Get The App

દેશના 12 રાજ્યોમાં 5500 કિ.મી. લાંબો ઈલેક્ટ્રિક હાઈવે બનશે

Updated: Mar 26th, 2023

GS TEAM

Google News
Google News
દેશના 12 રાજ્યોમાં 5500 કિ.મી. લાંબો ઈલેક્ટ્રિક હાઈવે બનશે 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

૧ : પેન્ટોગ્રાફ માડેલ : વાહનના ઉપરના ભાગે લગાવેલું પેન્ટોગ્રાફ વીજવાયરના સંપર્કમાં આવે એટલે વીજળીનો પૂરવઠો બેટરી સુધી પહોંચે છે ને બેટરી ચાર્જ થાય છે

૨ : કન્ડક્શન માડેલ : વાહનની આગળની બાજુ કે પાછળની તરફ લગાવેલા પેન્ટોગ્રાફ રોડની વચ્ચોવચ બિછાવેલા તાર સાથે સંપર્કમાં આવે છે અને બેટરી ચાર્જ કરે છે

૩: ઈન્ડક્શન માડેલ :  આ વાયરલેસ પદ્ધતિમાં ખાસ પ્રકારની મેગ્નેટિક ચિપ વાહનમાં ગોઠવવામાં આવે છે અને ઈલેક્ટ્રોમેગ્નેટિક કરંટથી બેટરી ચાર્જ થાય છે

ઈ લેક્ટ્રિક વ્હિકલ. દેશમાં આ શબ્દ છેલ્લાં થોડાં સમયથી બહુ સંભળાય છે. લેટેસ્ટ ઈલેક્ટ્રિક કાર-બાઈક-બસમાં બેટરી કેટલા કિલોમીટર સુધી ચાલે છે? - એ જનરલ ટોકનો વિષય બની ગયો છે. ઈલેક્ટ્રિક કાર બનાવતી વિશ્વભરની કંપનીઓ બેટરી વધુ કલાકો ચાલતી હોવાના દાવા કરીને માર્કેટમાં આવી રહી છે. ઈલેક્ટ્રિક કાર, બાઈક, ઓટો રિક્ષા, બસ સહિતના વાહનો દુનિયાભરના માર્ગો પર તો ક્યારના દોડતા થઈ ચૂક્યા હતા, પરંતુ હવે ભારતમાં પણ મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક વાહનો દોડતા થયા છે.

૨૦૨૨ના અંત સુધીમાં સરકારી આંકડાં પ્રમાણે ભારતના રસ્તામાં ૧૩,૯૨,૨૬૫ ઈલેક્ટ્રિક વાહનો ચાલી રહ્યાં છે. એમાં સૌથી વધુ ૭,૯૩,૩૭૦ ત્રણ પૈડાવાળા વાહનો, ૫,૪૪,૬૪૩ દ્વિચક્રી અને ૫૪,૨૫૨ ચાર કે તેથી વધુ પૈડા ધરાવતા વાહનોનો સમાવેશ થાય છે. આ આંકડો આગામી ત્રણ-ચાર વર્ષમાં ત્રણેક કરોડ વાહનો સુધી પહોંચી જાય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. ૨૦૩૦ સુધીમાં ભારતમાં ચાલતા કુલ વાહનોમાંથી ૩૦-૩૫ ટકા વાહનો ઈલેક્ટ્રિક હશે. દેશમાં ઈલેક્ટ્રિક સ્કૂટર-બાઈકના નિર્માણ માટે ૩૫૬ સ્ટાર્ટઅપ કંપનીઓ કામ કરી રહી છે. ભારતમાં ટાટા, મહિન્દ્રા, હીરો, ઓલા, હ્યુન્ડાઈ, ઓલેક્ટ્રા, ઓકિનાવા જેવી કંપનીઓ ઈલેક્ટ્રિક વ્હિકલ બનાવી રહી છે.  

ઈલેક્ટ્રિક વાહનોના આવા ઉત્સાહવર્ધક માહોલ વચ્ચે થોડા મહિનાથી ભારતીયોના કાનમાં નવો શબ્દ પડયો - ઈલેક્ટ્રિક હાઈવે. કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભારતના માર્ગોને સોલાર સંચાલિત ઈલેક્ટ્રિક સિસ્ટમથી સજ્જ બનાવવાની યોજના જાહેર કરીને પાયલટ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હોવાની જાહેરાત કરી હતી. આયોજન મુજબ દિલ્હી-મુંબઈ હાઈવે પર સૌથી પહેલો દિલ્હી-આગ્રા વચ્ચે ઈલેક્ટ્રિક રોડ બની રહ્યો છે ને એ જ રીતે દિલ્હી-જયપુર વચ્ચે પણ એક ઈલેક્ટ્રિક હાઈવે બનશે. ઈલેક્ટ્રિક હાઈવે પર ઠેર-ઠેર સોલાર સંચાલિત પાવર સ્ટેશનના નિર્માણની કેન્દ્ર સરકારની યોજના છે.

દિલ્હીથી મુંબઈ જતો લગભગ ૧૩૦૦ કિ.મી.નો હાઈવે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના પાંચેક રાજ્યોને આવરી લેશે. પાયલટ પ્રોજેક્ટ સફળ થશે પછી એ આખા માર્ગ પર એક ટ્રેક ઈલેક્ટ્રિક હશે. હાઈવેમાં માલવાહક વાહનો રસ્તામાં જ ચાર્જ થાય એવી વ્યવસ્થા થશે, પરંતુ એના માટે વાહનોને પાવર સ્ટેશને રોકાવાની જરૂર પડશે નહીં. આખા હાઈવે ઉપર બિછાવેલી ખાસ પ્રકારની ઈલેક્ટ્રિક લાઈનથી વાહનો ચાર્જ થતાં રહેશે.

લાંબાંગાળે દેશના ૧૨ રાજ્યોમાં ૨૩ શહેરોને આવરીને ૫૫૦૦ કિલોમીટર લાંબો ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાનો પ્લાન તૈયાર થયો છે. એ હાઈવે પર ૧૧૧ પાવર સ્ટેશન બનશે. ૫૫૦૦ કિમી. લાંબો ઈલેક્ટ્રિક હાઈવે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપથી બનાવવાની સરકારની ગણતરી છે. હાઈવેના ટ્રેકમાં જ ઈલેક્ટ્રિક વાહનો ચાર્જ થશે. તે સિવાય પાવર સ્ટેશન પરથી જ ચાર્જ થાય એવી વ્યવસ્થા રાખવામાં આવશે.

ભારતમાં નિર્માણ થશે એ ઈલેક્ટ્રિક હાઈવે કઈ ટેકનિકથી બનશે અને એમાં ચાલતા વાહનો કેવી રીતે ચાર્જ થશે એ અંગે થોડું વિગતવાર સમજીએ...

ઈલેક્ટ્રિક ટ્રામ અને ઈલેક્ટ્રિક ટ્રેન દુનિયાભરમાં ચાલી રહી છે. નિયત ટ્રેક પર દોડતી ટ્રામ અને ટ્રેનની ઉપર એક ઈલેક્ટ્રિક વાયર જોડાયેલો હોય છે. પાવર કલેક્ટર ઉપકરણ પેન્ટોગ્રાફની મદદથી એ વાયરમાંથી ટ્રામ-ટ્રેનને વીજળીનો પૂરવઠો મળતો રહે છે. ઈલેક્ટ્રિક વાયરનું જોડાણ એન્જિન સાથે હોય છે અને એન્જિનમાંથી આખી ટ્રેન કે ટ્રામમાં વીજળી સપ્લાય થાય છે. પરિણામે મુસાફરોને અંદર લાઈટ-પંખાની સવલત મળી રહે છે. ટ્રેન-ટ્રામની ઉપર જોડેલા વીજતારમાં પાવર સ્ટેશનમાંથી પૂરવઠો વહેતો કરવામાં આવે છે. આ રીતે ઈલેક્ટ્રિક ટ્રામ-ટ્રેન વિના વિઘ્ને ટ્રેક પર દોડે છે ને ચાર્જ થાય છે.

આ મૂળભૂત સિદ્ધાંતના આધારે જ ઈલેક્ટ્રિક હાઈવેની ડિઝાઈન તૈયાર થઈ છે. અત્યારે ઈ-હાઈવે બનાવવામાં ત્રણ પ્રકારના માડેલનો ઉપયોગ થઈ રહ્યો છે. પેન્ટોગ્રાફ માડેલ, કન્ડક્શન માડેલ અને ઈન્ડક્શન માડેલ. પેન્ટોગ્રાફ માડેલને કન્ડક્ટિવ ઓવરહેડ પણ કહેવાય છે. આ માડેલમાં ઈલેક્ટ્રિક વાયરનું જોડાણ ઉપરની તરફ હોય છે. ટ્રેન અને ટ્રામમાં જે પદ્ધતિથી ઉપરના ભાગેથી પાવર સપ્લાય થાય છે એ જ રીત આમાં પણ અજમાવાય છે. વાહનના ઉપરના ભાગે લગાવેલા પેન્ટોગ્રાફ વાયરના સંપર્કમાં આવે કે તરત જ વીજળીનો પૂરવઠો બેટરી સુધી પહોંચે છે અને બેટરી ચાર્જ થવા માંડે છે. ટ્રેન-ટ્રામ કરતાં આ પદ્ધતિ જુદી એ રીતે પડે છે કે એમાં વાહન વીજળીની લાઈનથી દૂર થાય એટલે પેન્ટોગ્રાફ આપોઆપ નીચે આવી જાય છે. વીજળીની લાઈનની સમાંતર વાહન ચાલે ત્યારે ચાલક ધારે તો એક બટનથી પેન્ટોગ્રાફને ઉપર કરીને બેટરી ચાર્જ કરી શકે છે.

ઈલેક્ટ્રિક હાઈવે બનાવવામાં બીજી પદ્ધતિ છે - કન્ડક્શન માડેલ. આ પદ્ધતિમાં વાહનને વીજળીનો પૂરવઠો રોડની નીચેથી મળે છે. પદ્ધતિ કન્ડક્ટિવ ઓવરહેડની જ રહે છે, ફરક એ છે કે પહેલી પદ્ધતિમાં વીજળીના વાયર અદ્ધર લટકતા રહીને વાહનની બેટરી ચાર્જ કરે છે, જ્યારે બીજી પદ્ધતિમાં રોડની વચ્ચોવચ બિછાવેલા તાર સાથે પેન્ટોગ્રાફ સંપર્કમાં આવે છે અને બેટરી ચાર્જ કરે છે. પહેલી પદ્ધતિ હેવી વાહનો જેવા કે બસ-ટ્રક માટે વધારે ઉપયોગી છે. બીજી પદ્ધતિ કાર જેવા વાહનો માટે વધુ અનુકૂળ છે. કન્ડક્શન માડેલમાં ઈલેક્ટ્રિક વાહનના પાછળના ભાગે પેન્ટોગ્રાફ લગાવવામાં આવે છે. એ પેન્ટોગ્રાફ રસ્તાની વચ્ચે જગ્યા કરીને બિછાવેલા તારના સંપર્કમાં આવે છે. આ વ્યવસ્થા કરવા માટે જેમ રેલવે ટ્રેક માટે રસ્તાની વચ્ચે જગ્યા કરવામાં આવે છે એ રીતે જગ્યા રાખવામાં આવે છે.

ત્રીજી પદ્ધતિ ઈન્ડક્શન માડેલ હજુ ખાસ ચલણમાં નથી. એ વાયરલેસ પદ્ધતિ છે. રસ્તાના નિયત ટ્રેક પર ખાસ પ્રકારની મેગ્નેટિક ચિપ ગોઠવવામાં આવે છે. ઈલેક્ટ્રોમેગ્નેટિક કરંટની મદદથી વાહનને વીજળીનો પૂરવઠો મળે છે. એમાં વાહનની નીચે ખાસ પ્રકારની એવી જ ચિપ ગોઠવવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો જે પદ્ધતિથી મોબાઈલમાં વાયરલેસ ચાર્જર કામ કરે છે એના જેવી જ ટેકનિક આના માટે પ્રયોજાય છે, પરંતુ તેનો હજુ જોઈએ એવો વિકાસ થયો નથી. છૂટા-છવાયા પ્રયોગો સિવાય તેનો મોટાપાયે પ્રયોગ કરાયો નથી. અત્યારે દુનિયાભરમાં ઈ-હાઈવે માટે પહેલી બે પદ્ધતિ જ વધારે પ્રચલિત છે.

દુનિયાભરમાં ઈ-હાઈવેના પ્રયોગો શરૂ થયા છે. જર્મનીના બલનમાં દુનિયાનો સૌથી લાંબો ઈલેક્ટ્રિક-હાઈવે છે. ૧૦૯ કિલોમીટર લાંબો આ ઈ-હાઈવે માત્ર હેવી વાહનોને જ ચાર્જ કરે છે. કાર સહિતના નાના વાહનો માટે ઈલેક્ટ્રિક ટ્રેક કામ કરતો નથી. માત્ર બસ, ટ્રક જેવા વાહનો માટે આ ઈ-હાઈવે બનાવાયો છે.

સ્વીડનમાં ૨૦૦૯થી ઈ-હાઈવે પર કામ થતું હતું. ૨૦૧૩માં પહેલો ઈ-રોડ ચાલુ થયો હતો. એ ટ્રેક માત્ર બસ માટે બનાવાયો હતો. દક્ષિણ કોરિયાએ પણ ઈ-રોડના સફળ પ્રયોગો કરીને ૨૦૧૫માં બસ લાઈન શરૂ કરી હતી. દક્ષિણ કોરિયા અત્યારે બે ટ્રેક ધરાવે છે.

જાપાન અને ફ્રાન્સમાં ૨૦૧૮થી પ્રોજેક્ટ શરૂ થયો છે. ફ્રાન્સે તો વળી વાયરલેસ ઈ-હાઈવે બનાવવાનો પડકારભર્યો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ૨૦૧૯માં તેનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું. અમેરિકા ૨૦૨૪ના અંત સુધીમાં ઈ-હાઈવે શરૂ કરશે તો ચીને ૨૦૨૫ સુધીમાં કુલ કમશયલ ટ્રાન્સપોર્ટેશનમાંથી ૨૦ ટકા સુધી ઈ-હાઈવેના માધ્યમથી કરવાની જાહેરાત પાંચેક વર્ષ પહેલાં કરી હતી. બ્રિટનમાં ૨૦૧૫માં ઈ-હાઈવેનો પ્રોજેક્ટ તો શરૂ થયો હતો, પરંતુ બજેટના અભાવે પ્રોજેક્ટ હાલ પૂરતો પડતો મૂકી દેવાયો છે.

વેલ, ભારતમાં ચાલતા પાયલટ પ્રોજેક્ટની વાતમાં પાછા ફરીએ તો દેશમાં અત્યારે પેન્ટોગ્રાફ માડેલ અને કન્ડક્શન માડેલ - બંને ટેકનિકનો ઉપયોગ થાય એવા પ્રયોગો ચાલી રહ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના એક ટ્રેકમાં ઈલેક્ટ્રિક-હાઈવેનો પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો છે. એ માટે સ્વીડનના ઈ-હાઈવેની પદ્ધતિ વપરાય એવી શક્યતા છે. સ્વીડનમાં પેન્ટોગ્રાફ મોડેલની મદદથી હાઈ-વે બન્યો છે અને સફળ થયો છે, તેથી ભારતની કંપનીઓએ સ્વીડિશ કંપનીઓ સાથે વાટાઘાટો ચલાવી છે. ઈ-હાઈવે પર વધુમાં વધુ ૧૨૦ કિ.મી પ્રતિકલાકની ઝડપે વાહનો દોડી શકશે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના કહેવા પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન માટે ઈ-હાઈવે ઉપયોગી થઈ પડશે અને તેનાથી ટ્રાન્સપોર્ટેશન ૭૦ ટકા સસ્તું પડશે. પરિણામે ટ્રાન્સપોર્ટેશનના કારણે વારંવાર થતો ભાવવધારો નિયંત્રણમાં લાવી શકાશે અને લાંબા સમય સુધી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહેશે.

એક તરફ ઈલેક્ટ્રિક વાહનોમાં બેટરીની ક્ષમતા વધારવા વિશ્વભરમાં પ્રયોગો ચાલી રહ્યા છે. વધુમાં વધુ કિલોમીટર ચાલે એવી બેટરી આપવા ઈવી ઉત્પાદક કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. બીજી તરફ ઈ-વાહનોની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઈ-હાઈવેનો વધારે ટકાઉ રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. ભારતે પણ દુનિયા સાથે તાલ મિલાવીને ઈ-હાઈવેનો પ્રોજેક્ટ સમયસર શરૂ કર્યો છે. ભારતમાં દિલ્હી-મુંબઈ વચ્ચે ઈ-હાઈવેનો આખો ટ્રેક બની જશે તો એ દુનિયાનો સૌથી લાંબો ઈ-હાઈવે હશે. ભારતના પ્રોજેક્ટની ખાસિયત એ છે કે સમગ્ર માર્ગ સોલર સંચાલિત હશે. સૂર્યઉર્જાનો મેક્સિમમ ઉપયોગ કરવાની ગણતરી જો આયોજનમાં ખરી ઉતરશે તો ભારતના અર્થતંત્ર માટે ઈલેક્ટ્રિક હાઈવે નવી આશા લઈને આવશે.

ઈનશોર્ટ, દેશમાં ઈલેક્ટ્રિક વ્હિકલની જેમ હવે આગામી દિવસોમાં ઈલેક્ટ્રિક હાઈવે શબ્દ પણ આપણાં રોજિંદા જીવનનો હિસ્સો બની જશે.

Tags :