- સરદાર @150-હસિત મહેતા
- તમો લખો છો કે અમારે દેવું છે. તો તમારે દેવું એ અમારે જ દેવું છે એમ હું સમજું છું. એટલે તમારે કોનું કોનું અને કેટલું કેટલું દેવું છે, તે મને તાકીદે લખી જણાવશો, તો હું બનતી ત્વરાએ તેમાંથી તમને મુક્ત કરીશ, કે જેથી તમારે દુ:ખમાંથી છૂટા થવાય.'
આ મ જોવા જઈએ તો વલ્લભભાઈના આખા જીવનના મુખ્યત્વે ત્રણ ખંડ. કૌટુંબિક, શિક્ષણાત્મક અને રાષ્ટ્રીયજીવન. પણ પાછલા બંને ખંડનું, શિક્ષણ અને દેશજીવનના મજબૂત પાયા માટેનું બીજરોપણ તો શરૂશરૂના કૌટુંબિક જીવનથી જ થયેલું છે. અર્થાત્ વલ્લભભાઈ પટેલ દેશના સરદાર બન્યાં તેના દશકાઓ પહેલેથી પહેલી હરોળના પારિવારીક સૈનિક કે સેનાપતિ થઈ ચૂક્યા હતા. તેમને મળેલાં ગૌરવભર્યા સરદારના બિરુદને અને સરદાર પટેલના લોખંડી વ્યક્તિત્વને ઘડનારા કૌટુંબિક સંબંધો, પ્રવાહો અને ઉથલપાથલોને જાણીએ, તો સમજીએ કે કેવી રીતે ગામડાનો એક હાડોહાડ ખેડૂ દેશનો ઘડવૈયો કે ગાંધીનો જાગતો સેવક બની શક્યો.
વલ્લભભાઈએ બાળપણથી જીવનના અંત સુધી પોતાના પરિવારજનો માટે મૂંગા મોઢાની ફનાગીરી અને વડીલગીરી દાખવી છે. તેમની ગોધરા વકીલાત ચાલતી, ત્યારે ૧૬-૩-૧૯૦૧ના મોટાભાઈ નરસિંહભાઈને લખેલાં એક પત્રમાં તેઓ પ્લેગના જોર વચ્ચે પોતાના ઘર તરફની લાગણી વ્યક્ત કર્યા વગર રહી શક્યા નથી. બોરસદ વકીલાતકાળે ૧૫-૧-૧૯૦૪ના પત્રમાં તેમણે નરસિંહભાઈને લખ્યું છે કે 'તમો લખો છો કે અમારે દેવું છે. તો તમારે દેવું એ અમારે જ દેવું છે એમ હું સમજું છું. એટલે તમારે કોનું કોનું અને કેટલું કેટલું દેવું છે, તે મને તાકીદે લખી જણાવશો, તો હું બનતી ત્વરાએ તેમાંથી તમને મુક્ત કરીશ, કે જેથી તમારે દુ:ખમાંથી છૂટા થવાય.' ઈ.સ.૧૯૩૮માં મુંબઈની હાઈકોર્ટમાં વિઠ્ઠલભાઈ પટેલના વસિયતનામા વિશે વિવાદ ચાલતો હતો, ત્યારે વલ્લભભાઈએ આખા કુટુંબ તરફથી છાપાજોગ જાહેર નિવેદન બહાર પાડેલું કે 'એ રકમમાંથી (વિઠ્ઠલભાઈની મિલકતમાંથી) એક પાઈ પણ અમારે લેવી નથી, પણ હિંદુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે એ રકમ વાપરવા માટે 'વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ' નામનું એક જાહેર ટ્રસ્ટ કરવું.'
આ મામલો ત્યારે એક લાખ વીસ હજાર જેટલી જંગી રકમનો હતો. જે આજની ગણતરીએ તો કરોડો થાય. છતાં પોતાના બધાં જ ભાઈભાંડુઓ તરફથી તેઓ આવી મોટી રકમની મિલકતનો કાણીયો પૈસો પણ પરિવારમાં નહીં, રાષ્ટ્રસેવામાં સમર્પિત કરવાનો નિર્ણય જાહેર કરી શક્યા. આ પછવાડે તેમની ઉપર પરિવારનો વિશ્વાસ અને આદર નહીં, તો બીજું શું? વલ્લભભાઈ પોતાના એકમાત્ર અને સૌથી નાના બહેન ડાહીબા પ્રત્યે પણ ખૂબ જ સંવેદનશીલ અને હેતથી ભર્યા ભર્યા હતા. તેઓ ઘણીવાર એવું બોલતાં કે 'ડાહીબાએ તો પોતાના નામને શોભાવ્યું છે.' ભરજુવાનીમાં જીવલેણ રોગ લાગવાથી ચાલી નીકળેલાં ડાહીબાને તેઓ જીવનના અંત લગી ભૂલી શક્યા ન હતા. સરવાળે એટલી વાત નોંધનીય કે વલ્લભભાઈએ કૌટુંબિક જીવનમાં પ્રેમ, ફરજ અને ફનાગીરી માટે કદી પાછી પાની કરી નહોતી.
આપણે જાણીએ છીએ કે તેમણે બોરસદ કોર્ટમાં પોતાની ચાલી રહેલી દલીલો ચાલવા દઈને પત્નીઅવસાનસંદેશ જેવી કારમી ઘટનાને ગજવે ઘાલી દીધી હતી. આવું હોય? અંગ્રેજ જજ તો સિવિલાઈઝ મેનરવાળા, વર્તનવ્યવહારે ઘણાં વિવેકી અને બોલવેચાલવે મૃદુ ગણાતાં હતા. ધારીએ કે વલ્લભભાઈએ જજ સાહેબને એ યમસંદેશની માહિતી આપી હોત તો કેસમાં મુદતનો અટકાવ અશક્ય હશે? છતાં, છતાં વલ્લભભાઈની આ કઠણકાળજા સરીખી, પત્ની અવસાનના કારમા ડૂમાને દબાવી દેતી, અસીલને જીતાડવા લગ્નજીવનની હારને કાબૂમાં રાખનારી ઘટના જાડી રીતે જોઈએ તો જડ લાગે, પણ ઝીણી નજરે નિહાળતાં અડગતા, કર્મઠતા કે પરિપક્વતાનું ઉત્તુંગ શિખર લાગે.
એ દિવસ હતો ઈ.સ.૧૯૦૯ની અગિયારમી જાન્યુઆરીનો. એ સમય હતો બપોરે બે વાગ્યાનો. એ સ્થળ હતું આણંદની કોર્ટનું. એ ચબરખી હતી પત્ની ઝવેરબાના અવસાનના અરજન્ટ તારની. જ્યારે વલ્લભભાઈના ૧૭ વર્ષની ગણત્રીવાળા, પરંતુ માંડ ચારેક વર્ષના જ સહજીવનવાળા લગ્નજીવનનો અંત આવ્યો હતો. ઝવેરબા જેવા સ્વભાવે હતા તેવી જ શાંત રીતે, મૂંગા મોઢે ચાલી નીકળ્યાં. ઘર-વતન-પરિવારથી માઈલો દૂર, મુંબઈની અસ્પતાલમાં તેમણે જ્યારે જીવનમરણની લડતમાં હાર ખાધી ત્યારે તેમની પાસે વર કે માબાપ,કોઈ જ નહોતાં. આમેય એ સમય, એ જમાનો, એ પાટીદારી રીતરિવાજો, માનમોભાના વાણીવ્યવહારો વચ્ચે સાવ નરમ સ્વભાવના ઝવેરબા પોતાનો અવાજ ક્યાં કશે પહોંચાડી શકે તેમ હતા?
પેલી તરફ વલ્લભભાઈએ કોર્ટવચાળે પોતાના આંસુઓ આંખને જ પીવડાવી દીધા હશે. શોકનો લાવા હૈયામાં દબાવી દીધો હશે. ઝવેરબાની મૃત્યુશય્યા પડખે પોતાની ગેરહાજરીના ખંજર એમના હૃદયમાં ભોંકાયા હશે. કુમળા બાળકોના ભવિષ્યની ભૂતાવળોએ તેમની ઉંઘ હરામ કરી દીધી હશે. આ બધી જો-તોની કલ્પનાઓને વાસ્તવિક્તાઓનો પૂરતો આધાર પણ છે.
પત્નીના અકાળે થયેલાં અવસાનની હૃદયમાં ધરબી રાખેલી વ્યથા માટે તેમણે જીવનભર હરફ ઉચ્ચાર્યો નથી. વર્ષો પહેલાં મૌલાના શૌકતઅલીએ વલ્લભભાઈને માટે લખેલાં શબ્દો આ જ ઘટના વખતે ચરિતાર્થ થતાં લાગે છે, અને બોરસદ કોર્ટમાં પત્નીઅવસાન સંદેશને ગજવે ઘાલી દેતાં વલ્લભભાઈના વ્યક્તિત્વમાં બરફ અને જ્વાળામુખીનું સાગમટે દર્શન થાય છે, જે વલ્લભભાઈ માટે મૌલાનાએ કહેલાં શબ્દો 'બરફથી છવાયેલાં જ્વાળામુખી' કહેવાં આપણને પણ પ્રેરે છે.


