Get The App

રાજરાજેશ્વર શ્રીહરિ : શૃંગારરસના સ્વામી અને વૈરાગ્યભાવના દાતા

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
રાજરાજેશ્વર શ્રીહરિ : શૃંગારરસના સ્વામી અને વૈરાગ્યભાવના દાતા 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- સારું જીવન જીવવા માટે ધન ઉપરાંત મનની શાંતિ, સ્વસ્થ શરીર, સામાજિક પ્રતિષ્ઠા અને સાનુકૂળ વાતાવરણ પણ એટલું જરૂરી છે

વૈ ષ્ણવ ઉપાસનાનું એક અભિન્ન અંગ એવા શ્રીવિષ્ણુસહસ્રનામ સ્તોત્ર અંગે માંડેલી ગોષ્ઠિમાં આગળ વધીએ. ભગવાન શ્રીહરિ સ્વયં શૃંગારપ્રિય છે, અલંકૃત છે, રાજાધિરાજ છે પરંતુ વૈરાગ્યદાતા છે. ભગવાન નારાયણનો સદેહે સાક્ષાત્કાર કરનારા સિદ્ધપુરુષ ઓમ સ્વામીએ જણાવ્યું હતું કે 'દેવી માની ઉપાસના થકી સાંસારિક ઐશ્વર્ય, સમૃદ્ધિ, અંતરમનની નિર્મળતા પ્રાપ્ત થાય છે; અને ભગવાન વિષ્ણુની ભક્તિ પરમ વૈરાગ્ય અને અસીમ શાંતિનું વરદાન મળે છે.'

આનો અર્થ એવો પણ નથી કે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તનું સઘળું ઐશ્વર્ય છીનવી લઈને એમને વૈરાગ્ય આપે છે. ખરેખર તો એ ભુક્તિ અને મુક્તિદાતા છે. પોતાના ભક્તને ઐશ્વર્ય આપવું એ એમનું કાર્ય છે. એટલું ખરું કે ભગવાન વિષ્ણુની ઉપાસનામાં પરીક્ષાઓનો સામનો પણ કરવો પડે છે. નરસિંહ મહેતાના ઉદાહરણથી શરૂ કરીને મીરાબાઈ સુધીનાં અગણિત એવા જીવનકથન મળી આવે, જેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે આકરી કસોટીઓનો સામનો કરવો પડયો. તો શું ભગવાન વિષ્ણુ કઠોર છે? નિર્દયી છે? ના. માતાનો સ્વભાવ કરૂણાસભર હોઈ શકે, પરંતુ પિતાની કરૂણા વર્તન કરતા વધારે કાર્યમાં દેખાવાની સંભાવના વધારે હોય. બાળકના ઉદાત્ત કાર્યથી પ્રસન્ન થઈને મા તેને ચોકલેટ અથવા રમકડું આપી શકે, પરંતુ આખેઆખી મિલ્કત વારસામાં લખી આપવાની ક્ષમતા તો પિતા પાસે જ હોય.

ભગવાન વિષ્ણુ એ પિતા છે, જેમને પ્રસન્ન થવામાં સમય લાગી શકે; પરંતુ એકવાર જો બાળકની ભક્તિની પ્રસન્ન થઈ જાય, તો સુદામા ઉપર સઘળું લૂંટાવવા તૈયાર બેઠેલાં શ્રીકૃષ્ણની માફક પોતાનું વૈકુંઠ પણ સાવ સહજતાથી ભક્તને અર્પણ કરી દે. ચિરકાળ સુધી પરમપિતાનું સાંનિધ્ય અને દેવી માની અવિરત કૃપા અપાવી શકવા એ ભગવાન વિષ્ણુ માટે જરા પણ અઘરી વાત નથી. એ પસંદગી ભક્તે કરવાની હોય છે કે તેને અક્ષૌહિણી સેનામાં રસ છે કે પછી સાક્ષાત્ શ્રીકૃષ્ણને સારથિ તરીકે પ્રાપ્ત કરવામાં? તેને વિશ્વભરની ક્ષણિક ભૌતિક સમૃદ્ધિમાં રસ છે કે પછી અનંતકાળ સુધી કદી ન ઓછી થનારા આધ્યાત્મિક ઐશ્વર્યમાં! જો એક વખત મનોમન આ પ્રશ્નનો જવાબ મળી જાય, પછી દ્વારિકા દૂર નથી. ત્યારબાદ તો ભોગ અને મોક્ષ બંને હાથવેંત છેટા રહે છે!

શ્રીવિષ્ણુસહસ્ત્રનામમાં જણાવવામાં આવેલું ભગવાનનું આ સુંદર નામ 'શ્રીદ' પણ આની સાબિતી છે. 'દ' અક્ષરની મૂળ ધાતુ 'દાતા' છે. જે 'શ્રી' પ્રદાન કરનારા છે, એ 'શ્રીદ' છે. એમની ઉપાસનામાં એ સામર્થ્ય છે કે ભક્તે મા લક્ષ્મીની આરાધના અલગથી ન કરવી પડે. જો સાધક ખરા મનથી શ્રીહરિને પુકાર લગાવે, તો માત્ર હરિ જ નહીં પરંતુ સાથોસાથ 'શ્રી' અર્થાત્ લક્ષ્મીનું આગમન પણ થઈ જ જાય. 'લક્ષ્મી' શબ્દનો સાવ સીમિત અને સંકુચિત અર્થ ગુજરાતી સમાજે 'ધન' એવો કરી દીધો છે. સમજવા જેવી વાત એ છે કે માત્ર ધનથી સુખરૂપ જીવન ન જીવી શકાય. કથિત મોટિવેશનલ સ્પીકર્સ ભલે છડેચોક ભ્રામક વાતો કરતા રહે કે, 'બી.એમ.ડબલ્યુ. કારમાં બેસીને પોતાના દુ:ખ ઉપર રડવાની મજા જ કંઈક અલગ છે!' આમાં રતીભરની સત્યતા નથી.

સારું જીવન જીવવા માટે ધન ઉપરાંત મનની શાંતિ, સ્વસ્થ શરીર, સામાજિક પ્રતિષ્ઠા અને સાનુકૂળ વાતાવરણ પણ એટલું જરૂરી છે. આ બધું જ દેવી મા લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ થકી પ્રાપ્ત થાય છે.

ભગવાન 'શ્રીશ' છે અર્થાત્ 'શ્રી'ના 'ઇશ' (શ્રી+ઇશ) છે. નારાયણ સ્વયં મા લક્ષ્મીના પરમેશ્વર હોવાને નાતે એમને 'શ્રીશ' એવું રૂપકડું નામ આપવામાં આવ્યું છે. 'શ્રીવિષ્ણુસહસ્ત્રનામ'માં અપાયેલાં ભગવાનના નામોનો સુંદર ગૂઢાર્થ જાણવાની આ યાત્રાને આવતાં અંકે આગળ વધારીશું.