Get The App

ઇંદ્રિયોના મુક્ત આનંદનો પડછાયો પારાવાર વેદના છે!

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
ઇંદ્રિયોના મુક્ત આનંદનો પડછાયો પારાવાર વેદના છે! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- વૃદ્ધાવસ્થામાં પાસે કુબેરનો ભંડાર હોય, પણ એમાંથી હવે એક પાઈ ખર્ચી શકવાની શક્તિ રહેતી નથી. સુખની ક્ષણભંગુરતા કેવી છે ? ભૂખનું દુ:ખ લાગે છે

આ પણે કરી રહ્યા છીએ એક અનોખી શોધ અને તે છે આપણા દુ:ખની શોધ ! તમને થશે કે દુ:ખની તો વળી કંઈ શોધ કરવાની હોય ? જ્યાં જુઓ ત્યાં દુ:ખ છે, ક્યાંક ગરીબીને કારણે અભાવની પીડાનું દુ:ખ છે, તો ક્યાંક શ્રીમંતાઈને કારણે ઊભી થયેલી ઉપાધિઓનું દુ:ખ છે. કોઈને સાસુનું દુ:ખ છે, તો કોઈને પુત્રથી પીડા થાય છે આમ જ્યાં જીવનમાં ચારેબાજુ દુ:ખ વીંટળાયેલું હોય, ત્યાં વળી એની શોધ કરવાની વાત કેવી? 

હકીકતમાં આપણે દુ:ખની શોધ એ માટે કરીએ છીએ કે આપણા જીવનમાં આવતા આ કહેવાતા દુ:ખના મૂળ કારણ જાણીએ. એ કારણો બરાબર સમજીએ તો ખ્યાલ આવશે કે આપણું મોટા ભાગનું દુ:ખ સ્વસર્જીત છે. જાતે વ્યસનમાં ફસાયા અથવા તો વાસનામાં ડૂબ્યા અને એને પરિણામે તમે અનેક મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા. આપણે જોયું કે ઘણી વા૨ આપણા દુ:ખના મૂળમાં વ્યક્તિનું વ્યસન કારણભૂત હોય છે અથવા તો એના દુર્ગુણો. બીજી બાજુ આપણે એ પણ જોયું કે દુ:ખને કારણે માણસ પોતાના ભીતર તરફ વળે છે અને એને એનો આત્મબોધ થાય છે. 

આ સાંભળી તમે કહેશો કે, આપણા ગ્રંથોમાં ક્યાં કંઈ આવું છે ? હકીકતમાં તો આપણા ધર્મગ્રંથોએ દુ:ખની ઘણી ઊંડી મીમાંસા કરી છે. એનું એક જ ઉદાહરણ આપું તો 'વિષ્ણુપુરાણ'માં કહ્યું છે, 

मनसः परिणामोडयं सुखदुःखादिलक्षणः । (૨/૬/૪૭)

'સુખ અને દુ:ખ એ વસ્તુત: મનનાં જ વિકાર છે.' આનો અર્થ એ થાય કે આ બંને પરિસ્થિતિનો સંબંધ આપણા મન સાથે છે, જીવન સાથે નહીં. એ મનમાં જાગતો એક ભાવ છે. તો બીજી બાજુ બૌદ્ધગ્રંથ 'સુત્તનિપાત'માં કહ્યું છે કે, 'બીજાઓ જેને સુખ કહે છે તેને આર્યો દુ:ખ કહે છે. આર્યો જેને દુ:ખ કહે છે તેને બીજાઓ સુખ કહે છે.' અને આ કહ્યા પછી એક મહાન સૂત્ર 'સુત્તપિટક'માંથી પ્રાપ્ત થાય છે અને એ મહાન સૂત્ર છે, 

सुखा वितरागता लोके । (૨/૧)

'સંસારમાં વિતરાગતા એ જ સુખ છે.' આ વિતરાગતા એટલે રાગ અને દ્વેષ, સુખ અને દુ:ખ એવા કોઈ ભાવ સ્પર્શે નહીં ત્યારે વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. 

તો જૈન ધર્મદર્શનનું અવગાહન કરીએ તો એ દર્શાવે છે કે વ્યક્તિ જો પોતાની જાતને બરાબર જાણે, તો એ સુખ અને દુ:ખની વ્યર્થતાને સમજી શકે. જો એ પોતાના ભીતરમાં જાય, તો જ એને એના દુ:ખનું મૂળ કારણ જડે અને પછી એને સમજાય કે આ દુ:ખ એ ખરેખર દુ:ખ નથી. ક્યાં તો મારી જીવન પ્રત્યેની ખોટી દ્રષ્ટિ છે અથવા તો મારી પોતાની વિકારવૃત્તિ છે. આથી આત્માને જાણવો એ સૌથી મહત્ત્વનું છે અને એ સંદર્ભમાં જૈન ધર્મના સર્વપ્રથમ આગમગ્રંથ 'શ્રી આચારાંગસૂત્રની ચૂર્ણિ'માં કહ્યું છે, 

'ण याणंति अप्पणो वि, किन्नु अण्णेसिं । (૧/૩/૩)

'જે પોતાને જ જાણતો નથી, તે બીજાને કઈ રીતે જાણી શકશે ?' આનો અર્થ પોતાની જાતને જાણીને જ વ્યક્તિ પોતાના દુ:ખના મૂળ સ્વરૂપને સમજી શકે છે. આજે માનવી ચંદ્રની ધરતી પર પહોંચ્યો છે, પરંતુ એની દ્રષ્ટિ આત્માથી અજાણી રહી છે. એણે એની બુદ્ધિનો એટલો વિકાસ કર્યો છે કે પોતાની બુદ્ધિના ઉપયોગથી એણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સર્જન કર્યું છે. આજના જગતમાં ટેકનોલોજીએ અદ્ભુત વિકાસ સાધ્યો છે, પરંતુ એની વચ્ચે માનવીની કલ્યાણદ્રષ્ટિ નહીં હોવાથી ભયાવહ યુદ્ધો ચાલી રહ્યા છે. 

જે સુખની પાછળ આજનું જગત ઘેલું બન્યું છે, એ સુખ એટલે શું ? માત્ર ઇંદ્રિય અને દેહ જે માગે તે મળે તેને માનવી સુખ માનીને બેઠો છે પરંતુ જે ઇંદ્રિયોને પોષવા માટે અનેક હવાતિયાં માર્યાં હોય, તે ઇંદ્રિયો સમય જતાં ક્ષીણ અને શિથિલ બને છે. દેહ પર સદાય વસંતના અબીલ- ગુલાલ ઊડતા નથી. વસંત પછી પાનખર આવે છે અને ત્યારે જેને સુખ માનીને મેળવવા માટે અવિરત આંધળા પુરુષાર્થ કર્યા, તે સુખ મળતાં શી દશા થાય છે ? જે દેહ માટે અવિરત દોડધામ કરી, એ દેહ પાંગળો, લાચાર અને અતિ નિર્બળ બની ગયો હોય છે. 

અને એ વૃદ્ધાવસ્થામાં પાસે કુબેરનો ભંડાર હોય, પણ એમાંથી હવે એક પાઈ ખર્ચી શકવાની શક્તિ રહેતી નથી. સુખની ક્ષણભંગુરતા કેવી છે ? ભૂખનું દુ:ખ લાગે છે. ભોજન મળતા ભૂખ ભાંગે છે, પણ થોડો વખત રહીને પાછી ભૂખ લાગે છે. ઊંઘથી થાક જતો રહે છે, પણ પછી ઊંઘનોય થાક ચડવા માંડે છે. 

સુખનું સાચું ગણિત માનવીને હાથ લાગ્યું નથી એનું કારણ એ છે કે મોજ અને આનંદ વચ્ચે એ ભેદ પાડી શક્યો નથી. મોટા ભાગના માનવીઓ એક કે બીજા પ્રકારની મોજની ખોજમાં પરોવાયેલા હોય છે. જાહે૨માં કે ખાનગી રીતે અથવા તો યુક્તિપૂર્વક કે લુચ્ચાઈથી આપણે મજા પાછળ દોડીએ છીએ. આ મજા એટલે ઇંદ્રિયોની મજા, બૌદ્ધિક મજા, બીજાઓએ શું કરવું જોઈએ તે કહેવાની મજા. 

આ મજા જ માર્ગદર્શક બનતા માનવીના જીવનમાં ભય, ભગ્નાશા અને વેદના જાગે છે. મજાનું આ ચક્ર પણ ભારે મજાનું છે. મન આખો ય વખત, રાત-દિવસ આ મજા શોધે છે અને તેનો પડછાયો વેદના એને અવશ્ય મળશે. આ નાની સરખી મજાની ના પાડવામાં આવે તો માનવી નિરાશ, અદેખો અને ચિંતાતુર બને છે. જે માન્યતાઓએ એને વર્ષો સુધી આનંદ આપ્યો હતો તે માન્યતાઓ ખોટી નીકળે કે જીર્ણશીર્ણ થઈ જાય ત્યારે માનવી નિરાશ બની જાય છે. આ મજાના ભ્રામક સુખે માનવીના જીવનને ખોટે માર્ગે દોર્યું છે. અહીં વિદર્ભના રાજા આનંદવર્ધનની કથાનું સ્મરણ 

થાય છે. 

એણે આખી જિંદગી સુખની શોધ કરી, પણ એ સુખ એને ક્યારેય મળ્યું નહીં. એની આ ઇચ્છા વણછીપી રહી અને પરિણામે સુખના સાધનોની તૃષ્ણામાં એનું મન અતૃપ્તિની આગથી ઘેરાઈ ગયું. સુખની ખોજમાં જાણે એ દુ:ખનો દરિયો લઈ આવ્યો. એના ગમગીન ચહેરા પર નિરાશા વસવા લાગી. આવે સમયે સુખપ્રાપ્તિની લાલસાથી રાજા આનંદવર્ધન જ્ઞાનીપુરુષની પાસે 

દોડી ગયો. 

રાજાએ કહ્યું કે, 'તૃષ્ણા મને દઝાડે છે, મારે સુખ જોઈએ છે.' 

ત્યારે જ્ઞાનીપુરુષે કહ્યું, 'ઓહ ! એનો સાવ સરળ ઉપાય છે. તું તપાસ કર અને જે કોઈ વ્યક્તિ એમ કહે કે હું સુખી છું, તો એનું પહેરણ લઈ આવ. તું એનું પહેરણ પહેરીશ તો તને પૂર્ણ સુખ મળશે.' 

વિદર્ભના રાજવીએ ચારે બાજુ રાજસેવકોને મોકલીને તપાસ કરી અને એમણે એકેએક વ્યક્તિને પૂછયું કે, 'તમે સુખી છો ખરા ?' ત્યારે એમની સમક્ષ પોતાના કોઈને કોઈ દુ:ખનું બયાન કર્યું. 

શોધ કરતા કરતા જંગલમાં આનંદ અને મોજથી રહેતો એક મસ્ત માનવી મળી આવ્યો. રાજા આનંદવર્ધનના આનંદનો પાર રહ્યો નહીં. એને થયું કે હું સાચા અર્થમાં સુખ પામીને આનંદવર્ધન થઈશ. 

એમણે એ જ્ઞાનીપુરુષને રાજસભામાં બોલાવ્યો અને એની પાસે એનું પહેરણ માગ્યું. પેલા જ્ઞાનીપુરુષ તો આનંદના ફુવારા ઊડાડતા મસ્ત હાસ્ય સાથે બોલી ઊઠયા, 'ઓહ ! મેં તો કદી પહેરણ પહેર્યું જ નથી.'

આમ સુખ એક છલના છે. કામનાઓમાં જીવન જીવતા માનવીએ રચેલો પ્રપંચ છે. રામે માત્ર પોતાના સુખનો જ વિચાર કર્યો હોત તો દશરથનું એ વચન સ્વીકારી લીધું હોત. સુખ એ સ્વ-કેન્દ્રી છે. દશરથે કૈકેયીના વચનની વાત કરી, પણ સાથોસાથ રામને એમાંથી બહાર નીકળવાની ચાવી પણ આપી. રામને કહ્યું કે તું ક્ષત્રિય છે. ક્ષત્રિયનો ધર્મ કહે છે કે પાટવી કુંવરને ગાદી મળવી જોઈએ. હું તને મળનારી રાજગાદી છીનવી લઉં છું માટે તું ક્ષત્રિયનો ધર્મ બજાવી મને કેદ કર અને અયોધ્યાની ગાદી હાંસલ કર. રામે માત્ર સુખનો જ વિચાર કર્યો હોત તો આ વાત સ્વીકારી લીધી હોત ! કિંતુ આ સુખ કેટલું બધું વેદનાજનક નીવડયું હોત ! પણ શ્રીરામે કહ્યું કે અયોધ્યાની રાજગાદી કરતાં પિતાનું વચન મારે માટે ઘણં  મહાન છે. આમ જેને સુખ કહીએ છીએ તે તો મૃગજળ છે. 

એક પુષ્પ કરમાઈ રહ્યું હતું અને રડી રહ્યું હતું. એને પૂછયું, ''હે સોહામણા ફૂલ! વિદાય વખતે તારી આંખમાં આંસુ શા માટે ?'' ત્યારે ઉત્તર આપ્યો, 

''ભાઈ દેવના મસ્તકે ચડવાનું સદ્ભાગ્ય તો મને ન મળ્યું, પણ કોઈના પગ નીચે કચડાઈ જવાની તક પણ ન મળી. આવું કોઈનાય ઉપયોગમાં આવ્યા વિનાનું જીવન ગમે તેટલા સુખમાં બસર થયું હોય તો પણ શા કામનું ?'' 

જીવનને ઘાટ આપનારા એ દુ:ખની આપણે શોધ કરી. અજ્ઞાન, દુર્ગુણ, ભ્રામક માન્યતા, અનંત કામના અને ભૂતકાળ પરસ્તીથી આવેલી આપત્તિને ઓળખીશું તો આપણાં અડધા દુ:ખો ઓછા થઈ જશે. એ દુ:ખના મૂળમાં જઈશું તો એક સત્ય હાથ લાગશે. અંત:કરણમાં એક પ્રસન્નતાનો ઝરો વહેવા લાગશે. પછી આવનારી આપત્તિ કશી અસર નહીં કરે. મુશ્કેલી ચિત્તને ડગાવશે નહીં. પ્રસન્નતાથી બધી યાતનાઓ વેદનાઓ આકાંક્ષાઓનો અંત આવશે, કારણ કે એના ઉગમસ્થાને જ પ્રસન્નતા પોતાનું થાણું નાખે છે. 

ચાલો, દુ:ખની શોધ કરીને પ્રસન્નતાના કિનારે આપણી જીવનનાવને લાંગરીએ.