Get The App

'જ્વેલ થીફ'માં કોણે કોણે હીરા-મોતી ટાંકેલા?

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
'જ્વેલ થીફ'માં કોણે કોણે હીરા-મોતી ટાંકેલા? 1 - image

- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી

- ગીત બની ગયેલું, રિહર્સલો થઈ ગયેલાં, રેકોર્ડીંગની તારીખ નક્કી હતી છતાં બર્મનદાએ આગલે દિવસે આશાજીને ફોન કરીને કહ્યું કે 'રેકોર્ડીંગ કેન્સલ છે.'...

આ તો સારું હતું કે એ જમાનામાં સોશિયલ મિડીયા નહોતું અને એ પણ સારું હતું કે એ વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજના જેવી ગંદી રમતો નહોતી રમાતી, નહીંતર 'જ્વેલ થીફ' રીલીઝ થતાંની સાથે જ એની સ્ટોરી લીક થઈ જાત કે 'અસલી જ્વેલ થીફ તો અશોક કુમાર જ છે ! અને એ જ દેવ આનંદને ફસાવી રહ્યો છે !'

છતાંય, આ જાણવા છતાંય, જો આજનો કોઈ યંગસ્ટર પહેલીવાર 'જ્વેલ થીફ' જુએ તો અધ્ધર જીવે પોણા ભાગની મુવીમાં ચોંટી રહે ! અને છેલ્લે તો વિજય આનંદને જરૂર સલામ કરે કે 'માન ગયે બોસ ! શું જોરદાર થ્રિલર બનાવ્યું છે !'

૧૯૬૭માં આવેલી આ ફિલ્મ તે વખતે તો હિટ હતી પણ કાળક્રમે થોડી ખોવાઈ ગયેલી પરંતુ છેક ૧૯૮૦માં જ્યારે તેને દૂરદર્શન પર દેખાડવામાં આવી ત્યારે મુંબઈના ફિલ્મ જગતમાં અને છાપાંઓમાં એનાં જે અઢળક વખાણ થયાં તે જોઈને ખુદ વિજય આનંદે 'સાનંદાશ્ચર્ય' થયેલું. (આ 'સાનંદાશ્ચર્ય' કોઈ સ્વામીજી કે બાબાજીનું નામ નથી. અહીં સંધિ છોડવાની છે ! 'સ' વત્તા 'આનંદ' વત્તા 'આશ્ચર્ય' ઈઝ ઇકવલ ટુ 'આનંદ સાથે આશ્ચર્ય', ઓકે ?)

એવું તે શું હતું 'જ્વેલ થીફ'માં, કે એ જોતાં આજે પણ ગુઝબમ્પસ આવે છે ? (હવે આ અક્ષરો શબ્દ અંગ્રેજીમાં છે એટલે એનો સાચો સ્પેલિંગ લખશો તો જ ગુગલમાં જવાબ મળશે.)

નવાઈની વાત એ હતી કે એ.કે.નારાયણ નામનો ખાસ જાણીતો નહીં એવો લેખક, જેણે આની પહેલાં 'હમ પંછી એક ડાલ કે' અને 'ગીત ગાયા પથ્થરોં ને' જેવી ચાંપલી ફિલ્મોની વાર્તા લખી હતી, તેની પાસે વિજય આનંદે આવી ભેદી સ્ટોરી લખાવવાનું કેમ નક્કી કર્યું ?

તો મામલો એવો હતો કે એ.કે.નારાયણની લખેલી એક થ્રિલર મુવી 'ધ ડ્રમર'નાં છ રીલ શૂટ થયાં પછી તે ડબ્બામાં બંધ થઈ ગયેલી. એ ક્યાંકથી વિજય આનંદને જોઈ. અને આ નારાયણભાઈને તેડાવ્યો ! નવી ફિલ્મ માટે સ્ટોરી શું હોવી જોઈએ એની મથામણ ચાલતી હતી એવામાં નારાયણે એક એવા કોર્ટ કેસના ન્યુઝ બતાડયા કે એમાં જે માણસ ગુનેગાર સાબિત થતો હતો એ આ દુનિયામાં ક્યાંક 'હતો જ નહીં !'

આ સાંભળતાં જ વિજય આનંદે કહ્યું 'યસ !' આ જ છે આપણી સ્ટોરી ! એક એવો માણસ, જે ક્યાંય છે જ નહીં ! જોકે એ પછી પરદા ઉપર જે થ્રિલ ઊભું થાય છે એમાં વિજય આનંદની પટકથાનો જાદુ છે. (ગોલ્ડી, યાને કે વિજય આનંદ આ ફિલ્મના એડિટર પણ હતા) અને હા, પેલા નારાયણે આના પછી દેવ આનંદની વધુ ત્રણ હિટ ફિલ્મોની સ્ટોરી આપી. 'દુનિયા', 'મહલ' અને 'જ્હોની મેરા નામ'.

જોકે આટલી જોરદાર સ્ટોરી હોવાથી હજી અમુક લોકોને ડાઉટ છે કે બોસ, જરૂર કોઈ ફોરેનની ફિલ્મમાંથી ઉઠાંતરી કરી હશે. પરંતુ એવું છે નહીં ! છતાં, જો તમને 'પ્રેરણા'માં રસ હોય તો ફિલ્મનું પહેલું જ ગાયન 'યે દિલ ના હોતા બેચારા...'યાદ કરી લો. એની શરૂઆતની લાઈનોમાં 'બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ'માં જે ફેમસ વ્હીસલ ટયૂન હતી તેની જ કોપી છે. (બાકીની અઢાર લાઈનો અને ઇન્ટરલ્યુડ મ્યુઝિકમાં નહીં, હોં ?)

આ ગાયનની એક અલગ જ સ્ટોરી હતી. બન્યું એવું કે ગુરૂદત્ત 'બહારેં ફિર ભી આયેગી' બનાવી રહ્યા હતા ત્યારે એસ ડી બર્મને આ ધૂન બનાવેલી. મજરૂહ સુલતાનપુરીના બોલ અને રફી સાહેબના અવાજમાં ગીત રેકોર્ડ પણ થઈ ગયેલું. પરંતુ અચાનક બર્મનદા ને હાર્ટ એટેક આવ્યો ! બીજી બાજુ ગુરૂદત્તને ઉતાવળ હતી એટલે સંગીતકાર તરીકે ઓ પી નૈયરને લઈ લીધા.

આમાં પેલું ગીત પડી રહેલું ! પણ પાંચ વરસ પછી જ્યારે 'જ્વેલ થિફ' માટે ગાયન બનાવવાનું થયું ત્યારે બર્મનદાએ જુના પટારામાંથી એ ધૂન કાઢી ! મજરૂહ સાહેબે નવા બોલ લખ્યા અને કીશોરકુમારે મસ્તીભર્યા અંદાજમાં એવું ગાયું કે... આહાહા... (જુના ગીતના શબ્દો હતા : 'કોઈ, ના તેરા સાથી હો, ડગર, કહીં ભી જાતી હો...' અને તમારે જો પેલી ઇંગ્લીશ મુવીની વ્હીસલ સાથે સાંભળવું હોયતો યુ ટયુબમાં 'રેર !! બહારેં ફિર ભી આયેગી' ટાઈપ કરજો.)

એમ તો 'હોઠોં પે ઐસી બાત... 'ને પણ બિમારી નડી હતી ! 'જ્વેલ થિફ'નાં ગીતો મૂળ તો શૈલેન્દ્ર લખવાના હતા. એમણે 'રૂલા કે ગયા સપના' લખ્યું પણ ખરું અને ક્લાઈમેક્સમાં આવનારા ગીતનું મુખડું પણ લખેલું... પણ... પણ.... પણ.... શૈલેન્દ્ર પણ ખરાબ રીતે બિમાર પડયા ! એટલે મજરુહ સુલતાનપુરીએ મુખડું એમનું એમ રાખીને બાકીનું આખું ગીત લખ્યું. (અને ફિલ્મનાં બીજાં ગીતો પણ લખ્યાં)

'હોઠોં પે ઐસી બાત'ની બીજી અનોખી મજા એની શરૂઆત અને એન્ડમાં જે ઢોલ-નગારાં, તબલાં તરંગ, ઘુંઘરું અને બાઝ ગિટાર સાથેનું જે મ્યુઝિક વાગે છે, એમાં છે. સામાન્ય રીતે બીજા સંગીતકારો આવી સિચ્યુએશનમાં ઢોલ વગેરેના ચાર-પાંચ અલગ અલગ ઠેકા વગાડીને 'ટેકા' કરી નાંખે, પણ બર્મનદાદાએ જે કંપોઝિશન બનાવ્યાં છે તે આજે પણ અમુક સંગીત રસિયાઓને 'મોઢે' છે !

એમ તો 'રાત અકેલી હૈ...' પાછળ પણ એક મજેદાર કિસ્સો છે. ગીત બની ગયેલું, રિહર્સલો થઈ ગયેલાં, રેકોર્ડીંગની તારીખ નક્કી હતી છતાં બર્મનદાએ આગલે દિવસે આશાજીને ફોન કરીને કહ્યું કે 'રેકોર્ડીંગ કેન્સલ છે.'

આવું તો ત્રણ વાર થયું ! આખરે જ્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું હતું ત્યારે આશાજીએ પૂછ્યું, 'ત્રણ વાર મુલતવી કેમ રાખ્યું ?' ત્યારે સચિનદાએ કહ્યું 'ચાબી નહીં મિલ રહી થી, ગાને કી !'

અને એ 'ચાવી' શું હતી ? દાદાએ આશાજીને કહ્યું 'આ ગીત એવી રીતે ગાવાનું છે કે જાણે કોઈ નાની નટખટ છોકરી કોઈના કાન પાસે આવીને 'હાઉક' કરીને બીવડાવતી હોય !' (હવે તમે ફરી સાંભળજો, 'જો ભી ચાહે કહી યેએએએ...' વખતે પેલી 'હાઉક' વાળી ફિલીંગ આવે છે ને ?)

= ફિલ્મના શૂટિંગ પહેલાં અશોક કુમારને બાયપાસ સર્જરી થઈ હતી એટલે એમણે શરત મુકેલી કે વિલન તરીકે હું મારામારી નહીં કરું, માર પણ નહીં ખાઉં અને માત્ર ૧૧ થી પાંચ વાગ્યા વચ્ચે જ શૂટિંગ કરીશ !

= શૂટિંગ દરમ્યાન વૈજ્યંતિમાલાને વિજય આનંદ સાથે કકળાટો થતા હતા. 'હોઠોં પે ઐસી બાત'ના શૂટિંગ પહેલાં વૈજ્યંતિએ અલગથી રિહર્સલો કરવાની ચોખ્ખી ના પાડી હતી. છતાં ફિલ્મમાં ક્યાંય વેઠ ઉતારી હોય એવું દેખાતું નથી.

= દેવ આનંદ આ ફિલ્મમાં પાંચ પાંચ યુવતીઓ સાથે રોમાન્સ કરે છે ! તનુજા, વૈજ્યંતિમાલા, હેલન, ફરિયાલ અને અંજુ મહેન્દ્રુ.

= અને 'દિલ પુકારે આ રે આ રે...' ગીતમાં વૈજ્યંતિમાલાએ લાલ રંગની વિચિત્ર 'સફેદ ફુમતાવાળી' સાડી પહેરી હતી !