જુવાર, બાજરી, રાગી દિલથી ખાવ
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
જુ વાર, બાજરી, રાગી આમ તો આદિવાસીઓનો પ્રિય ખોરાક છે. હવે આ બરછટ ખોરાકને ફરી લાઈમલાઈટમાં લાવવામાં આવી રહ્યો છે. ભારતના આ વિસરાયેલા પાવરફૂલ ધાન્યને ફરી સજીવન કરવા ભારતે કમર કસી છે. ભારતના પ્રસ્તાવથી સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રિય વર્ષ જાહેર કર્યું છે. આ શક્તિશાળી ખોરાક સમગ્ર વિશ્વ માણે એમાં એની ભલાઈ છે. પોષણનો વૈશ્વિક પ્રશ્ન એનાથી દૂર થઈ શકે છે.
અંગ્રેજીમાં આ ધાન્યને મિલેટ્સ કહેવામાં આવે છે. મિલેટ્સને સજીવન કરવા અને તેના અંગેનું જ્ઞાન વધારવા માટે ૧૦૦ દેશના પ્રતિનિધિ ભારત પધાર્યા હતા. મિલેટ્સને બરછટ અનાજ કે શ્રી અન્ન તરીકે ઓળખવામાં આવે છે. મિલેટ્સને ખેતી ૧૨-૧૩ રાજ્યોમાં થાય છે. હાલમાં એક વ્યક્તિ મહિનામાં ૧૪ કિલો મિલેટ્સ ખાય છે. મિલેટ્સ સરળતાથી અને ઝડપથી ઊગે છે. વિરોધી હવામાન દરમ્યાન પણ મિલેટ્સ ઊગી શકે છે. ઓછા પાણીમાં ઊગતી મિલેટ્સ ખૂબ પોષક આહાર છે. દક્ષિણ ગુજરાતમાં દરરોજ સાંજે જુવારના રોટલા અને કઠોળ ખાવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં બાજરીના રોટલાનું ચલણ વધુ છે. આહવા, ડાંગ, ધરમપુર જેવા વલસાડની અનેક આવેલા આદિવાસી વિસ્તારમાં નાગલીના રોટલા વિશેષ પ્રચલિત છે. લાલ રંગની રાગીને કેટલાંક નાગલી તરીકે ઓળખે છે !!
ભારતમાં અનેક પ્રકારની મિલેટ્સ મળે છે. તેના અંગ્રેજી-ગુજરાતી નામ જાણવા જેવા છે. મિલેટ્સની ૧૩ જાતો હોય છે પરંતુ ૨૦૨૩ના મિલેટ વર્ષમાં ૮ જાતોને પસંદ કરવામાં આવી છે. તેમાં રાગી, બાજરી, કુટકી, જુવાર, સંવા, ચેના, કોદો અને કંગનીનો સમાવેશ થાય છે. ભારતીય બાજરો એ સુપરફૂડ છે. વિટામિન બી અને ખનીજોથી ભરપુર બાજરો થાયરોઈડના દર્દીઓએ ખાવો ના જોઈએ. ઠંડો બાજરો રોટલીના સ્વરૂપે શ્રેષ્ઠ છે.
મિલેટ્સના ફાયદા :
- મિલેટ્સ ગ્લુટેન મુક્ત આહાર છે.
- ફાયદાને કારણે તેને પ્રોસેસ્ડ ફૂડમાં ઉમેરવામાં આવે છે.
- મિલેટ્સ ગ્લુટેન ફ્રી હોવાથી વજન ઘટાડવામાં ઉપયોગી છે.
- મિલેટ્માં ભરપુર પ્રોટીન, ફાઈબર અને એન્ટીઓક્સીડન્ટ હોય છે.
- મિલેટ્સ ખાવાથી ડાયાબીટીશ અંગેનો ભય ઓછો થાય છે.
- તેમાં ભરપુર પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે ફ્રિ રેડિકલ સામે રક્ષણ આપે છે.
- મિલેટ્સથી મહિલાઓને હેરાન કરતાં ''મેન્સ્ટુઅલ ક્રેમ્પ'' પણ ઓછા થાય છે.
- મિલેટ્સમાં ફાઈબર વધુ હોવાથી તે બ્લડપ્રેસર ઘટાડે છે.
- મિલેટ્સ શરીરની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.
- મિલેટ્સથી હૃદયરોગની શક્યતા ઘટે છે. તે લોહીને પાતળું કરે છે એટલે ''બ્લડ પ્લેટલેટ'' ગંઠ્ઠો પામતા નથી.
- તેમાં મેગ્નેશ્યમની માત્રા ભરપુર છે. રોજની જરૂરીયાતના ૨૮ ટકા મેગ્નેશ્યમ ફક્ત ૧૦૦ ગ્રામ મિલેટમાંથી મળી રહે છે.
મિલેટ્સ એ બધા ધાન્યનો સામાન્ય શબ્દ છે પણ બાજરા માટે વપરાય છે.
સોરગમ (જુવાર), પર્લ મિલેટ (બાજરા) ફિન્ગર મિલેટ (રાગી), ફોકસટેઈલ મિલેટ (કંગની), પ્રોસો મિલેટ (ચીના), બર્નીઆર્ડ મિલેટ (સંવા), લિટલ મિલેટ (કુટકી) કોડો મિલેટ (કોડો) વગેરે જાતો ભારતમાં પ્રચલિત છે. આજે મધ્યપ્રદેશની બૈગા આદિવાસી સમુદાયની લહેરીબાઈએ ૧૫૦ પ્રકારના મિલેટ્સ ભેગાં કર્યા છે. જેની ખેતી તમે કરી શકો છો...!