- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- આજના ચશ્મા હોય, લેપટોપ હોય કે મોબાઈલ કેમરા, સ્પોર્ટ્સ શૂઝ હોય, વોટર ફિલ્ટર હોય કે કોર્ડલેસ હેડફોન.. આવું ઘણું આપણી લાઈફમાં નાસાની સ્પેસ રેસના લીધે આવ્યું છે, વધુ વિગતો માટે વાંચો આ વિજ્ઞાનલેખ!
ઉ નાળામાં સૌથી વધુ યાદ શું આવે? કેરીની હારોહાર સ્પર્ધા કરતો જવાબ છે, એસી. એર કન્ડીશનર. પણ એ ખબર છે કે ૧૯૦૨માં એની શોધ ઘણી વૈજ્ઞાનિક શોધોની જેમ અકસ્માતે થયેલી. જેમ ડાયાબિટીસની દવા શોધવા જતા વજન ઉતારવાની દવા હાથમાં આવી ગઈ એવું જ. મૂળ તો અમેરિકાના બૂ્રક્લીન ખાતે એક પ્રિન્ટીંગ યુનિટમાં ભેજ લીધે છાપકામ સરખું થતું નહોતું. એ ભેજ ઘટાડવાની ટેમ્પરેચર કન્ટ્રોલની મથામણમાં એન્જીનિયર વિલીસ કેરિયરે કૂલિંગ વોટરમાંથી હવા પસાર થાય ત્યારે ઠંડી થાય એવી કોઈલ બનાવી કાઢી અને ધીમે ધીમે એમાંથી જ નવતર ગણાતા એર કન્ડીશનર વિકસતા ગયા !
આવી જ રોમાંચક કહાની ચંદ્રયાત્રાની છે. માનવજાતને આમેય ચાંદાનું લિટરલી પાગલ બનાવે એવું આકર્ષણ છે. પણ કલ્પનાને વિજ્ઞાનમાં જગ્યા મળી આપણા કૂતુહલને લીધે. મૂન મિશન સ્પેસરેસનો મહત્વનો અધ્યાય હતો જર્મન વિજ્ઞાનીઓ વિશ્વયુદ્ધ બાદ વહેંચી ચૂકેલા અમેરિકા અને રશિયા માટે. આમે પૃથ્વી પર રહેતા તમામ જીવોમાં માણસ સૌથી વધુ જિજ્ઞાસુ પ્રાણી છે. જ્યારથી આપણામાં સમજણ આવી, ત્યારથી માણસે ચંદ્ર પર જવાનાં સપના જોયેલા. માણસની આ જ સહજ જિજ્ઞાસા ઉર્ફે ક્યુરિયોસિટીનું પરિણામ એ જ્ઞાનનો ખજાનો છે, જેના ફાયદાઓ આજે આપણે ઉલેચી રહ્યા છીએ.
આપણી પાસે ખેતી હોય કે ઇન્ટરનેટ, હોસ્પિટલ હોય કે આઇસક્રીમ, કાર હોય કે ટીવી...આ બધું એવા જિજ્ઞાસુ માણસોની જ દેન છે, જેઓ એવા સવાલોના જવાબો શોધવા નીકળ્યા હતા, જે કદાચ તે સમયે સાવ સામાન્ય છતાં એકદમ અઘરા લાગતા હતા. એ લોકોને કદાચ અંદાજ પણ નહીં હોય કે તેમના આ નવીન જ્ઞાનની ભવિષ્યની દુનિયા પર કેટલી ઊંડી અસર પડશે! આજે આપણું જીવન આટલું આરામદાયક છે, કારણ કે ભૂતકાળમાં એમના વિસ્મયે સગવડોનો માર્ગ કંડાર્યો.
એટલે હજુ પણ ઘણાને પડી જ નથી હોતી અમેરિકા ઈરાન જોડે ખાંડા ખખડાવતા ચંદ્ર ફરતે આર્ર્ટેમિસ ટુમાં આંટા મારી આવ્યું એ ઘટનાની. તમે જાણો છો? ભલે જેફ બેઝોસ ને રિચાર્ડ બેન્સન જેવા અબજપતિઓ આકાશમાં સૈર કરતા હોય ને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ અપડાઉન કરતા હોય, એ ડીપ સ્પેસ યાને અંતરિક્ષ નથી. એની સફર તો અત્યાર સુધીમાં માત્ર ૨૮ પૃથ્વીવાસી મનુષ્યો જ કરવા બડભાગી નીવડયા છે. ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર ૨૪ જ માણસો એવા છે, જેમણે 'ડીપ સ્પેસ' ( ઊંડા અવકાશ)ની સફર ખેડી છે. આ એ ૨૪ 'એપોલો' અવકાશયાત્રીઓ હતા, જેમણે ૧૯૬૮થી ૧૯૭૨ની વચ્ચે અત્યાર સુધીના સૌથી વિશાળ રોકેટ્સમાં બેસીને ચંદ્ર સુધીની લાંબી સફર કરી હતી-અને એ પણ માત્ર એટલા માટે, કારણ કે આપણે એ કરી શકવા માટે સક્ષમ હતા અને અમેરિકા પાસે એના માટે પૈસા ખર્ચવાની પોલિટીકલ વિલ હતી. ( ખાસ તો કેનેડી જેવા પ્રમુખની !) એ ૨૪માંથી ૧૨ જણાએ ચંદ્ર પર પગ મૂક્યો હતો! બાકીના આપણે બધા તો 'ચંદામામા દૂર કે'ના ગીતો ગાઈને ફોટા જ પાડવા પડે છે ચંદ્રના!
ગ્રીક પૌરાણિક કથાઓમાં એપોલોની બહેન મનાતી 'આર્ટિમિસ'ના નામ પરથી બનેલા વર્તમાન અમેરિકન મૂન મિશન પ્રોજેક્ટને તૈયાર થતાં દાયકાઓ લાગ્યા. જેના બીજા ૨૦૦૪માં રોપાયાં હતાં, જેને ત્યારે 'કોન્સ્ટેલેશન પ્રોગ્રામ' કહેવામાં આવતો હતો. ચંદ્ર પર પાછા ફરવાના પ્રયાસરૂપે ઓરાયન અને સ્પેસ લોન્ચ સિસ્ટમનું ડેવલપમેન્ટ ત્યારે જ શરૂ થઈ ગયું હતું. પહેલું મિશન, આર્ટિમિસ ૧, ૧૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ માટેની આ માનવરહિત ફ્લાઇટ સફળ થઇ એમાં ખાસ મહત્વની ઓરાયન નામની શંકુ આકારની એક કેપ્સ્યુલ છે. પૃથ્વીના વાતાવરણમાં પાછા ફરતી વખતે તે તેનો પહોળો અને સપાટ ભાગ પૃથ્વી તરફ રાખે છે. બરાબર ત્યાં જ તેની હીટ શીલ્ડ આવેલી હોય છે, જે 'એવકોટ' નામના ખાસ મટિરિયલથી બનેલી છે. એની ખામી સુધારવામાં જ બીજું મિશન મોડું થયું. આ મિશનમાં 'સ્કીપ એન્ટ્રી' નો ઉપયોગ થયો હતો. આ એક એવી પ્રોસેસ છે જેમાં સ્પેસક્રાફ્ટ વાતાવરણમાં પ્રવેશે છે, પછી થોડું બહાર નીકળે છે અને ફરી પાછું પ્રવેશે. જેમ તળાવના પાણી પર કાંકરો ઉછાળીએ અને તે ટપ્પા ખાઈને આગળ વધે! તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ચંદ્ર પરથી પૃથ્વી પર પાછા ફરતી વખતે સ્પેસક્રાફ્ટની જે પ્રચંડ સ્પીડ હોય છે, તેને ધીમી પાડી શકાય છે. સમુદ્રમાં નક્કી કરેલી જગ્યાએ જ પિનપોઇન્ટ લેન્ડિંગ યાને સ્પ્લેશડાઉન કરાવવું સરળ રહે.
એ ઓરાયન કેપ્સ્યુલમાં રહેવા માટે માત્ર ૩૩૦ ક્યુબિક ફીટ જેટલી જ જગ્યા છે. અને આટલી નાનકડી જગ્યામાં ચાર અવકાશયાત્રીઓએ લગભગ દસ દિવસ સુધી રહેવાનું, કામ કરવાનું અને સુવાનું ! એમાં સફળતાથી ચંદ્ર ફરતે પ્રદક્ષિણા કરીને કમાન્ડર વાઇઝમેન, પાઇલટ વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ અને જેરેમી હેન્સન આવ્યા એમની પાસે એવો તો સ્પેસસૂટ હતો કે કદાચ કેપ્સ્યુલમાંથી હવા (વાતાવરણ) ગાયબ થઈ જાય, તો પણ આ સૂટ તેમને ૧૪૪ કલાક સુધી જીવતા રાખી શકે !
આ બધી શોધ આમ પૃથ્વી પર ના થઇ હોત, પણ એટલે થઇ કે ચંદ્ર પર માણસને જવું હતું. પણ એમ તો જે મોબાઈલ કેમેરાથી આપણે ઘરની બારીમાંથી ચંદ્રના ફોટા પાડીએ છીએ એ પણ આપણી પાસે ના હોત, તો જો ચંદ્રયાત્રા ના થઇ હોત તો ! તમે જાણો છો કેટલી શોધ આપણા રોજીંદા જીવનમાં અમેરિકાની નાસાને લીધે અવકાશને બદલે પૃથ્વી પર આપણા ઘરમાં આવી ગઈ ?
***
૧૯૬૨માં લોન્ચ થયેલા 'ટેલસ્ટાર' સેટેલાઇટની સાથે જ સેટેલાઇટ કમ્યુનિકેશનની શરૂઆત થઈ. નાસાએ આ ટેક્નોલોજીમાં સતત જે સુધારા કર્યા છે, તેને કારણે જ આજે હાઈ-ડેફિનેશન એચડી વિડીયો અને ઓડિયો ટ્રાન્સમિશનનું રિવોલ્યુશન આવી ગયું ! ૯૦ના દાયકામાં, નાસાની 'જેટ પ્રપલ્ઝન લેબોરેટરી' એ સ્પેસક્રાફ્ટમાં લગાવી શકાય તેવા સાઇઝમાં નાના, પણ વૈજ્ઞાનિક ગુણવત્તાવાળા કેમેરા બનાવવા પર કામ કર્યું હતું. આજે દુનિયાના ત્રીજા ભાગના કેમેરામાં આ જ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. મગર યે તો કુછ ભી નહિ !
આજના ડિજિટલ જીવનની ચાવી એટલે કમ્પ્યુટર માઈક્રોચિપ. તેની શોધ ઇન્ટેલના રોબર્ટ નોયસે કરી હતી અને ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સના જેક કિલ્બીએ તેને એપોલો સ્પેસક્રાફ્ટમાં ફીટ કરી હતી. સ્પેસક્રાફ્ટની સિસ્ટમને નાની કરવા અને તેનું વજન ઘટાડવા માટે એ આવિષ્કાર થયેલો ! આ પહેલીવાર હતું જ્યારે અલગ-અલગ ટ્રાન્ઝિસ્ટર અને સર્કિટના ભાગો વાપરવાને બદલે સિસ્ટમના તમામ ભાગોને એક જ ચિપ પર બેસાડવામાં આવ્યા હતા. આનાથી જ ૧૯૮૦ના દાયકામાં પર્સનલ કમ્પ્યુટરની ક્રાંતિ આવી... અને પછી જે થયું એણે આપણી દુનિયા કેવી બદલાવી નાખી એ ખબર જ છે !
સ્ક્રેચ-રેઝિસ્ટન્ટ લેન્સ વિના આજના ચશ્મા કોઈ પહેરતું નથી ને મોબાઇલ ફોનના કેમેરા લેન્સ પણ ગમે ત્યાં મૂકો કે ઘસાય તો એ ઝાંખા પડતા નથી કે તિરાડ પડતી નથી. ૧૯૭૦ના દાયકામાં આ લેન્સ માર્કેટમાં આવ્યા, આ લેન્સ પર લાગતા ઉઝરડા-પ્રૂફ કોટિંગનો ઉપયોગ જેમિની અને એપોલો સ્પેસક્રાફ્ટના પ્લાસ્ટિકના ભાગો અને અન્ય સાધનોને ખરાબ વાતાવરણથી બચાવવા માટે થતો હતો. અવકાશયાત્રીઓના સ્પેસ હેલ્મેટના કાચ (વાઇઝર) પર બરાબર આવું જ હીરા જેવું મજબૂત કાર્બન કોટિંગ કરવામાં આવતું હતું.
આજે આપણા પેલા ચળકતા માયલરના ફુગ્ગાઓ જોયા જ હશે સડક પર ચાલતા પણ. ૫૦ વર્ષ પહેલાં, તેનો ઉપયોગ અવકાશયાત્રીઓને રેડિયેશન અને અતિશય ગરમીથી બચાવવા માટે થતો હતો. ઘરના ઇન્સ્યુલેશનમાં અને કેમ્પિંગના અલગ-અલગ સાધનોમાં પ્રોપાયલિન અને માયલર જેવા રિફ્લેક્ટિવ મટિરિયલ્સનો ઉપયોગ થાય છે. નાસાએ શોધ્યું કે વજનમાં એકદમ હળવા 'માયલર' નામના મેટાલિક કાગળના અલગ-અલગ લેયર બનાવીને એકદમ જોરદાર રિફ્લેક્ટિવ ઇન્સ્યુલેશન બનાવી શકાય છે, જે પરફોર્મન્સમાં માર્કેટમાં મળતી કોઈ પણ વસ્તુ કરતાં ઘણું ચડિયાતું હોય. ત્યારબાદ નાસાએ આ ટેકનોલોજીમાં માસ્ટરી મેળવી લીધી.
પેમેન્ટ કરવા માટે આપણે આપણા ક્રેડિટ અને ડેબિટ કાર્ડને સ્વાઇપ કરીએ છીએ કે મશીનમાં ભરાવીએ છીએ, આ બધાની શરૂઆત એપોલો સ્પેસક્રાફ્ટની કૉમ્પ્લેક્સ સિસ્ટમ્સને કંટ્રોલ કરવા માટે બનાવેલા સોફ્ટવેરથી થઈ હતી ! અરે, સૌથી પહેલા ઈમેલ આ દુનિયાની બહારથી આવ્યા હતા! એપોલોના વર્ષો દરમિયાન, મિશન કંટ્રોલ બે બ્રોડકાસ્ટ ચેનલો ચલાવતું હતું. એક ટીવીના મોટા પ્રેક્ષક વર્ગ માટે હતી, અને બીજી મિશન કંટ્રોલર્સ અને અવકાશયાત્રીઓ વચ્ચેની ખાનગી વાતચીત માટે. તેમની પાસે મેસેજિંગ પેડ્સ પણ હતા જેમાં તેઓ મેસેજ ટાઈપ કરતા અને મોકલતા - જેને આપણે ઇલેક્ટ્રોનિક મેઇલ (ઈમેલ) કહીએ એના પૂર્વજ !
વાયરલેસ વેક્યુમ ક્લીનર, ડસ્ટબસ્ટરની શરૂઆત બ્લેક એન્ડ ડેકર કંપનીએ એપોલો મિશન માટે બનાવેલી પોર્ટેબલ ડ્રિલ મશીન તરીકે થઈ હતી? તેમને ચંદ્રની સપાટી પરથી માટીના સેમ્પલ કાઢવાની જરૂર હતી, જેના માટે ઉપરની ધૂળના થરને પાર કરવો જરૂરી હતો. આજે વાયર વગરના પાવર ડ્રિલ્સ, સ્ક્રૂડ્રાઈવર્સ અને ડસ્ટબસ્ટર્સ મોલે મોલે દેખાય છે.
ફ્લેમ-રેઝિસ્ટન્ટ ક્લોથિંગ યાને આગ ન લાગે તેવા કપડાં મૂન મિશનની ભેટ છે. આપણે ફાયરફાઈટર્સ, સૈનિકો અને અન્ય ઈમરજન્સી કર્મચારીઓને ભીષણ આગમાં જઈને સુરક્ષિત રીતે બહાર આવતા જોઈએ છીએ, જે તેમના ફાયર-રેઝિસ્ટન્ટ કપડાંને કારણે શક્ય છે. આવા કવચકપડાંની શોધ ૧૯૬૭માં એપોલો લોન્ચ પેડ પર લાગેલી આગની દુર્ઘટના પછી થઈ હતી, જેમાં ત્રણેય અવકાશયાત્રીઓના મોત થયા હતા, ત્યારે તેમના સ્પેસસૂટ ફાયર પ્રૂફ નહોતા. એ દુર્ઘટના એક ચેલેન્જ બની સાયન્સ માટે ને ઘણા જીવ પછી આ ખોજને લીધે બચ્યા. જો તમે ક્યારેય લાંબી રેસ કે મેરેથોન દોડયા હોવ, તો કદાચ તમે હીટ બ્લેન્કેટનો ઉપયોગ કર્યો હશે. ઠંડી સામે રક્ષણ આપવા બગીચાના છોડ કે ફળના ઝાડને ઢાંકવા માટે પણ આ વપરાય છે. તે શરીરમાંથી ગરમી ઓછી થતી અટકાવે છે - અને ૧૯૬૪માં નાસાએ જ્યારે તેને બનાવ્યું, ત્યારે પણ તેનો આ જ હેતુ હતો.
મોબાઈલમાં ગીતો સાંભળવા હોય કે રસ્તે ચાલતા દોડતા વાતો કરવી હોય, કોર્ડલેસ ઈયર પ્લગ્સ કે હેડફોન વિનાનું વિશ્વ આજે
કલ્પી શકાતું નથી. પણ આની શોધ એટલા માટે થઈ હતી કારણ કે નાસા નહોતું ઇચ્છતું કે તેમના અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં વાયરોની ગૂંચમાં ફસાઈ જાય! એવી જ રીતે લ્યુનાર મોડયુલ ચંદ્ર પર ઉતરે, ત્યારે અવકાશયાત્રીઓને કોઈ ઝટકો ન લાગે અને એકદમ સોફ્ટ લેન્ડિંગ થાય તે માટે નાસાએ આ ખાસ પ્રકારના ગાદીવાળા કૂશનિંગ ફોમની શોધ કરી હતી, જેનો ઉપયોગ એસ્ટ્રોનોટ્સની સીટ બનાવવામાં થયો હતો. આજે એ મેમેરી ફોમ મોટા ભાગના રેડીમેઈડ ઓશિકામાં રૂના સ્થાને વપરાય છે. એમાંથી ગાદલા ને ચેર બધું તો બને જ છે પણ સાથોસાથ સ્પોર્ટ્સ શૂઝ પણ બને છે.
કોવિડમાં જોયા એ તાવ માપવા માટે થર્મોમીટરને મોઢામાં રાખવાની કે બગલમાં દબાવવાની જરૂર નથી પડતી. આ શક્ય બન્યું છે ઇન્ફ્રારેડ ટેક્નોલોજીના કારણે, જે તમારા કાનના પડદામાંથી નીકળતી ઊર્જાને માપીને સચોટ તાપમાન બતાવે છે. છે ને કમાલની વાત! સામાન્ય ખોરાક વજનમાં ભારે હોય છે! એપોલો મિશનમાં ચંદ્ર પર જવા માટે આઈસ્ક્રીમ સહિતના ખોરાકને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. ટાર્ગેટ એ હતો કે ખોરાકમાં પોષકતત્વો જળવાઈ રહે, પણ તેનું વજન ઘટી જાય. પરિણામ? પોષણ પૂરેપૂરું ૯૮% જેટલું અને વજન ૮૦% ઓછું!
આઈસ્ક્રીમ ખાવાથી કવે એવા દાંતમાં પણ સ્પેસ ટ્રાવેલ છે ! જો વાંકાચૂકા દાંત સીધા કરવા હોય અને છતાં એના પર વાયર દેખાય નહિ, અને દાંત મસ્ત સફેદ જ લાગે, એ માટે જે ક્લિયર સિરામિક બ્રેેસીસ આવે છે, તે 'ટ્રાન્સલ્યુસન્ટ પોલિક્રિસ્ટલાઈન એલ્યુમિના' માંથી બને છે. આ મટિરિયલ ખૂબ જ મજબૂત હોય છે. નાસાએ તેનો ઉપયોગ પોતાના ઇન્ફ્રારેડ ડિટેક્ટર્સને સુરક્ષિત રાખવા માટે કર્યો હતો.
આપણી કારના ટાયર હવે પહેલાની જેમ ઉતરી નથી જતા ને સારા મોડલના લાંબા ચાલે છે એ પણ આકાશમાં જવાના સપનાને આભારી આવિષ્કાર છે ! ૧૯૭૦માંના દાયકામાં મંગળ પર મોકલવામાં આવેલા 'વાઇકિંગ લેન્ડર્સ'માં સ્ટીલ કરતાં પણ પાંચગણા વધુ મજબૂત મટિરિયલનો ઉપયોગ થયો હતો. આ જ ટેક્નોલોજીને કારણે આજે આપણા ટાયર આટલા લાંબા સમય સુધી ટકી રહે છે.
નાઇકી એર શૂઝમાં પહેલી વાર 'બ્લો રબર મોલ્ડિંગ' નામની એક ખાસ પ્રોસેસનો ઉપયોગ પહેલી વાર થયો., જેની મદદથી જૂતાનો પોલો સોલ બનાવીને તેમાં આંચકા સહન કરી શકે શોક એબ્સોર્બર મટિરિયલ ભરવામાં આવે છે. નાઇકી કંપનીને આ આઇડિયા આપતા પહેલા, નાસાએ સૌથી પહેલા પોતાના સ્પેસ સૂટ બનાવવામાં આ ટેકનિક વાપરી હતી. આજે સ્કેચર્સ હોય કે રિબોક કે એડીડાસ બધા સ્નિકર્સમાં આ આવી ગયું છે !
૧૯૬૦ના દાયકામાં જ્યારે અવકાશયાત્રીઓને સ્પેસ મિશન પર મોકલવામાં આવી રહ્યા હતા, ત્યારે નાસાને ખબર હતી કે ત્યાં પીવાના પાણીને શુદ્ધ કરવાની જરૂર પડશે. પાણીને સાફ કરવા માટે તેમણે 'ઇલેક્ટ્રોલાઇટિક સિલ્વર આયોડાઇઝર' બનાવ્યું હતું. એપોલો પ્રોગ્રામ માટે ખાસ ડેવલપ કરાયેલ, ટ્રીટેડ ચારકોલનો (કોલસાનો) ઉપયોગ કરતી નાસાની એડવાન્સ ફિલ્ટરેશન સિસ્ટમ આજે આધુનિક વોટર પ્યુરિફિકેશનનો (પાણી ચોખ્ખું કરવાની રીતનો) પાયો બની ગઈ છે. આજે આ જ ટેક્નોલોજીનો ઉપયોગ આપણા ઘરના વોટર ફિલ્ટરમાં અને હોટેલોના સ્વિમિંગ પૂલના પાણીને ચોખ્ખું કરવા માટે થાય છે.
બાળકો માટેના આ ન્યુટ્રિશનલ બેબી ફોર્મ્યુલાની શરૂઆત ખરેખર લીલ યાને આલ્ગીમાંથી બનેલા વેજીટેબલ ઓઈલ તરીકે થઈ હતી. નાસાના બે વૈજ્ઞાનિકો લાંબા સ્પેસ મિશન માટે લીલનો રિસાયક્લિંગ એજન્ટ તરીકે ઉપયોગ કરી શકાય કે નહીં, તેનો અભ્યાસ કરી રહ્યા હતા. આજે આ ફોર્મ્યુલા અમેરિકાના અને અન્ય ૬૫ દેશોના મોટાભાગના પૌષ્ટિક બેબી ફૂડમાં ઉમેરવામાં આવે છે.
સ્પેસ મિશનના પ્લાનિંગમાં નાસા માટે એક મોટો પડકાર એ હતો કે અવકાશયાત્રીઓ સાથે એવો જ ખોરાક મોકલવો જેમાં કોઈ બેક્ટેરિયા કે જીવાણુ ન હોય, જેથી તેઓ બીમાર ન પડે. આ માટે એજન્સીએ 'પિલ્સબરી' નામની ફૂડ કંપનીની મદદ લીધી. પ્રોડક્ટ બની ગયા પછી છેલ્લે તેને ચેક કરવાને બદલે, પિલ્સબરીએ એક એવી સિસ્ટમ બનાવી જેમાં કાચા માલથી લઈને પ્રોસેસિંગ, પેકિંગ અને તેમાં જોડાયેલા લોકો એમ આખીય ઉત્પાદન પ્રક્રિયા પર કંટ્રોલ રાખી શકાય. પહેલીવાર ચંદ્ર પર મિશન ગયું ત્યાં સુધીમાં આ સિસ્ટમ-જેને હેઝાર્ડે એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઇન્ટ કહેવાય છે-તૈયાર થઈ ગઈ હતી અને તરત જ પિલ્સબરીએ પોતાની ફેક્ટરીઓમાં પણ તેને લાગુ કરી દીધી. છેલ્લા કેટલાક દાયકાઓથી, અમેરિકી સરકાર મીટ, સીફૂડ અને જ્યુસ બનાવતી કંપનીઓ પાસે આ જ સ્ટાન્ડર્ડ્સનું કડક પાલન કરાવે છે, અને આજે તો આખીય ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આ જ સિદ્ધાંતો પર નવા નિયમો બન્યા છે.
ભૂકંપ પ્રતિરોધક ઇમારતો જગતમાં એટલે છે કે માણસે આકાશમાં ઉડવાનું સપનું જોયું ! એપોલોના મહાકાય 'સેટર્ન ફાઈવ' રોકેટના મોટા આર્મ્સને કંટ્રોલ કરવા માટે જૂની શોક-એબ્સોબગ ટેકનોલોજીને બદલે ૬૦ના દાયકામાં એવા ફ્લુઇડિક ડેમ્પર બનાવવામાં આવ્યા, જે જૂની ટેકનોલોજી કરતા અનેકગણા પાવરફુલ હતા. નાસાએ સ્પેસ શટલના દરેક લોન્ચમાં આ જ ડેમ્પરનો ઉપયોગ કર્યો. આ ફ્લુઇડિક શોક-એબ્સોર્બર્સ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં સેંકડો બિલ્ડીંગ્સ, બ્રિજ અને સ્ટ્રક્ચર્સને સ્ટ્રોંગ રાખે છે.
ચંદ્ર પર ગયેલા કમાન્ડ મોડયુલમાં 'સિલ્વર-ઝિંક બેટરી' વપરાઈ હતી, જે સૌથી હળવી બેટરી હતી. પણ નાસા તેને રિચાર્જેબલ બનાવવા માંગતું હતું અને વર્ષો સુધી તેની પર પ્રયોગો કરીને ટેકનોલોજીને ઘણી સારી બનાવી. કાનના મશીનની નાનકડી ઝિંક બેટરીઓ રિચાર્જ નહોતી થઈ શકતી, અને તેને વાપરીને ફેંકી જ દેવી પડતી. બીજી તરફ લિથિયમ-આયન બેટરીઓ એટલી નાની નહોતી બની શકતી અને તેમાં ઓવરહિટીંગ પ્રોબ્લેમ છે. પણ નવી સિલ્વર-ઝિંક બેટરીઓ આખો દિવસ ચાલી શકે છે અને પરફોર્મસ બગડયા વિના રિચાર્જ પણ થઈ ને રિસાયકલ પણ થઈ શકે છે!
સ્પેસ ટેક્નોલોજીએ પ્રોસ્થેટિક્સ (કૃત્રિમ અંગો બનાવવાની પદ્ધતિ)મા જબરદસ્ત સુધારો કર્યો છે. મૂળ રૂપે સ્પેસક્રાફ્ટ માટે ડિઝાઇન કરાયેલા રોબોટિક સેન્સર અને આર્ટિફિશિયલ મસલ સિસ્ટમ જેવી ટેક્નોલોજીનાં લીધે લાકડાના પગ જેવા અંગો હવે રહ્યા નથી ને બેટર મટીરિયલ આવી ગયું ! એવું જ ઇન્સ્યુલિન પંપમાં થયું. નાસાના 'મિનિએચરાઇઝેશન' (વસ્તુઓને સાઈઝમાં નાની બનાવવાના) પ્રયાસોનો મોટો ફાયદો મળ્યો છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેતા અવકાશયાત્રીઓનું માટે જે ટેક્નોલોજી ડેવલપ કરી હતી, તે આજે એક 'ઇમ્પ્લાન્ટેબલ હાર્ટ મોનિટર' (શરીરમાં ફિટ કરી શકાય તેવા) માં ફેરવાઈ ગઈ છે. આ મોનિટર આજે હાર્ટ ફેલ્યોરના દર્દીઓને વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવામાંથી બચાવી રહ્યું છે.
એપોલો મિશનની સૌથી મોટી દેન જો કોઈ હોય, સ્ક્રીન પર જોઇને દિશા નક્કી કરતી 'ડિજિટલ ફ્લાય-બાય-વાયર' નેવિગેશન કંટ્રેોલ સિસ્ટમ. એ સમયે આ ટેકનોલોજી સાવ ચમત્કારિક અને અકલ્પનીય લાગતી હતી, પણ આજે તે મોટા વિમાનો અને આપણી મોટાભાગની કાર્સમાં પણ અભિન્ન અંગ બની ગઈ છે. એપોલો પ્રોગ્રામની શરૂઆતમાં, પાઇલટ્સ વિમાનને મેન્યુઅલી કંટ્રોલ કરતા હતા. ચંદ્ર સુધીની મુસાફરી અને ત્યાંના જોખમી લેન્ડિંગ વખતે કોઈ ભૂલ ન થાય તે માટે નાસાએ ડ્રેપર લેબોરેટરીઝને કમ્પ્યુટર ગાઇડન્સ સિસ્ટમ બનાવવાનું કામ સોંપ્યું. આ સિસ્ટમે પાઇલટના કમાન્ડને ઇલેક્ટ્રિકલ સિગ્નલોમાં ફેરવીને કમ્પ્યુટર સુધી પહોંચાડયા. આ સિસ્ટમ એનાલોગને બદલે 'ડિજિટલ' હોવાથી, તે કોમ્પ્લેક્સ સોફ્ટવેર ચલાવી શકતી અને ઘણો બધો ડેટા સ્ટોર કરી શકતી. આજે ક્રૂઝ કંટ્રોલ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવી સુવિધાઓમાં આ જ ડિજિટલ ફ્લાય-બાય-વાયર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે !
અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા પાછળ સરવાળે ૪ લાખ લોકોની જંગી મહેનત લાગી હતી. એને લીધે સૌરમંડળ વિશેના આપણા જ્ઞાનમાં જબરદસ્ત વધારો થયો. એમાં ખૂબ ચેલેન્જીઝ આવી. પણ એ મુશ્કેલીઓના ઉકેલ કાઢવાની આરઝૂએ માનવજાતના જીવનમાં કેટલી કમ્ફર્ટસ ઉમેરી એની આ તો એક લેખમાં સમાય એટલી જ યાદી છે ! આને કહેવાય હથેળીમાં રીતસર ચાંદ લઈને જીવન શણગારવું ! પડકારો ના હોત તો એના જવાબો શોધતું વિજ્ઞાન ના હોત. આ છે ઇનોવેશનનું ઈવોલ્યુશન !
ફાસ્ટ ફોરવર્ડ
'ભવિષ્ય જાણવા કરતા ભવિષ્ય સર્જવું સારું !'
( પીટર ડ્રકર )


