Get The App

લાપતા આમિર .

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
લાપતા આમિર                                                      . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- આમિરની ફિલ્મી સફરમાં ક્યાં ગરબડ થઈ રહી છે? આમિર ખાનનું નામ તો એકધારી શ્રેષ્ઠતા અને ટકોરાબંધ ગુણવત્તાનું સમાનાર્થી ગણાતું હતું. તો પછી ક્યાં ખોવાઈ ગયો આમિર ખાનનો એ જાદુ? એ મેજિક ટચ? 

આ મિર ખાને છેલ્લાં દસ વર્ષમાં એક્ટર તરીકે એક જ સાધારણ હિટ ફિલ્મ આપી છે - 'સિતારે ઝમીં પર' (૨૦૨૫). આમિરની છેલ્લી સુપરહિટ - અને ઉત્તમ- ફિલ્મ 'દંગલ' છેક ૨૦૧૬માં આવી હતી. છેલ્લા દાયકામાં આમિરના નામે કુલ છ ફિલ્મો બોલે છે - કાં એક્ટર તરીકે, કાં પ્રોડયુસર તરીકે અથવા બન્ને તરીકે. આ છ ફિલ્મો એટલે 'સિક્રેટ સુપરસ્ટાર', 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન', 'લાલ સિંહ ચઢ્ઢા', 'લાપતા લેડીઝ', 'સિતારે જમીં પર' અને 'હેપી પટેલ: ખતરનાક જાસૂસ'. ટચૂકડા કેમીઓ એટલે કે મહેમાન કલાકાર તરીકેની હાજરીને પણ ગણતરી લઈએ તો 'સલામ વેન્કી', 'કોઈ જાને ના' અને તમિળ ફિલ્મ 'કૂલી'નો ઉલ્લેખ પણ કરવો પડે. આટલાં બધાં નામોમાંથી ઉત્કૃષ્ટ કહી શકાય એવી ફિલ્મો કેટલી? ફક્ત એક - 'લાપતા લેડીઝ', બસ. 'સિક્રેટ સુપરસ્ટાર' અને 'સિતારે જમીં પર' સારી ફિલ્મો છે, પણ એમાં પેલો કરન્ટ ક્યાં છે જેની આપણને અપેક્ષા હતી? 

સહેજે સવાલ થાય: આમિરની ફિલ્મી સફરમાં શું ગરબડ થઈ રહી છે? આમિર ખાનનું નામ તો એકધારી શ્રેષ્ઠતા અને ટકોરાબંધ ગુણવત્તાનું સમાનાર્થી ગણાતું હતું. તો પછી ક્યાં ખોવાઈ ગયો આમિર ખાનનો એ જાદુ? એ મેજિક ટચ? 

આમિરના ચાહકોને પહેલો મોટો ઝટકો લાગ્યો હતો 'લાલ સિંહ ચઢ્ઢા' (૨૦૨૨) જોઈને. કોરોનાકાળ પછી લગભગ તરત રિલીઝ થયેલી આ ફિલ્મ પાસેથી ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્નેને બહુ આશાઓ હતી. ટોમ હેન્ક્સને ચમકાવતી હોલિવુડની જબરદસ્ત ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની તે ઓફિશિયલ રીમેક હતી. ટોમ હેન્ક્સ અને આમિર બન્નેને સ્ક્રીન પર રડતાં બહુ સરસ આવડે છે. ઘણા લોકો આમિરને ભારતનો ટોમ હેન્ક્સ કહે છે. 'લાલ સિંહ ચઢ્ઢા' ખરાબ રીતે પિટાઈ ગઈ. સારી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ જઈ શકે છે. દુનિયાના મહાનતમ અભિનેતા-અભિનેત્રીઓના બાયોડેટામાં ફ્લોપ ફિલ્મો બોલતી જ હોય છે, પણ નિષ્ફળ ફિલ્મમાં ય અચ્છા અદાકારની એક્ટિંગ તો સારી જ હોય છે. 

'લાલ સિંહ ચઢ્ઢા'માં આવું ન થયું. આ ફિલ્મમાં લોકોને આમિરની એક્ટિંગ જ ન ગમી. આ ખરેખર સમજાય એવું નહોતું. આમિર ખાન ખરાબ એક્ટિંગ કરે એવું કેવી રીતે બને? પણ એવું બન્યું. ફિલ્મ જોતી વખતે આપણને થતું હતું કે 'પીકે'નું કેરેક્ટર 'લાલ સિંહ ચઢ્ઢા'માં ઘૂસી ગયું છે કે શું? એ જ આંખો ફાડીને જોયા કરવું, લગભગ એના જેવો જ સૂર. 'પીકે'નો પરગ્રહવાસી તો ખેર, સાચ્ચે જ ભલોભોળો અને સરળ હતો, પણ અહીં લાલ સિંહનું ભોળપણ કૃત્રિમ લાગતું હતું. આમિર પાત્રને 'જીવતો' નહોતો, આમિર પાત્રને ફક્ત 'ભજવી' રહ્યો હતો. એટલે જ 'ફોરેસ્ટ ગમ્પ'નાં જે દ્રશ્યો જોઈને આપણી આંખો છલકાઈ જતી હતી તે દ્રશ્યો 'લાલ સિંહ ચઢ્ઢા'માં કશી જ અસર પેદા કરી ન શક્યાં. 'લાલ સિંહ ચઢ્ઢા'માં, અલબત્ત, બીજી પણ ગંભીર ક્ષતિઓ હતી (જેમ કે પાકિસ્તાની ટેરરિસ્ટવાળો ટ્રેક), પણ આમિરની ખરાબ એક્ટિંગ આ ફિલ્મનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ પૂરવાર થઈ. આ વાત આમિરે ખુદ જાહેરમાં સ્વીકારી છે.

તે પછી આમિરને મુખ્ય અભિનેતા તરીકે અભિનય કરવાનો મોકો મળ્યો પોતે જ પ્રોડયુસ કરેલી 'સિતારે જમીં પર'માં. આ પણ સ્પેનિશ ફિલ્મ 'કેમ્પિઓન્સ' (અથવા 'ચેમ્પિયન્સ')ની રીમેક છે. આખી ફિલ્મમાં આમિર અપેક્ષિત અભિનય કરે છે, પણ એક સીનમાં એની ગાડી ખરાબ રીતે પાટા પરથી ઉતરી જાય છે. ફિલ્મના નાયકને ક્લોસ્ટ્રોફોબિયા છે. આ મેન્ટલ કંડિશન ધરાવતો માણસ બંધિયાર જગ્યામાં ઘાંઘો થઈ જાય, એને પરસેવો છૂટી જાય. 

સીન એવો છે કે આમિરના કિરદારને એક હોટલની લિફ્ટનો ઉપયોગ કરવો પડે છે...અને આમિર જે રીતે ઘાંઘો થાય છે! સાચ્ચે, આ દ્રશ્યમાં આમિરની ઓવર-એક્ટિંગ જોઈને ઓડિયન્સનો પરસેવો છૂટી ગયો હતો. આપણને થાય કે આમિર જેવો આમિર આટલી ખરાબ રીતે પોતાના પાત્રનો સૂર શી રીતે ચૂકી જઈ શકે? અલબત્ત, ફિલ્મનાં આગલાં દ્રશ્યોમાં આમિર પાછી બાજી સંભાળી લે છે, પણ આ એક સીનની દુ:સ્મૃતિ કેમેય કરીને ભૂંસાય તેમ નથી!    

'સિતારે જમીં પર' ફિલ્મ ઠીકઠાક સફળ ખરી, પણ પ્રિક્વલ 'તારે જમીં પર' (૨૦૦૭) જેવા તીવ્ર તરંગો પેદા કરવામાં તે કાચી પડી. 'તારે જમીં પર'માં મદદ ઝંખી રહેલા એક બાળકનો આર્તનાદ હતો. ફિલ્મ એટલી સરળ, ઈમાનદાર અને લાગણીથી છલોછલ હતી કે દર્શકો રડી પડતા હતા. સામે પક્ષે, 'સિતારે જમીં પર'માં એવો કોઈ ઇમોશનલ પંચ નથી. આ ફક્ત એક કોમેડી સ્પોર્ટ્સ ડ્રામા બનીને રહી ગઈ.  

આમિરનું લેટેસ્ટ એક્ટિંગ અસાઇન્મેન્ટ એટલે સ્ટેન્ડઅપ કોમેડિયન વીર દાસ લિખિત-દિગ્દર્શિત-અભિનિત 'હેપી પટેલ: ખતરનાક જાસૂસ'. ફિલ્મના નિર્માતા આમિર ખાન ખુદ છે. ભૂતકાળમાં આમિર અને વીર દાસે 'દિલ્હી બેલી' નામની ફિલ્મમાં પ્રોડયુસર-એક્ટર તરીકે સાથે કામ કર્યુું હતું. 'દિલ્હી બેલી' ફિલ્મે એડલ્ટ કોમેડીના ઝોનમાં ખાસ્સી જમાવટ કરી હતી. અપેક્ષા તો એવી હતી કે 'હેપી પટેલ...' ઓડિયન્સને જલસો કરાવશે. થયું તદ્દન ઊલટું. ફિલ્મ થિયેટરમાં તો ભૂંડે હાલ પિટાઈ જ ગઈ, લોકો ઓટીટી પર પણ તે પૂરી જોઈ શકતા નથી. આપણને થાય કે આમિરે આવી નબળી સ્ક્રિપ્ટ અપ્રુવ કેવી રીતે કરી? જે ફિલ્મ સાથે આમિરનું નામ જોડાયેલું હોય તે આવી રેઢિયાળ કેવી રીતે હોઈ શકે? 

...અને હવે વાતો સંભળાય છે કે આમિર ખાન એક બાયોપિક કરશે. ના, લાંબા સમયથી જેના વિશે ચર્ચા થઈ રહી છે તે દાદાસાહેબ ફાળકે કે ગુલશનકુમારની બાયોપિક નહીં, પણ ભારતપે કંપનીના કો-ફાઉન્ડર અને શાર્ક ટેન્ક ફેમ અશનીર ગ્રોવરની બાયોપિક. પાછું આપણને માથું ખજવાળવાનું મન થાય. રતન ટાટા કે ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિની જીવનગાથામાં આમિર કામ કામ કરે તો સમજાય, પણ અશનીર ગ્રોવર? અશનીર ગ્રોવર વળી ક્યારથી એવા પ્રેરણાદાયી મહાનુભાવ બની ગયા કે જેમના કિરદારને પડદા પર ઉતારવા માટે આમિર ખાન તૈયાર થઈ જાય? 

અલબત્ત, ફિનટેક કંપની ભારતપેએ દેશની નાનામાં નાના વેપારીઓને ક્યુઆર કોડ વાપરતા કરી દીધા છે તે હકીકત છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે અગાઉ ગૂગલપે, પેટીએમ, ફોનપે, ભીમ જેવી એપ્સ ઉપલબ્ધ હતી જ, પણ સૌના ક્યુઆર કોડ જુદા જુદા હતા, સૌનાં વોલેટ પણ જુદાં. અશનીર ગ્રોવર કહે, ના, એમ નહીં. એક ભારત, એક ક્યુઆર. તેઓ ફોનપે લઈ આવ્યા, જેના ક્યુઆર કોડ થકી વેપારીઓ કોઈ પણ એપથી નાણાં સ્વીકારી શકતા હતા. અશનીર ગ્રોવરના વડપણ હેઠળ ફોનપેનું આર્થિક કદ ૨૩,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું, પણ પછી એમને પોતાની જ કંપનીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી, એમની સામે આર્થિક ગોબાચારીના કેસ થયા. આઈઆઈટી (દિલ્હી)-આઈઆઈએમ (અમદાવાદ)માં ભણી ચૂકેલા અશનીર હવે થર્ડ યુનિકોર્ન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરવાના છે. એમણે 'દોગલાપન: ધ હાર્ડ ટ્રુથ અબાઉટ લાઇફ એન્ડ સ્ટાર્ટ-અપ્સ' નામનું આત્મકથનાત્મક પુસ્તક લખ્યું છે, જે આ બાયોપિકનો આધાર બનશે. 

આમિર ખાન તરફથી હજુ ઓફિશિયલ કન્ફર્મેશન આવ્યું નથી, પણ જો એને અશનીર ગ્રોવરની બાયોપિકમાં રસ પડયો હોય તો એનાં એક-બે કારણો હોઈ શકે. એક તો, આ કથામાં એને સ્ટીવ જોબ્સના જીવનનું પ્રતિબિંબ દેખાયું હોય (સ્ટીવ જોબ્સને પણ પોતે જ સ્થાપેલી એપલ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા), અથવા સુપરહિટ ઓસ્કરવિનિંગ ફિલ્મ 'ધ સોશિયલ નેટવર્ક' (ફેસબુકવાળા માર્ક ઝકરબર્ગની બાયોપિક)ના શેડ્ઝ દેખાયા હોય. અશનીરની જીવનકથામાં આધુનિક ભારતના સ્ટાર્ટ-અપ કલ્ચરની વાતો વણાયેલી છે, તેમાં પણ આમિરને રસ પડયો હોય તેમ બને. 'પ્યાર કા પંચનામા' અને  'તૂ જૂઠી મૈં મક્કાર' જેવી ફિલ્મોના લેખક રાહુલ મોદી આ બાયોપિકનું ડિરેક્શન કરશે. સંભવત: રાહુલ મોદીની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા કપૂર આ ફિલ્મની હિરોઇન બનશે. 

આ બાયોપિક બનાવવાનું એક કારણ અશનીરની ખરડાયેલી ઇમેજને વ્હાઇટવોશ કરવાનું પણ હોઈ શકે. (સંજય દત્તની બાયોપિક 'સંજુ'ની જેમ.) માનો કે અશનીરે આર્થિક કૌભાંડો ન કર્યા હોય તો પણ આ સવાલ તો ઊભો થાય જ છે: અશનીર ગ્રોવરની બાયોપિક માટે આમિરનું કદ વધારે પડતું મોટું નથી? આમિરની સ્ક્રિપ્ટ સેન્સ આમ તો જબરદસ્ત ગણાતી આવી છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એની 'એક્ટિંગ સેન્સ' અને સ્ક્રિપ્ટ સેન્સ પર પ્રશ્નાર્થચિહ્નો લાગ્યા છે તે જોતાં અશનીર ગ્રોવરવાળી બાયોપિકની પસંદગી - જો કરી હોય તો - ખાસ હરખાઈ જવા જેવી લાગતી નથી. ખેર, હજુ તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવી સ્થિતિ છે. 

આમિર 'બટવારા ૧૯૪૭' નામની ઐતિહાસિક ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મનો હીરો આમિર નહીં, પણ સની દેઓલ છે. ઔર એક ફિલ્મ છે - 'એક દિન'. આમિરે પોતાના દીકરા જુનૈદને રી-લોન્ચ કરવા માટે આ ફિલ્મ પ્રોડયુસ કરી છે, જે આવતા શુક્રવારે રિલીઝ થવાની છે. અગેન, આ ફિલ્મ માટે આનંદિત થઈને બલ્લે-બલ્લે કરવાનું મન કોઈને થતું નથી. લેટ્સ સી. 

આમિરે ખુદનું સ્ટાન્ડર્ડ એટલું ઊંચું સ્થાપ્યું છે કે એમની પાસેથી આપણે સહેજ પણ નબળું ચલાવી શકતા નથી. આમિરનું ગુમાયેલું ફોર્મ ક્યારે પાછું આવશે? તમને શું લાગે છે?  

શો સ્ટોપર 

હું રાહુલ ગાંધી પાસેથી એ શીખી છું કે લાઇફમાં શું ન કરવું. 

- કંગના રનૌત