Get The App

જરા સા ખિસકો...'ડિસ્કો ડાન્સર' .

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
જરા સા ખિસકો...'ડિસ્કો ડાન્સર'                            . 1 - image

- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી

૧૯ ૮૨માં આ દેશમાં એક ચમત્કાર થયો હતો ! જેનું નામ હતું 'ડિસ્કો ડાન્સર'!

અરે ભાઈ, જે દેશમાં ગણીને આખાં અગિયાર 'ડિસ્કોથેક' પણ નહોતાં, જ્યાં 'ડિસ્કો ડાન્સ' યાને કે ગ્રામોફોનની રેકોર્ડના સંગીત પર લગ્ન સિવાયના કોઈ પ્રસંગે ડાન્સ પણ કરી શકાય એવી કલ્પના સુદ્ધાં નહોતી, ત્યાં આ ફિલ્મ એ વરસની ટોપ-ટેન નંબરની સુપરહિટ હતી ! બોલો.

***

અચ્છા, શું તમને ખબર છે કે 'ડિસ્કો ડાન્સર' અને 'આવારા' વચ્ચે બબ્બે વાતો કોમન છે ? પહેલી વાત તો એ કે 'આવારા હું...' ગાયન ગાઓ તો તરત જ 'ટેં...ણેંણેંણેં...' ગાવું જ પડતું હતું ! એ જ રીતે તમે 'આઈ એમ એ ડિસ્કો ડાન્સર...' એવું ગાઓ કે તરત જ 'ટેંટેં...ટેંણેં..!' એવું ગાવું જ પડે ! (ગાઈ જુઓ, તો જ સમજાશે.)

હવે હસવું રોકીને બીજી કોમન વાત પણ સાંભળી લો કે 'આવારા'ની જેમ 'ડિસ્કો ડાન્સર' પણ રશિયા, હંગેરી, પોલેન્ડ, તૂર્કી તથા આફ્રિકામાં હિટ હતી ! એટલું જ નહીં, 'આવારા'ની જેમ જ તે વરસની રશિયામાં 'સૌથી વધુ કમાણી' કરનારી ફિલ્મ હતી ! બોલો.

(આ તો સારું થયું કે તે વખતે આજના જેવી 'ઈડી' નહોતી ! નહિંતર પ્રોડયુસર બી. સુભાષના ઘરે છાપો જરૂર પડયો હોત.)

***

અને હલો, અભી ખતમ નહીં હુઆ ! રશિયાનો રેકોર્ડ તો આંખો પહોળી કરી નાંખે એવો છે ! ૧૯૮૪માં 'ડિસ્કો ડાન્સર' રશિયામાં રિલીઝ થઈ ત્યારે કમાણીમાં તો નંબર વન હતી જ, સાથે સાથે ૬ કરોડ લોકોએ ટિકીટ દીઠ ૧ રૂબલ ચૂકવવાથી ફિલ્મની કમાણી ૯૪ કરોડ જેટલી થઈ હતી!

અને ભારતમાં કેટલી કમાણી હતી ? ૬.૪ કરોડ ! કારણ શું ? એ વખતે ટિકીટોના ભાવ માત્ર પાંચથી દસ રૂપિયા હતા. (છતાં 'ઈડી'ને શક ના પડયો એ બહુ 

કહેવાય નહીં?)

***

વેલ, એવું તે શું હતું 'ડિસ્કો ડાન્સર'માં? તો મિત્રો, એમાં બે મહાન વૈજ્ઞાનિક શોધો હતી !

પહેલી શોધમાં એવું છે કે ફિલ્મ દ્વારા સાબિત થાય છે કે ગિટાર જેવી નિર્જીવ વસ્તુ પણ ઝાડ-પાનની જેમ 'ઉગી' શકે છે ! કઈ રીતે ? તો વાત એમ છે કે નાનપણમાં નાનકડો મિથુન એક પ્લાસ્ટિકની સાવ રમકડાં જેવી ગિટાર વડે મસ્ત પ્રોફેશનલ ટયુનો વગાડતાં 'ગોરોં કી ના કાલોં કી, દુનિયા હૈ દિલવાલોં કી....' ગાયન ગાયા પછી એક ધનવાન શેઠની દિકરીને તે ગિટાર ગિફટમાં આપી દે છે...ઓકે ?

વરસો પછી એ છોકરી જુવાન થઈને જ્યારે મિથુનના પ્રેમમાં પડે છે ત્યારે એ જ ગિટાર તેને પાછી આપે છે, ત્યારે તે પ્લાસ્ટિકમાંથી લાકડાની બની જાય છે ! એટલું જ નહીં, સાઇઝમાં, સૂરમાં અને પ્રોફેશનલ ક્વોલિટીમાં પણ 'અપ-ગ્રેડ' થઈ ચૂકી હોય છે ! બોલો, થયોને વૈજ્ઞાનિક આવિષ્કાર ?

***

બીજી વૈજ્ઞાનિક શોધ એક તદ્દન અનોખા પ્રકારના માનસિક રોગની છે. એ રોગનું નામ છે : ગિટાર ફોબિયા ! એ શી રીતે થાય છે ?

તો વાત એમ છે કે ફિલ્મના વિલનોએ મિથુનની ગિટારના વાયરોમાં કોઈ રીતે ૫૦૦૦ વોલ્ટનો કરંટ ગોઠવી દીધો છે ! મિથુન જેવો સ્ટેજ પર જઈને એ ગિટારને અડશે કે તરત જ વીજળીના કરંટથી ભડથું થઈ જશે ! પણ...ના.. ઘરે બેઠેલી મિથુનની માને આ વાતની ખબર પડે છે ! તે મારતી ટેક્સીએ શોમાં ધસી આવે છે અને મિથુન ગિટાર ઉપાડે એ પહેલાં પોતે જ ઉપાડી લે છે !

બસ...માતાનું આવું ખતરનાક મોત જોયા પછી મિથુનને 'ગિટાર ફોબિયા' થઈ જાય છે ! આ ફોબિયા છેક ગળાની સ્વરપેટી સુધી ફેલાઈ જવાથી તે ગાવાથી પણ ડરે છે ! બોલો.

***

પછી એ 'ગિટાર ફોબિયા' મટે છે શી રીતે ? વેરી સિમ્પલ...બાળપણમાં અલગ થઈ ગયેલો રાજેશ ખન્ના ડાયરેક્ટ સ્ટેડિયમમાં એન્ટ્રી મારે છે અને ગાયન ગાતાં ગાતાં પોતાની ગિટાર મિથુન તરફ ફેંકે છે...અને લો, ગિટાર ઝિલતાંની સાથે જ 'ગિટાર ફોબિયા' ગાયબ ! (અહીં પેલી ગુજરાતી કહેવત સાચી પડે છે કે 'ઝેરનું મારણ ઝેર...' યાને કે 'ગિટારનું મારણ ગિટાર' !)

***

એમ તો 'ડિસ્કો ડાન્સર' આપણા મોદીજી કરતાં પણ આગળ હતી ! શી રીતે ? અરે, જુમલા બનાવવામાં ! કેમકે ફિલ્મના એક ગાયનમાં બિલકુલ મોદી સાહેબે બનાવ્યો હોય એવો જુમલો છે : 'ડી' સે હોતા હૈ ડિસ્કો, 'આઈ સે હોતા હૈં આઈટમ, 'એસ' સે હોતા હૈ સિંગર, 'સી' સે હોતા હૈં કોરસ...'ઓ' સે ઓરકેસ્ટ્રા !'

***

જોવાની વાત એ છે કે ફિલ્મનાં જે હિટ ગાયનો હતાં એમાંથી મોટાભાગનાં મિથુન ઉપર પિકચરાઈઝ થયાં જ નથી ! જેમકે 'ગોરોં કી ના કાલોં કી...' બન્ને વખત રાજેશ ખન્ના જ બધું ફૂટેજ ખાઈ જાય છે. (હાજી, રાજેશ ખન્નાનો ખુબ ઇમ્પોર્ટન્ટ 'ગેસ્ટ એપિયરન્સ' છે.) 'કોઈ યહાં, નાચે નાચે...'માં પરદા ઉપર છવાઈ જાય છે કલ્પના ઐયર અને 'ઇન્ટ્રોડયુસિંગ' કરણ રાઝદાન ! (એ જ કરણ રાઝદાન, જે પાછળથી ટીવી સિરીયલોના લેખક અને ફિલ્મ ડિરેક્ટર બન્યા હતા.)

આ ઉપરાંત 'જિમી જિમી....આજા આજા...' જેણે આખા રશિયામાં પાંચ-પાંચ વરસ લગી ધૂમ મચાવી હતી તે તો કિમ નામની એકટ્રેસ પર ફિલ્માવ્યું છે ! (કિમ કાર્દિશીયન નહીં, રસિકજનો, આ આપણી દેશી કિમ તો સાવ 'સપાટ' હતી, હાવભાવમાં ! તમે શું સમજ્યા હતા ?)

***

જોકે 'આઈ એમ અ ડિસ્કો ડાન્સર' ગાયનમાં મિથુન છવાઈ જાય છે. પરંતુ ફિલ્મમાં જે ગાયન વડે એની શો-બિઝનેસમાં 'એન્ટ્રી' બતાડી છે એ ગાયન આવતાં પહેલાં મિથુનને કોઈ 'જિસસ-જિસસ...' શબ્દોવાળા ઇંગ્લીશ ગાયન પર પ્રેક્ટિસ કરતો બતાડયો છે. પણ જ્યારે સ્ટેજ પર આવે છે ત્યારે ગાય છે ! 'ક્રીષ્ના ધરતી પે આજા તૂ....' (દયા,કુછ તો ગડબડ હૈ.) જે ગાયન સાવ ફલોપ હતું.

***

ફિલ્મમાં ગુન્ડાઓ પણ 'મ્યુઝિકલ' છે ! મિથુનને ચારેબાજુથી ઘેરીને મારવાની તૈયારી કરે છે ત્યારે સૌ તાલબદ્ધ રીતે 'ચપટી' વગાડે છે ! (રિસ્પેક્ટ, બોસ રિસ્પેક્ટ !) જોકે અમને એમ હતું કે ફાઈટ આગળ વધશે ત્યારે 'ઢીશૂમ ઢીશૂમ' પણ તાલમાં થશે...પરંતુ એ બાબતે ફાઈટ માસ્ટર રવિ ખન્ના રિધમ ચૂકી ગયા કહેવાય.

***

ફિલ્મના પ્રોડકશનમાં સૌથી અઘરું કામ મિથુન ચક્રવર્તીના કોસ્ચ્યુમ ડિઝાઈનર કિશોર બજાજનું ગણાય. કેમકે એક તો ચળકતું ચાંદી જેવું અને સોના જેવી શાઈનિંગ મારતું મટિરીયલ લાવવાનું, એમાંથી મિથુનનાં શર્ટ અને પેન્ટ સીવડાવવાનાં, અને એ પહેરીને ડાન્સ કરતાં કરતાં જે લીટરના હિસાબે પરસેવો નીકળે તેનાં 'વેન્ટિલેશન'ની પણ વ્યવસ્થા ગોઠવવાની !

બિચારો મિથુન પણ શિફટ પતે કે તરત કપડાં ફગાવીને બાથરૂમમાં નહાવા માટે દોટ મુકતો હશે !

***

જે હોય તે, આ ફિલ્મ વડે જ મિથુન એક 'ડાન્સિંગ સ્ટાર' તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયો, જે સ્થાન ભલભલા અમિતાભ બચ્ચનો, રાજેશ ખન્નાઓ કે (ગોવિંદાને બાદ કરતાં) આજના રણવીર-રણબીરો પણ હલાવી શક્યા નથી.

અને હા, 'ડિસ્કો ડાન્સર' તમે આજે જોવા બેસો તો એક વાતની ગેરંટી તો ખરી જ, કે તમે બોર તો નહીં જ થાઓ ! ઉલ્ટું, ઠેકઠેકાણે હસવું પણ આવશે !

= 'ડિસ્કો ડાન્સર'નો તે વખતે ૧૦૦ કરોડનો બિઝનેસ થયો હતો. 

(જી હા, તે વખતે !) જેમાંથી ૯૪ કરોડનો વકરો માત્ર રશિયામાંથી થયો હતો.

= 'આઈ એમ અ ડિસ્કો ડાન્સર' ગાનાર નવોદિત ગાયક વિજય બેનેડિક્ટ હતો. જે પાછળથી હિન્દી ફિલ્મોમાંથી સાવ ગાયબ હતો.

= 'જિમી જિમી' ગાયન રશિયામાં એટલું બધું લોકપ્રિય હતું કે સળંગ ત્રણ વરસ સુધી તે ટોપ-ટેન ચાર્ટમાં રહ્યું હતું.

= 'જિમી જિમી'ની ગાયિકા પાર્વતી ખાન પણ ફિલ્મોમાં ઓછી અને પોપ-મ્યુઝિક તથા સ્ટેજ શોમાં વધારે ચાલી હતી.

= 'ડિસ્કો ડાન્સર'ની ભારતમાં ૧૦ લાખ રેકોર્ડો વેચાઈ હતી અને ચીનમાં તેને 'ગોલ્ડ એવોર્ડ' મળ્યો હતો.

= તામિલમાં આ ફિલ્મ 'પાદુમ વાણાંપડી' નામે બની છે અને તેલુગુમાં 'ડિસ્કો કિંગ' નામે. કહેવાય છે કે જાણીતા સાઉથના લેખક વી. વિજયેન્દ્રનું પ્રસાદ (બાહુબલિ ફેમ) હવે 'ડિસ્કોકિંગ'નો રિ-મેક લખી રહ્યાં છે !

= અને હા, ફિલ્મનાં સાતમાંથી ત્રણ ગાયનો બપ્પી લાહિરીએ વિદેશી ગાયનોની 'પ્રેરણા' લઈને બનાવ્યાં છે!