- આજકાલ-પ્રીતિ શાહ
- વૈભવ રાઠોડ કહે છે કે સમસ્યા પર નહીં, તેના ઉકેલ પર ધ્યાન આપવાની જરૂર છે. તમે દેશભક્ત ત્યારે બનો છો જ્યારે તમે કચરો રસ્તા પર નથી નાખતા....
ઉ ત્તપ્રદેશના ફર્રુખાબાદના ખીમસેપુરમાં જન્મેલા વૈભવસિંહ રાઠોર સામાજિક આંત્રપ્રેન્યોર અને સંશોધક છે. તે અત્યારે છત્રપતિ સાહુજી કાનપુર યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરે છે. સામાજિક કામના અનુભવે તેમને એ સમજાયું કે સમાજમાં પરિવર્તન લાવવું હોય તો સમાન વિચારસરણીવાળા લોકોનો સમૂહ એકત્ર થાય તો સક્રિય સામુદાયિક ભાગીદારીથી નક્કર કાર્ય થઈ શકે. આવા વિચારથી ૨૦૨૧માં તેણે રીવેમ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન દ્વારા તેઓ અનેક ક્ષેત્રે કામ કરે છે.
વૈભવનું માનવું છે કે વિશ્વની બધી સમસ્યાનો ઉકેલ શિક્ષણમાં છે. જેની પાસે શિક્ષણ નથી પહોંચતું તેની પાસે ઓપન સ્કૂલ કે કોઈ કૌશલ્ય દ્વારા શિક્ષણ પહોંચાડવું જોઈએ. તો વળી જેની પાસે શિક્ષણની સુવિધા છે તેને ગુણવત્તાવાળું શિક્ષણ મળે અને તેની કારકિર્દી ઉજ્જ્વળ બને તે જરૂરી છે. વળી જેમનું શિક્ષણ પૂર્ણ થઈ ગયું છે તેમને કોઈ કૌશલ્ય શીખવીને રોજગારી આપી શકાય. જો વ્યક્તિ શિક્ષિત હશે અને તેને રોજગારી મળશે તો દેશ આપોઆપ પ્રગતિ કરશે. તે કહે છે કે, 'કોઈ ફળ વેચવાવાળામાં અને મારામાં ફેર શું હોઈ શકે? એક નવો વિચાર. તે ફળ વેચે છે, પરંતુ હું એક ટોપલીમાં જુદા જુદા પાંચ ફળ મૂકીને તેને તેનું પોષણમૂલ્ય સમજાવું તો વેચાણ તરત જ થશે.' ક્રિયેટીવિટી, ઈનોવેશન અને સસ્ટેનીબિલિટીથી યુવાનો દેશને આગળ લઈ જઈ શકે.
આ પ્રકારે ભારતના નવનિર્માણના ખ્યાલથી રીવેમ્પ ઇન્ડિયાની સ્થાપના કરી છે. ૨૦૨૨ નવેમ્બરથી તેણે 'સબ કી સર્દી, અભિયાન અંતર્ગત મોડી રાત્રે કે વહેલી સવારે તેમની ટીમ ધાબળા, સ્વેટર, જેકેટનું વિતરણ કરવા નીકળે છે. તે માને છે કે આ કોઈ દાન નહીં, પણ કરુણા છે. માત્ર ઊનમાંથી જ હૂંફ નથી મળતી, પરંતુ માનવતાને વહેંચીને હૂંફ આપવાનો પ્રયાસ છે. જૂન ૨૦૨૪થી ફલદાર અભિયાન શરૂ કર્યું. ફલદાર અંતર્ગત સ્કૂલના બાળકો પાસે વૃક્ષારોપણ કરાવ્યું. આ વૃક્ષોમાં તેમણે કેરી, જામફળ, આંબળા અને જાંબુ જેવાં ફળો થાય તેવાં વૃક્ષોની પસંદગી કરી. તેની પાછળનો તેમનો ઉદ્દેશ એવો હતો કે આ ફળો ખાવાથી પોષણ મળે, પક્ષીઓ આકર્ષાય, બાયોડાયવર્સિટી વધે અને સ્કૂલની નકામી જગ્યામાં વૃક્ષો ઊગે તો બાળકો કુદરતની નજીક રહે અને પર્યાવરણનું મહત્ત્વ સમજાય.
અનુભવે તેમને સમજાયું કે વૃક્ષારોપણ પછી તેને ઉછેરવામાં કાળજી લેવામાં આવતી નથી. તેથી તેમણે સ્કૂલના બાળકો પાસે વૃક્ષો રોપાવ્યા અને દરેક વૃક્ષને તેમના શિક્ષકનું નામ આપવાનું કહ્યું. બાળકોએ પોતાના શિક્ષકના, નિવૃત્ત પામેલા શિક્ષકના અને ભારતના જાણીતા શિક્ષણવિદોનાં નામ આપ્યાં. આને કારણે બાળકોનું તેની સાથેનું ભાવનાત્મક જોડાણ થયું અને વૃક્ષની કાળજી લેવા લાગ્યા. બાળકો મોટા થયા અને તેમણે વાવેલાં વૃક્ષ પર ફળ આવ્યાં તે યાદ કરીને આજેય તેઓ આનંદ અને રોમાંચ અનુભવે છે. ફલદાર અભિયાનમાં પચાસ-સાઠ સરકારી સ્કૂલો જોડાઈ. પચીસ-ત્રીસ સ્વયંસેવકો કામ કરે છે. કાનપુર, પ્રયાગરાજ અને ફર્રુખાબાદમાં દસ હજાર વૃક્ષો વાવ્યા છે અને તેમાં એંશી ટકા વૃક્ષો આજે છે. બાળકોના ભાવનાત્મક જોડાણથી વૃક્ષોની ટકી રહેવાની ટકાવારી વધી છે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો સ્કૂલ શરૂ થવાની હોય તે પહેલાં છોડને પાણી પાવાનું અને ધ્યાન રાખવાનું કામ કરે છે. વૃક્ષ પર ફળ આવે ત્યારે બાળકો ખુશ થાય અને ટીમવર્ક જોઈને વૈભવ ખુશ થાય છે. કોઈવાર કોઈ વૃક્ષ મુરઝાઈ જાય, તો બાળકોને દુ:ખ થાય છે. એક વખત એક ટ્રેક્ટરને કારણે વૃક્ષને નુકસાન પહોંચ્યું ત્યારે બાળકો શિક્ષક પાસે ગયા અને પોતાના વૃક્ષને કેટલું નુકસાન થયું તેની વાત કરતાં કરતાં આંખમાં આંસુ આવી ગયા. તેમણે સપ્ટેમ્બર ૨૦૨૪માં સમર્થ અને ઉધ્ધતિ અભિયાન શરૂ કર્યા. સમર્થમાં તેઓ દીવા, રાખડી જેવી વસ્તુઓ બનાવીને વ્યક્તિની સર્જનાત્મકતા ખીલવવાનું કામ કરે છે. તેની કિંમત નક્કી કરવી, માર્કેટિંગ કરવું અને તે દ્વારા પગભર ઊભા થવાનું બીજ રોપે છે. તેના કારણે આત્મવિશ્વાસ અને આર્થિક ક્ષેત્રે જાગૃતિ આવે છે. તો ઉધ્ધતિમાં છોકરીઓના સ્વાસ્થ્ય સંબંધી વાત કરવામાં આવે છે. પીરીયડ જેવી વાત કરવામાં છોકરીઓ સંકોચ અનુભવે છે અને તેના કારણે સ્વાસ્થ્ય પર અસર થાય તે અંગે ઉધ્ધતિ દ્વારા જાગૃતિ આણવાનું કામ કરે છે. જૂન મહિનામાં દસ દિવસ માટે સમર સ્કૂલ ચલાવે છે. જેમાં સામાન્ય જ્ઞાન, વાર્તાકથન, રમતગમત, જીવનમૂલ્યો, સર્જનાત્મકતા વગેરે શીખવવામાં આવે છે.
વૈભવ રાઠોડ કહે છે કે સમસ્યા પર નહીં, તેના ઉકેલ પર ધ્યાન આપવાની જરૂર છે. તમે દેશભક્ત ત્યારે બનો છો જ્યારે તમે કચરો રસ્તા પર નથી નાખતા. યુવાનોમાં સ્કીલનો અભાવ તેમને ખૂંચે છે. યુવાનો સ્ક્રીનમાં એટલા મશગૂલ છે કે આસપાસ શું ચાલે છે તેની પરવા નથી. ભારતના નવનિર્માણનો સંકલ્પ લેનાર વૈભવ રાઠોર માને છે કે વિચાર તો ઈશ્વર આપે છે એનાથી થોડીક જિંદગી બદલી શકાય તો તેનો આનંદ છે.
બદલાવ દીદી ચંદા
'જો હું કરી શકું તો કોઈ પણ કરી શકે. જરૂર છે હિંમત દાખવીને આગળ વધીને પોતાના ગામ માટે કામ કરવાની' એમ કહીને પ્રત્યેક મહિલાને તે પ્રોત્સાહન આપે છે
મ ધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આવેલા ગુણાવાડ નામના નાના ગામમાં કેટલીક મહિલાઓ લીમડાના છાંયે ગોળાકાર કરીને બેઠી હતી. તેઓ પોતાના જીવનની સમસ્યાઓની ચર્ચા કરી રહી હતી અને વચ્ચે બેઠેલી ચંદા ભાભર સહુની વાત ધ્યાનથી સાંભળી રહી હતી અને સહુને માર્ગદર્શન આપતી હતી. આ દ્રશ્ય આપણને આશ્ચર્ય ઉપજાવે તેવું છે, પરંતુ ચંદાનું કામ જ એવું છે. આમ તો ગામડામાં જન્મેલી ચંદાને અભ્યાસ કરવાની બહુ તક મળી નહીં. આઠમા ધોરણમાં પરીક્ષામાં નિષ્ફળતા મળતા આગળ અભ્યાસ ચાલુ રાખી શકી નહીં અને અઢાર વર્ષ પૂરા પણ નહોતા થયા અને ૨૦૦૭માં તેના લગ્ન થઈ ગયાં, પરંતુ ચંદા ભાભરના મનમાં કંઈક વિશેષ કરવાની ઇચ્છા સતત જાગૃત રહેતી. ૨૦૧૮માં ટ્રાન્સફોર્મ રૂરલ ઇન્ડિયા અંતર્ગત મહિલાઓને 'પંચાયત બદલાવ દીદી' કાર્યક્રમમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતી હતી જેમાં તેમને વર્કશોપમાં જુદી જુદી તાલીમ આપવામાં આવતી.
ચંદા ભાભર આ વર્કશોપમાં જોડાઈ. ૨૦૧૮ અને ૨૦૧૯ દરમિયાન ઘણી વર્કશોપ થઈ. તે જ્યારે પંચાયત બદલાવ દીદી કાર્યક્રમમાં જોડાઈ, ત્યારે ઘણા લોકોએ એને કહ્યું કે આવી તાલીમ શા માટે લેવી જોઈએ? પરંતુ ચંદાએ કોઈની વાત કાને ધરી નહીં. વર્કશોપમાં કોઈ રોજગારીની વાત કરતું તો કોઈ ગામના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતું, પરંતુ ચંદાનો પ્રશ્ન જુદો હતો. તેણે કહ્યું કે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચતી કેમ નથી? તેના ઊંડાણમાં ઊતરતાં તેને સમજાયું કે સરકારી યોજનાઓ લોકો સુધી ન પહોંચવાની સમસ્યામાં કાયમ સંસાધનોનો અભાવ નથી હોતો, પરંતુ માહિતીના અભાવે પણ લોકો તેનાથી વંચિત રહી જાય છે. વર્કશોપમાં જવાથી ચંદાને ઘણું શીખવા મળ્યું. ગામમાં આયોજન કેવી રીતે કરવું, નિર્ણયો કેવી રીતે લેવા, પ્રશ્નો અંગે અવાજ કેવી રીતે ઊઠાવવો વગેરે બાબતો જાણવા-શીખવાથી આત્મવિશ્વાસ વધ્યો.
ચંદાએ એ પણ જાણ્યું કે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. ગ્રામસભામાં સરપંચનું શું કામ છે, સરકારી યોજનાઓ માટેની યોગ્યતા શું છે અને આ બધી વાતો સ્ત્રીઓ શીખે તો તેના સમુદાયનું વધુ સારી રીતે માર્ગદર્શન કરી શકે. સ્ત્રીઓમાં નેતૃત્વના ગુણો ખીલે તેના પ્રયાસમાં ટ્રાન્સફોર્મ રૂરલ ઇન્ડિયાએ પરસ્પેક્ટીવ બિલ્ડીંગ મૉડયૂલ રજૂ કર્યું. તેનાથી મહિલાઓને સમજાય કે તેમણે શા માટે પંચાયત બદલાવ દીદી બનવું જોઈએ અને તેમના ગામની જવાબદારી કઈ રીતે લઈ શકે. ગામડાંનો આગામી પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરવાનો હોય છે, પણ ગામલોકો બહુ રસ લેતા નથી. સ્ત્રીઓ જ્યારે ચર્ચામાં ભાગ લે છે ત્યારે ગામની અન્ય સમસ્યાઓ બહાર આવે છે. ગુણાવાડમાં આરોગ્યસેવાઓ નિયમિત રીતે મળતી નહોતી. ગામમાં જે નર્સ રાખવામાં આવી હતી તેની અન્ય જગ્યાએ બદલી થવાથી બાળકોને નિયમિત રસી મળતી નહોતી તેમજ સગર્ભા સ્ત્રીઓને ઘણી તકલીફ પડતી હતી.
આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. ચંદાએ સહુને એકઠાં કર્યા. સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં દરેકની સમસ્યાની ચર્ચા કરવામાં આવી. ફરિયાદ લખીને અરજી કરી. તેની નકલ ગામમાં, પંચાયતમાં અને જનપદ ઑફિસમાં આપી. સહુનો અવાજ પહોંચ્યો અને નર્સની નિમણૂક થઈ. સહુએ જોયું કે યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ કામ કરવાથી પરિવર્તન આવે છે. એ જ રીતે સિનિયર સિટીજનને પેન્શન નહોતું અને તેઓ નિરાશ થઈ ગયા હતા. તેઓ ચંદાને મળ્યા અને યોગ્ય પ્રક્રિયા કરવાથી તેમને મહિને છસો રૂપિયા પેન્શન મળવા લાગ્યું. ૨૦૨૧માં કોરોનાની રસી વિશે ગામલોકોમાં ભય હતો અને રસી લેતા અચકાતા હતા. ચંદાએ નક્કી કર્યું કે સૌપ્રથમ તે પોતે રસી લેશે જેથી લોકોનો ડર ઓછો થાય. આની બહુ મોટી અસર થઈ અને ગામમાં સો ટકા રસીકરણ થયું.
કેટલીક સ્ત્રીઓએ ચંદાને ફરિયાદ કરી કે તેમના પતિ દારુ પીએ છે અને પત્ની તથા બાળકોને મારે છે. ચંદાએ ગામમાં દારુની દુકાન બંધ થાય તે માટે ૨૦૨૪માં સરપંચને અરજી આપી અને તેના પર ગામલોકોએ સહી કરી. બે મહિનામાં દારુની દુકાનો બંધ થઈ. ચંદાના પતિ દશરથ ભાભર કહે છે કે શરૂઆતમાં જ્યારે ચંદા તાલીમ લેવા જતી ત્યારે લોકોનો સાથ નહોતો મળ્યો. લોકો કહેતા કે તે ગામમાં કેવી રીતે પરિવર્તન લાવશે, પરંતુ આજે ચંદાના કામથી ખુશ છે અને ગૌરવ અનુભવે છે. ઘરમાં પણ પતિ-પત્ની દરેક નિર્ણય સાથે મળીને લે છે. ચંદા જેવી મહિલાઓને કારણે આજુબાજુના ગામમાં આશરે ત્રણ હજાર મહિલાઓએ પણ તાલીમ લીધી છે. ચંદા ભાભરે ૪૩ સેલ્ફ હેલ્પ ગ્રૂપ દ્વારા પાંચસો મહિલાઓને મદદ કરી છે. તેઓ કૃષ્ણ ભગવાન કલસ્ટર લેવલ ફેડરેશન સંગઠનના ૨૯ ગામડાંઓનું પ્રતિનિધિત્વ કરે છે. ૩૨ વર્ષની ચંદા ભાભર આજે બદલાવ દીદી તરીકે ઓળખાય છે. 'જો હું કરી શકું તો કોઈ પણ કરી શકે. જરૂર છે હિંમત દાખવીને આગળ વધીને પોતાના ગામ માટે કામ કરવાની' એમ કહીને પ્રત્યેક મહિલાને તે પ્રોત્સાહન આપે છે.


