Get The App

આયુષ્માન ખુરાનાનો 'હીરો' .

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
આયુષ્માન ખુરાનાનો 'હીરો'                              . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- 'મને કેન્સર થયું ત્યારે બુદ્ધિઝમ મારી જિંદગીમાં પ્રવેશ્યું તે વાતને બે વર્ષ વીતી ચૂક્યાં હતાં. મારી સાધનાને કારણે હું સમજી શકતી હતી કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે - શારીરિક, આર્થિક કે સંબંધોને લગતી - તે આપણને કશુંક શીખવવા માટે આવી હોય છે.'

તો, આયુષ્માન ખુરાનાની એન્ટ્રી આખરે મડોક ફિલ્મ્સના ભૂતપ્રેત યુનિવર્સમાં થઈ ગઈ ખરી. મડોક ફિલ્મ્સ એટલે 'સ્ત્રી' સિરીઝ, 'ભેડિયા' અને 'મુંજ્યા' જેવી સુપરનેચર ફિલ્મો બનાવનાર બેનર. હવે 'થામા' ફિલ્મ પણ મડોકની હોરર-કોમેડી ફિલ્મોની શૃંખલાની એક કડી બની ચૂક્યો છે. ફિલ્મમાં આયુષ્માન, કે જે ખરેખર તો ઇતિહાસવિદ્ છે, એને એકાએક ખબર પડે છે કે ના, હું તો વેતાળનો વંશજ છું, મારા બાપ-દાદા એક જમાનામાં અણિયાળા દાંત ધરાવતા રક્તપિપાસુ વેમ્પાયર હતા! આયુષ્માનનું કિરદાર, નવાઝુદ્દીન સિદ્દીકી સાથે એની અથડામણ અને રશ્મિકા મંદાના સાથે એણે જમાવેલી જોડી - આ બધાને કારણે ફિલ્મે સમગ્રપણે જમાવટ કરી છે કે કેમ એનો ચુકાદો તો તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં આવી ચુક્યો હશે. 

અત્યારે વાત કરવી છે આયુષ્માન ખુરાનાએ અસલી જીવનમાં જેની સાથે જોડી જમાવી છે એની - તાહિરા કશ્યપની. તાહિરા કેન્સર સર્વાઇવર છે. એક વાર નહીં, બબ્બે વાર કાળમુખું કેન્સર એના પર હુમલો કરી ચૂક્યું છે, અને છતાંય ભારે હિંમતથી એણે પોતાની બીમારીને, પોતાના વ્યક્તિત્ત્વને સાચવી લીધાં છે. 

તાહિરા કશ્યપ ફિલ્મમેકર છે. એણે બે શોર્ટ ફિલ્મ્સ અને 'શર્માજી કી બેટી' નામની ફુલલેન્થ ફિલ્મ બનાવી છે. આયુષ્માન અને તાહિરા કોલેજકાળમાં એકબીજાના પ્રેમમાં પડયાં હતાં. ૨૦૦૮માં એમનાં લગ્ન થયાં અને લગભગ એ જ વર્ષે તેઓ મુંબઈ શિફ્ટ થઈ ગયાં. શરુઆતનાં વર્ષોમાં આયુષ્માન ટીવી પર નોન-ફિક્શન શોઝનું એન્કરિંગ વગેરે કરતો હતો. તાહિરા કહે છે, 'પૈસાના મામલામાં હું હંમેશાં પગભર રહી છું. અમારાં લગ્ન માટે મેં થોડા પૈસા ખર્ચ્યા હતાં, થોડાક બચાવી રાખ્યા હતા. મુંબઈમાં મારી પાસે ત્યારે કોઈ જોબ નહોતી. સાવ શરૂઆતમાં આયુષ્માન સ્ટ્રગલ કરી રહ્યો હતો ને પોતાની મસ્તીમાં રત રહેતો હતો ત્યારે એને કશો અંદાજ જ નહોતો કે રોજ ત્રણ ટંકનું ખાવાનું શી રીતે મેનેજ થાય છે, ઘરમાં શાકભાજી કેવી રીતે આવે છે. મુંબઈ આવ્યા પછી એક વર્ષમાં જ મારી બચત તળિયાઝાટક થઈ ગઈ... અને એક દિવસ આયુષ્માન મને પૂછે છે: તાહિરા, કેરીની આ સિઝનમાં તેં આજે કેરી કેમ નથી કાપી? ને મારી કમાન જે છટકી છે! મેં બહુ ગુસ્સો કર્યો ને પછી રડવા લાગી. આયુષ્માન નિર્દોષતાથી મને પૂછે છે: કેમ, શું થયું? આખરે મેં એને પાસે બેસાડીને ઘરની આર્થિક સ્થિતિ જણાવી ત્યારે એને સમજણ પડી.'

સદભાગ્યે આયુષ્માનને ટીવી પર કામ મળવા લાગ્યું. ૨૦૧૨ એની પહેલી ફિલ્મ 'વિકી ડોનર' રિલીઝ થઈ, જે સરપ્રાઇઝ હિટ નીવડી. મજા જુઓ. આયુષ્માને વર્ષો પહેલાં તાહિરા સામે એક્ટર બનવાની પોતાના દિલની ઝંખના વ્યકત કરી હતી ત્યારે તાહિરાએ એને હસી કાઢ્યો હતો. તાહિરા એક મુલાકાતમાં કહે છે, 'થિયેટરમાં એક્ટિંગ, રાઇટિંગ એવું બધું મેં પણ કર્યું હતું, પણ તેને મેં હંમેશાં શોખ તરીકે જોયું હતું, કરીઅર તરીકે નહીં. આયુષ્માને એક્ટર બનવાની વાત કરી ત્યારે મેં એને ગંભીરતાથી ન લીધો એનું કારણ કદાચ એ હતું કે હું ખુદ કલાકાર બનવાની મારી ઝંખનાને અજાણપણે દબાવીને બેઠી હતી. હું પલાયનવાદી બની ગઈ હતી. હું રેડિયો, ટીચીંગ, પીઆર આ બધું વારાફરતી કર્યા કરતી હતી, પણ મારું મન ક્યાંય ઠરતું નહોતું. મુંબઈ આવ્યા પછી મેં પાછું ભણાવવાનું શરૂ કર્યું, પણ મને કોઈ કામમાં મજા આવતી નહોતી. આઇ વોઝ વેરી, વેરી અનહેપી.'

પતિ-પત્નીમાંથી એક પાત્ર પોતાના મનગમતા કામમાં અત્યંત વ્યસ્ત હોય અને બીજું પાત્ર પોતાની આઇડેન્ટિટી ક્રાઇસિસ, પોતાના કામને લીધે અંદરખાને પીડાતું હોય તેવું બિલકુલ બને. આ જ ગાળામાં તાહિરા ટૂંકા ટૂંકા ગાળામાં બે વખત પ્રેગનન્ટ થઈ ને બે સંતાનોની મા બની. એ કહે છે, 'માતૃત્વનો આનંદ જરૂર હતો, ધન્યતાનો અનુભવ પણ થતો હતો, પણ તોય હું ભીતરથી ખુશ તો નહોતી જ. આ જ અરસામાં મારા જીવનમાં નિચીરેન બુદ્ધિઝમનો પ્રવેશ થયો.'

નિચીરેન બુદ્ધિઝમ એ મહાયાન બુદ્ધિઝમની એક શાખા છે, જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે માણસમાત્રમાં બુદ્ધત્વ મોજુદ હોય છે, અને માણસ શ્રદ્ધા, સાધના તેમજ અભ્યાસના જોરે પીડામાંથી મુક્તિ મેળવી શકે છે. તાહિરા કહે છે, 'મારાં ગુરૂએ મને પૂછ્યું: એવું શું છે જે તું ખરેખર કરવા માગે છે? આ સવાલ એમણે મને કેટલીય વાર પૂછ્યો. આખરે મેં કહ્યું: મારે ફિલ્મમેકર બનવું છે, મારે લખવું છે, મારે ડિરેક્શન કરવું છે. જિંદગીમાં પહેલી વાર મેં મારા સપનાંને શબ્દોમાં મૂક્યાં હતાં... અને આ શબ્દો ઉચ્ચારતાની સાથે જ જાણે કે અનુકૂળ સંજોગો આપોઆપ ઊભા થવા લાગ્યા.'

તાહિરાએ 'ટોફી' (૨૦૧૭) નામની શોર્ટ ફિલ્મ બનાવી. આ બનાવતી વખતેય મનમાં પાર વગરની શંકાઓ હતી. મારી ફિલ્મ નબળી બનશે તો? લોકો મારા પર હસશે તો? એવું ન થયું. મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓડિયન્સે 'ટોફી' ખૂબ વખાણી. 

...અને આ બધું બની રહ્યું હતું ત્યાં જ અણધાર્યું વિઘ્ન ત્રાટક્યું. તાહિરાને ખબર પડી કે એને બ્રેસ્ટ કેન્સર થયું છે, જે હજુ સ્ટેજ ઝીરોમાં છે.  એ કહે છે, 'મને એ વાતની ધરપત હતી કે મને કેન્સર ત્યારે થયું જ્યારે બુદ્ધિઝમ મારી જિંદગીમાં પ્રવેશ્યું તે વાતને બે વર્ષ વીતી ચૂક્યાં હતાં. મારી સાધનાને કારણે હું સમજી શકતી હતી કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે - શારીરિક, આર્થિક કે સંબંધોને લગતી - તે આપણને કશુંક શીખવવા માટે આવી હોય છે.'

આ બધું થઈ રહ્યું હતું ત્યારે આયુષ્માનની કરીઅર ચડતી કળાએ હતી. આખો દિવસ એ કામ કરે ને રાત્રે તાહિરાને મળવા હોસ્પિટલ  જાય. એ પત્નીને એક જ વાત કરે: તારી હિંમત જોઈને મને હિંમત મળે છે. તાહિરા કહે છે,'ઇન ફેક્ટ, હું અને આયુષ્માન બન્ને એકબીજામાંથી એનર્જી મેળવતાં રહ્યાં છીએ.'

આ જ એનર્જી તાહિરાને એક ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ 'શર્માજી કી બેટી' (૨૦૨૪) બનાવવામાં ખૂબ કામ આવી. એક બાજુ કેમો થેરપી ચાલતી હોય, બીજી બાજુ લોહીમાં ઘટી ગયેલા વ્હાઇટ બ્લડ સેલ્સના સ્તરને ઠીક કરવા ઇંજેક્શન લેવાતાં હોય ને ત્રીજી બાજુ, ફિલ્મનું કામ ચાલતું હોય. 'મને નથી લાગતું કે આમાં મેં કોઈ બહાદૂરી કરી નાખી છે,' તાહિરા કહે છે, 'મારા પેશનને કારણે મને તાકાત મળતી હતી. મારા કામને કારણે જ મારું હિલીંગ પણ થઈ રહ્યું હતું.'

દિવ્યા દત્તા, સાક્ષી તન્વર, સૈયામી ખેર જેવાં કલાકારોને ચમકાવતી 'શર્માજી કી બેટી' ફિલ્મ ઓટીટી પર મૂકાઈ. લોકોને ગમી પણ ખરી. વાત અહીં અટકતી નથી. કેન્સરનું પહેલી વાર નિદાન થયું તેનાં સાત વર્ષ પછી, ૭ એપ્રિલ ૨૦૨૫, વર્લ્ડ હેલ્થ ડે પર, તાહિરાએ સોશિયલ મીડિયા પર લખ્યું: મારા કેન્સરે પાછો ઊથલો માર્યો છે. કેન્સર થવું એ કંઈ શરમની વાત નથી. તાહિરાએ એટલે જ પોતાની આખી કેન્સરયાત્રા સોશિયલ મીડિયા પર સતત અને સ-તસવીર શેર કરી છે. પોતાનો કેશવિહીન ચહેરો, શરીર પરથી સ્તન દૂર કરવામાં આવ્યું છે તેવું સૂચન કરતી ટાંકાવાળી પીઠની ચહેરો, બીમારી વચ્ચે જ વણથંભ્યા રહેતા ક્રિયેટિવ કામની વિગતો, બધું જ. તાહિરાનો ઉદ્દેશ સહાનુભૂતિ ઊઘરાવવાનો નહીં, પણ કેન્સર વિશે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવાનો છે તે એની પોસ્ટના ટોન પરથી તરત વર્તાઈ આવે. તેથી જ તાહિરાને અજાણ્યા લોકો તરફથી પણ ખૂબ હૂંફ મળી છે.  ...અને તેથી જ આયુષ્માન એને પોતાના 'હીરો' કહે છે! 

શો સ્ટોપર

કેન્સર એટલે બીજું કંઈ નહીં, પણ જિંદગી તમારી કસોટી કરી રહી છે તે સૂચવતો શબ્દ. કેન્સરનો સામનો કરો, એને હેન્ડલ કરો અને અટક્યા વગર તમારું કામ કરતા રહો - ધેટ્સ ઓલ. 

-રોબર્ટ દ નીરો (અભિનેતા)