- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'તમને યાદ છે, તમે ઈસ્ત્રી કરતા કરતા ભણાવતા હોવ ત્યારે મીનુ તમને સાડીઓ વિશે, શિક્ષકો વિશે અને બીજા ઘણા સવાલો કરતી હતી....'
'દિ વાળીની આ પૂર્વ સંધ્યાએ હું અમદાવાદ જિલ્લાના તમામ શિક્ષકોને આવકારું છું. આમ તો વેકેશન પડી ગયું છે, પરિવારો આતુરતાથી પોતાના સ્વજનોની વાટ જૂએ છે પણ આજની આ સાંજ આપણા સ્વજનો માટેની જ છે. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જેમનું નામ વખણાય છે તેવા મનિષાબેન ઠાકરને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો છે. તેમના જ સન્માન માટે રાજ્ય સરકારે આ સમારંભનું આયોજન કર્યું છે.'
'મનિષાબેન દિવાળી બાદ નિવૃત્ત થવાના છે અને તેની પહેલાં રાજ્ય સરકાર દ્વારા તેમનું સન્માન કરાઈ રહ્યું છે. આપણા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને શહેરના શ્રેષ્ઠીઓ તથા માનવંતા શિક્ષકોની હાજરીમાં તેમને સન્માનવાના છે અને અનોખી વિદાય આપવાની છે.' - શહેરના જાણીતા ટાગોરહોલના મંચ ઉપરથી જાહેરાત થઈ અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો.
હોલમાં હાજર લોકોની તાળીઓના નાદ વચ્ચે મનિષાબેન સ્ટેજ ઉપર પહોંચ્યા. સ્ટેજ ઉપર હાજર રાજ્યના મુખ્યમંત્રીએ તેમને એવોર્ડ એનાયત કર્યો. તેમની પાસે ઊભેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને જાણીતા શિક્ષણવિદ ત્રિભુવન પટેલે તેમને સવાલાખ રૂપિયાનો ચેક આપ્યો અને છેલ્લે ઉભેલા રાજ્યના પહેલાં મહિલા શિક્ષણમંત્રી વિભાવરી દવેએ તેમને મોમેન્ટે સર્ટિફિકેટ આપ્યું. મનિષાબેન તમામ મહાનુભાવોની સાથે એક હરોળમાં ઊભા રહ્યા. તસવીરો ખેંચાઈ ગઈ. મનિષાબેન તમામને હાથ જોડીને નીચે આવ્યા અને પ્રથમ હરોળમાં પોતાની ખાલી ખુરશીમાં ગોઠવાઈ ગયા.
લગભગ અડધો કલાક સુધી મનિષાબેનના ગુણગાન ચાલ્યા અને ત્યારબાદ કાર્યક્રમ પૂરો થયો. જે નજીકના મહેમાનો હતા, મુખ્ય મહેમાનો હતા અને ખાસ શિક્ષકો અને મનિષાબેનના સ્કુલના સાથી કર્મચારીઓ હતા તેઓ રોકાયા અને તેમના માટે ડિનરની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તમામ મહાનુભાવો હોલમાંથી બહાર આવ્યા અને જ્યાં ડિનરની વ્યવસ્થા હતી ત્યાં ગોઠવેલા ટેબલ ખુરશીઓ ઉપર ગોઠવાયા.
'મનિષાબેન શું થયું તમારું આટલું મોટું સન્માન થયું છતાં તમારા ચહેરા ઉપર આનંદ જણાતો નથી. નિવૃત્તિની પીડા છે કે, બીજી કોઈ બાબત છે.' - મનિષાબેનની બાજુમાં બેઠેલા નિરંજના બેને પુછયું.
'એવું કશું જ નથી. આ તો એકાદ વાત યાદ આવી એટલે થોડો મૂડ બદલાયો બાકી તો હું એકદમ ખુશ છું. સીએમ સર જ્યારે મારા માટે આટલું બધું આયોજન કરતા હોય અને આપણું ટ્રસ્ટ પણ આવા આયોજનને સાથ આપતું હોય તો મારે નિરાશ થવા જેવું કે દુ:ખી થવા જેવું કશું છે જ નહીં.' - મનિષાબેને જવાબ આપ્યો.
'મેડમ ચોખ્ખું કહી દો ને કે તમારી સાડી ઉપર કોમેન્ટ કરી એટલે તમારો મુડ બગડી ગયો છે. નિરંજના મેડમ તમારા સૌથી જૂના કલીગ અને મિત્ર પણ છે. તેમનાથી કશું સંતાડવા જેવું નથી.' - બંનેની પાછળ આવીને ઊભેલા શિક્ષણમંત્રી વિભાવરી દવેએ કહ્યું અને આ બંનેય ચોંકી ગયા.
'અરે, દવે મેડમ તમે. આવો આવો અમારી સાથે બેસો. તમે શું કહેતા હતા મનિષાબેનને.' - નિરંજનાબેને વિવેક કરતા કહ્યું.
'નિરંજના મેડમ તમને ખબર છે ને કે મનિષાબેન તેમના ડ્રેસિંગ માટે બહુ જાણીતા હતા. તેઓ ક્યારેય એક વખત એક જગ્યાએ પહેરેલી સાડી બીજી વખત ત્યાં પહેરતા નથી. તેમની પાસે મોટી સંખ્યામાં સાડીઓનું કલેક્શન છે. આ વખતે તેઓ થાપ ખાઈ ગયા અથવા તો લાલચ કરવામાં અને વધારે સારા દેખાવામાં જૂની સાડી પહેરી આવ્યા. તેમણે આ સાડી બે વર્ષ પહેલાં દિવાળીના દિવસે પહેરી હતી. પંચોલી મેડમના વિદાય સમારંભ અને દિવાળી પૂજન બંને ભેગું હતું ત્યારે પહેરી હતી. આજે ફરીથી તે જ સાડી પોતાના વિદાય અને સન્માન સમારંભમાં પહેરીને આવ્યા છે.' - વિભાવરી બેને કહ્યું અને મનિષાબેન થોડા વધારે છંછેડાઈ ગયા.
'અરે, બેન બેસો. તમે આ રીતે ગુસ્સે ન થઈ જાઓ. હું તો તમારી સાથે જ વાતો કરવા આવી છું. આ તો મેં સ્ટેજ ઉપર થયેલી વાતની જાણ નિરંજના મેડમને કરી દીધી. બીજી એક મોટી વાત તમને કરવાની છે.' - વિભાવરી દવે બોલ્યા.
'તમને યાદ છે તમે ઠાકર સાહેબની બદલી થવાથી અમદાવાદ શિફ્ટ થયા હતા. તે વખતે તમારા ઘરે કામ કરવા માટે કમલિબેન આવતા હતા. તેમના પતિ તેજાજી તમારા મકાનની ચોકી કરવા માટે રાત્રે આવતા હતા.' - વિભાવરીએ વાત આગળ વધારી. કમલિબેન અને તેજાજીનું નામ સાંભળીને મનિષાબેનની ભ્રમરો ઉંચી થઈ ગઈ. આ વાત તો લગભગ વીસ વર્ષ પહેલાની હતી.
મનિષાબેનના પતિ ઠાકર સાહેબ, જે આઈએએસ અધિકારી હતી તેઓ રાજકોટથી ટ્રાન્સફર થઈને અમદાવાદ આવ્યા હતા. અહીંયા તેમનું પોસ્ટિંગ ગાંધીનગરમાં જ હતું પણ તમને ડી.સી શાહ સ્કુલમાં ટ્રાન્સફર મળે તેમ હતું તેથી તેમણે અમદાવાદ રહેવાનું નક્કી કર્યું હતું.
'તમારા એ કમલી અને તેજાજીને એક દીકરી હતી જેની સાથે તમારે બહુ જ બનતું હતું અને ઝઘડા પણ થતા હતા.' - વિભાવરી બોલી.
'મીનુડી.' - મનિષાબેને કહ્યું.
'એ મિનુડીને તમારા માટે બહુ જ હેત હતું. તમને પણ તેના માટે ખૂબ જ પ્રેમ હતો. કમલી ઘરના કામ કરાવવા મીનુડીને લઈને આવતા પણ તમે કમલીને ખખડાવીને મીનુને ભણવા બેસાડતા. તેનું સારી સ્કુલમાં એડમિશન કરાવ્યું હતું. તમે સાંજે સ્પેશિયલ તેને ઘરે બોલાવતા અને તમારી પાસે બેસાડીને ભણાવતા હતા. તમે તેની કારકિર્દી બનાવવા માગતા હતા.'
'મિનુડી ભણવામાં થોડી આળસુ, બોલવામાં ચબરાક અને કામમાં ખૂબ જ ઝડપી હતી. તમે તેને ભણાવતા તો કાયમ કહેતી કે બેન તમે ક્યાંય જતા નહીં અને મને ક્યાંય જવા દેતા નહીં. બાકી મારી મા મને ભણાવશે નહીં અને પરણાવી દેશે. એ નાનકડી છોકરીને પણ તેની જિંદગીનો ભય લાગતો હતો. તમે ત્યારે તેને સાચવી હતી.'
'તમને યાદ છે, તમે ઈસ્ત્રી કરતા કરતા ભણાવતા હોવ ત્યારે મીનુ તમને સાડીઓ વિશે, શિક્ષકો વિશે અને બીજા ઘણા સવાલો કરતી હતી. તમે ત્યારે તેને બધી કારકિર્દી સમજાવતા હતા. તમે ઈચ્છતા હતા કે, મીનુ કોમ્પિટિટિવ એક્ઝામ આપે અને સરકારી અધિકારી બને. તે વખતે મીનુ હજી નાની હતી.'
'લોકો ગમે તે પ્રયાસ કરે, ધારી લે કે પછી જીદ કરે પણ નિયતી તેનું કામ કરતી જ હોય છે. તેજાજી બિમાર પડયા અને તેમનું અવસાન થયું. કમલી તમારા ઘર સહિત બાકીના ઘરનું કામ છોડીને દેશ પાછી જતી રહી. તેની સાથે તમારી મીનુડી પણ જતી રહી. તમે ગામડે મીનુને ભણવાની વ્યવસ્થા કરી આપી હતી અને ફી તમે ભરતા હતા તેથી કમલી તેને ભણવા દેતી હતી.'
'કાળના ચક્રમાં તમે ધીમે ધીમે મીનુને ભુલી ગયા અને કમલી તથા તેનો પરિવાર પણ દેશ છોડીને બીજા કોઈ શહેરમાં જતો રહ્યો. તમારો અને મીનુનો સંપર્ક કપાઈ ગયો. મીનુને તમે જે બનાવવા માગતા હતા તે જ બની. તમને યાદ હોય તો પાંચ વર્ષ પહેલાં તમારા ઘરે પાર્સલમાં એક સાડી આવી હતી. તેમાં લખ્યું હતું કે, તમારે દિવાળી ઉપર આ જ સાડી પહેરવાની છે. આ મારા તરફથી ગુરુદક્ષિણા છે. તમને ત્યારે ખબર નહોતી પડી કે આ કોણે મોકલી છે અને ક્યાંથી આવી છે.'
'તમારી એ મીનુડી ભણીગણીને પાંચ વર્ષ પહેલાં જ આઈએએસ બની હતી. તેને ત્રિભુવનકાકાની સરકારે શિક્ષણ સચિવ બનાવી હતી. ઠાકર સાહેબને ખબર છે કે, મીનુડી કોણ છે અને ક્યાં છે. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી તેના સંપર્કમાં છે. તેઓ તમને જણાવતા નથી. આ મીનુએ પછી ત્રિભુવનકાકાના જ પક્ષના યુવા નેતા અનુભવ દવે સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ગત વર્ષે અનુભવ દવે અને તેની પત્નીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને બંને જીતી ગયા હતા.'
'ત્રિભુવનકાકાના કહેવાથી જ નવી સરકારે અનુભવની પત્નીને એજ્યુકેશન સેક્ટરમાં જ રાખી અને તેને શિક્ષણમંત્રી બનાવી. તમારી એ મીનુડી અત્યારે ગુરુદક્ષિણા આપવા માટે તમારી સામે હાજર છે.' - વિભાવરી એટલું બોલીને મનિષાબેનના પગમાં પડી ગઈ. વિભાવરીની વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકોએ ફરી તાળીઓ પાડી અને મનિષાબેનને વધાવી લીધા.
મનિષાબેને વિભાવરીને ઊભી કરી અને ભેટી પડયા. બાજુમાં ઉભેલા ઠાકર સાહેબે મનિષાબેનને એક પાર્સલ આપીને કહ્યું, 'લે તારી મીનુડીએ આ દિવાળી માટે પણ સાડી મોકલાવી છે. હવે જૂની સાડી પહેરવાની જરૂર નથી.'
'દીકરી તે મારી મહેનતને ન્યાય આપ્યો છે. તે સ્ટેજ ઉપર ટકોર કરી ત્યારે મને જરાય કલ્પના નહોતી કે તું આવી વાત કરીશ. મને તો તારી કોમેન્ટથી ખોટું લાગ્યું હતું કે એક એજ્યુકેશન મિનિસ્ટર આવી વાતો કરે છે. મારી મીનુડી કોમેન્ટ કરે છે તેવો વિચાર પણ ન આવ્યો. તું આજે અહીંયા પહોંચી છું તે મારા માટે મોટામાં મોટી દિવાળી છે. ઈશ્વરે મારી આજીવન પ્રવૃત્તિનું ફળ આપીને મારી નિવૃત્તિ સુધારી દીધી.' - મનિષાબેન એટલું બોલીને વિભાવરીને ભેટી પડયા અને બધાએ ફરીથી તાળીઓના ગડગડાટથી બંનેને વધાવી લીધા.


