Get The App

મા! મને તું આ જગતમાં આવવા દે!

Updated: Mar 25th, 2023

GS TEAM

Google News
Google News
મા! મને તું આ જગતમાં આવવા દે! 1 - image

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- આકાશ અને દેવી ગર્ભમાં રહેલા બાળક સાથે વાતચીત કરે એવો કલાત્મક કીમિયો લેખિકાએ અજમાવ્યો છે. તે થકી આપણા ચિત્તમાં દ્રઢ થાય કે ગર્ભમાં જીવ રહેલો છે, તેનું લાગણીતંત્ર છે.

૨૫ માર્ચ એટલે 'ઈન્ટરનેશનલ ડે ઓફ ધ અનબોર્ન ચાઈલ્ડ.' ગર્ભપાત સાથે અસંમતિ દર્શાવવાના હેતુથી આ દિવસ પળાય છે. આ સંદર્ભે 'જરા થોભો' નાટક જોઈએ.

આકાશ ઓફિસે જવાની ઉતાવળમાં ઉપરતળે થઈ જાય છેઃ મોબાલઈ ક્યાં ? પેન ક્યાં ? કારની ચાવી ક્યાં ? તેની પત્ની દેવી બધું હાથમાં મૂકતાં કહે છે, 'ગૃહિણીની હાલત પૃથ્વી જેવી હોય છે. પોતાની ધરી પર તો ફરવાનું જ, સાથે સાથે સૂરજ ફરતે પણ ફરવું પડતું હોય છે.' દેવી, આરતીના આસકા લેવરાવે છે, પ્રસાદ ખવરાવે છે અને દોડીને બટન ટાંકી આપે છે. પત્નીની કદર કરવાને બદલે આકાશ ટોકે છે, 'આ બધું છેલ્લી ઘડીએ? ઈસ્ત્રી કરતી વખતે કેમ નહિ ટાંક્યું?' દેવી ખુલાસો કરે છે, 'આપણી દીકરી ગુડ્ડી! મોકળાશથી કામ ક્યાં કરવા દે છે ?' આકાશ ચિડાય છે, 'એ તો છે જ કચકચિયણ, તારી જેમ.'

દેવીને કશી વાત કરી છે, પણ આકાશને સાંભળવાનો સમય નથી. ત્યાં દેવીને ઉબકો આવે છે. આકાશ બેબાકળો થઈ જાય ત્યાં તો દેવી 'ગુડ ન્યૂઝ' સંભળાવે છે, 'ગુડ્ડીને ભાઈ જોઈતો હતો ને...'

આકાશના આનંદની સીમા નથી. 'આનું નામ શું પાડીશું?' દેવી કહે છે, તમે જ પાડો ને. આકાશને સૂજે છે, દેવીનો પુત્ર માટે 'દેવ' - હા, એ જ ઠીક રહેશે. પત્નીના ઉદર પર હાથ ફેરવતાં વિમાસે છે, 'એ હા, કશું છે તો ખરું પતંગિયા જેવું!' ઉત્સાહમાં ને ઉત્સાહમાં વાતો કરવા માંડે છે.

'દેવ ઓ દેવ!'

'પપ્પા, હું અહીં છું, જુઓ પપ્પા!'

'મારો દીકરો! મારો વારસદાર!'

'પપ્પા, હું તમને ગમું છું ને ?'

'તું મને ગમે છે દીકરા, તું મને ખૂબ ખૂબ ગમે છે !'

દેવી પતિને ટોકે છે, ગાંડા કાઢો મા! આકાશ ઓફિસે ગયા પછી દેવી દીકરા સાથે વાતે વળગે છે : 'બેટા તને મારી કૂખમાં ગમે છે ને ?' ભીતરથી ઉત્તર મળે છે, 'મા અહીંયાં તો હું સલામત છું. બહારની દુનિયામાં જવાની મને બહુ બીક લાગે. તું મને સાચવશે ને ?'

દેવી : સાચવીશ ને દીકરા, જીવથી પણ વધારે સાચવીશ, ચાલતાં શીખવીશ, દોડતાં શીખવીશ, સપનાંની દુનિયામાં ઊડતાં શીખવીશ. ઉઝરડો પણ નહિ પડવા દઉં, લે આ કાળું ટપકું કરી દીધું !

નાટકમાં વળાંક આવ છે. ગર્ભાવસ્થાના અઢી મહિના થયા છે, આકાશ કહે છે, મમ્મીનો ફોન આવેલો, ગર્ભની તપાસ કરાવવાની છે.

દેવી : મને તો ખબર જ છે, કે ગુડ્ડીને ભાઈ જ છે. અને નહિ હોય તોય શું ? શો ફરક પડે છે ?

પણ આકાશને ફરક પડે છે, એને તો દીકરો જ જોઈએ છે.

દેવી : આવું તો સામાન્ય સ્થિતીના લોકો વિચારે. આપણે પૈસે ટકે સુખી છીએ, આપણને ક્યાં ફિકર છે ?

આકાશ : (ઉગ્ર અવાજે) એટલે આપણે ત્યાં ગુડ્ડીઓની ફોજ ઊભી કરવી છે ?

બન્ને વચ્ચે બોલાચાલી થાય છે : હું તપાસ નથી કરાવવાની.... કરાવવી પડશે એટલે કરાવવી જ પડશે... ત્યાં ન જન્મેલા શિશુનો સ્વર સંભળાય છે.

જરા થોભો ! હું એક દીકરી છું, શક્તિ છું, વંશ વધારવા આવી છું, ગરીમાની છાબ વાવવા આવી છું, મા તું શાને મારું પરીક્ષણ કરાવે છે ? તારી જ પ્રતિકૃતિ છું, મને ઓરતા છે આંગણે રમવાના, દીદીનાં જૂનાં ચણિયા ચોળી પહેરી લઈશ, તૂટેલી ઢીંગલી સાથે રમી લઈશ.

શિશુસ્વર વીનવે છે.

આંગળી પકડીને તારી

ચાલવા દે, મા! મને તું આ જગતમાં

આવવા દે! વંશનું તુજ બીજ તો

ફણગાવવા દે, ગોરમાની છાબ લીલી

વાવવા દે! તું પરીક્ષણ ભૂ્રણનું

શાને કરે છે ? તારી આકૃતિ ફરી

સર્જાવવા દે !

પણ આકાશના આગ્રહ આગળ દેવીનું ચાલતું નથી, સ્ત્રીભૂ્રણ હોવાથી ગર્ભપાત કરાવી નખાય છે. પુન : એ જ શિશુસ્વર, 'મા, મારી ચીસો નહોતી સંભળાતી ? પેલી સોય મને ભોંકાતી હતી, મારું મા મા કરતું હૃદય ફટ્ટ દઈને ફાટી પડયું...હું જાઉં છું. હું ક્યારેય પાછી નહિ આવું...'

દસ વર્ષ વીતી જાય છે. દેવી બોલે છે, 'મારી સાડા ત્રણ વર્ષની ગુડ્ડી સ્કૂલના પહેલા જ દિવસે...આંખો સામે વાહન હેઠળ કચડાઈ મરી, એના યુનિફોર્મનો રંગ જ બદલાઈ ગયો. હું કોઈ પણ નાની છોકરીને જોઉં કે લંબાવા ઈચ્છતા બન્ને હાથ લકવાગ્રસ્ત બની જાય છે.' દેવીને અન્ય સંતાન ન થઈ શક્યું.

શિશુસ્વર ફરી સંભળાય છે, 'દરેક મા-બાપને વિનંતી કરું છું- મારું પરીક્ષણ કરવા જઈ રહ્યા છો ? જરા થોભો!'

આ નાટક યામિની વ્યાસે લખ્યું છે.  પ્રારંભે જ પિતૃસત્તાક સમાજ દર્શાવાયો છે : સ્ત્રીએ ધણીની સેવિકા થઈને રહેવાનું, તેની ફરતે ફુદરડી ફરવાની. પ્રાચીન યુગમાં સ્ત્રીઓ, પુરુષોની સંપત્તિ ગણાતી, અર્વાચીન યુગના આરંભે તેમને મતાધિકાર નહોતા,આજે ય તેમનાથી શું પહેરાય - ન પહેરાય એના નિયમો છે. આકાશના મુખેથી પત્ની અને પુત્રી વિશે એક વાક્ય નીકળી જાય છે, 'એ તો છે જ કચકચિયણ, તારી જેમ.' 'આને ફ્રોઈડિયન સ્લિપ કહે છે - મનમાં ધરાબાયેલી વાત અણજાણેપણે બોલાઈ જવાય.'

આકાશ અને દેવી ગર્ભમાં રહેલા બાળક સાથે વાતચીત કરે એવો કલાત્મક કીમિયો લેખિકાએ અજમાવ્યો છે. તે થકી આપણા ચિત્તમાં દ્રઢ થાય કે ગર્ભમાં જીવ રહેલો છે, તેનું લાગણીતંત્ર છે. દેવીના આ ઉક્તિમાં કેવી વિડંબના છે - 'તને ઉઝરડો પણ નહિ પડવા દઉં.' આગળ જતાં ઉઝરડો તો શું, મરણતોલ ઘા મારવામાં આવે છે. પુત્રને નજર ન લાગે માટે ઉદર પર કાળું ટપકું કરનાર માતાના ચારિત્ર્ય પર અંતે કાળી ટીલી લાગે છે.

સ્ત્રીભૂ્રણ હત્યાનું સૂચન કરનાર એક સ્ત્રી જ છે, આકાશની માતા જ આ સલાહ આપે છે. 'આપણે ત્યાં ગુડ્ડીઓની ફોજ ઊભી કરવી છે?' આકાશના આ વિધાનથી તેનો સ્ત્રી પ્રત્યેનો તિરસ્કાર છતો થાય છે. ગર્ભપાત પછી પણ સંભળાતો શિશુસ્વર સૂચવે છે કે દેવીને આજન્મ સંતાપ રહેવાનો છે. પત્નીનું નામ છે 'દેવી' - પુરુષ મોટી મોટી વાતો કરે છે, સ્ત્રીને 'આદ્યા જગત્વ્યાપિની' કહે છે, પણ સમાન અધિકાર આપતો નથી. પતિનું નામ ભલે 'આકાશ' હોય પણ તે છાપરાથી વધું ઊંચો નથી. દીકરીનું નામ 'ગુડ્ડી' સૂચવે છે કે સમાજ સ્ત્રીને ઢીંગલીથી વધારે આદર આપતો નથી. અંતે દંપતી સંતાનવિહોણી થઈ ગઈ તેમાં કવિન્યાય છે.

જોકે નાટકના અમુક અંશ સાહિત્યને બદલે પ્રચાર-સાહિત્ય જેવા લાગે છે. ન જન્મેલી દીકરીને મુખે આવા ઉદ્રારો શોભે ? 'પપ્પા, તમે ભાવિ માતાની હત્યા કરી છે, હું આખા સમાજની મા, પૃથ્વી મા, લક્ષ્મી મા, સરસ્વતી મા, નદી મા.... હું ન હોત તો તમારું અસ્તિત્વ જ ન હોત, સમાજનું સંતુલન શું કામ ખોરવો છો ?' આ બાળકની નહિ પણ પ્રૌઢોની ભાષા છે. વળી બાળક આવા તર્ક કરી ન શકે. શિશુમુખે મુકાયેલી કવિતામાં કહેવાય છે કે હું સાપનો ભારો નથી. 'તું પરીક્ષણ ભૂ્રણનું શાને કરે છે ?'- જે સ્વાભાવિક લાગતું નથી.

નાટક ટૂંકું છે પણ કલાત્મક 

રહીને આપણા માંહ્યલાને જાગ્રત કરી મૂકે છે.