Get The App

ટનલનું પાણી બૂલેટ ટ્રેન માટે જોખમી

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
ટનલનું પાણી બૂલેટ ટ્રેન માટે જોખમી 1 - image

- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી

- બૂલેટ ટ્રેન જે નદીઓ પર પસાર થવાની છે તેના પર ખાસ પ્રકારના સેન્સર મીટર લાગશે. ગરમી, પાણી અને પવનની લાઈવ વિગતો કંટ્રોલ રૂમને મળતી રહેશે

બુ લેટ ટ્રેઇન માટે લોકોમાં ઉત્સુકતા વધતી જાય છે. વીસનગર ખાતે જાપાનના એન્જિનિયર્સ બુલેટ ટ્રેઇનનો નકશો તૈયાર કરી રહી છે. ૩૫૦ની સ્પીડે ભાગી શકે એવી બુલેટ ટ્રેનના ટ્રેક જમીનથી ૧૫-૧૬ મીટર ઊંચાઈએ હશે.

આટલી ઉંચાઈએ પવનનો ડ્રેગ પણ લાગશે. વળી દક્ષિણ ગુજરાતનાં ચોમાસા અને ચક્રવાત કે વાવાઝોડા સામે બુલેટ ટ્રેઇન કેવી રીતે ચાલશે? એ પ્રશ્ન લોકોને મુંઝવી રહ્યો છે. એટલે જ ૮૦ જેટલા જાપાનીસ ઈજનેરો દિવસ રાત બધી ગણતરી કરી સફર સલામત રહે એ માટે ડિઝાઇન તૈયાર કરી રહ્યાં છે.

અમદાવાદથી મુંબઈ વચ્ચે ૫૦૮ કિ.મી.નું અંતર કાપતા બુલેટ ટ્રેઇન એ તોફાની પવનો અને ઉનાળામાં વધતાં તાપમાનનો સામનો કરવો પડશે. ટ્રેન જ્યારે ૨૫૦-૩૦૦ની સ્પીડે પાટા પર ગરમીમાં દોડે ત્યારે પાટા અથવા ટ્રેકનું તાપમાન ૫૦થી ૬૫ ડિગ્રી થઈ જશે. તાપમાન સામે સેફ્ટી રૂપે દર ૧૦૦ કિ.મીટરે સેન્સર લગાડવામાં આવશે જે ટ્રેકના તાપમાન નોંધીને તાપમાન ૬૫ સુધી પહોંચતા ટ્રેનને અટકાવી દેશે.

બુલેટ ટ્રેનને હવાનો અવરોધ પણ લાગશે. જેને માટે ગુજરાતની ૮ નદીઓ ઉપર હવાની સ્પીડ માપનારા મીટર લગાડવામાં આવશે. હવાની સ્પીડ ૩૦ કિ.મીટરથી વધશે તો કન્ટ્રોલ રૂમ (સાબરમતી)માં ઘંટડી વાગશે અને ટ્રેઇનને ઊભી રાખવામાં આવશે. વળી હવાની ઝડપ ૨૦ કિ.મીટરથી વધશે તો ટ્રેઇનની ઝડપ ૫૦ ટકા ઘટાડવામાં આવશે. જેટલો પવનનો મારો ઓછો એટલી ટ્રેઇન સલામત રહી શકશે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૮૦થી ૧૦૦ ઈંચ જેટલો વરસાદ પડે છે. ટ્રેઇન તો ૧૫ મીટરની ઉંચાઈએ હશે એટલે પાણી ભરાવાનો પ્રશ્ન નથી. છતાં ટ્રેઇન તો ટનલમાં પણ દાખલ થઈને દોડશે એટલે પાણીનું લેવલ ચકાસવું પડશે. આ માટે ટનેલના બન્ને છેડે ૬ જગાએ સેન્સર લગાડવામાં આવશે. આમ ગરમી, પવન અને પાણી સામે મુસાફરી સુરક્ષિત રહેશે.

અમદાવાદથી મુંબઈ હવે તમે ૨ કલાક ૭ મિનિટમાં પહોંચશો. એક ટ્રેન ૪ સ્ટેશન કરશે જ્યારે બીજી ૯ સ્ટેશનો કરશે. દિવસમાં ૩૫ ટ્રીપ એક તરફ અને ૩૫ ટ્રીપ બીજી તરફ કરતાં તમને ૧૫-૨૦ મિનિટે મુંબઈ સુધીની ટ્રીપ મળશે.

આ ટ્રેઇન ૭ કિ.મી.નો પ્રવાસ દરિયાની નીચે બનાવવામાં આવેલી ટનલમાં કરશે. ૨૦૨૩માં જે ટ્રેઇન આપણને મળવાની હતી તે ટ્રેઇનનું આગમન કોવિડને કારણે અને મહારાષ્ટ્રની જમીન સંપાદનની લંબાયેલી પ્રક્રિયાને કારણે મોડું થયું છે. ભારતીય રેલ્વેને વિશ્વાસ છે કે ૨૦૨૬ના જૂન-જુલાઈમાં આ ટ્રેઇન ચાલુ થશે.

બુલેટ ટ્રેઇનને કારણે નવી નોકરી ઊભી થશે, ટુરિઝમ વધશે અને વેપારની તકો પણ વધશે. મુંબઈનો માલ સવારે આંગડિયાને ઓર્ડર કરો ને સાંજે આવી જશે. ૨૦૨૬માં પ્રથમ આ ટ્રેન ગુજરાતમાં સુરત-બિલિમોરા વચ્ચે દોડશે. અમદાવાદ-મુંબઈનો સ્ટ્રેચ ૨૦૨૮માં શરૂ થશે. આ બાબતે ઝડપથી કામ ચાલી રહ્યું છે.

સાબરમતીથી ઉપડેલી ટ્રેઇનનું અંતિમ સ્ટેશન બ્રાન્દા કોમ્પ્લેક્ષ હશે. બુલેટ ટ્રેઇનના બધાં જ ડબ્બા, એન્જિન ઈમ્પોર્ટેડ હશે. ગાદીવાળી તેની લકઝુરીયસ સીટ સામે નાસ્તા-પાણી તેમજ ઓફિસવર્ક માટે ફોલ્ડિંગ ટેબલ હશે. સામે સ્ક્રીન પર પસાર થતાં સ્ટેશન અને સ્પીડ પણ જોઈ શકાશે. ટિકિટ એરફેરથી ઓછી અને ફર્સ્ટકલાસથી દોઢી હોઇ શકે છે જે ફિગર ૩૦૦૦ રૂ.ની આસપાસ હશે.