2024માં 25 પિકચરનું સમર વેકેશન ફિલ્મદર્શન!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- આ લિસ્ટમાં છે એક્શન, થ્રીલર, કોમેડી, રોમેન્ટિક, હોરર, સાયકોલોજિકલ, સાયન્સ ફિક્શન ફિલ્મોનો દુનિયાભરમાંથી પસંદ કરેલો ખજાનો...
(૧) એબીગેઈલ : એકદમ સુપરડુપર એવા સ્ક્રીમ ૫ અને સ્ક્રીમ ૬ જોયા ? જો જોયા હોય તો એમાં સ્લેશર ફિલ્મોમાં સસ્પેન્સ કેવો નાખી શકાય એ બરાબર ખબર હશે. એ બંને ધમાલ થ્રિલર એન્ટરટેઈનર બનાવ્યા બાદ બેઉએ આ ફિલ્મ બનાવી છે. જેણે જોઈ એણે સ્ક્રીમવાળી જ મસ્ત મેલિસા બરારોને લીડમાં ચમકાવતી આ ફિલ્મ વખાણી છે. ક્રિટીક્સે પણ. મગર, લેકિન, કિન્તુ પરંતુ ટ્રેલરના ફિલ્મના પત્તા ખોલી દેવાયા એમાં અને આજકાલ સારી ફિલ્મો જોવા પણ લોકો મૂડ હોય તો જ થીયેટરમાં જાય છે એમાં એ બહુ ચાલી નહિ. પણ જોવા જેવી જરૂર છે. એક જ લીટીમાં કહીએ તો આગાથા ક્રિસ્ટી અને બ્રામ સ્ટોકરનો સંગમ છે એમાં. સમજનેવાલે સમજ ગયે હોંગે. એના વિષે વધુ વાંચ્યાસાંભળ્યા વિના બસ જોઈ નાખો. લોહી ઉડશે ફિલ્મમાં ને ધસમસતું રહેશે રગોમાં જોતી વખતે !
(૨) આર્ગાઇલ : આ પણ આ વર્ષે જ રિલીઝ થયેલી. હેનરી કેવિલ સાથે સામ રોકવિલ અને બ્રાયસ ઉપરાંત ડયુઆ લિપા ય જોવા મળે. એક્સ મેન સિરીઝની પાછોતરી બેહતર ફિલ્મો અને કિંગ્સમેન ફિલ્મો ડિરેકટ કરી ચૂકેલા મેથ્યુ વોઘને રીતસરની જોયરાઈડ જમાવી છે અહીં. એક લેખિકા થ્રિલર જેમ્સ બોન્ડ જેવી કહાનીઓ લખે છે ત્યાંથી એની લાઈફમાં થ્રીલિંગ ઘટનાઓ સર્જવા લાગે છે અને પછી તો થોડા થોડા સમયે અનોખા ટ્વીસ્ટસ આવ્યા જ કરે છે સ્પાય એક્શનની ધમાલ કમાલ સાથે. માણવા જેવી મોજ.
(૩) ફોલ ગાય : ડેડપુલ ૨ અને બુલેટ ટ્રેન જેવી એક્શન સાથે હાસ્યનું હુલ્લડ મચાવી દેતી ફિલ્મોના ડાયરેક્ટર અને જોન વિક સિરીઝ પાછળ પણ રહેલા ડેવિડ લીચની ફિલ્મમાં રયાન ગોસ્લિંગ હોય ને ખુદ એક સમયે સ્ટંટ ડાયરેક્ટર રહી ચૂકેલા ડાયરેક્ટર સ્ટંટમેનની કહાની પર ફિલ્મ બનાવે તો તેજીલા તોખાર જેવી જ નીવડે ને. પેસ તો જોરદાર છે ફિલ્મની ને એક્શન લાજવાબ છે પણ સંવાદોમાં જે સટલ હ્યુમર છે એ બહુ મસ્ત છે. મસ્ટ સી.
(૪) નોબડી : જોન વિકની તર્જ પર ઇકવીલાઈઝરથી બીકીપર વાયા એકાઉન્ટન્ટ ઘણી ફિલ્મો આવી ગઈ. પણ આ એક્શનનો બ્લાસ્ટ જોવાની મજા પડી જશે. આમ તો આ બધાનું મૂળ હિસ્ટ્રી ઓફ વાયોલન્સ નામની ફિલ્મમાં છે, જે જોવાની ભલામણ આવા એક વાર્ષિક લિસ્ટમાં અગાઉ કરેલી. જેમ એવી જ એક ભલામણવાળી ફિલ્મ લવિંગ એડલ્ટસ પરથી ગુજરાતી નાટક તરાપ બન્યું એમ આના પરથી ઓલરેડી ઓવર ધ ટોપ સાઉથ ઇન્ડીયન લિયો બન્યું. પણ આ એક્શન ફિલ્મ સોર્સ ફાઈલને પૂરો જસ્ટીસ આપે એવીં છે. એક્શનના ચાહક હો તો તૂટી જ પડો.
(૫) હિટમેન્સ વાઇફ્સ બોડીગાર્ડ : આ પણ વેકેશનને જ છાજે એવું એન્ટરટેઇનર છે. સલમા હાયેકને જોવાનો જલસો તો પડે જ. કોમેડી, સસ્પેન્સ, એક્શન, નવા નવા લોકેશન અને સેક્સી હિરોઇન્સ. કંઈ ના ઘટે વેકેશનની મોજમાં. ફૂલ ટુ ધમાલમસ્તી.
(૬) હોન્ટિંગ ઇન વેનિસ : બ્રિટીશ એકટર ડાયરેક્ટર કેનેથ બ્રાના એટલે રંગભૂમિથી સિનેમા સુધી ટેલન્ટનો વિસ્ફોટ. એમણે આગાથા ક્રિસ્ટીના હરક્યુલ પોયરો જેવા શેરલોક હોમ્સ પછીના બેસ્ટ ડિટેકટીવ કેરેક્ટરને પડદા પર સજીવન કરતી બે ફિલ્મો બનાવી મર્ડર ઇન ઓરિયન્ટ એક્સપ્રેસ અને ડેથ ઇન નાઇલ. આ એ સિરીઝમાં ત્રીજી છે. ખૂબી એ છે કે આ આગાથાની ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ છે. અને એમાં મોટા ભાગની ઘટનાઓ એક જ મકાનમાં ચાલે છે, વળી નામ મુજબ જાસૂસી પ્લોટમાં ભૂતપ્રેતના ઓછાયા છે. ક્લાસિક લિટરેચરના શોખીનોને જલસો પડી જાય એવી ફિલ્મ.
(૭) ડેડલી ઈન્વિટેશન : આ અંગ્રેજીમાં પણ ડબ થયેલી મેક્સિકન ફિલ્મમાં એક્ટિંગ ખાસ નથી પણ જોયા વગર ઝૂડી કાઢવા જેવી નથી. આગાથા નામનું તો મુખ્ય પાત્ર છે એમાં. નાઈવ્ઝ આઉટના જબરદસ્ત પહેલા ભાગ પછી બીજા ભાગમાં પ્રયાસ છતાં જે થઇ ના શક્યું એ આ ફિલ્મમાં બખૂબી શક્ય બન્યું છે. રહસ્ય એક જ ટાપુ પર ભેગા થયેલા લો૯કો અને પડતી લાશોમાં ઘૂંટાતું જાય છે. ને ખુલે ત્યારે ઓડકાર આપે છે.
(૮) મેલિસ : નિકોલ કિડમેન જ્યારે એકદમ ફટકો લાગતી એ કાળની આ ફિલ્મ છે. જોડે હેન્ડસમ એલેક બાલ્ડવિન અને બિલ પુલમેન. શરૂઆત સાવ ધીમી ને ટિપિકલ લાગે. પણ ધીરે ધીરે ફિલ્મમાં એક પછી એક ટ્વીસ્ટસ આવવા લાગે. તમે ધાર્યું હોય એના કરતાં કૈંક અલગ થાય ને તમને આંચકા આશ્ચર્યના આવે. કોઈ અફલાતૂન રિમેક બનાવી શકે એવી કહાની છે. જોજો. એક સીન માટે આવતી એન બેન્ક્રોફટ કેવી એક્ટિંગ કરે છે એના માટે ખાસ એ ફરીને જોજો.
(૯) ડયુઅલ : આ નામની સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ નહિ. આ તો ૨૦૨૨ની કારેન ગીલેનની ફિલ્મ. ક્લોનિંગના સાયન્સ ફિક્શનવાળા ભવિષ્યના બેઝમાં નવા જ પ્રકારની કહાની એવી રીતે ઓછા બજેટમાં મુકાઈ છે, કે આ શાંત સ્લો લેવલ પર ચાલતી ફિલ્મના અંત પછી તમે વિચારતા થઇ જાવ કે ખરેખર શું બન્યું ? રેડિટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકોએ કલાકો વાંચી શકાય એવી ચર્ચા કરી છે અને જાણી જોઈ રખાયેલા ઓપન એન્ડિંગમાં સામસામી બે થિયરી એવી રીતે રખાઈ છે કે બંને સાચી લાગે !
(૧૦) શાર્પર : એપલ ટીવી માટે બનેલી આ ફિલ્મ નામ મુજબ જેમ આગળ વધતી જાય એમ શાર્પ થતી જાય છે ! એકદમ ઇન્ટરેસ્ટિંગ રીતે ધીરે ધીરે ઘૂંઘટ કે પટ ખુલે એમ દરેક પાત્રોની કરમકુંડળી આમાં ખુલતી જાય છે. જે દેખાય એવા લોકો હોતા નથી એનો સીધો સબૂત એટલે આ ફિલ્મ. ધીમી બળે પણ લહેજત વધતી જાય ને અમુક ઘટના શા માટે દેખાડી એના છેડા પણ જોડાઈ જાય અંતે.
(૧૧) મેલિગનન્ટ : હોરર ફિલ્મોના બાપુજી કહેવાય એવા કોન્જુરિંગ ફેમ જેમ્સ વાને તો એની રેંજ પહેલા એક્વામેન અને ફાસ્ટ એન્ડ ફૂયુરિયસમાં ય બતાવી છે. પણ આ એમની નાનકડી ફિલ્મ કરોડરજ્જૂ કંપાવી દે એવી બની છે. પ્લોટ પણ સાવ નવો જ છે.
(૧૨) કજીલ્યોનર : આ શબ્દ મજાકમાં જેમની પાસે બિલિયોનર યાને અબજપતિઓથી પણ ઉપર ઉપર ઉપરની લખલૂટ દોલત હોય એવા શ્રીમંતો માટે વપરાય છે. ડાયરેકટર મિરાંડા જુલાઈએ આ ટાઈટલ આપ્યું એ જ સાબિતી કે આ ફિલ્મ પૂરેપૂરી હટ કે હોવાની. ઇવાન રાશેલ વુડની એક્ટિંગ જોજો મુખ્ય અભિનેત્રી તરીકે. જેનું નામ પણ વિચિત્ર છે ઓલ્ડ ડોલીયો. કામ એથી પણ વિચિત્ર. ગામને ઉલ્લુ બનાવતા માતા પિતાએ એને જૂઠ માટે ઘડી છે. ટપાલો ચોરીને સરનામે પહોંચી જતા અને કન્સ્ટ્રક્શન સાઈટમાં છુપાઈને જીવતા પરિવારની વાતમાં અમેરિકન ડ્રીમ પાછળ આવી વાસ્તવિકતા છે એનો પણ પરિચય છે ને બીજાઓ માટે સંવેદનબધિર સ્વાર્થી સમાજ પર પણ કટાક્ષ છે. અમુક દ્રશ્યો ડિસ્ટર્બ કરી શકે એવા છે.
(૧૩) ૧૪૦૮ : સ્ટીવન કિંગની આ જ નામની વાર્તા પરથી એવર ડિપેનડેબલ જોન કુસાકને લઈને આ ફિલ્મ બની છે. સાયકોલોજીકલ હોરર. એક હોટલના ભેદી ઓરડામાં રોકાય એ બહાર આવી શકતું નથી, છતાં એની પોલ ખોલવા એક રેશનાલીસ્ટને હોટલ મેનેજરની ચેતવણી છતાં પણ રહેવું છે. ને પછી જે થાય છે એમાં જોનાર ને છટપટાહટ લાગે કે હવે બહાર કેમ નીકળવું.
(૧૪) બવાલ : હવે રામાયણ બનાવે છે ને ઓલરેડી દંગલ, છિછોરે, ભૂતનાથ રિટર્ન્સ, ચિલ્લર પાર્ટી (વિકાસ બહલ જોડે) બનાવી ચૂક્યા છે, એવા આઈઆઈટીના નીતીશ તિવારીની વરુણ ધવન અને જાહ્નવી કપૂર સાથે બનેલી એકદમ ઝક્કાસ ફિલ્મ. અદ્ભુત રીતે બીજા વિશ્વયુદ્ધના ઈતિહાસને આજકાલ જે સેલિબ્રિટી થઇ જાય છે, એવા દેહાતી ફાંકોડી પુરુષ સાથે જોડી છે ને એમાં લેયર એક સમજદાર હોશિયાર સ્ત્રી સાથેના ધીમે ધીમે પાંગરતા પ્રણયનું છે અને ગુજરાતી હ્યુમર ખરી સાથે. રિલેશન ને નારીની ઓળખ બાબતે પણ સુરસ વાતો કોઈ ઝંડા વિના કહેતી ફિલ્મ. બહુ નવા જ પ્રકારની ગજબ ઈનોવેટીવ ને જરાય ભારેખમ થયા વિના કેટલા સરસ પાઠ ગળે ઉતારી દેતી મસ્ત કૃતિ છે. મસ્ટ સી.
(૧૫) આર્ટીકલ ૩૭૦ : નામ પરથી ઘણાને પ્રોપેગેંડા ફિલ્મ લાગી શકે પણ આ તો એકદમ થ્રીલિંગ સ્ટોરીટેલીંગ છે. ખાલી ઓવર ધ ટોપ ક્લાઈમેક્સ થોડી મજા બગાડે છે, ને એક મોટી હકીકત છુપાવી દેવામાં આવી છે નેરેશનમાં કે કાશ્મીર પ્રશ્ન ગુંચવવામાં મુખ્ય ફાળો મહારાજા હરિસિંહનો હતો, જે વાસ્તવિકતા સમજવાને બદલે સ્વતંત્ર રહેવાની જીદમાં ભારત સાથેના જોડાણમાં બહુ મોડા માન્યા. ખેર પણ જે સિફતથી આર્ટીકલ ૩૭૦ કાઢવામાં આવ્યો એ રસપ્રદ રીતે બતાવ્યું છે ને એમાં ત્રાસવાદવિરોધી વાત છે, મુસ્લિમવિરોધી નહિ. મુખ્ય પાત્ર જ મુસ્લિમ છે. યામીનો તો ખરો જ પણ પ્રિયમણિનો બહેતરીન અભિનય.
(૧૬) હરિ ઓમ હરિ : ગુજરાતી ફિલ્મોમાં મેકર્સ કરતા ઓડિયન્સ ઓછું એવો ઘાટ હોય છે ત્યારે અગાઉ આવા વિષયોને લઈને અન્ય ભાષાની ફિલ્મો આવી ગયેલી એવો ભગવાન વાળો પ્લોટ સિદ્ધાર્થ રાંદેરિયા અને રોનક કામદાર, વ્યોમા નંદીને લઈને રજુ કરવામાં આવ્યો એ જોવા જેવી તો બની જ છે જેમાં ફેમિલી સાથે બેસીને મજા માણી શકાય. સંગીત પણ નોંધપાત્ર.
(૧૭) વોન્કા : આમ તો ટીમ બર્ટને જોની ડેપ સાથે ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી બનાવીને હાથ ધોઈ નાખ્યા એમ કહેવાય. શું મસ્ત ફિલ્મ હતી એ બાળકો માટેની પણ મોટેરાં ય મજા કરી શકે એવી. એના પરથી એના મુખ્ય કિરદાર વિલી વોન્કાની ઓરીજીન સ્ટોરીવાળી ફિલ્મ લોન્ચ થઇ ત્યારે એવું લાગેલું કે આજકાલ ચાલે છે એમ જાણીતી થયેલ બ્રાન્ડ નીચોવી રૂપિયા ખંખેરવાનો નવો ત્રાગડો હશે. પણ ફિલ્મ જોઈ ત્યારે એવો તો જલસો પડી ગયો. એકદમ દિલ સાથે બનાવવામાં આવેલી હલકીફૂલકી સતરંગી મનોરંજન કરાવતી ફિલ્મ છે. એમાં વળી હાર્ટફેલ્ટ ઈમોશન્સ છે, અમુક સરસ લાઈન્સ છે. રસપ્રદ નેગેટીવ કેરેક્ટર્સ છે. ચોકલેટની રંગબેરંગી દુનિયા છે. ટિમોથીનો જાનદાર અભિનય છે. બાળકો સાથે બેસીને માણવા જેવું મૂવી.
(૧૮) ઈમ્મોરલ ટેલ્સ : આ સેક્સની થીમ પર ટૂંકી વાર્તાઓ જોડીને બનેલી જૂની ફ્રેંચ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે કેટલાય ઉદાર ગણાતા દેશોમાં કોલાહલ થયેલો. અમુક જગ્યાએ બેન મુકાયો કે કાપકૂપ થઇ. પણ એનું અનસેન્સર્ડ વર્ઝન એટલે જગતમાં બનેલી બેસ્ટ ઈરોટિક ફિલ્મોમાં ટોપ ટેનમાં આવે ! પુરેપુરી એડલ્ટ ફિલ્મ છે ને સબૂત છે કે માથાફરેલ સર્જકો લાગણીદુભાઉં લોકોની પરવા પોતાના દેશના ચર્ચ કે ખ્રિસ્તી ધર્મની કેવી સેક્સી મજાક ઉડાવી શકે છે ! વિશુદ્ધ એડલ્ટ ફિલ્મ છે, થીમ જ પ્રાચીન સંસ્કૃત શૃંગારકથાઓની જેમ સેક્સ છે, અને કેમેરો બિન્દાસ ફરે છે અંગો પર એટલે એટલે પોતાના જોખમે ને મરજી હોય તો જ જોવી. ખોટો કકળાટ કરનારા નાજુકદિલો માટે આ નથી.
(૧૯) મિસિસ હેરિસ ગોઝ ટુ પેરિસ : ૧૯૫૮માં પોલ ગેલિકોએ આ નામથી નવલકથા લખેલી. પણ એનો સિનેમાના પડદે ઉદ્ધાર ૨૦૨૨માં થયો. આ ફેમિલી ફિલ્મમાં એક સાધારણ સ્થિતિની પ્રૌઢ વિધવાને ડીયોરનો કસ્ટમાઈઝ્ડ ડિઝાઈનર ડ્રેસ પહેરવાના ઓરતા પુરા કરવા છે. ફેરી રેલ સ્ટોરી છે કે એક સપનું પૂરું કરવા જતા એને મારગડે સારા ને ખરાબ, અભિમાની અને લાગણીશીલ દરેક પ્રકારના લોકો મળે છે. અને મોટી ઉંમરે એકલા લોકોને થોડી મજાઓ પણ મળવી જોઈએ મનગમતી એવો આપણને બોધ મળે છે. સરસ ફેમિલી ફિલ્મ છે ઋષિકેશ મુખર્જી ઓલ્ડ સ્કૂલની. ને વાત ભલે ફિક્શન હોય પણ એમાં જે ચેન્જ મોટી બ્રાન્ડ્સના સ્ટોર્સનો બતાવવામાં આવ્યો છે એ તો સાચે જ આમ થયેલો.
(૨૦) ધોઝ હું વિશ મી ડેડ : મા અને બાપ ગુમાવી ચુકેલા બાળક પાછળ પડેલા જાલિમ હત્યારા અને જંગલમાં દાવાનળ સામે લડતી ફાયરફાઈટર એવી મક્ક્મ એન્જેલીના જોલી. શરુ થયા પછી એન્ગેજ રાખે એવી રોમાંચક સફર.
(૨૧) લોસ્ટ ઇન સ્ટાર્સ : આ ૨૦૨૨ની ચાઈનીઝ ફિલ્મમાં આલ્ફેડ હિચકોકની સ્ટાઈલમાં એક પછી એક પરત ખોલે છે વાતના. અચાનક મેરેજ એનિવર્સરીએ ગાયબ થઇ ગયેલી પત્નીને શોધવા પતિ બેબાકળો થઇ ફરે છે. આવો પ્લોટ તો પોલાન્સ્કીની 'ફ્રેન્ટિક'થી આવે છે. પણ આમાં વાત જુદી છે. એક અલાયદો રિવેન્જ ડ્રામા છે. જોશો તો સમજાશે.
(૨૨) ટિલ ડેથ : મેગન ફોકસને લઈને આ મસ્ત નાનકડું પણ દિલધડક મૂવી બનાવવામાં આવ્યું છે. બર્ફીલા વાતાવરણમાં ઉમેરતો લોહીનો રંગ લાલ. બાકીનું જોઈ નાખો. અઘરું કશું નથી.
(૨૩) એક્શન હીરો : હવે મિડલ ક્લાસ ફિલ્મોમાં ટાઈપ્ડ થઇ ગયેલો આયુષ્માન ખુરાના ના હોત તો આ ધમાકેદાર ફિલ્મ કદાચ વધુ લોકો જોવા ગયા હોત. જાને જાં ફિલ્મની જેમ અહીં પણ ફિલ્મની જાન જયદીપ અહલાવત છે. ભારતમાં હાલતા ને ચાલતા જેને લીધે બબાલ થાય એવા ઈગોની અને એને ખુલ્લેઆમ પડકારવાની સ્ટોરી પૂરપાટ ભાગે છે. અને મજા કરાવી દે છે. કટહલ ટાઈપની બોગસ કોમેડી ફિલ્મોનો રાફડો ફાટયો છે, ત્યારે જોરદાર જમાવટ કોમેડી કરતી આ ફિલમ તો જોવી જ જોઈએ.
(૨૪) ધ લિવિંગ : ક્લાસિક બ્રિટીશ એકટર બિલ નાયીની આ ફિલ્મ સ્લો છે પણ અંતરના તારને ક્યાંક સ્પર્શે એવી છે. એક જુના જમાનાનો વડીલ નાયક છે. એકદમ કામમાં શિસ્તબદ્ધ. એકલવાયો. એને અચાનક ખબર પડે છે કે હવે જીવવાના ઝાઝા દિવસો નથી. દીકરા વહુની દુનિયા જુદી છે. મોટી ઉંમરે બાપને થાય છે કે આપણે તો એક જ ઘટમાળમાં જીવન વેડફી નાખ્યું. એને એક યુવતી સાથે આકર્ષણ થાય છે પણ ના વાત જરા જુદી છે, એને મૂળ વાત કરનારી કંપની જોઈએ છે. એ ફિલ્મોમાં બતાવે એવું જીવવાની પણ કોશિશ કરી અંતે એક સત્ય સમજે છે. શું ? જુઓ.
(૨૫) કરંટ વોર : એક સમયે જગતમાં એક અનોખું વૈચારિક યુદ્ધ જામેલું હતું. એક તરફ લિજેન્ડ એવો થોમસ આલ્વા એડીસન હતો જેણે બલ્બની શોધથી દુનિયા રોશન કરી. બીજી તરફ મૂલ્યનિષ્ઠ એવો જ્યોર્જ વેસ્ટિંગહાઉસ હતો જેની કંપની સફળ હતી. અને ત્રીજી તરફ જીનીયસ નિકોલા ટેસ્લા હતો. વાત હતી કે દુનિયામાં વીજળી આપવી હોય તો એસી કરન્ટ જોઈએ કે ડીસી ? આ સાયન્સની સાથે માનવમનના તરંગોના તણખા પર સુપેરે બતાવતી ફિલ્મ !
ફાસ્ટ ફોરવર્ડ
'તું તો એનિમલ છો'
'ના, એથી પણ ખરાબ. હું માણસ છું'
જોન વોઈટની મર્દાનગીની વાત કહેતી ક્લાસિક ફિલ્મ રનઅવે ટ્રેનના સંવાદનો વેધક કટાક્ષ