Get The App

અધુરી લાગણીઓનું માવઠું... .

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
અધુરી લાગણીઓનું માવઠું...                                   . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'ઠીક છે મમ્મી. હું સમજી ગયો કે, પપ્પાની જીદને પગલે આ પરિવારે કાયમ દુ:ખી થતા રહેવાનું. પપ્પાની જીદ સાથે મારી જીદની ટક્કર થશે...'

'સિ દ્ધાર્થ બેટા કેટલા દિવસ થયા વાત કરે? મેં તને કહ્યું છે ને કે તારે દર આંતરે દિવસે મારી કે પપ્પાની સાથે વાત કરવાની. તું ક્યારે અમારી વાત માનીશ. તું ત્યાં અમેરિકામાં એકલો રહે છે. અમે અહીંયા એકલા રહીએ છીએ. ક્યાં સુધી આ બધું ચાલ્યા કરશે?' - તરુલતા બેને પોતાના દીકરાને મીઠો ઠપકો આપતા કહ્યું. 

'મમ્મી, યાર તું દર વખતે એકની એક વાત ના કરીશ. મને સમય મળશે અને ઈચ્છા થશે ત્યારે ફોન કરીશ. તમે ત્યાં એકલા છો અને હું અહીંયા એકલો છું તેના ઘણા કારણ છે. તેમાંથી એક મોટું કારણ તો તારી પાસે પણ છે.' -  સિદ્ધાર્થના અવાજમાં રહેલો ભાર કદાચ તરુલતા બેનને વધારે અનુભવાયો હતો.

'બેટા ક્યાં સુધી એકની એક વાત પકડીને બેસી રહીશ. હવે એ વાતને ઘણા વર્ષ થયા. તમારા મનમાં એ વાતની ટીસ ઉપડી હતી મને ખબર છે પણ એક જ પીડાને ક્યાં સુધી વાગોળીને દુ:ખી થઈશ અને મને કરતો રહીશ.' - તરુલતાબેન ઢીલા અવાજે કહ્યું.

'સોરી મમ્મી. તારી અને મારી ડેસ્ટિની નક્કી જ છે. આપણા જીવનમાં આવેલી ઘણી મુશ્કેલીઓ અથવા તો આપણા ઘણા અભાવ સાથે એક જ વ્યક્તિ સંકળાયેલી છે પણ તું સ્વીકારી શકતી નથી અને હું મોઢે કહી શકતો નથી.' - સિદ્ધાર્થે નારાજગી સાથે કહ્યું.

'બસ દીકરા. ગમે તેમ તો પણ એ તારા પિતા છે. તારી નારાજગી તેની જગ્યાએ છે પણ આખરે તે મારા પતિ છે અને ઘરના મોભી છે. તેમની શાખને આંચ આવે કે કોઈ તેમના વિશે ઘસાતું બોલે તે મને પસંદ નથી.' - તરુલતા બેનના અવાજમાં એકાએક મક્કમતા આવી.

'મમ્મી, તો પછી હવે ક્યારેય આપણે આ વિશે વાત નહીં કરીએ. જો તે ફરીથી વાત કરી તો તને આપણા સંબંધના સોગંધ છે.' - સિદ્ધાર્થે આકરા અવાજમાં કહ્યું.

'અરે એમ થોડી હોય. સારું ચાલ ઊભો રહે, બહાર વરસાદ આવે છે. થોડા કપડાં વરંડામાં સુકવ્યા છે હું લઈ આવું પછી તને રિંગ કરું.' - તરુલતા બેને કહ્યું.

'મમ્મી, ઉનાળામાં વરસાદ. આવી ગરમીમાં કેવી રીતે વરસાદ આવે.' -સિદ્ધાર્થે કહ્યું.

'બેટા માવઠું છે. અઠવાડિયાની આગાહી હતી પણ પહેલા જ દિવસે વરસાદ આવી ગયો. આ વખતે કેરીઓ પણ બગડશે. છોડ લપ અત્યારે હું પહેલાં કપડાં લઈ આવું. માવઠું પણ જોરશોરથી વરસે છે.' - તરુલતા બેન ફોન મુકીને બહાર દોડયા. 

બીજી તરફ સિદ્ધાર્થનું મન પણ ભૂતકાળમાં દોડવા લાગ્યું. માવઠું શબ્દ સાંભળતા જ તે એક દાયકા પહેલાંના સમયમાં સરકી ગયો. 

એપ્રિલ મહિનો હતો. અમેરિકામાં પીજી કર્યા બાદ સિદ્ધાર્થનું પ્લેસમેન્ટ ગુગલની પેરેન્ટ કંપનીમાં થઈ ગયું હતું. આખા ત્રિવેદી પરિવારમાં આનંદનો માહોલ હતો. બીજી તરફ સિદ્ધાર્થના મોસાળમાં પણ પંડયા પરિવારમાં તો બેવડો ઉત્સવ હતો. એક આનંદ સિદ્ધાર્થની સિદ્ધિનો હતો જ્યારે બીજો મોટી માસીનો દિકરો કૃતાર્થ પરણવાનો હતો. તેના કારણે જ સિદ્ધાર્થને અમદાવાદ તેડાવ્યો હતો. તેની નોકરી અને કૃતાર્થના લગ્નની રંગેચંગે ઉજવણી કરવાની હતી.

સિદ્ધાર્થ આવ્યો અને બધા જ લગ્ન માટે તૈયારીઓને આખરી ઓપ આપવા માંડયા. બે-ચાર દિવસમાં તૈયારીઓ આટોપી લેવાઈ અને સિદ્ધાર્થ અને તેનો પરિવાર પહોંચી ગયો રાજકોટ મુકામે. સિદ્ધાર્થના મોટા માસા ત્યાં કલેક્ટર હતા. તેના કારણે કૃતાર્થના લગ્નની તમામ ઉજવણીઓ તેમણે ત્યાં જ રાખી હતી. અઠવાડિયાનો ભવ્ય જલસો રાખ્યો હતો.

પારિવારિક જલસો શરૂ થયાને હજી તો બે જ દિવસ થયા ત્યાં આગાહી આવી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી એક અઠવાડિયા સુધી વાતાવરણમાં પલટો રહેશે. ગમે ત્યારે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. માસાએ સરસ મહેલ ભાડે રાખ્યો હતો અને આખું અઠવાડિયું બધા સગાએ ત્યાં જ રહેવાનું હતું. મહેલનો આનંદ અને બીજો કૃતાર્થના લગ્નનો આનંદ હતો.

ત્રીજા દિવસે મહેંદી સેરેમની હતી. રાત્રે પારંપરિક ગુજરાતી ગીતોનો જલસો રાખવામાં આવ્યો હતો. બપોરથી જ વાતાવરણ ઠંડું થઈ ગયું હતું પણ વરસાદ આવશે તેવું લાગતું નહોતું. તેના કારણે જ ટેરેસ ઉપર ગુજરાતી ગીતોનો જલસો ગોઠવાયો હતો.

ભોજન કર્યા બાદ ગુજરાતી ગીતોનો જલસો શરૂ થયો. મહેમાનો અને આમંત્રિતો ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાન સિદ્ધાર્થની નજર એક ચહેરા ઉપર ગઈ. આ ચહેરો જોતાવેંત જ જાણે કે તેને ગમી ગયો. બીજી તરફ પેલા ચહેરા ઉપર રહેલા કાળી ભમ્મર અને પાણીદાર આંખો પણ સિદ્ધાર્થને જ તાકી રહી હતી. 

લગભગ આખો કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી સતત ચારેય આંખો વારંવાર એકબીજાને જોઈ લેતી, શોધી લેતી અને જોયાનો પણ જાણે કે જલસો કરતી હતી. આંખોનું એ કનેક્શન વધારે મજબૂત થઈ રહ્યું હોય તેમ લાગતું હતું. સિદ્ધાર્થે એકાદ બે વખત તે ચહેરાની લગોલગ પહોંચવાનો પ્રયાસ કર્યો પણ અડચણ આવી ગઈ.

આખરે રાત્રે બધા ચા-પાણી કરતા હતા ત્યારે માસાએ સિદ્ધાર્થને બોલાવ્યો. 

'સિદ્ધાર્થ, આવ અહીં બેટા. આ મારા મિત્ર છે સંદીપભાઈ. તેમનો મોટો દીકરો કંદર્પ પણ અમેરિકા છે. કંદર્પ ત્યાં કાર્ડિયાક સર્જન તરીકે કામ કરે છે. કંદર્પ ન્યૂજર્સીમાં રહે છે. આ તેમની દીકરી છે મુગ્ધા. આઈટી એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરી લીધું છે અને હવે પીજી માટે કદાચ અમેરિકા જવાનું જ વિચારે છે. મેં સંદીપભાઈને કહ્યું હતું કે, તારી પાસેથી માર્ગદર્શન મેળવે. તું બંનેને સમજાવજે. ખાસ કરીને મુગ્ધાને પ્રોપર ગાઈડન્સ આપજે.' - મોટા માસાએ કહ્યું.

સિદ્ધાર્થ સંદીપભાઈને ચરણ વંદન કર્યા અને મુગ્ધાની સાથે હાથ મિલાવ્યા. મુગ્ધાનો હાથ પકડતા જ જાણે કે તે પોતાના સ્વપ્નની દુનિયામાં ઉડવા લાગ્યો. આટલો સુંવાળો સ્પર્શ ક્યારેય અનુભવ્યો નહોતો. તે મુગ્ધાની મુગ્ધતામાં જાણે કે ખોવાઈ ગયો.

બંને જણા મહેલના એક ખૂણાના ઝરુખે બેસીને વાતો કરતા હતા. કદાચ આ વાતો દરમિયાન ઓગળતા જતા હતા. ત્યાં જ આકાશમાં જોરથી વીજળીનો કડાકો બોલ્યો અને મુગ્ધા એકદમ ગભરાઈ ગઈ. તેણે સિદ્ધાર્થનો હાથ જોરથી પકડી લીધો. સિદ્ધાર્થના શરીરમાં તો વીજળી દોડી ગઈ હોય તેવી લાગણી થઈ. બંને કંઈ સમજે તે પહેલાં તો ધોધમાર વરસાદ પડવા લાગ્યો. 

મોટાભાગના લોકો ટેરેસમાંથી દોડીને અંદરના વરંડા પાસે જતા રહ્યા. થોડા નાના છોકરા હતા જે વરસાદમાં ભિંજાવા બહાર આવ્યા હતા. તેઓ વરસાદમાં નાચતા હતા. બીજી તરફ આ બંને જણા હજી પણ એકબીજાનો હાથ પકડીને આ માવઠામાં એકબીજાની સંગે ભિંજાઈ રહ્યા હતા. 

'મુગ્ધા, આઈ લવ યુ. વિલ યુ મેરી મી.' - સિદ્ધાર્થ અનાયાસે જ બોલી ગયો. મુગ્ધા પણ જાણે કે આ શબ્દોની જ રાહ જોતી હતી. તે સિદ્ધાર્થને ભેટી પડી. બંનેના પ્રથમ નજરના પ્રેમને જાણે કે કુદરતે પણ વરસાદી મહોર મારી દીધી. થોડીવારમાં બંને વરંડા તરફ ગયા. બાકીના પ્રસંગો, વિધીઓમાં બંને ઘણી વખત જોડે રહ્યા, ફર્યા અને આખરે લગ્ન પૂરું થતા બંને છુટા પડયા. સિદ્ધાર્થ પરિવાર સાથે અમદાવાદ આવી ગયો અને મુગ્ધા તેના પરિવાર સાથે પોતાના વતન ભૂજ પહોંચી ગઈ.

બંને વચ્ચે હવે ફોન, વોટ્સએપ અને મેસેજથી વાતના વ્યવહાર ચાલતા હતા. ક્યારેક વીડિયો કોલ ઉપર બંને વાતો કરી લેતા. આખરે સિદ્ધાર્થનો જવાનો સમય થઈ ગયો. તેણે અમેરિકા પાછા જવાના બે દિવસ પહેલાં પોતાની મમ્મીને વાત કરી કે તેને કૃતાર્થના લગ્નમાં આવેલી મુગ્ધા વિશે વાત કરી અને 

તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી. 

'તારા પપ્પા નહીં માને. તને ખબર છે કે એમને પોતાની નાતનું કેટલું અભિમાન છે. તેઓ બ્રાહ્મણોમાં જ બીજા કોઈ કાસ્ટમાં જવા તૈયાર નથી અને તું તો બીજી જ કાસ્ટની પત્ની લાવવા માગે છે.  દીકરા આ જન્મે તો આ કામ અશક્ય છે.' - તરુલતા બેને લાચારીથી કહ્યું.

'મમ્મી, તું મારા માટે એક વખત પ્રયાસ તો કરી જોજે.' - સિદ્ધાર્થે આજીજી કરી.

'ના બેટા. તને ખબર તો છે કિંજલબેન સાથે તેમણે શું કર્યું હતું. કિંજલબેને લગ્ન કર્યા ત્યારથી આજે બે દાયકા થઈ ગયા, તારા પપ્પાએ તેને આ ઘરમાં આવવા દીધી નથી કે તેની સાથે વાત પણ કરી નથી.' - મમ્મીએ ફરીથી પોતાની લાચારી વ્યક્ત કરી.

'ઠીક છે મમ્મી. હું સમજી ગયો કે, પપ્પાની જીદને પગલે આ પરિવારે કાયમ દુ:ખી થતા રહેવાનું. પપ્પાની જીદ સાથે મારી જીદની ટક્કર થશે. હવે લગ્ન થશે તો મુગ્ધા સાથે બાકી સિદ્ધાર્થ હવે અમેરિકામાં જ રહેશે અને એકલો જ રહેશે.' - સિદ્ધાર્થે નિર્ણય જાહેર કરી દીધો અને બે દિવસ બાદ અમેરિકા જતો રહ્યો.

આજે એક દાયકા બાદ મમ્મીએ માવઠાની વાત કરી અને ફરી તેમના મનમાં એ અધુરી લાગણીઓના વાદળા ગોરંભાવા માંડયા.