- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- પ્રજાના હાથમાં સત્તા છે, નેતાના હાથમાં નહિ એ વ્યાખ્યા ભૂલાવી દેવામાં આપણા નેતાઓ કામિયાબ થયા અને રાજાશાહી જેવી વારસાઈ પણ ઠેર ઠેર આવી
આ જે ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ છે. કોલ્ડ પ્લેના લીડ સિંગર ક્રિસ માર્ટીનનું આબાદ પીઆર થયેલું છે, કારણ કે ગર્લફ્રેન્ડ અને પ્રજાસત્તાક ભારતમાં તો સૌથી વધુ જોવાય છે એવ ઈરોટિક કન્ટેન્ટમાં ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે સિરીઝની ક્વીન ડાકોટા જોન્સન સાથે એ શિવમંદિરે માળા ભગવા પહેરીને જઈ આવ્યો. આટલું જ જોઈતું હોય છે ઘેલી પબ્લિકને ! ડાકોટા જ આમ તો અપ્સરા છે એટલે આપણા મંદિરના સ્થાપત્યશિલ્પો એને આવકારે જ. પણ આપણી પ્રજા હજુ આ આઝાદી ગમાડે છે, પણ જાહેરમાં સ્વીકાર ૭૫ વર્ષે પણ શીખી નથી ને મર્યાદા, લાગણી, ધાર્મિકતાના બંધનોમાં ગૂંચવાયા કરે છે. જે પ્રજાસત્તાક યાને રિપબ્લિક હોવાનો મૂળ હેતુ નથી.
મૂળ હેતુ સમજવા માટે જરા યાદ કરાવી દઈએ. એક તો કોલ્ડપ્લેના ક્રિસે જ મુંબઈ કોન્સર્ટમાં જાહેર આભાર ભારતનો માની કહ્યું કે 'અમારા બ્રિટીશરોએ એક સમયે ભારતને ગુલામ બનાવી જે અત્યાચારો કરેલા એના લીધે અમને શરમ આવે છે, હું માફી માંગુ છું.' બ્રેવો. બધામાં આવી જાહેર કબૂલાતની, એ પણ માંગ ના હોય ને ખુદ સેલિબ્રિટી તરીકે જગવિખ્યાત હોય ત્યારે કરવાની ત્રેવડ હોતી નથી. આ ન્યુઝ બાબુલનાથ જેટલા ચગ્યા નહિ, પણ અગત્યના છે. આપણે હજુ આ નિખાલસતા, પારદર્શકતા અને સંવેદનશીલતા કેળવી શક્યા નથી કે જે કેળવવાને માટે આ દેશને રિપબ્લિક ઘોષિત કરવામાં આવેલો. પશ્ચિમના કંઈ બધું જ ગોરું ગોરું નથી, પણ પોતાની કાળાશનો ઈતિહાસ એમણે નવી પેઢીથી છુપાવ્યો નહી, એટલી વૈજ્ઞાાનિકતા, કળા ને એટલી લોકશાહી એમને પચી ગઈ.
અંગ્રેજોએ ભારતમાં કરેલા જુલમી શોષણનો ઈતિહાસ લાંબો અને પીડાદાયક છે, પણ એ નોંધવું જોઈએ કે આજનું એજ્યુકેશન, ડેમોક્રસી અને જ્યુડીશ્યલ સીસ્ટમ એ એમની દેન છે. આપણા મહાગ્રંથોમાં મહાન શૂરવીર રાજવીઓ અને ઉચ્ચ વિદ્વાન ઋષિઓની વાતો છે. પણ સામાન્ય દરિદ્ર શ્રમજીવી માણસની ગાથા કોઈએ લખી નથી. સમાજ તો ખેડૂતથી નર્સ સુધીના બધાનો બનતો હોય. પ્રજાસત્તાક સ્વરૂપ બંધારણ અપનાવી આપણે સ્વીકાર્યું તો બધા નાગરિકોને સમાન હક મળ્યા. આપણી માનસિકતા હજુ એટલી ૭૫ વર્ષે વિકસી નહિ એટલે અમલમાં ઘણા ગરબડગોટાળા છે, પણ છતાં ય આજે કોઈ પણ ગરીબ કે સાધારણ સ્ત્રી કે પુરુષને એક સધિયારો છે કે એ એની વાતનો અવાજ ઉઠાવી શકશે, અદાલતમાં જઈ ન્યાય માંગી શકશે.
પહેલા તો આટલું ય નહોતું. રાજ કરવા વંશમાં કૃષ્ણ આવે તો ધન્ય, પણ કંસ આવી જાય તો પરેશાની, એ પ્રકારનો માહોલ સદીઓ સુધી રહ્યો. શિક્ષણ પણ સર્વાંગી કે વૈજ્ઞાાનિક સમય જતા ના થયું, ઉલટું જ્ઞાાતિકેન્દ્રિત થઇ ગયું. અંગ્રેજોએ સ્કૂલિંગ શરુ કરાવ્યું એને આજે પણ ઘણા વખોડે છે, પણ એ વિના સ્ત્રીઓ કે સમાજમાં પછાત ગણાતી એવી વ્યક્તિઓને ભણવાના દરવાજા પહેલી મોટે પાયે કોઈની મહેરબાનીની યાચના વિના ખુલ્યા. રાજાઓ ને નવાબો ને પોતાનો વિસ્તાર સંભાળવાનો રહેતો. આવડો મોટો વૈવિધ્યસભર દેશ આટલા પુરા આસેતુહિમાલયા વિસ્તારમાં ૭૫ વર્ષ સુધી એક બંધારણ નીચે ચાલે, ને એક વ્યક્તિની મુન્સફી નીચે નહિ, એવું ક્યારેય અગાઉ થયું નહોતું. ના, પાંચ હજાર વર્ષ પહેલા પણ નહી. કાનૂન માનવીથી મોટો છે, અને બધા માટે સરખો છે - એ વાસ્તવનો દિલથી સ્વીકાર થાય એનું જ નામ પ્રજાસત્તાક.
પણ પ્રજામાં એક મોટો વર્ગ એવો છે, એ આ લેખ પણ વાંચતો નથી. પણ આ છાપું હાથમાં આવે તો એ પાથરીને ઠુઠવાઇને પણ ફૂટપાથ પર કે સ્ટેશનના બાંકડે સૂઈ જાય છે, એ બસ જીવ્યે જાય છે, દુનિયા મેં આયે હૈ તો જીના હી પડેગા, એ દર્દ અગર ઝહર હૈ તો પીના હી પડેગા એ એની નિયતિ છે. મતદારથી વધારે એનું બીજું કશું મહત્વ નથી.
પ્રજાના હાથમાં સત્તા છે, નેતાના હાથમાં નહિ એ વ્યાખ્યા ભૂલાવી દેવામાં આપણા નેતાઓ એટલે કામિયાબ થયા અને રાજાશાહી જેવી વારસાઈ પણ ઠેર ઠેર આવી (જગતની સૌથી મોટી લોકશાહીના પહેલા ૫૦માંથી ૪૦ વર્ષો તો 'રાજા' નહેરુજી અને તેમના બે સીધી લીટીના વારસદારો જ રાજ કરી ગયા હતા!) કે આપણી પ્રજાને જ પોતાના હક માટે જાગૃત થઈને એક અવાજ ઉઠાવવાને બદલે જીહજૂરી કરીને ડરીને લળીલળીને રહેવું કોઠે પડી ગયું છે. કોઈને સરળ સહજ રહેવું હોય હોદ્દો કે લોકપ્રિયતા મેળવીને તો પણ લોકો જ એમનો મેળ પાડવા દે એમ નથી. પ્રજા જેટલી શિક્ષિત અને જાગૃત હોય એવી સરકાર એટલી જ સક્ષમ બને. અહીં તો એવું થયું છે કે નાગરિકહિતમાં અવાજ ઉઠાવો તો પોતપોતાના પક્ષના ફોલ્ડરિયા એવા ડિજીટલડેવિલ્સ ઉલટા તમને દેશદ્રોહી કહીને કરડવા દોડે !
છતાં ૭૫ વર્ષ આપણે પ્રજાસત્તાક ઢાંચામાં ટકી ગયા એ જેવી તેવી વાત નથી. અગાઉ ભારત આંતરિક વિભાજન અને સમય મુજબ નવું શીખી અપગ્રેડ થઇ પરિવર્તન સ્વીકારવાના અભાવને લીધે બહારથી આવેલા આક્રમણકારીઓનું ગુલામ બન્યું એ જગજાહેર છે, પણ 'ચરખે સે આઝાદી નહિ આઈ થી'નો કર્કશ કાગડાપાઠ કરનારા સ્વાતંત્ર્યનો ઈતિહાસ ફોરવર્ડ થતા મેન્યુફેકચર્ડ ગપ્પાથી ભણતા હોય છે. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ પણ એક ભારત માટે નહોતો, બધા પોતપોતાની જમીન ને સિંહાસન પરત મેળવવા માટે એકઠા થયેલા. ગઠબંધન હતું, પણ સંગઠ્ઠન એક દેશ, એક પ્રજા માટે નહોતું. ગાંધીજીએ કેવી રીતે ઉમદા પ્રતિભાઓ એકઠી કરીને ( સરદાર કે શાસ્ત્રી, જયપ્રકાશ કે મુનશી બધા ગાંધીને લીધે તો આ ચળવળમાં સક્રિય હતા. એમની સાથેના મતભેદ છતાં આંબેડકર આઝાદી પછી કે સુભાષબાબુને આઝાદી પહેલા સાથે ભારતના હિતમાં રાખવા જેટલી ધરી પણ ગાંધીની નેકીને લીધે હતી !) પ્રજાસત્તાક ભારત એમાંથી બનાવ્યું એ તો વર્ષો પહેલા લખ્યું છે.
આજે તો એ સમજી લઈએ કે ૭૫ વર્ષમાં સરકારોમાં શું મળ્યું ને શું ખોયું ! જે બહુ થોડા સમય માટે રહ્યા એવા ચરણસિંહો ને ચંદ્રશેખરો, ગુજરાલો ને દેવગોવડાઓની વાત નથી. એ તો સરકારના નામે બેકાર મજાકો હતી. પણ એ સિવાય આખું પુસ્તક થાય એવા વિષયમાં આજની રીલ જનરેશન માટે ક્વિક પ્લસમાઈનસ જોઈ લઈએ. ડોન્ટ વરી મોટી તવારીખ નહિ, મુખ્ય સ્કોર. હિટ્સ એન્ડ વિકેટ્સ.
પહેલી ચૂંટાયેલી સરકાર નેહરુની ઓલમોસ્ટ ત્રણ પૂરી મુદત ચાલી. ભલે નેહરુને ગાળો દેવું ફેશન ગણાતી હોય પણ દરેક સરકારોએ દેશને પ્રજાસત્તાકના ૭૫ વર્ષ સુધી પહોચાડવા કૈંક યોગદાન આપતું કામ તો કર્યું છે. નેહરુની સમાજવાદી અર્થનીતિ મજબૂરી પણ હતી કે કારણ કે તાજો આઝાદ દેશ એક રીતે ખોખલો હતો. સરકાર સહાય ના કરે તો કેટલાય નાગરિકોનું અસ્તિત્વ જ ના રહે એવી હાલત હતી. એમાં લશ્કરથી લઈને રેલ્વે સુધીનું અંગ્રેજોએ સ્થાપેલું તંત્ર નેહરુના સમયમાં ધીરે ધીરે સ્વદેશી કરવામાં આવ્યું. આપણો દેશ એક થયો એ રેલ્વેએ પહેલા બનાવ્યો. બાકી સાવ અલગ અલગ ભાષા ને કલ્ચર હતા ને રોડ તો પછી ફેલાતા ગયા. નેહરુનો સાયન્ટીફિક મિજાજ આજે પણ કામ આવે છે. ભલે ગૌમૂત્રના વખાણ કરતા કે બાબા બની જતા આવે, પણ આઈઆઈટી કે આઈઆઈએમ જેવી અનેક એકેડેમિક સંસ્થાઓના પાયા ભારતમાં નખાયા. એમના રોમેન્ટિક રસિક નેચરને લીધે ભારતમાં ફિલ્મો, ચિત્રો, સંગીત, સાહિત્ય વગેરે કળાને સરકારનું સમર્થન મળતું થયું. મોટા ડેમ ને સિંચાઈ ને એવા જ ઉત્પાદનો શરુ થયા. જીવન અને સંસારમાં આધુનિકતા લઇ આવતા કાયદાઓ રચાયા. ભાગલાના જખમ તાજા હતા તો એને રૂઝ આપતી સામાજિક પહેલ થઇ એખલાસની. એવી રૂઝ જે દેશો કેળવી ના શકાય એવા પાડોશીઓની આજે પણ હાલત જુઓ છૂટા પડીને ! ઈસરો કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર કે ભેલ કે રો બધું એ સમયે તો શરુ થયું. દુનિયા ભારતની નોંધ લેતી થઇ વિદેશોમાં શાંતિની વાતને લીધે.
નેહરુ સરકારની ખામી જો કે સેક્યુલર આદર્શોનું ધીરે ધીરે તુષ્ટિકરણની હદે અતિરેક તો ખરો જ. પણ વિદેશની મૈત્રીમાં સજાગ કૂટનીતિનો અભાવ. ચીન ને કાશ્મીર બાબતે ગાફેલ રહી કરેલી ભયંકર ભૂલો. હિંદુ કોડ બિલ વખતે જ બધા ધર્મો માટે યુનિફોર્મ સિવિલ કોડ ના લઇ આવવાની બેદરકાર ગફલત. આર્થિક નીતિમાં આવતીકાલના એંધાણ પરખવા બાબતે ઉદાસીનતાને લીધે ઉદ્યોગપતિઓનો વિકાસને બદલે લાયસન્સરાજમાં કાયમી રકાસ થયો એ.
પછી લાલબહાદૂર શાસ્ત્રીની સરકારમાં જય જવાન જાય કિસાન થયું એ મોટી કામગીરી. જયારે વિયેતનામ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે આપણી તટસ્થ નીતિની વિરુદ્ધમાં અમેરિકી પ્રમુખ લિન્ડન જોહન્સને આપણને મળતી અનાજની સહાય અટકાવી દીધેલી. એ સમયના અખબારી લેખો કે નિવેદનો વાચો તો ખ્યાલ આવે કે, ઉધાર અનાજ નહીં મળે તો ભારત કેવું ભૂખે મરશે તેની કેવી ચિંતા પ્રગટ કરવામાં આવેલી ! નિષ્ણાતોએ સ્પષ્ટપણે કહેલું કે ભારત ક્યારેય પર્યાપ્ત અન્નઉત્પાદન કરી આત્મનિર્ભર બની શકશે નહીં અને આયાત કરવા માટે વિદેશી હૂંડિયામણ પણ નહીં હોય. સદ્ભાગ્યે, એ બધા ખોટા સાબિત થયા છે. ભારત 'સરપ્લસ' વધે તેટલા પ્રચૂર પ્રમાણમાં અનાજનું આજે ઉત્પાદન કરે છે. ૧૯૬૫ના યુદ્ધમાં આપણે પાકિસ્તાનને હરાવી ટ્રેન્ડ સેટ કરી લીધો કે બડા કૌન હૈ. માઈનસ પોઈન્ટ એ કે શાસ્ત્રીજી ઈમાનદાર ખરા પણ સાવ સાદા. દેશના સર્વોચ્ચ શાસકને તો કળાથી વિજ્ઞાાન બધું સમજાવું જોઈએ. સિમલા કરારની જેમ જ તાશ્કંદ કરારમાં એક તક આપણે મોટી ખોઈ અને વડાપ્રધાનને પણ ખોયા એ કમનસીબ.
ઇન્દિરાના આગમન સમયે તો કોંગ્રેસનું જ નામું નખાઇ ગયું. આજની કોંગ્રેસ એ તો કોંગ્રેસ (આઈ) છે. પણ ઇન્દિરા કંગનાની કંડમ ફિલ્મ એમને સમજવામાં ટૂંકી પડે એવા બાહોશ લીડર. બાંગ્લાદેશ બનાવીને કાયમ માટે પાકિસ્તાનને દૂઝતો જખમ આપ્યો. રજવાડા-રિયાસતોના સાલિયાણા બંધ કર્યા અને બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. શ્વેત ક્રાંતિ થઇ દૂધ માટેની. લોકોને બેઉ બાબતોમાં પ્રજાની સત્તા બુલંદ થતી લાગી. ગરીબી હટાવોનો નારો મળ્યો પણ ગરીબો વધી ગયા. છતાં લોખંડી શાસનને લીધે રશિયાની મૈત્રી મળી ને દક્ષિણ એશિયામાં ભારત વિરાટ થતું ગયું. કટોકટીમાં શિસ્તનો સ્વાદ જનતાને મળ્યો અને નસબંધી અન્યાયી રીતે થઇ પણ ઝુંપડપટ્ટી કે વસતિવધારા બાબતે બધી સરકારોએ એક્શન પ્લાન તો કરવો જ પડે એ જાગૃતિ ત્યારે મોઢે તાળું મારી દેવાયેલા મીડિયા થકી આવી. સંજય ગાંધીએ મારુતિનું પછી સાકાર થયેલું સપનું જોયું. ભિંદરાનવાલે હોય કે મકબૂલ બટ - ત્રાસવાદીઓને રોકડો જવાબ દેવો એ ઇન્દિરા ગાંધીની સરકારનું નક્કર યોગદાન.
પણ મોટી ખોટ એ પડી કે ભ્રષ્ટાચાર બેશરમ થઈને મુખ્ય ધારામાં આવી ગયો. બેફામ બનેલો એ જીન હજુ બાટલીમાં ના આવ્યો. રાજકારણમાં દેખાડા પૂરતા પણ રહેલા સિદ્ધાંત નેવે મૂકાઈ ગયા અને વેરઝેર કે તડજોડનું રાજકારણ શરુ થતા રાજ્યોના તેજસ્વી નેતાઓ પણ રહ્યા નહિ. પોતે તાંત્રિકો ને ગુરુ સાથે બેસતા હોવા છતાં સેક્યુલારિઝ્મ સ્યુડો થયું ને લઘુમતી મતોના રાજકારણે ન્યાયને નબળો બનાવી નાખતા બહુમતી હિંદુઓમાં સીધો અસંતોષ થયો.
મોરારજીભાઈની સરકારે લોકો હક માટે એક બને તો ગમે તે શાસકને ગમે તેટલી સત્તા છતાં પરસેવો વળી જાય એનો અહેસાસ કરાવ્યો અને સોંઘવારીનો પહેલો ને છેલ્લો સ્વાદ ચખાડયો એ સિદ્ધિ. પણ દાણચોરીએ માઝા મૂકતા માફિયા અન્ડરવર્લ્ડના પગપેસારા થયા અને સંયુક્ત સરકારો ભારતમાં વહીવટ ધીમો કરે છે સત્ય પ્રત્યક્ષ થયું એ મર્યાદા. રાજીવ ગાંધીએ દૂરદર્શન જેવા સરકારી માધ્યમોમાં આકર્ષક કન્ટેન્ટ સાથે ટીવી યુગ શરુ કર્યો. કોમ્પ્યુટર માટે ભારતને તૈયાર કર્યું અને નવી પેઢીને ખેલકૂદથી ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રે નવો ઉત્સાહ આંતરરાષ્ટ્રીય સ્તરનો આપ્યો એ મોટી વાત. પણ કૌભાંડોમાં આબરૂ ગઈ ને રાજકીય પક્કડના અભાવે વામણા નેતાઓ સક્રિય થયા. ત્રાસવાદ સાથે ગુંડાગીરી રાજકારણમાં શરુ થઇ.
વી.પી. સિંહે ત્રાસવાદ સામે ઝૂકીને કાયમ માટે કાશ્મીર લોહિયાળ કરી નાખ્યું અને અનામતના રાજકારણમાં દેશને કાયમ માટે ધકેલી મુક્યો એ નુકસાન પહેલા મુકો તો પણ એક યોગદાન એમનું એ કે સામાજિક વિષમતાને લીધે રાજકારણમાં જે પ્રાદેશિક નેતાઓ સાઈડમાં રહેતા હતા એ મજબૂત થયા ને એ રીતે હમેશ માટે સામાજિક ન્યાયના આંદોલનો મજબૂત થયા. નરસિંહરાવની સિદ્ધિ તો દેખીતી છે, ભારતના અભૂતપૂર્વ આર્થિક સુધારા જેની દિશા કોઈ પછી ફેરવી ના શક્યું. ઓછી દેખાતી સિદ્ધિ ભારતના ફ્રેબ્રિકને ક્રોની કેપિટાલિઝ્મ છતાં જાળવીને દેશને બ્રાન્ડિંગવાળા યુવા મનોરંજનના બજાર માટે હોશિયાર કર્યો અને મનમોહનસિંહ જેવી પ્રતિભાઓનો લાભ લીધો એ. બાબરી ઢાંચા ધ્વંસ પછીના માહોલને સિફતથી વિસારે પાડયો એ. નબળાઈ એ કે માર્કેટિંગ માટે બીજાને મદદ થાય એવા નિર્ણય લેનાર પોતે સાવ નબળા માર્કેટિંગ બાબતે, વિદ્વાન છતાં ભૂલાઈ ગયા ને એ સમયે શિક્ષણ અને પોલીસ ને ન્યાયમાં જે શિથિલતા શરુ થઇ એ ગઈ નહિ.
અટલબિહારી વાજપેયીએ દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની મોટી પહેલ કરી, આપણા વારસા બાબતે ગૌરવની સાંસ્કૃતિક ચેતના જગાડી કારગિલ ને પોખરણ ટુ બાદ એક તબક્કે ઐતિહાસિક રીતે ભારત પાકિસ્તાનના સરહદી પ્રશ્નો ઉકેલવાની નજીક પહોંચ્યા અને એ સમયે પ્રાઈવેટ મીડિયા ને એમણે સરકારી દખલ વિના વિશાળ થવા દીધું અને સૌહાર્દનું રાજકારણ જમાવ્યું. મર્યાદા એ રહી કે લોકપ્રિય હોવા છતાં સંયુક્ત સરકારમાં કાયમ ઝૂકેલા જ રહ્યા. જે નિર્ણયો લીધા એના ફળ લોકો સુધી ના પહોંચ્યા ને અપેક્ષા જેટલા અસરકારક ના રહ્યા વહીવટમાં પક્ષમાં પણ નેતૃત્વ બાબતે ખેંચતાણ શરુ થઇ.
મનમોહનસિંહના સમયમાં જ આજે જે દેશ જલસા કરે છે, એ વિકાસ શરુ થયો. ડિજીટલ ક્રાંતિમાં દેશ મજબૂત થયો. દુનિયા સાથે આપણો સંપર્ક ને વહેવાર વધતો ગયો. ટેકનોલોજી ને શહેરીકરણમાં નવો યુગ આવ્યો. આરટીઆઈ, મનરેગા, અણુકરાર, આધારનો આરમ્ભ, વેપારમાં વિકાસ... ઘણા કામ પહેલી મુદતમાં સારા થયા. બીજામાં ખટપટ વધી અને મોટી નબળાઈ બહાર આવી કે એમની પાસે જનાધાર જ નથી ને વકતૃત્વશક્તિ મુદ્દલ નથી એટલે કોઈ આભા નથી તંત્ર પાસેથી કામ લેતી. ત્રાસવાદ ને ભ્રષ્ટાચાર લિમિટ લેસ થયો અને રાજકીય રીતે એ દેશ કે પરદેશ કશું હેન્ડલ ના કરી શક્યા.
એન્ટર નરેન્દ્ર મોદી. સિદ્ધિઓ બાબતે તો એ પણ સ્વાધીન છે લોકો સુધી ઢોલ વગાડવામાં ને ૩૭૦થી રામમંદિર, જીએસટીનું સફળ અમલીકરણ, જબરદસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ, ડીજીટલ ગર્વનન્સ, સ્પોર્ટ્સથી ઈવેન્ટ્સ બધું ગ્રાન્ડ થયું. કોવિડ ને ઈન્ટરનેટ બધું મેનેજ થયું. ખાસ તો ભારતનું અદ્ભુત ગ્લોબલ બ્રાન્ડ પોઝિશન થયું ને સ્થિરતા આવી રાજકીય રીતે. સનાતન બાબતે ગૌરવ વધ્યું. ગાબડા એ પડયા કે કેન્દ્રીકરણના અતિરેકમાં રાજકીય રીતે નવી પ્રતિભાઓ સ્થાનિક સ્તરે નિર્ણય લે એ ઘટતું ગયું. જે અંધશ્રદ્ધા સામે લડવાનું હતું એ તાલિબાનના નકલ કરતા સાઈબરહિંદુઓ વધી જતા સનાતનના નામે વિજ્ઞાાન, આધુનિકતા અને શિક્ષણનો ભોગ લે એમ વધવા લાગી છે અને સંકુચિત સેન્સરશિપની વાતો વધવા લાગી છે. ભ્રષ્ટાચાર તો ઘટયો નથી. નોટબંધીના ધાર્યા ફળ ના મળ્યા. તેજસ્વી યુવાઓ અને સંપન્ન ઉદ્યોગપતિઓ ગુપચુપ દેશ છોડવા લાગ્યા. મીડિયા ચિડિયા થતું ગયું ને અભિવ્યક્તિની આઝાદી બાબતે ઉધામા કરતા લુખ્ખાઓને ડર ના રહ્યો. લીગલ સેક્ટર હોય કે પોલીસ કે એજ્યુકેશન બધે જ ઓરીજીનલ અવાજ ધરાવતા મજબૂત તેજસ્વી માણસો ઘટયા જેનું નવું રિપ્લેસમેન્ટ એટલું નથી થયું.
મૂળ તો એ વાત છે કે ઈલેકશન દ્વારા શાસનમાં હોય એ સત્તા ગુમાવે ને એને લીધે એના પર લોકોનો ડર રહે એ પ્રજાસત્તાક મોડલ આગલા કોઈ અનુભવ વિના આપણે ટકાવ્યું, અને એટલે આ બધી સરકારો બદલાતી રહી નેતાઓના મૃત્યુ સિવાય પણ. ચીઅર્સ ટુ સેલિબ્રેટ !
ફાસ્ટ ફોરવર્ડ
'ભારતમાં ઇટાલીની માફક દરેક પુરુષ મોજમાં આવે તો ગાયક છે અને દરેક સ્ત્રી નૃત્યાંગના ! અહીં ફૂડ એ શરીરમાં સમાતું સંગીત છે ને સંગીત દિલમાં રહેતું ફૂડ છે. અહી દરેક નાગરિક અંદરથી કલાકાર છે, સર્જક છે !'
- ગ્રેગરી ડેવિડ રોબર્ટસ


