી   કહે છે કે મૂન કે સ્પેસની કોઈપણ સ્પર્ધામાં ચીન અમેરિકાને પાછળ પાડી શકે તેમ નથી તે પહેલેથી જ  ૫૦ વર્ષ પાછળ છે. પરંતુ નાસાના માજી વહીવટી વડા માઈક ગ્રીફીન, એલન મસ્ક સહિત અનેક સ્પેસ વિજ્ઞાની ચીનના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરે છે. આ માટે સંસદમાં સ્પેસ મિશન  માટે વધુ નાણા આપવાની માંગ કરાઈ છે.  અમેરિકનો ભલે એવો ફાંકો રાખે કે  અમે અવકાશક્ષેત્રે  ચીન કરતાં આગળ છીએ પરંતુ જે રીતે  ગઈકાલ સુધી ભાખોડિયા  ભરતું ચીન આજે હરણફાળ ભરવા  થનગની રહ્યું છે એ જોતાં ચીન આગળ નીકળી જાય તો  નવાઈ નહીં. 

વળી ચીનનો તો મૂળભૂત સ્વભાવ જ સામ્રાજ્યવાદી છે. એટલે કેટલાંક વિશ્લેષકો માને છે કે   જગતના  નાના, કમજોર દેશો પર રોફ જમાવનાર ચીનનો ડોળો હવે ચાંદ પર છે.  નાસાના સંચાલક બિલ નેલ્સને ચેતવણી આપી છે કે ચીન ચન્દ્રના ખનીજ સમૃદ્ધ ક્ષેત્રો પર પોતાનો દાવો કરી શકે છે.  ચીનનો ઇરાદો ચંદ્રની  ધરતી ખોદીને દસ ટ્રિલિયન ડોલર્સ કમાવાનો છે. ચીન ટૂંક સમયમાં જ ચન્દ્ર પરકબજો જમાવવા માટે પેંતરાબાજીઓ શરૂ કરી દેશે. જેને કારણે દુનિયાની વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર થશે. ચીને ૨૦૨૦માં ચન્દ્ર પર એક ઇકોનોમિક ઝોન સ્થાપવાની જાહેરાત કરી હતી. આ ઇકોનોમિક ઝોનમાંથી ચીન દસ ટ્રિલિયન ડોલર્સની કમાણી કરવાનો ઇરાદો ધરાવે છે. 

ચીનની ગતિવિધિઓ પર નજર રાખનારા કેટલાક ડિફેન્સ એક્સપર્ટનું  એવું અનુમાન છે કે ૨૦૨૪-૨૫ વચ્ચે  ચીનાઓ ચંદ્રના અલગ અલગ વિસ્તારમાં  મુનમિશન લઈ જઈ  જમીન અંકે કરવા લાગશે. એટલું જ નહીં, લાભદાયી લાગે એવા  સ્થળોએ  રિસર્ચ સેન્ટર ઊભા કરી પોતાનું આધિપત્ય સ્થાપતું જશે. ગયા વર્ષે ચીને ચન્દ્રના દક્ષિણ ધુ્રવ માટે  એક સ્પેસ સ્ટેશન તરતું મૂક્યુ હતું . આ સ્પેસ સ્ટેશન દ્વારા ચન્દ્ર પરથી ખડકોના નમૂના મેળવવા માટે ચીને  ઘણાં મિશનો  લોન્ચ કર્યા છે. 

એક  અહેવાલ અનુસાર ચીન ચન્દ્રના દક્ષિણ ધુ્રવ પર ઓટોનોમસ લૂનાર રિસર્ચ સ્ટેશન બનાવવાની પણ યોજના ઘડી છે.  ૨૦૨૫માં આ  સંશોધન કેન્દ્ર શરૂ  થવાની ધારણા છે.   ચીનની એક આડકતરી  ગણતરી એવી છે કે ચંદ્ર પરથી મેળવેલા  ખનીજ રૂપી માલ મલીદાથી પોતાની સામરિક સત્તા વધારવી અને ભાવિમાં લડાનારા સ્પેસ વૉર માટે પણ તખ્તો  ગોઠવવો.  અમેરિકન સ્પેસ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ નીના અરમાગ્નોએ  જણાવ્યું હતું કે ચીન અમેરિકાને પાછળ મુકીને આગળ નીકળી જશે તેવો મને ડર છે. સંભવ છે કે સૈન્યના મામલે પણ ચીન અમેરિકાથી આગળ નીકળી જાય. 

એક જાણકારી પ્રમાણે   ચીન મિલિટરી સ્પેસ ટેકનોલોજીમાં સેટેલાઇટ કમ્યુનિકેશન્સ  તેમ જ અનેકવાર ઉપયોગમાં લઇ શકાય તેવા સ્પેસક્રાફ્ટ યાને સ્પેશ શટલ  બનાવી રહ્યું છે. ચીન પાસે પહેલેથી જ લોંગ માર્ચ ૮આર અને લોંગ માર્ચ ૯ જેવા અંતરિક્ષ યાન મોજૂદ છે. આ ઉપરાંત ચીન સબ ઓર્બિટલ અને ઓર્બિટલ અંતરિક્ષ યાન તૈયાર કરી રહ્યું છે.  એક જાણકારી પ્રમાણે   ચીન  આગામી બાર મહિનામાં  ૬૦થી વધારે સ્પેસ મિશન લોન્ચ કરશે અને તેના દ્વારા ૨૦૦થી વધારે અંતરિક્ષયાન મોકલશે. એક જ વર્ષમાં તિયાનજોઉ-૬ કાર્ગો ક્રાફ્ટ, શેન્ઝોઉ-૧૬ અને શેન્ઝોઉ-૧૭ ફલાઇટ મિશન સંપન્ન કરશે.ચીને અનેક એવી યોજનાઓ બનાવી છે જેના દ્વારા તે  અવકાશક્ષેત્રે અમેરિકા પર  સરસાઈ મેળવાશે. 

રશિયાએ પણ  ચંદ્ર પર પોતાનો ઝંડો ગાઢવા હામ ભીડી છે. લગભગ સાડા ચાર દાયકા    સુધી  ચંદ્ર  સફર પર ચોકડી મૂકનારા આ સામ્યવાદી દેશે  લ્યુના-૨૫ ચંદ્રયાનને રવાના કર્યું  હતું.  તેની અધીરાઇ તો જુઓ, ભારતે  તેનું  ચંદ્રયાન-૩ , ૧૪ જુલાઇએ   લોંચ કર્યું  જ્યારે  રશિયાએ ૧૦ ઓગસ્ટે મોકલેલું લ્યુના-૨૫,  ૨૦  ઓગસ્ટે  જ  ચંદ્ર પર ક્રેશલેન્ડ થયું.  આમ છતાં    રશિયાએ આગળ જતા ચીન સાથેની ભાગીદારીમાં માનવસહિતના મુનમિશન હાથ ધરવાની યોજના  પણ  બનાવી  છે. બીજી  તરફ  જાપાન પણ ચંદ્ર પર  ખણખોદ  કરવા તૈયારી કરી રહ્યું છે. તેમની અવકાશ સંસ્થા 'જોકસા' તાનેગાશિ ખાતેના સ્પેસ સેન્ટરથી સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટીગેટિંગ મૂન મિશન (૨૩ ઓગસ્ટ) લોંચ કરી ચૂક્યું છે.

ચંદ્ર પર ચઢાઇ લઇ જવા અધીરા બનેલા કેટલાક મહત્વના, મોટા દેશો ઉપરાંત કેટલાક નાના રાષ્ટ્રો પણ ચાંદાને ચૂમવા તૈયાર થયા છે. દરેક દેશે પોતાની ત્રેવડ પ્રમાણે આયોજન કર્યું છે. જેમ કે દ.કોરિયા લ્યુનર સ્પેસક્રાફટ દ્વારા તો યુએઇ રાશિદ નામનું રોકેટ ચંદ્ર પર મોકલશે. સ્પેસ આઇએલ નામની એક ઇઝરાયલી સંસ્થા ચંદ્રની ફાર સાઇડ પર  પ્રોબ મિશન મોકલી રહ્યું છે. યુએઇ તો તેનું એક મૂનરોવર જાપાની કંપની દ્વારા નિર્મિત લેન્ડિંગ ક્રાફ્ટની મદદથી લોન્ચ કરશે. જોકેએક વાત માનવી પડે  કે   ચંદ્ર પર પ્રથમ પગલું અમેરિકાના ચંદ્રયાત્રીએ છેક  ૧૯૬૯માં  માંડયું હતું, તેથી અમેરિકા તેના પર પોતાનો અધિકાર હોવાનો દાવો કરી શકે. પરંતુ તે દાવો રશિયાને માન્ય ન હોય, એટલે તેનો કોઈ અર્થ નથી. આ બન્ને દેશો ચંદ્રની ધરતીને  સરખે  ભાગે વહેંચી લેવાની સમજૂતી પણ સાધી શકે તેમ નથી, કારણ કે ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત,  બ્રિટન વગેરે દેશોને તે માન્ય ન હોય. આથી યુનોની સામાન્ય સમિતિએ થોડા  વરસ  પહેલાં ઠરાવ મંજૂર કર્યો કે ચંદ્ર આખી માનવજાતનો સહિયારો વારસો છે અને તેના મંથન દ્વારા થતા લાભ સૌ દેશોને સમાન ધોરણે મળવા જોઈએ.

આ ઠરાવ સામે અમેરિકામાં કેટલાક વિજ્ઞાનીઓએ વિરોધનો  સૂર કાઢી  તત્કાલીન  પ્રમુખ કાર્ટરને વિનંતી કરી છે કે ઠરાવ પર સહી આપીને નાહકના બંધાઈ જશો નહિ? વિરોધ ઉઠાવનાર વિજ્ઞાનીઓમાં મોટે ભાગે એલ-૫ સોસાયટીના ૪,૦૦૦ સભ્યોનો સમાવેશ થાય છે. આ સભ્યો ભવિષ્યમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે અવકાશી વસાહતો સ્થાપવા માગે છે. આ વસાહતો લેગરેન્જ પોઈન્ટ તરીકે ઓળખાતા વિસ્તારમાં સ્થપાશે. લેગરેન્જ પોઈન્ટ એવો અવકાશી વિસ્તાર છે કે જ્યાં પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણનો પરસ્પર છેદ ઊડી જવાથી એક પ્રકારનું 'ખાલીપો' સર્જાય છે. આ ગુરુત્વાકર્ષણના 'ખાલીખમ'માં જો અવકાશી વસાહત કે વિદ્યુત મથક સ્થાપવામાં આવે તો તે એક યા બીજી તરફ ખેંચાઈ ગયા વિના ત્રિશંકુની જેમ ત્યાં જ 'લટકી' રહે. એલ-૫ સોસાયટીના સભ્યો પાંચ નંબરના લેગરેન્જ પોઈન્ટમાં આવી વસાહતોનું કે મથકોનું બાંધકામ હાથ ધરવા માગે છે, તેથી તેમની સોસાયટીનું નામ એલ-૫ પડયું છે.

એલ-પના સભ્યોએ ચંદ્રની માલિકીનો મુદ્દો એટલા માટે ઊઠાવ્યો છે કે તેઓ બાંધકામ માટે બધો કાચો માલ પૃથ્વી પરથી લઈ જવાને બદલે ચંદ્ર પરથી લાવવા માગે છે. બાંધકામમાં જરૂરી એવી ખનિજ ધાતુઓ માટે તેઓ સમુદ્રમંથનની જેમ ચંદ્રમંથન કરવાનાં મનોરથ સેવે છે. ચંદ્રની જમીનમાં એલ્યુમિનિયમ, ટિટેનિયમ, મેગ્નેશિયમ વગેરે કિંમતી ધાતુઓ બેસુમાર છે.  એ ધાતુઓ મેળવવા માટે સૌ પ્રથમ તો ચંદ્ર પર ઈજનેરો  તેમ જ  કારીગરોની વસાહત સ્થાપવી પડશે. પરંતુ અમેરિકા ખાણકામ કરીને જે ધાતુઓ મેળવે તેમાં બીજા દેશો યુનોના ઠરાવ પ્રમાણે પોતાનો ભાગ માગે તો શું અમેરિકાએ તે આપી દેવો? એલ-૫ સોસાયટીના સભ્યોની દલીલ એ છે કે ચંદ્રમાંથી થતા લાભ બધા દેશોને મળવા જોઈએ એવી યુનોના ઠરાવની કલમ બરાબર નથી. ચંદ્રની ખોજ માટે પાવલુંય નહિ ખર્ચનાર ઝામ્બિયા  પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશો પણ તે કલમની રૂએ લાભ ખાટી જાય તેમ છે, જ્યારે અબજો ડોલરનું આંધણ મૂકનાર અમેરિકાને તેની મહેનતનું પૂરેપૂરું ફળ નથી મળતું?

ચંદ્રની માલિકીનો સવાલ આમ ગૂંચવાડાભર્યો બની ગયો છે. અત્યારે ભલે તે બહુ ગંભીર ન જણાતો હોય, પણ  આવનારા  બે-ત્રણ  દાયકામાં   જ્યારે અંતરિક્ષમાં વિરાટ બાંધકામો હાથ ધરાશે ત્યારે સૌ દેશો ચંદ્રની ખનિજ સમૃદ્ધિ પર પોતાના દાવા નોંધાવશે.

Tags :