- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- આ જે જ્ઞાનપંચમીના સરસ્વતીપૂજનના દિવસે એવો વિચાર જાગે છે કે વાણિજ્યના ક્ષેત્રે અગ્રેસર ગણાતા ગુજરાતે એના જ્ઞાનની પ્રતિષ્ઠા કરી છે ખરી ? શું આપણને કે પછી 'લાભ'ની દોડમાં વિદ્યાના 'શુભ'ને વિસરી ગયું છે ? શું આપણને ચોપડામાં વધુ રસ છે અને ચોપડીની ઘોર ઉપેક્ષા કરીએ છીએ !
જ્ઞાનનાં ક્ષેત્રમાં સૌથી મોટી ઘટના ગુજરાતમાં બની છે, પણ એની કેટલી વ્યક્તિઓને જાણ હશે ? એક વાર એક ફ્રેન્ચ વિદ્વાને આપણા પ્રસિદ્ધ કવિ નિરંજન ભગતને પ્રશ્ન કર્યો કે, 'ગુજરાતમાં બે સૌથી મહત્ત્વની ઘટના સર્જાઈ છે. એક પાટણમાં નીકળેલી 'સિધ્ધહેમ' ગ્રંથની સરસ્વતીયાત્રા અને બીજી સાબરમતીથી નીકળેલી મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રા. આ બે યાત્રામાંથી કઇ યાત્રાનું સૌથી વિશેષ મહત્ત્વ છે ?'
અને એ સમયે નિરંજન ભગતે કહ્યું કે, 'આજથી સાડા આઠસો વર્ષ પહેલાં પાટણમાં થયેલી સરસ્વતીયાત્રા એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય.' આજે જ્યારે સાહિત્યનાં ક્ષેત્રમાં સાઠમારી, અંધાધૂંધી, આક્ષેપબાજી અને રાગ-દ્વેષ પ્રવર્તે છે, ત્યારે એમ થાય છે કે ગુજરાતની એ ભવ્ય સરસ્વતીયાત્રાથી ગુજરાતની પ્રજાને વાકેફ કરી શક્યા છીએ ખરા ? વાત તો એવી બની હતી કે વિ.સં. ૧૧૯૩માં સિદ્ધરાજ જયસિંહ માલવપતિ યશોવર્માને પરાજય કરીને અને ધારાનગરીનો ધ્વંસ કરીને એના અમૂલ્ય ગ્રંથભંડાર સાથે પાટણમાં આવ્યા. આ જ્ઞાનભંડારને જોઇને રાજવી સિધ્ધરાજ આશ્ચર્યચકિત થતા હતા. આ ગ્રંથોમાં ભોજરાજ વિરચિત 'સરસ્વતીકંઠાભરણ' નામના વ્યાકરણગ્રંથ પર સિધ્ધરાજની નજર પડી. પંડિતોને પૂછતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના માળવાના રાજા ભોજનું આ વ્યાકરણ છે એથી ય વિશેષ એના પાટણમાં, આ જ વ્યાકરણ ભણાવાય છે. ભોજરાજાની વિદ્વત્તાની પંડિતોએ કરેલી પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર માળવાના પ્રદેશવિજયની લઘુતા બતાવી. એને સમજાયું કે રાજા ભોજ અને માળવા દેશ સામે હોય કે ન હોય, કિંતુ વિદ્વદ્જનોના હૃદયમંદિરમાં તો એ બંનેની ઉપસ્થિતિને શાશ્વત રાખનારું આ વ્યાકરણ છે.
આ જાણીને રાજા સિદ્ધરાજને વિચાર આવ્યો કે તલવારથી મેળવેલા વિજયો તો આજે પ્રાપ્ત થાય અને કાલે ભૂંસાઈ જાય. જ્યારે વિદ્વત્તા એ તો સદાકાળ ટકનારી અને વળી એ વહેંચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. એમાં સિધ્ધરાજને વિશેષ માહિતી એ મળી કે જ્ઞાનોપાસના માટે માળવાના વિદ્યાર્થીઓને ક્યાંય જવું ન પડે એ માટે જુદી જુદી વિદ્યાના ગ્રંથો ત્યાં રચાયા છે, જેમાં ચિકિત્સાશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્ર છે. બાર બાર વર્ષની મહેનત પછી સિધ્ધરાજ જયસિંહે મેળવેલો માળવાના વિજયનો આનંદ ઝાંખો પડી ગયો અને એને સરસ્વતીના તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનાં વહેણ વહેવડાવવાનો સંકલ્પ કર્યો.
રાજા સિદ્ધરાજ જયસિંહે એનો સંકલ્પ સાર્થક કરવા માટે વિ.સં. ૧૧૯૩માં કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યને આ વ્યાકરણ લખવાનું કાર્ય સોંપ્યું. હવે જુઓ સિદ્ધરાજનો એ વિદ્યાપ્રેમ ! આને માટે એણે ઠેર-ઠેરથી ઉપયોગી હસ્તપ્રતો મંગાવી. પોતાના રાજચિહ્ન સાથે હસ્તપ્રતો માટે જુદાં જુદાં સ્થળોએ પત્ર પાઠવ્યા. એણે જાણ્યું કે કાશ્મીરમાં પંડિતો દ્વારા ઉત્કૃષ્ટ ગ્રંથરચનાઓ થઇ છે, આથી એણે તત્કાળ પોતાના રાજદૂતોને કાશ્મીર મોકલ્યા. એથીયે વિશેષ કાશ્મીરમાં આવેલા ભારતીદેવી પુસ્તકાલયમાંથી કાશ્મીરનાં પંડિતો પાસે આઠ વ્યાકરણો મંગાવ્યા. સિદ્ધરાજે માત્ર હસ્તપ્રતો મેળવીને સંતોષ ન માન્યો, પણ હેમચંદ્રાચાર્યને વ્યાકરણ રચવા માટે મદદ કરી શકે એવા ઉત્સાહ નામના કાશ્મીરી પંડિતને પણ બોલાવ્યા અને કળિયુગ સર્વજ્ઞા એવા કલિકાળસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય દ્વારા નવા વ્યાકરણની રચના શરૂ થઇ.
ગુજરાતનો રાજવી સિદ્ધરાજ માત્ર આદેશ આપીને કે હસ્તપ્રતો મેળવીને કાર્ય પૂર્ણ થયાનો સંતોષ માનનારો નહોતો, પરંતુ આ સરસ્વતી ઉપાસનામાં એવો એકરૂપ થઇ ગયો કે એની માનસસૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું. આજ સુધી યુદ્ધનાં દુંદુભિ નાદોનું શ્રવણ કરનારા એના કાનમાં વ્યાકરણનાં સૂત્રો અને મધુર દ્રષ્ટાંતો ગુંજવા લાગ્યાં. રાજ્યોના વિસ્તારને બદલે વિદ્યાવિસ્તાર અંગે અહર્નિશ ચિંતન કરવા લાગ્યા. રાજકાજમાંથી સમય મળતાં મહારાજ સિદ્ધરાજ ઉપાશ્રયમાં આવીને શંતિથી એક ખૂણે બેસતા હતા અને વિદ્યા-યજ્ઞામાં સામેલ થતા હતા. સિદ્ધરાજની ઉપસ્થિતિએ સાધુઓ અને વિદ્વાનોના ઉત્સાહમાં ઉલ્લાસનો રંગ પૂર્યો. એક વર્ષમાં તો સવા લાખ શ્લોક ધરાવતો ગ્રંથ તૈયાર થઇ ગયો. એનો પ્રારંભ થયો હતો. હેમચંદ્રાચાર્યના જન્મદિન કાર્તકી પૂર્ણિમાથી અને બીજી કાર્તકી પૂર્ણિમાએ તો એમણે મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ, પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના કરી, જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું હતું. 'સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિદ્ધરાજ અને રચનાર હેમચંદ્રાચાર્યનું સંયુક્ત સ્મરણ જાળવવા માટે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' રાખવામાં આવ્યું.
એક દિવસ આચાર્યદેવે મહારાજ સિદ્ધરાજને કહ્યું, 'રાજેશ્વર તમારી ઇચ્છા મુજબ સંસ્કૃત વ્યાકરણની રચના પૂર્ણ
થઇ છે.' આવી મહાન ગ્રંથરચના થઇ, પણ એ ગ્રંથ માત્ર એક જ સ્થળે રહે તો શા કામનું ? આથી જયસિંહ સિદ્ધરાજે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણની પ્રતિલિપિ કરાવવા માટે લહિયાઓ રોક્યા. કેટલા લહિયાઓ હશે તેની તમે કલ્પના કરી શકો છો ? એકસો-બસો નહીં, પણ પૂરા ત્રણસો લહિયાઓ રોકીને એણે આ ગ્રંથની હસ્તપ્રતો તૈયાર કરી અને પછી જેમ વિજય મળ્યો હોય અને વિજયયાત્રાનું સ્વાગત કરવામાં આવે એ રીતે કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય રચિત 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથનું પાટણમાં ભવ્ય સ્વાગત કરવાની એણે આજ્ઞા કરી.
ત્યારબાદ ગુજરાતમાં ઐતિહાસિક એવો ગ્રંથોત્સવ ઉજવાયો. આજે સાહિત્ય જગતમાં વધુમાં વધુ ત્રણ દિવસનો ઉત્સવ ઉજવાય છે. જ્યારે અહીં આઠ દિવસનો ઉત્સવ યોજવામાં આવ્યો અને એની તૈયારી પણ કેવી ? ભારતનાં જુદાં જુદાં દેશો-પ્રદેશોમાં કંકોતરીઓ મોકલવામાં આવી. આ ઉત્સવને વધુ શોભાયમાન કરવા કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યા. વિચાર કરો કે જે પ્રદેશો વિદ્યાને માટે પ્રસિદ્ધ હતા એ પ્રદેશોનાં વિદ્વાનોને ગુજરાતમાં આદરભેર નિમંત્રણ આપવામાં આવ્યાં. સાત દિવસનાં ઉત્સવ પછી આઠમા દિવસે ગ્રંથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો.
આટલા વર્ષો પૂર્વે થયેલી આ ગ્રંથયાત્રાની વાત સાંભળીને પેલા વિદેશી ફ્રેંચ વિદ્વાન બોલી ઊઠયા હતા, 'અરે, અમે સાવ જંગલી અવસ્થામાં હતા, ત્યારે તમે આવી ભવ્ય ગ્રંથાયત્રા કરી !'
સાત દિવસના ઉત્સવ બાદ આઠમા દિવસે પાટણ શહેરમાં ભવ્ય ગ્રંથયાત્રાનું આયોજન થયું. આજ સુધી હાથીની અંબાડી પર રાજરાજવીઓ બેસતા હતા. આજે ગુજરાતનો રાજવી જયસિંહ સિદ્ધરાજ અને એમના મહાનગુરુ હેમચંદ્રાચાર્ય પગપાળા ચાલતા હતા અને હાથીની અંબાડી પર ગ્રંથ બિરાજમાન હતો. જગતનાં ઇતિહાસમાં આવી પહેલી ઘટના બની અને તે આપણા ગુજરાતમાં. એ ગ્રંથયાત્રાની ભવ્યતાની જરા કલ્પના કરીએ. એ વ્યાકરણની હસ્તપ્રતોને સોના-ચાંદીના થાળમાં મોતીથી વધાવીને નગરસુંદરીઓ મસ્તક પર મૂકીને ચાલતી હતી. એમની પાછળ જયસિંહ સિદ્ધરાજનો ધ્વજ ફરકતો હતો. સૂર્યમુખી ફૂલ અને કૂકડાની છાપથી અંકિત એવા સિદ્ધરાજના ધ્વજોને લઇને શક્તિશાળી મલ્લ લોકો ચાલતા હતા. જાણે રાજ્યએ ગૌરવવંતો વિજય મેળવ્યો ન હોય !
એમની પાછળ પાટણ ગામનું મહાજન, મંત્રીઓ અને સેનાપતિઓ ચાલતા હતા અને એ પછી સ્વયં મહાગુરુ હેમચંદ્રાચાર્ય અને મહારાજ સિદ્ધરાજ પગપાળા ચાલતા હતા. કોઈ સામાન્ય હાથી પર આ હસ્તપ્રત મુકવામાં આવી નહોતી, પરંતુ સિદ્ધરાજના પટ્ટહસ્તીને શણગારીને લાવવામાં આવ્યો હતો અને ગગનભેદી નાદોની વચ્ચે હાથીની અંબાડી પર 'સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણ મુકવામાં આવ્યું. હજારો સ્ત્રી-પુરુષો એ ગ્રંથની સ્વાગતયાત્રામાં જોડાયાં. હાથીની અંબાડી પર ગ્રંથ બિરાજમાન હોય અને સમગ્ર રાજ્યના ગુરુસમાન આચાર્ય અને સમર્થ રાજવી બાજુમાં પગપાળા ચાલતા હોય, એવી વિદ્યાની પ્રતિષ્ઠા ભારતના ઇતિહાસમાં ક્યારેય થઇ નહોતી.
'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની રચના થઇ અને નોંધપાત્ર બાબત એ છે કે રાજસભામાં પંડિતોની સમક્ષ એનું વાંચન થયું અને સર્વ પંડિતો મંત્રમુગ્ધ બની ગયા. આ ગ્રંથરચના પછી ગ્રંથના અધ્યાપનનો વિચાર કરવામાં આવ્યો અને રાજા સિદ્ધરાજે રાજપુરોહિતોને બોલાવીને પાટણના કાયસ્થ વૈયાકરણ કક્કલને 'સિદ્ધહેમશબ્દાનુશાસન'નાં મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. કોઈ ગ્રંથનાં પઠન, પાઠન અને શિક્ષણ વિશે કેવી વ્યવસ્થા હોય એ આપણે ગુજરાતના રાજવી જયસિંહ સિદ્ધરાજ પાસે શીખવી પડે. વિદ્યાર્થીઓની જ્ઞાનપંચમીના દિવસે પરીક્ષા લેવામાં આવતી. ઉત્તમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવતા અને 'સિદ્ધહેમશબ્દાનુશાસન'ની જ્ઞાનની ધારા સર્વત્ર પ્રસરે એ માટે અંગ, બંગ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર અને કાશ્મીરમાં એની હસ્તપ્રતો મોકલવામાં આવી.
અરે ! ભારતની બહાર ઇરાન અને શ્રીલંકામાં પણ એ હસ્તપ્રતો મોકલી. અગાઉ ગુજરાતના સાહસિક વેપારીઓ દરિયાપાર ગયા હતા, પરંતુ અહીં તો પહેલી વાર ગુજરાતથી એનું વિદ્યાધન દરિયાપાર ગયું. આમ આજે જ્ઞાનપંચમીએ આનું સ્મરણ કરીને આપણા જ્ઞાનનું દારિદ્રય ફેડીએ તો ય ઘણું.


