- નાઝીઓના કેમ્પમાં જેના માથા પર મોત ઝળૂંબતુ હતું તેવા ડો. વિકટર ફ્રેન્કલ જીવન મસ્ત મજાનું લાગે તેવો રોડમેપ આપણા માટે આપી ગયા છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- સુખ તો માત્ર એક બાય-પ્રોડક્ટ છે. જ્યારે તમે કોઈ કામ કે હેતુમાં ઓતપ્રોત થાઓ છો, ત્યારે સુખ પાછળના બારણેથી પ્રવેશે છે
આ જથી લગભગ ૮૦ વર્ષ પહેલાં, ઓસ્ટ્રિયાના એક પ્રતિષ્ઠિત મનોચિકિત્સક વિક્ટર ફ્રેન્કલ નાઝીઓના કન્સન્ટ્રેશન કેમ્પની લોખંડી દીવાલો પાછળ કેદ હતા. તેમની પાસે ન તો પોતાનું નામ હતું (માત્ર એક નંબર હતો), ન તો કપડાં કે પરિવાર. જે પણ ક્ષણે ગેસ ચેમ્બરમાં જવાનો ઓર્ડર આવી શકે તેમ હતો. આવી ભયાનક પરિસ્થિતિમાં પણ ફ્રેન્કલ એક સત્ય શોધી શક્યા જે આજે ૨૦૨૬માં ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં જીવતી પેઢી માટે સંજીવની સમાન છે.
તેમણે જોયું કે જે કેદીઓ શારીરિક રીતે મજબૂત હતા તેઓ વહેલા તૂટી ગયા, પરંતુ જેમના મનમાં જીવન માટે કોઈક અર્થ કે હેતુ જીવતો હતો 'પત્નીને ફરી મળવાની આશા, અધૂરું પુસ્તક પૂરું કરવાની જિદ્દ કે ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા' તેઓ મૃત્યુના મુખમાંથી પણ બહાર આવી શક્યા. તેમનું પુસ્તક 'Man's Search for Meaning' માત્ર એક સંસ્મરણ નથી, પણ માનવ મનનો નકશો છે.
Gen z અને 'સન્ડે ન્યુરોસિસ'
આજની જનરેશન (Gen Z અને Alpha) પાસે બધું જ આંગળીના ટેરવે છે. છતાં, 'બર્નઆઉટ' અને 'લોનલીનેસ'ના કિસ્સાઓ સૌથી વધુ છે. ફ્રેન્કલ આને 'Existential Vacuum' (અસ્તિત્વનો ખાલીપો) કહે છે.
એક કિસ્સો જોઈએ : એક યુવાન સોફ્ટવેર એન્જિનિયર છે, જેનો પગાર લાખોમાં છે. તે દર અઠવાડિયે નવા ગેજેટ્સ ખરીદે છે, મોંઘી ક્લબમાં જાય છે. છતાં રવિવારની સાંજે તેને એક અજીબ બેચેની થાય છે. ફ્રેન્કલ આને 'Sunday Neurosis' કહેત. જ્યારે અઠવાડિયાની દોડધામ અટકે છે, ત્યારે માણસને સમજાય છે કે તેની પાસે દોડવા માટે ગતિ તો છે, પણ દિશા અર્થ) નથી.
સફળતા અને સુખ પાછળ દોડવાથી તે મળતા નથી; તે તો અર્થપૂર્ણ કાર્યના પરિણામ સ્વરૂપે આપોઆપ આવે છે.
કમનસીબે આપણે સુખને લક્ષ્ય બનાવી દીધું છે, જ્યારે સુખ તો માત્ર એક બાય-પ્રોડક્ટ છે. જ્યારે તમે કોઈ કામમાં ઓતપ્રોત થાઓ છો, ત્યારે સુખ પાછળના બારણેથી પ્રવેશે છે.
રિમોટ કંટ્રોલ કોના હાથમાં
ફ્રેન્કલનો સૌથી ક્રાંતિકારી વિચાર એ છે કે દુનિયા તમારી પાસેથી બધું જ છીનવી શકે છે, પણ એક વસ્તુ ક્યારેય નહીં : તમારો પ્રતિભાવ
તેઓ લખે છે : "Stimulus (ઉત્તેજના કે આવેશ) અને Response (પ્રતિભાવ) વચ્ચે એક અવકાશ હોય છે. એ અવકાશમાં આપણી પાસે આપણો પ્રતિભાવ પસંદ કરવાની શક્તિ છે. અને એ પ્રતિભાવમાં જ આપણી વૃદ્ધિ અને આપણી સ્વતંત્રતા રહેલી છે.'
આજના સંદર્ભમાં વિચારો : કોઈએ તમારી પોસ્ટ પર ખરાબ કોમેન્ટ કરી અથવા ઓફિસમાં બોસે અપમાન કર્યું. તમારો તરતનો પ્રતિભાવ ગુસ્સો હોઈ શકે. પણ ફ્રેન્કલ કહે; કે, તમે એ સેકન્ડના દસમા ભાગમાં અટકીને વિચારી શકો છો- 'શું આ વ્યક્તિની કોમેન્ટ મારા મનની શાંતિ નક્કી કરશે?' જો તમે શાંત રહેવાનું પસંદ કરો છો, તો તમે મુક્ત છો. જો તમે ગુસ્સે થાઓ છો, તો તમે તે પરિસ્થિતિના ગુલામ છો.
ચેસની ચાલ
નવી પેઢી ઘણીવાર પૂછે છે કે 'જીવનનો અર્થ શું છે?' ફ્રેન્કલ કહે છે કે જીવનનો કોઈ એક વૈશ્વિક અર્થ નથી. જેમ ચેસના ચેમ્પિયનને પૂછવામાં આવે કે 'દુનિયાની સર્વશ્રેષ્ઠ ચાલ કઈ?' તો તે કહેશે કે એ તો રમતની સ્થિતિ પર આધાર રાખે છે. જીવન પણ એવું જ છે.
જીવનનો રોડમેપ
ફ્રેન્કલે જીવનનો અર્થ શોધવાના ત્રણ રસ્તા બતાવ્યા છે :
કાર્ય અથવા સર્જન : જ્યારે તમે કંઈક નવું બનાવો છો, કોઈ પ્રોજેક્ટ પૂરો કરો છો કે કોઈની સેવા કરો છો. એક પેઈન્ટર જ્યારે કેનવાસ પર રંગ પૂરે છે અથવા એક કોડર જ્યારે જટિલ સમસ્યા ઉકેલે છે, ત્યારે તેને કઈંક કર્યાનો આનંદ કે હેતુ પ્રાપ્ત થયાનું સાફલ્ય પ્રાપ્ત થાય છે. અહીં કામ માત્ર પૈસા માટે નથી, પણ સ્વ-અભિવ્યક્તિ માટે છે.
અનુભવ અને પ્રેમ
કોઈ સુંદર સંગીત સાંભળવું, પ્રકૃતિને નિહાળવી અથવા કોઈ વ્યક્તિને તેના મૂળ સ્વરૂપમાં પ્રેમ કરવો. ફ્રેન્કલ કહે છે કે પ્રેમ એ બીજાના અસ્તિત્વના ઊંડાણને સમજવાની ચાવી છે. જ્યારે તમે કોઈના માટે 'જરૂરી' હોવ છો, ત્યારે તમને આત્મહત્યાનો વિચાર નથી આવતો.
સ્વજનનું મૃત્યુ
ફ્રેન્કલ તેમના પુસ્તકમાં એક પ્રસંગ કહે છે.
એક વૃદ્ધ ડોક્ટર ફ્રેન્કલ પાસે આવ્યા. તેઓ પોતાની પત્નીના મૃત્યુ પછી ખૂબ જ ડિપ્રેશનમાં હતા. ફ્રેન્કલે તેમને પૂછયું, 'ડોક્ટર, વિચારો કે જો તમે પહેલા મરી ગયા હોત અને તમારી પત્ની જીવતી હોત તો?' ડોક્ટરે કહ્યું, 'અરે, તેના માટે તો એ અસહ્ય હોત! તે ખૂબ જ દુ:ખી થાત.' ફ્રેન્કલે શાંતિથી કહ્યું, 'તો જુઓ, તમે અત્યારે જે દુ:ખ ભોગવી રહ્યા છો, તે તમારી પત્નીને એ દુ:ખમાંથી બચાવવા માટેની કિંમત છે.' ડોક્ટર શાંત થઈ ગયા. દુ:ખ તો ત્યાં જ હતું, પણ હવે તે 'અર્થપૂર્ણ' બની ગયું હતું.
આ ત્રણ તો આવશે જ
આજની પેઢી 'ફીલ ગુડ' ફેક્ટરમાં માને છે. પણ ગરીબથી તવંગર અને ગુલામથી માલિક બધાના જીવનમાં ત્રણ પરિસ્થિતિ તો આવવાની જ છે : પીડા, અપરાધભાવ અને મૃત્યુ. ફ્રેન્કલ આને 'Tragic Triad' કહે છે.
તેઓ કહે છે કે આ ત્રણ આપણા જીવનમાં આવે ત્યારે (૧)પીડા કે આફતને સિદ્ધિ કે અવસરમાં બદલો (૨) અપરાધભાવ કે ભૂલનો પશ્ચતાપાત કરી સુધરવાની તક શોધો. (૩) જીવન ક્ષણભંગુર છે એ જાણીને અત્યારની ક્ષણને જવાબદારીપૂર્વક જીવો.
નવી પેઢી ઘણીવાર નિષ્ફળતાથી ડરી જાય છે. પણ ફ્રેન્કલના મતે, નિષ્ફળતા એ અર્થની શોધનો એક પડાવ માત્ર છે.
જીવનને પૂછો
આપણે હંમેશા પૂછીએ છીએ : 'મને જીવનમાંથી શું જોઈએ છે?. ફ્રેન્કલ આ પ્રશ્નને ઉલટાવી નાખે છે. તેઓ કહે છે કે ખરેખર આપણે જીવનને પૂછવું જોઈએ કે તું અમારી પાસેથી શું અપેક્ષા રાખે છે. અમે કેવી રીતે જીવીએ તો તને જીવવામાં સાર્થકતા લાગશે.
દરેક પરિસ્થિતિ, દરેક દિવસ આપણને એક પ્રશ્ન પૂછે છે. તમે ડિપ્રેશનમાં હોવ, ત્યારે પૂછો : 'આ પરિસ્થિતિ અત્યારે મારી પાસે કયા પ્રકારના ધૈર્યની અપેક્ષા રાખે છે?'
સ્ટેચ્યુ ઓફ રિસ્પોન્સિબીલિટી
ફ્રેન્કલ એક બહુ સરસ સૂચન કરતા. તેઓ કહેતા કે અમેરિકાના પૂર્વ કિનારે 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' (સ્વતંત્રતાની પ્રતિમા) છે, તો પશ્ચિમ કિનારે 'સ્ટેચ્યુ ઓફ રિસ્પોન્સિબિલિટી' (જવાબદારીની પ્રતિમા) હોવી જોઈએ.
સ્ટોકડેલે શીખવ્યું કે : 'તમારે વર્તમાનની ક્રૂર હકીકતનો સામનો કરવો જ પડશે,મુક્તિની કોઈ ડેડ લાઈન ન રાખતા. બસ એ જ શ્રદ્ધા ધરાવશો કે અંતે આ કપરો સમય પણ ચાલ્યો જશે. સૂર્યાસ્ત અને સૂર્યોદય પર શ્રદ્ધા રાખો.'
મહાત્મા ગાંધીની રેલ યાત્રા
આફ્રિકાના એક રેલ્વે સ્ટેશને ટિકિટ ચેકરે અશ્વેત કહી ધક્કો મારીને ગાંધીજીને સ્ટેશન પર ફંગોળી દીધા ત્યારે તેમણે આ ક્ષણે પોતાના અને અશ્વેત નાગરિકોના અસ્તિત્વનો અર્થ આત્મસન્માનમાં શોધ્યો. પીડાને અવસરમાં ફેરવ્યો આને કહેવાય. નાની ક્ષણોમાં લેવાયેલા મોટા નિર્ણયો જીવનનો અર્થ બદલી શકે છે.
સ્ટીવ જોબ્સ અને 'કેલિગ્રાફી'
જ્યારે સ્ટીવ જોબ્સે કોલેજ છોડી દીધી, ત્યારે તેમણે એક 'કેલિગ્રાફી' (અક્ષરલેખન)ના ક્લાસમાં પ્રવેશ લીધો હતો . તે સમયે તેમને તેનો કોઈ વ્યવહારુ ઉપયોગ નહોતો. તે જેલમાં પણ નહોતા કે બીમાર પણ નહોતા, બસ બેરોજગાર હતા. ૧૦ વર્ષ પછી જ્યારે તેમણે પ્રથમ મેકિન્ટોશ કમ્પ્યુટર બનાવ્યું, ત્યારે તે કેલિગ્રાફીના ક્લાસના લીધે જ કમ્પ્યુટરમાં સુંદર ફોન્ટ્સ આવ્યા.
આના પરથી એ બોધ મેળવવાનો છે કે 'આપણને ઘણીવાર લાગે છે કે અત્યારે આપણે જે મહેનત કરીએ છીએ તેનો શું અર્થ?' પણ જોબ્સ કહેતા કે, 'તમે ભવિષ્ય તરફ જોઈને બિંદુઓ (Dots) જોડી શકતા નથી; તમે માત્ર ભૂતકાળ તરફ જોઈને જ તેને જોડી શકો છો. 'એટલે કે, અત્યારે જે કંઈ પણ શીખો છો, તે ક્યારેક અર્થપૂર્ણ સાબિત થશે જ.
યાદ રાખો દુ:ખ અને પડકાર અનિવાર્ય છે, નિરાશા એ પસંદગી છે.
જ્ઞાન પોસ્ટ
જીવનનું સાચું માપ સુખ નહીં પરંતુ અર્થ કે હેતુ છે. હેતુ હોય તો દુ:ખ સહન થાય. માતા પિતાને સંતાન ઉછેરવાનો હેતુ છે તેથી તે ઉજાગરા કે શ્રમ અનુભવાતો નથી. હેતુ ન હોય તો આરામ પણ અસહ્ય લાગે. માનવની સૌથી મોટી શક્તિ દુ:ખ ટાળવામાં નથી પરંતુ દુ:ખનો અર્થ નક્કી કરવામાં છે. કદાચ જીવન આપણને ડગલે અને પગલે પૂછે છે 'તમે આ પરિસ્થિતિમાં કયો હેતુ ઉમેરશો?'


