સપના ઊંઘમાં આવે, જો સાકાર કરવા હોય તો ઊંઘ જ ન આવે
- નોઇડાની સડક પર 19 વર્ષનો પ્રદીપ મહેરા રોજ રાત્રે 12 વાગે દોડતો જોઈ શકાય છે : આને કહેવાય અસલી જોશ
- હોરાઈઝન-ભવેન કચ્છી
- વાઈરલ બનેલા વીડિયોએ યુવા જગતને લક્ષ્ય માટે દોડતું કર્યું : ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની પ્રગતિનો રોડમેપ
વિ નોદ કાપ્રીએ પોસ્ટ કરેલ એક વિડિયો ખૂબ વાઈરલ બન્યો છે. વિનોદ જનજીવન આધારિત શોર્ટ ફિલ્મ બનાવે છે. આપણી ભાગદોડ ભરી દુનિયામાં આપણને જે દ્રશ્ય સામે જોવાની ફૂરસદ નથી કે પછી જે જોયા છતાં આપણામાં સંવેદના નથી જાગતી તેની ખોજમાં વિનોદની નજર રહે છે. વિડિયો કેમેરો હંમેશા તેની સાથે જ રહે છે.
વિનોદ એક રાત્રે આ જ રીતે લગભગ રાત્રીના ૧૨ની આસપાસ તેની કાર લઈને દિલ્હી શહેરની લટાર મારવા નીકળે છે તો તેની કારની ડાબી બાજુએ એક યુવાન પાછળ બેગ ભરાવી ઝડપથી દોડતો હોય છે. જાણે બસ કે ટ્રેન પકડવા તે દોડતો હોય તેવું લાગે. વિનોદ તેની નજીક કાર લઇ જઇને તે દોડતો હોય છે તેની સમાંતર કાર ચલાવતા યુવકને કહે છે કે 'કારમાં બેસી જા, હું તને તારે જ્યાં જવું છે ત્યાં સમયસર પહોંચાડી દઉં.'
યુવક દોડતા દોડતા જ ના પાડે છે કે ના મારે ક્યાંય પહોંચવાની ઉતાવળ નથી હું તો રોજ આ રીતે મારી નોકરી પતાવીને દોડીને જ ઘેર જઉં છું.
વિનોદ પૂછે છે કે 'ક્યાં નોકરી કરે છે અને કયાં રહે છે.. કેટલું દોડીને ઘેર પહોંચે છે.'
યુવક જવાબ આપે છે કે હું નોઇડામાં મેકડોનાલ્ડમાં કાઉન્ટર પર જોબ કરું છું. રાત્રે ૧૨ વાગે નોકરી પૂરી થાય એટલે રોજ દોડીને હું બરોલા વિસ્તારમાં રહું છે તે ઘેર જ જઉં છું.
(યુવક તમામ વાતચીત દોડ ચાલુ રાખીને જ કરે છે તેમ સમજવું.)
વિનોદને એમ કે પૈસા બચાવવા તે આમ કરતો હશે કેમ કે તેની નોકરીના સ્થળથી તેના ઘરનું અંતર દસ કિલોમીટર થતું હતું. તેણે યુવકનું નામ(પ્રદીપ મહેરા) પૂછીને કહ્યું કે 'હું તને તારે ઘેર ડ્રોપ કરી શકીશ તે રસ્તે જ હું જઉં છું.'
યુવકે કહ્યું : ના, હું તો ફીટ રહેવા અને મારા જીવનની એક ખ્વાઈશ પૂરી કરવા દોડું છું. નોકરી કરવા સવારે નીકળું અને રાતે બે વાગે ઘેર પહોંચું તેથી સવારના કસરત થઈ નથી શકતી. દોડી પણ નથી શકાતું. ભારતીય સેનામાં જોડાવવાનું મારું સ્વપ્ન છે. પણ તેની ફિટનેસ પરીક્ષામાં પાસ થવા અને મારી શારીરિક ક્ષમતા વધારવા આ એક જ મધરાતનો સમય અને ઉકેલ છે.'
વિનોદે પૂછયું કે 'તારા પરિવાર જોડે રહે છે.?'
યુવકે દોડતા જ જવાબ આપ્યો કે 'માતા પિતા ઉત્તરાખંડમાં રહે છે. મારી માતા બીમાર છે. (તેને આર્થિક મદદ પણ પહોંચાડવાની હોય) હું અને મારો ભાઈ કમાણી માટે દિલ્હી આવ્યા છીએે.'
વિનોદ વાતચીત સાથે વિડિયો સારી રીતે પડે તેથી તેના ડ્રાઇવરને કાર તેની ઘણી નજીક હંકારવાનું કહેતો હોય તેમ લાગે. યુવકને પણ કોઈ તેના ઉમદા હેતુમાં લાગણી સાથે નોંધ લેતું હોય તે ગમતું હોય તેમ લાગ્યું. યુવા પેઢી હવે તેને સારો ઇરાદો જણાય તો સામી વ્યક્તિને ઓળખ વગર પણ ઓડિયો કે વિડિયો રેકાર્ડિંગ કરવા દેતી હોય છે. તેઓ પણ સોશિયલ મીડિયાની હકારાત્મક ભૂમિકા સમજતા હોય છે.
યુવકે કહ્યું કે 'મારો ભાઈ તો તેની નાઈટ શિફ્ટમાંથી મારા કરતાં પણ રાત્રે ઘેર મોડો આવે છે એટલે ઘેર પહોંચીને હું અમારા બંને માટેનું ભોજન બનાવીશ.'
વિનોદે વધુ એક વખત કહ્યું કે 'ચાલ, આજનો દિવસ બેસી જા, ઘેર મૂકી જઉં.'
યુવકે આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે 'ના, દોડવાનો મારો ક્રમ તૂટે તે મને ન ગમે અને પછી મને કોઈને કોઈ વ્યક્તિની લિફ્ટ કે વાહનની ટેવ પડી જાય. મારે ભારતીય સેનામાં જોડાઈ દેશની સેવા કરવી છે.'
વિનોદે તેની પરવાનગી લઈને યુવકે દોડતા દોડતા જે વાત કરી તેની વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને ગણતરીના કલાકોમાં જ તે વાઈરલ બન્યો બે દિવસમાં ૬૦ લાખ વ્યુર્સ પર આંક પહોંચેલો.
લે. કર્નલ સતીશ દુઆએ પોસ્ટ કરીને લખ્યું 'આને કહેવાય અસલી જોશ.' તેમણે આ યુવકને લશ્કરી તાલીમ માટે તેની ઓફિસને ભલામણ પણ કરી દીધી છે. પ્રદીપને આર્થિક મદદ માટેની પોસ્ટ પણ જારી છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર પીટરસને તે પોસ્ટ તેની વોલ પર મૂકી ત્યારે અઠવાડિયાનો પહેલો દિવસ સોમવાર હતો. સામાન્ય રીતે શનિ - રવિની રજા પછી સોમવારે કામ પર ચઢવાનો ભારે કંટાળો આવતો હોય છે. પીટરસને પ્રદીપ મહેરાની નવી પેઢીને ભારે પ્રેરણા આપતી વિડિયો પોસ્ટ કરીને એક જ વાક્ય યુવાનોને આળસ ખંખેરવાની ટકોર કરતા લખ્યું કે 'આ (વિડિયો) તમારો સોમવાર ઉર્જાસભર બનાવશે.'
ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંઘ તેની પોસ્ટમાં એવો ભાવાર્થ આપતું લખ્યું કે દેશના યુવાનોએ આ યુવાન પાસેથી બોધપાઠ લેવાનો છે કે જીવન અને કારકિર્દીનું લક્ષ્ય કેવું ઊંચું રાખવું જોઈએ. જો સ્વપ્ન સાકાર કરવાની તીવ્ર તલબ હોય તો આવો જોશ જ તેમાં રેડવો પડે. જેઓ પણ જીવનમાં કંઇક પામ્યા છે તેઓની તીવ્ર ઉત્કટતા અને હતાશ થયા વગરના અવિરત પ્રયત્ન જ તેને લક્ષ્ય પ્રાપ્તિ સુધી લઈ જતા હોય છે.
ભારતમાં એવા લાખો ગરીબ કે નિમ્ન મધ્યમ વર્ગના યુવાનો છે જેઓ ડિલિવરી બોય કે અન્ય શ્રમ માંગી લેતી નોકરી કરે છે. સ્ટોરમાં કલાકો ઊભા રહીને સેલ્સ બોય કે ગર્લ થોડું કમાય લે છે. ઘર કે ઓફિસમાં ઝાડુ પોતાં પણ કરનારા છે અને રીસેપ્સન કાઉન્ટર પર બેસીને પાંચ દસ હજાર રૂપિયા કમાતા પણ છે. આવા બધા યુવાનોના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય છે. તેમના માતા અને પિતા આ રીતે જ ઓછા પગાર સાથે સવારથી નોકરી કે પાળી આધારિત કામમાં વ્યસ્ત રહે છે. બહેનો નોકરિયાત દંપતીના બાળકો સાચવે, વૃદ્ધોની કાળજી લે કે પછી રસોઈ બનાવવા જઈને કમાણીમાં યોગદાન આપે. સંતાનો, માતા અને પિતા બધાંની ભેગી થયેલી આવક સહેજે મહિનાના પચાસ હજાર પર પહોંચી જાય છે. સંતાનો આ રીતે નોકરી કરતા અભ્યાસ કરે છે કે કોઈ હુન્નર હસ્તગત કરે છે. ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટર ડિગ્રી મેળવે છે. આ સંતાનો આગળ જતાં સ્ટાર્ટ અપ કરે કે કેનેડા, ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા, અને અન્ય દેશોમાં જઈને સમગ્ર કુટુંબને આર્થિક રીતે બેઠું કરે છે.
જેમ પ્રદીપ નોઇડાથી તેના ઘર સુધી તેનું સ્વપ્ન સિધ્ધ કરવા રોજ દસ કિલોમીટર દોડે છે તેમ દેશના આવા યુવા યુવતીઓ વિદેશમાં હાડ ગાળી નાંખતી ઠંડી અને બરફના રસ્તાઓ પર પાંચ છ કિલોમીટર ચાલી ટ્રાન્સપોર્ટના ડોલર કે પાઉન્ડ બચાવી ઘેર મોકલે છે કે તેની ફી ભરે છે.
ભારતમાં તેની સામે બીજા એવા લાખો યુવાનો પણ છે જેઓ સમયનો વેડફાટ કરે છે. સામાન્ય આવક ધરાવતા માતા પિતા પાસે મોજ શોખના અને વ્યસનના પૈસા લડી ઝઘડીને માંગે છે.
વિદેશની જેમ ભારતના ગરીબ જ નહીં શ્રીમંતોના સંતાનોએ પણ જીવનમાં ઘડતર થાય તે હેતુથી કોઈપણ કામ નાનું નથી તે ભાવના સાથે શ્રમજીવીથી માંડી ઓછા પગારની નોકરી પણ અભ્યાસ કરતા કરવી જોઈએ. કોઈને કોઈ લાઈન, ધંધાનો કસબ મેળવી શકાશે. વ્યસ્ત તન મન હશે તો એક અનેરો સંતોષ યુવા જગતને ડિપ્રેશન, વ્યસન અને ગુનાખોરીથી દૂર પણ રાખશે.
આગળ જતાં ગજબનો આત્મવિશ્વાસ કેળવાશે. મફતમાં પણ કોઈ ઓફિસ કે દુકાનમાં બેસવા મળે તો પણ આંખ કાન ખુલ્લા રાખીએ તો કોઈ મોટી યુનિવર્સિટીમાં પ્રાપ્ત ન થાય તેવું જ્ઞાાન મળી શકે.
... અમેરિકામાં એક ભારતીય દંપતી ઉબર કારમાં એક જગ્યાએ જઈ રહ્યું હતું. કારનો ડ્રાઇવર યુવા વયનો ભારતીય હતો. આદતવશ દંપતીએ ડ્રાઇવર જોડે કયા રાજ્યના છો અને ભારતમાં નોકરીની તક ન મળી અને છેક અમેરિકા આવી મહેનત કરવા આવ્યા છો તેવી વાત છેડી.
યુવા ડ્રાઈવરે દંપતીના સુખદ આશ્ચર્ય વચ્ચે કહ્યું કે હું આ સ્ટેટની પ્રતિષ્ઠીત યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું પણ સાંજથી મોડી રાત સુધી ઉબર ચલાવીને કમાણી કરી લઉં છું. સમયનો સદુપયોગ થાય, ગ્રાહકના પૈસે ફરાય અને આર્થિક રીતે માતા પિતાને સહાય પણ થઈ જાય.
દેશ વિદેશમાં આવા યુવા જગતથી જ ભારત નોખું સ્થાન જમાવી રહ્યો છે.
પ્રદીપ મહેરા સૈનિક બનવા રોજ દસ કિલોમીટર દોડે છે.. બીજા લાખો યુવાનોની રફતાર પણ કંઇ કમ નથી.
'કમ ઓન ઇન્ડિયા.. હમે સોચ બદલની હૈ.. હમે દેશ બાદલના હૈ.'