- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ''ગર્વિત, રોજ રોજ બળવું એના કરતાં તનને એક સામટું બાળી લેવાની સજા સારી.'' શ્રુતિકાનું મનોમંથન
ગ ર્વિતે રિક્ષા ઊભી રખાવી અને પૈસા ચૂકવીને ભારે હૈયે બંગલાના કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને અંદર પ્રવેશવાનો
પ્રયત્ન કર્યો.
ડાબી બાજુએ વિશાળ વૃક્ષની શીળી છાયામાં ઝૂલતો હીંચકો, ઢળતી સંધ્યાએ ધીરે ધીરે ઝૂલતા મમ્મીજી, રાત પડે માળામાં પાછાં ફરતાં પક્ષીઓની જેમ નોકરીએથી પાછા ફરતાં પપ્પાજી, અર્પિતભાઈ અને અપર્ણાભાભી...
ગર્વિત હજુ ડોરબેલ દબાવે એ પહેલાં જ બારણું ખૂલ્યું. અર્પિતભાઈ બહાર આવ્યા. ગર્વિતે કલ્પના કરી હતી કે અર્પિતભાઈ બૂમાબૂમ કરીને ઘરનાં સૌને એકઠાં કરશે અને સૌની આંખોમાં આનંદના ઘોડાપૂર રેલાવેશે, વિખૂટા પડેલાં સ્વજનો ભેગાં મળશે અને મિલનનું અનોખું વાતાવરણ સર્જાશે.
ઘરનાં બધાં મીઠો-કડવો ઠપકો આપશે અને પછી હેતની
હેલી ચઢશે, બધાંય બધું જ કહેશે પણ શ્રુતિકા ઠપકાનો હરફ સુધ્ધાં નહીં ઉચ્ચારે. જેને ગર્વિતે વગર વાંકે દંડી હતી એ શ્રુતિકા એની પત્ની. જેને ઘરનાં તમામ લોકોએ ગુણને બદલે દોષ દ્રષ્ટિથી નિહાળી છે એ શ્રુતિકા, જેણે પતિ તરીકે ગર્વિતે આપેલા સતત જાકારાને હસતા મુખે સહન કર્યો છે એ શ્રુતિકા ! ભગવાને શ્રુતિકાને પૂર્ણતા બક્ષી હતી. સંપૂર્ણતા એ શ્રુતિકાનો પર્યાય હતો. સ્નેહમાં સંપૂર્ણતા, ક્ષમામાં સંપૂર્ણતા, સહિષ્ણુતામાં સંપૂર્ણતા...
અને અર્પિતભાઈને પગલે પાછળ પાછળ અપર્ણાભાભી આવ્યાં, એમની આંખોમાં ધૃણા સિવાય કશું જ દેખાતું નહોતું. ગર્વિતે માનસિક સ્વસ્થતા ગુમાવી. શરીર સમતોલપણું ગુમાવી રહ્યું હતું. પછી શું થયું તેની ગર્વિતને કશી જ ખબર ન રહી... ગર્વિત બેહોશીમાં ભૂતકાળની યાત્રાએ ઉપડી ગયો... હતો... ગર્વિતના મનોજગતમાં અહર્નિશ નાચતું નામ શ્રુતિકા... જેને ભૂલાવવા માટે તેના મમ્મી છેલ્લા બે વર્ષથી સતત-સખત કોશિશ કરી રહ્યા હતા. પ્રાત:કાળે ઊઠીને ઈષ્ટદેવનું સ્મરણ કરે તેટલી જ નિયમિતતા અને ઉમળકાથી ગર્વિતનાં મમ્મી શ્રુતિકાને કિલોગ્રામની અને વધુ નવરાશ હોય તો ક્વિંટલની ગાળો દેતાં. માથાની ફરેલી, ધૂર્ત, ચાલબાજ, લોભીણી, ખેલાડી વગેરે વગેરે વિશેષણો શ્રુતિકાના નામ સાથે નિત નિત નવા રૂપે જોડતાં હતાં.
'ભોળો મારો ગર્વિત એ નાગણની ચાલ સમજતો નથી' - ગર્વિતના મમ્મીના મુખે આંતરે દિવસે સાંભળેલી ધુ્રવપંક્તિ હતી.
શ્રુતિકાની સાદગી, નિખાલસતા, નમ્રતા, લજ્જાશીલતા અને આત્મીયતા એ બધાંથી ગર્વિત પ્રભાવિત થયો હતો. ભારતીય વસ્ત્રોમાં શોભતી સંસ્કારની સાક્ષાત મૂર્તિ સમાન શ્રુતિકાને પોતાની પત્ની બનાવવાનું ગર્વિતે મનોમન નક્કી કરી નાખ્યું હતું.
શ્રુતિકા સાથે પરિચય થયા બાદ ગર્વિતે શ્રુતિકાની કાયાપલટ કરવાનું શરૂ કરી દીધું હતું. ગર્વિતે નવા નવા મોડર્ન વસ્ત્રો શ્રુતિકાને ભેટ આપવાનું શરૂ કર્યું ત્યારે શ્રુતિકાએ ભેટ સ્વીકારી પણ ગર્વિતને કહ્યું હતું : ''ગર્વિત, પ્લીઝ હવે પછી મારા માટે કોઈપણ ખર્ચો કરવાનો નથી. મને સાદગી અને સરળતા પસંદ છે. પ્લીઝ હું તમારી સાથે લગ્ન કરીશ ખરી, પણ મને મારી રીતે રહેવા દેજો, એવી મારી વિનંતિ છે.''
ગર્વિતના મમ્મીને શ્રુતિકા સામે એટલા માટે વાંધો હતો કે એક મધ્યમવર્ગીય પરિવારની પુત્રી હતી. એટલે એ ગર્વિતને સમજાવતાં હતાં કે : ''બેટા, તને અમીર પરિવારની એક એકથી ચઢિયાતી છોકરીઓ મળશે, તું આ શ્રુતિકાને છોડી દે. શ્રુતિકા તારે લાયક નથી. પ્લીઝ, ગર્વિત મોટા ઘરની વહુ કેવી હોય એનું તને જ્ઞાન નથી. ગર્વિત તું મારું માન, પાછળથી પસ્તાવાનો વારો આવશે.''
પરંતુ ગર્વિત એકનો બે ના થયો અને સાદાઈથી શ્રુતિકા સાથે લગ્ન કરી લીધા હતા. ગર્વિતના મમ્મી એક શબ્દ પણ બોલી શક્યા નહોતા... જ્યારે ગર્વિતના પપ્પાએ શ્રુતિકાના મસ્તક પર હાથ ફેરવીને વહાલની વર્ષા કરી હતી.
શ્રુતિકાના સાસુમા ગર્વિતની હાજરીમાં શ્રુતિકા પર લાગણીની વર્ષા કરતાં હતાં, પણ ગર્વિતની ગેરહાજરીમાં તેઓ શ્રુતિકાને પજવવામાં જરાપણ કચાશ રાખતા નહોતા. પરંતુ શ્રુતિકા ! એ તો ધૂપસળી હતી ! એને જલવાનું પસંદ હતું. વરદાનની એને પ્રતીક્ષા જ નહોતી. ગર્વિતના મમ્મીએ શ્રુતિકા પર કાળો કેર ગુજરે એવી સ્થિતિ પેદા કરી દીધી હતી, તેઓ ઈચ્છતાં હતાં કે કંટાળીને શ્રુતિકા જાતે જ ઘર છોડીને જતી રહેશે પછી તેઓ ગર્વિતને કોઈ અમીર ઘરની કન્યા સાથે પરણાવશે.
ગર્વિત મમ્મીના કાવતરાથી અજાણ હતો. એ શ્રુતિકાને લઈને એકવાર ફરવા ગયો હતો... ઘરે પાછા આવ્યા બાદ શું થયું કોઈને ખબર ના પડી પણ ગર્વિત એકાએક બદલાઈ ગયો હતો. શ્રુતિકાને કહ્યા વગર બહાર જતો રહેતો હતો... બહાર એકલો જમી લે, મિત્રો સાથે બે-ચાર દિવસના પ્રવાસે પણ ઉપડી જતો હતો. શ્રુતિકા મૂંગા મોઢે બધું સહન કરતી હતી. પણ ગર્વિતના મમ્મીનો આનંદનો પાર નહોતો. એમને ખાતરી હતી કે એક દિવસ કંટાળીને શ્રુતિકા એના પિયર ચાલી જશે.
પરંતુ શ્રુતિકા પોતાનો પુત્રવધૂનો ધર્મ નિભાવવામાં માનતી હતી. એ ખરા મનથી પરિવારની સેવા કરતી હતી. ગર્વિતનો મોટોભાઈ અર્પિત અને અપર્ણાભાભી પણ શ્રુતિકાથી ખૂબ ખુશ હતા. અપર્ણા ભાભીને ગર્વિતનું બદલાયેલું વર્તન જરાપણ ગમ્યું નહોતું. શ્રુતિકા પ્રત્યેની તેની બેદરકારીથી અપર્ણાભાભી દુ:ખી થઈ જતા હતા. ઘણીવાર અપર્ણાભાભીએ ગર્વિત સાથે વાત કરવા પ્રયત્ન કર્યો હતો, પણ ગર્વિતે પતિ-પત્ની વચ્ચે ના પડવાની સલાહ આપી અપર્ણાભાભીની વાત કાપી નાખી હતી.
ગર્વિત જ્યારે મદ્યપાન કરીને ઘરે આવતો ત્યારે શ્રુતિકા કહેતી : 'ગર્વિત, ભાઈબંધોના આગ્રહને માન આપીને એમનું મન રાખવા ક્યારેક એકાદ પેગ લેવો પડે તો હું માઠું નહીં લગાડું, પણ તમને ટેવ પડી જાય તો...' શ્રુતિકા વાક્ય પૂરું કરે એ પહેલાં જ ગર્વિતે સટ્ટાક કરતો એક તમાચો શ્રુતિકાના ગાલ પર ચોડી દીધો હતો. એટલા જોરથી કે એ નીચે ગબડી પડી હતી.
એણે ચીસ પાડીને કહ્યું હતું : ''શ્રુતિકા, જો સાંભળ, તને હું સંસ્કારના ટાયલા કૂટવા અને પ્રસન્ન દામ્પત્યના પાઠો શીખવવા અહીં નથી લાવ્યો. મેં સાંભળ્યું છે કે ભારતની છોકરીઓ અજ્ઞાંકિત, નમ્ર અને નિરુપદ્રવી હોય છે. એટલે જ મેં તારી સાથે લગ્ન કર્યું છે. અને શ્રુતિકા તું તો સંસ્કારોની વાત ના કરે તો જ સારું છે. તારી સાથે જે ઘટના બની ગઈ, પછી સંસ્કારની વાતો કરવાનો તને કોઈ રાઇટ નથી સમજી ?
મને નતી ગમતો તારો ચહેરો, નથી ગમતી તારી રહેણી-કરણી મારી રીતે જીવવા હું આઝાદ છું. એમાં દખલ કરીશ તો એનાં માઠાં પરિણામ ભોગવતી રહીશ, માટે ખાઈપીને ચૂપચાપ ઘરના એક ખૂણે પડી રહે. ભારતીય સ્ત્રીઓને મન સસરાનું 'ઘર' એ જ મેરેજ છે અને રસોડું એ જ સ્વર્ગ છે મોંઘા વસ્ત્રો અને દાગીના એ જ દામ્પત્ય જીવન છે. રવિવારે કોઈ સહેલી કે સગાને ઘેર પહોંચી જવું એ જ પ્રવાસ અને પિકનિક હોય છે. એ બધું તને મળી રહેશે - અલબત્ત મારી હાજરી વગર.''
અને ગર્વિતની વાતો સાંભળી શ્રુતિકા સ્તબ્ધ થઈ ગઈ હતી. ગર્વિતના સ્વચ્છંદી વર્તનથી શ્રુતિકા ખૂબજ ત્રાસી ગઈ હતી. પરંતુ એણે વિચાર્યું 'હું એકલી પત્ની નથી, આ ઘરની વહુ પણ છું. પુત્રવધૂ તરીકે આ પરિવારની સેવા કરવાની મારી ફરજ છે.' અને મૂંગા મોઢે શ્રુતિકા ગર્વિતે આપેલા સતત જાકારાને હસતા મોઢે સહેતી હતી.
અને એક દિવસ કોઈને પણ કહ્યા વગર ગર્વિત ઘર છોડીને ચાલ્યો ગયો હતો... ગર્વિતના મમ્મી એમાં પણ શ્રુતિકાને જ અપરાધી માનતા હતા. શ્રુતિકાને કારણે જ ગર્વિત ઘર છોડીને જતો રહ્યો છે... એવી માન્યતા એમના મનમાં ઘર કરી ગઈ હતી... પાંચ વર્ષ એકાએક ઘરે પાછા આવેલા ગર્વિતને બેહોશ પડેલો જોઈ તેના મોટાભાઈ અર્પિતે તેને ભાનમાં લાવવા બહુ પ્રયત્ન કર્યો. પંદર વીસ મિનિટ પછી ગર્વિતે આંખ ખોલી... એણે જોયું કે પોતાનું મસ્તક મમ્મીના ખોળામાં હતું... એણે મમ્મીને જોયાં... એ કંપી ઊઠયો - 'આ મમ્મી ? કોણે ઝૂંટવી લીધો એનો ઠસ્સો. ક્યાં ગયું એનું લાલિત્ય ? ગર્વિતની જિજ્ઞાસાનો જવાબ મમ્મીના શ્વેત વસ્ત્રો આપી રહ્યાં હતાં. અને સામી ભીંત પર ગર્વિતે નજર કરી... પપ્પાના ફોટો હતો, સુખડનાં હારથી સજાવેલો હતો અને જોડે બીજો ફોટો હતો... શ્રુતિકાનો...
ગર્વિત ધુ્રસકે ધુ્રસકે રડી પડયો. અર્પિતે પપ્પા અને શ્રુતિકાના અવસાનની વાત કરી. આગમાં સપડાયેલી શ્રુતિકાને બચાવવા જતાં ગર્વિતના પપ્પા પણ સખત દાઝી ગયા હતા. અને પુત્રવધૂ સાથે તેઓ પણ પરલોક સિધાવ્યા હતા. અપર્ણાભાભીએ ગર્વિતના હાથમાં એક કવર મૂક્યું જે શ્રુતિકાની પથારીમાંથી મળી આવ્યું હતું.
શ્રુતિકાએ લખ્યું હતું : ''ગર્વિત, હું અહર્નિશ તમારી પ્રતીક્ષા કરું છું. પણ મારો કમજોર પ્રેમ તમને ઘરના દરવાજા સુધી ખેંચી લાવવામાં સફળ થતો નથી. પ્રશ્ન પૂછવાનો અધિકાર તમે મને ક્યારેય આપ્યો નથી અને મેં માગ્યો નથી. છતાંય ચિરવિદાય વેળાએ એક સવાલ પૂછું ? મનને શાંતિ અર્પવા બહાર ફરવા જાઉં છું એવું બહાનું કાઢીને તમે ઘર છોડયું ત્યારે હું જાણતી હતી કે તમારું પુરુષત્વ મારા સતીત્વને શુદ્ધ સ્વરૂપે સ્વીકારવામાં વામણું નીવડયું છે. દેવમંદિરેથી પાછા ફરતા બેચાર ગુંડાઓથી બી જઈને તમે મને એકલી મૂકીને જતા રહ્યા તેના બદલે એકલતાનો લાભ લઈને વાસનાનો શિકાર બનવાની ફરજ પાડનાર એક હેવાન સામે તમે મેદાને પડયા હોત, તો હું તમને મરદ માનત. પણ તમે તો ઠોકર ખાઈને પડનારની પીઠ પર જ નિર્દયતાપૂર્વક પ્રહાર કર્યો. ગર્વિત, શ્રુતિકાનું અશેષ સમર્પણ તમારામાં વિશ્વાસ અને શ્રધ્ધા ન પ્રગટાવી શક્યું ? મજબૂરી તો દંડપાત્ર નહીં, સહાનુભૂતિપાત્ર છે...
તમે ઘર છોડીને ચાલ્યા ગયા, એના કરતાં મને જ હિંમતપૂર્વક કહ્યું હોત તો હું જ ઘર છોડી દેત. પુરુષ નામર્દ બને એ મારાથી સહન નથી થતું. ગર્વિત, રોજરોજ બળવું એના કરતાં તનને એક સામટું બાળી લેવાની સજા કરવી સારી.
અને ગર્વિત શ્રુતિકાના અક્ષરોમાં દેખાતી ભડભડ બળતી ચિતા તરફ જાણે શૂન્ય મને તાકી રહ્યો... હતો.


