Get The App

શ્રીમંતોના ઘરની શોભા વધારતા ચિત્રો કરોડોની કિંમતે ખરીદાય છે!

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
શ્રીમંતોના ઘરની શોભા વધારતા ચિત્રો કરોડોની કિંમતે ખરીદાય છે! 1 - image

- પાણીદાર પેઈન્ટિંગના મોંઘા મોલ

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- આજના ચિત્ર ખરીદનારાઓ વધુ ચોક્કસ છે. તેઓ માત્ર કલાની પ્રશંસારૂપે ચિત્રો નથી ખરીદતા, તેમને પોતાના નાણાનું યોગ્ય રોકાણ કરવામાં રસ છે... 

વ ર્ષો પહેલાં કેટલાંક કલા રસિકો ઘરમાં સુંદર ચિત્ર રાખવાની ઈચ્છા થાય ત્યારે બજારમાં મળતા આકર્ષક કેલેન્ડર ખરીદીને દિવાલ પર લટકાવી દેતા. ધીરે ધીરે સુંદર, આકર્ષક પેઈન્ટિંગ વસાવવાનો શોખ કેટલાંક રસિકો પાળવા લાગ્યા. મોટા શહેરોમાં તો આર્ટ ગેલેરીઓ ખુલવા લાગી અને ચિત્રકારોના પેઈન્ટીંગના પ્રદર્શન થવા લાગ્યા. આવા પેઈન્ટિંગ એક સમયે રૃા.૫૦૦થી ૫૦૦૦ સુધીમાં મળતા હતા. પરંતુ છેલ્લા ત્રણ- ચાર દાયકાથી મશહૂર ચિત્રકારોના પેઇન્ટિંગનો ભાવ કરોડોમાં બોલાવા લાગ્યો. શ્રીમંતો શેરબજારમાં નાણાં રોકે એ  રીતે ખ્યાતનામ ચિત્રકારોનું સર્જન ઊંચા દામ આપીને વસાવવા લાગ્યા. કેટલાંક ઉદ્યોગપતિઓ જગમશહૂર ચિત્રકારોના પેઈન્ટિંગ ખરીદીને તેમની કંપનીની વિશાળ ઓફિસની દિવાલો સજાવવા લાગ્યા.

આવો જ એક પેઈન્ટિંગ ખરીદીનો અભૂતપૂર્વ કિસ્સો હમણાં બન્યો. આ પેઈન્ટિંગ છે. ગાય દહોતી જશોદા મૈયાની પાછળ ઊભેલા કાનુડાની. આ પેઈન્ટિંગ ૧૩૦ વર્ષ પહેલાં રાજા રવિ વર્મા નામના મહાન ચિત્રકારે બનાવ્યું હતું. સેફ્રોન આર્ટ નામના એક લિલામ ઘરે આ ચિત્ર ઓકશનમાં મૂક્યું ત્યારે તેની ઊંચામાં ઊંચી બોલી રૃા.૮૦ કરોડની અંદાજવામાં આવી હતી. પરંતુ સાયરસ પૂનાવાળાએ આ ચિત્ર વિક્રમસર્જક ૧૬૭ કરોડમાં ખરીદયું. આ શખ્સ એજ પૂનાવાલા સાહેબ છે જે પૂનાની સિરમ ઈન્સ્ટિટયૂટના સર્વેસર્વા છે. જેમને કોરોનીની રસી વિકસાવ્યા બાદ આખા જગતમાં પ્રસિધ્ધ મળી હતી. પૂનાવાલાએ આ પેઈન્ટિંગ પોતાની ઓફિસમાં ગોઠવવાનો નિર્ણય લીધો છે.

વાચકોને થશે કે એક પેઈન્ટિંગની કિંમત આટલી બધી અ....ધ...ધ...ધ... હોઈ શકે? આવા તો એક નહીં અનેક કિસ્સા છે. જ્યાં સાવ નિર્જીવ જણાતા ચિત્રની કિંમત કરોડોમાં ઉપજે છે. જેમ કે 

 મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોએ વર્ષ ૧૯૫૫માં બનાવેલી ઓઈલ પેઈન્ટિંગે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. દાયકાપૂર્વે લગભગ ૧૮ કરોડ ડોલરની સાથે આ દુનિયાનું સૌથી મોંઘું વેચાયેલું પેઈન્ટિંગ બની ગયું હતું.

ફાઈન આર્ટ ઓક્શન હાઉસ  ક્રિસ્ટિઝે પિકાસોની વુમેન ઓફ અલ્ઝીયર્સ પેઈન્ટિંગની બોલીની ૨કમ માટે ૧૪  કરોડ ડોલરનું  અનુમાન લગાવ્યું હતું પરંતુ તેના માટે છેલ્લી હરાજી લગભગ ૧૮ કરોડ ડોલરની  લગાવવામાં આવી હતી. હરાજીની આ પ્રક્રિયા ૧૧ મિનિટ સુધી ચાલી તેમાં ૩૫ દેશોનાં લોકોએ  બોલી લગાવી. આ પેઈન્ટિંગને ખરીદનાર વ્યક્તિની ઓળખાણ થઈ શકી નહોતી.

આ અગાઉ એક બ્રિટિશ ચિત્રકાર ફ્રાંસિસ બેકોનની કૃતિ થ્રી સ્ટડીઝ ઓફ લ્યુસિયન ફ્રોયડ એ હરાજીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. નવેમ્બર ૨૦૧૩માં આ પેઈન્ટિંગ લગભગ ૧૪.૨ કરોડ ડોલરમાં વેચાયું હતું. એક ચોક્કસ શૈલીનાં આ રંગબેરંગી ચિત્રમાં જનાનખાનું દ્રશ્ય  છે.

ઓગણીસમી સદીમાં વિન્સેન્ટ વેન ગોગ નામનો એક ડચ ચિત્રકાર તેની ૩૭ વર્ષની ટૂંકી જિંદગીમાં આશરે ૮૦૦ ચિત્ર દોરીને મરી ગયો. તે જીવતો હતો તે દરમિયાન કોઈએ તેનાં ચિત્રોની કદર કરી નહીં અને તે ૮૦૦માંથી માત્ર એક ચિત્ર વેચી શક્યો. પણ તેના મર્યા પછી ધીમેધીમે લોકોને તેની કલાની કિંમત સમજાઈ અને હવે તેના મૃત્યુનાં સો વર્ષ પછી તેનાં ચિત્રો ખરીદવા માટે લોકો પડાપડી કરે છે. છેલ્લે ૧૯૮૭માં ં અમેરિકામાં વેન ગોગનું 'સનફ્લાવર્સ' નામનું ચિત્ર આશરે ૫૦ કરોડમાં વેચાયું. વિધિની વિચિત્રતા તો એ છે કે વેન ગોગે હતાશા અને ભૂખમરાથી કંટાળીને આત્મહત્યા કરી હતી, પોતાનાં ચિત્રો નહીં વેચાવાના દુ:ખમાં.

કલાની દુનિયામાં કંઈ નિશ્ચિત નથી હોતું. જેમ ભૂખે મરેલા ચિત્રકારનાં ચિત્રો કરોડો રૂપિયામાં વેચાઈ શકે છે તેમ ફિલ્મનાં પોસ્ટર્સ ચીતરતો ચિત્રકાર દેશનો સૌથી મોંઘો ચિત્રકાર બની શકે છે. મકબૂલ ફિદા હુસેનને આ બહુમાન મળ્યું હતું. એક જમાનામાં તેઓ ફિલ્મનાં પોસ્ટર્સ ચીતરતા, પણ ત્યાર બાદ  સૌથી મોંઘા ચિત્રકાર તરીકે ખ્યાતનામ બન્યા અને તેમનાં ચિત્રો  લાખો, કરોડોની કિંમતે વેચાય છે.

આમ જુઓ તો ભારતની ચિત્રકળા વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં કેટલીક ટોપ સેલિંગ (મોંઘી અને લોકપ્રિય) ભારતીય પેઇન્ટિંગ્સ વિશે માહિતી આપવામાં આવી છે

કલાકાર : એસ.એચ. રાઝા

કિંમત : અંદાજે ૫૧ કરોડથી વધુ

વિશેષતા : આ પેઇન્ટિંગમાં રંગો અને જ્યોમેટ્રિક આકારો દ્વારા આધ્યાત્મિકતા દર્શાવવામાં આવી છે.

બીજું પેઇન્ટિંગ કિંમત : 16 કરોડથી વધુ.

વિશેષતા : ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશથી પ્રેરિત આ કૃતિ ખૂબ જ રંગીન અને અભિવ્યક્તિપૂર્ણ છે.

કલાકાર : તૈયબ મહેતા

કિંમત : ૨૦ કરોડથી વધુ

વિશેષતા : આ પેઇન્ટિંગમાં દેવ- દૈત્યના સંઘર્ષનું પ્રતિકાત્મક દર્શન છે.

કલાકાર : એમ.એફ. હુસૈન

કિંમત : ૧૫ કરોડ આસપાસ

વિશેષતા : હુસૈનના ઘોડાના ચિત્રો ખૂબ જ લોકપ્રિય છે અને આ પેઇન્ટિંગ તેમાંનું એક છે.

કલાકાર : એફ.એન. સૌઝા

કિંમત : ૧૦ કરોડથી વધુ

વિશેષતા : આધુનિક કલા શૈલીમાં સ્ત્રીનું પ્રદર્શન.

કોઈ પૂછે કે ભારતના સૌથી મોટા, ઊંડી સૂઝ  ધરાવનારા અને લાગણીસભર ચિત્રો બનાવનારા ચિત્રકાર કોણ હતા? તો જરાય વાર લગાડયા વિના  કહી શકાય કે રાજા રવિ વર્મા. લેખની શરૂઆતમાં કનૈયા અને જશોદાવાળા પેઈન્ટિંગનો ઉલ્લેખકર્યો છે તે મૂળ તો રાજા રવિ વર્માની  જ કૃતિ છે. ભારતના કેટલાંય  રાજા-મહારાજાઓ માટે મસમોટા  ખૂબ જ કલરફૂલ પેઈન્ટિંગ બનાવનારા  આ ચિત્રકારના કેટલાંય  અદ્ભૂત  પેઈન્ટિંગ મૈસૂરના  મ્યુઝિયમમાં જોવા મળે છે.

યુવા કલાકારોમાં  મુંબઈના અતુલ ડોડિયાનું નામ ટોચના ક્રમે ગણાય છે. એમનાં ચિત્ર કરોડોમાં વેચાય છે.

એક જાણકાર કળા વિવેચકના જણાવ્યા અનુસાર ભારતીય ચિત્રકળાની ખાસિયતો આ પ્રમાણે છે : આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અસરકારક પ્રભાવ, તેજસ્વી રંગો અને અનોખી શૈલી, ઇતિહાસ અને પુરાણો પરથી પ્રેરણા, વિશ્વભરમાં ઊંચી માંગ અને કિંમત. 

ભારતના સૌથી ચર્ચિત ચિત્રકાર વાસુદેવ ગાયતોંડેનું એક પેઈન્ટિંગ થોડા વર્ષ પૂર્વે મુંબઈમાં રૂ. ૨૯.૩૦ કરોડની માતબર રકમમાં વેચાયું હતું જે અમદાવાદની એક શ્રીમંત વ્યક્તિએ  ખરીદ્યું હતું.  ચર્ચાઓ થઈ  હતી.

કોલાબાની તાજ હોટલ પેલેસમાં  પેઈન્ટિંગ્સની લિલામી યોજાઈ ત્યારે પાંચ લોકોએ વાસુદેવ ગાયતોંડેને આ પેઈન્ટિંગ માટે બોલી લગાવી હતી. આ લિલામીમાં કેટલાક વિદેશી તથા સ્થાનિક ચિત્રપ્રેમીઓએ ભાગ લીધેલો.

જોકે સાચી વાત તો એ છે કે આજકાલ ચિત્રકારોની કલાના ભાવ જ વધી ગયા છે. પશ્ચિમી દેશોમાં તો કલાની વસ્તુઓ અને ખાસ કરીને ચિત્રો પર લખલૂટ પૈસા ખર્ચવાનો રિવાજ પહેલેથી જ હતો, પરંતુ હવે ભારતમાંય આ હવા શરૂ થઈ છે. આજ પહેલાં ચિત્રોના આટલા ભાવ ક્યારેય નહોતા ઊપજતા. નામાંકિત ચિત્રકારોથી માંડીને સાવ નવા ચિત્રકારોનાં ચિત્રોના ભાવ પણ છેલ્લાં પાંચસાત વર્ષોમાં બેથી દસગણા વધી ગયા છે. એક સમયે એમ.એફ. હુસેનનું કોઈ પણ ચિત્ર લાખોમાં વેચાતું. ગણેશ પાઇન નામના ઓછા જાણીતા ચિત્રકારનું ૧૯૯૧માં એક હજારની કિંમતે વેચાયેલું ચિત્ર આજે ૬૦,૦૦૦ માં વેચાય છે. અપતા સિંહના જે ચિત્રની કિંમત દસ વર્ષ પહેલાં માત્ર પંદર હજાર આંકવામાં આવી હતી તે અત્યારે દસગણી વધીને દોઢ લાખ થઈ ગઈ છે. આવે વખતે જરૂર વિચાર આવે કે આપણે પણ થોડાં પેઇન્ટિંગ્સ ખરીદી રાખ્યાં હોત તો કેવું સારું થાત.

પરંતુ અફસોસ કરવાની જરૂર નથી. હજુય કંઈ મોડું નથી થયું. ખરું પૂછો તો આજે જેટલાં પેઇન્ટિંગ્સ ખરીદાય છે તેટલાં આજ પહેલાં ક્યારેય ખરીદાતાં નહોતાં એવું  જણાવનાર કેકુ ગાંધી મુંબઈમાં  એક  આર્ટ ગેલેરીના માલિક છે અને તેઓ કહે છે  ''રૂપિયાની કિંમત ઘટી હોવાને કારણે જેમ બધી ચીજોના ભાવ વધ્યા છે તેમ ચિત્રોના પણ વધ્યા છે. પણ તે ઉપરાંત પ્રસારમાધ્યમોને કારણે ચિત્રકારો વધુ જાણીતા થયા છે. ચિત્રો ખરીદવાને સામાજિક મોભો ગણવામાં આવે છે. અને તે સાથે આજકાલ શ્રીમંતોની સંખ્યા પણ વધી છે ને તેથી ખરીદનારાઓ પણ વધ્યા છે. ડિમાન્ડ વધુ હોય અને સપ્લાય ઓછી હોય તો ભાવ તો વધવાના જ.''

તેઓ સ્વીકારે છે કે  ''આજના ચિત્ર ખરીદનારાઓ વધુ ચોક્કસ છે. તેઓ માત્ર કલાની પ્રશંસારૂપે ચિત્રો નથી ખરીદતા, તેમને પોતાના નાણાનું યોગ્ય રોકાણ કરવામાં રસ છે. અને પહેલી જ વાર એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે લોકોને કલામાં રોકેલા નાણાનું વળતર મળી રહે.'' 

ચિત્રોની કિંમત આંકવા માટેના કોઈ નિયમો તો નથી જ, પણ ક્યારેક તો વિચિત્ર કારણોના કે બનાવોના આધારે ચિત્રોની કિંમતમાં વધઘટ થાય છે. જેમ કે વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું એક ચિત્ર થોડાં વર્ષો પહેલાં એક સ્થળેથી બીજે સ્થળે ટેક્સીમાં લઈ જવાઈ રહ્યું હતું ત્યારે છાપરા પરથી નીચે પડી ગયું અને પછી કોઈને તેનો પત્તો લાગ્યો જ નહીં. આટલાં વર્ષો પછીયે કોઈ નથી જાણતું કે આ ચિત્ર ક્યાં ગયું. આ કારણે જેમજેમ સમય વીતતો જાય છે તેમતેમ તેની કિંમત વધતી જાય છે. જો આ ચિત્ર કોઈને મળ્યું હશે અને ભવિષ્યમાં તે એને વેચવા કાઢશે તો તે માલામાલ થઈ જશે.

જો કોઈ ચિત્ર જોઈને તમને કોઈ લાગણી થાય તો તે સાચી અનુભૂતિ છે એમ માનવાનું, ચિત્રકાર વિશે અને તેના કામ વિશે બને એટલી વધુ માહિતી મેળવવી જરૂરી છે. 

જાણીતા ચિત્રકારોનાં મોંઘાં ચિત્રો ખરીદવાનો મોહ જતો કરીને નવા, પણ પ્રતિભાશાળી ચિત્રકારોનાં ચિત્રો ખરીદવાં, જે પ્રમાણમાં સસ્તાં મળી રહે અને ભવિષ્યમાં તેની કિંમત વધવાની પણ પૂરેપૂરી શક્યતા હોય.''

એક જાણીતી આર્ટ ગેલેરીના માલિક ચિત્રોમાં માત્ર રોકાણપૂરતો રસ ધરાવવાની વૃત્તિને બિલકુલ વખોડી કાઢતાં કહે છે, ''જેમને માત્ર રોકાણમાં રસ છે તેમણે શેરબજારમાં જવું, અહીં આવવાની જરૂર નથી. રોકાણ આનંદની અનુભૂતિનું હોવું જોઈએ, પૈસાનું નહીં. જો તમને એક ચિત્ર જોઈને કોઈ જ લાગણી ન થાય, સારી કે ખરાબ પણ, તો તમે અહીં તમારો સમય બગાડી રહ્યા છો. કલા તો એવી ચીજ છે જેમાં એક વાર પડયા પછી તમે એમાં ડૂબતા જ જાઓ છો. પછી એ તમારું વળગણ બની જાય છે. ત્યારે પછી રોકાણની ચિંતા રહેતી નથી.'' કોઈ ચિત્રકાર ખૂબ ઓછાં ચિત્રો બનાવતો હોય તો તેનાં ચિત્રોની કિંમત ખૂબ વધી જાય. ગણેશ પાઇન આવા જ ચિત્રકાર છે જે એક ચિત્ર બનાવવામાં મહિનાઓ કાઢી નાખે છે અને તેથી જ તેમનાં ચિત્રો એમ.એફ. હુસેનનાં ચિત્રો કરતાં પણ વધુ મોંઘાં વેચાય છે, તે જ રીતે બિકાસ ભટ્ટાચાર્ય અને અંજલિ ઇલા મેનનની ખ્યાતિ એવી છે કે તેમનાં ચિત્રો દોરાયા પહેલાં જ બુક થઈ જાય છે. કલાકારની ખ્યાતિ વધારવામાં તેની શૈલી પણ મહત્ત્વનો ફાળો ભજવે છે. અત્યારે ભારતના  ભૂપેન ખખ્ખર, જેમિની રોય, બેન્દ્રે, રાઝા, રામકુમાર જેવા ટોચના કલાકારોની ખ્યાતિ પણ તેમની આગવી શૈલીને કારણે પ્રસરી છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ ધરાવતા ગુજરાતના ચિત્રકારોમાં અમદાવાદના અમિત અંબાલાલ, હકુ શાહ, વૃંદાવન સોલંકી, મોહસીન શેખ, અપૂર્વ દેસાઈ, પ્રેમ રાવલ, સુરતના જગદીપ સ્માર્ત વગેરેનો સમાવેશ થાય છે. એમાં અમિત અંબાલાલનાં ચિત્ર સૌથી વધુ કિંમતે વેચાય છે.

ગુજરાતના જાણીતા ચિત્રસંગ્રાહકોમાં અમદાવાદના સારાભાઈ પરિવાર, અદાણી પરિવાર, અમિત અંબાલાલ, કે. પી. નાણાવટી, અનિલ રેલિયા, સુરતના પ્રફુલ્લ શાહ વગેરેનો સમાવેશ થાય છે.

આ બધા ઉપરાંત અતુલ દેઢિયા, અવિજિત રોય, યોગેશ રાવલ, સી. ડગ્લસ જેવા નવા છતાં પ્રતિભાશાળી ચિત્રકારોનાં ચિત્રો ખરીદવાં એ કાયમી રોકાણ છે જ, અને ભવિષ્યમાં એ રોકાણનું વળતર પણ ખરીદનારને મળવાનું જ છે. જોકે કલાકૃતિઓની દુનિયામાં પહેલી વાર પગ મૂકનારે એટલું યાદ રાખવું કે મોટા ભાગે લિલામમાં જે કિંમતે ચિત્રો વેચાય છે તે ઘણી વાર યોગ્ય નથી હોતી. લિલામ કરતી કંપનીઓ ઘણી વાર ચિત્રની યોગ્ય કિંમત કરતાં ઘણી ઊંચી કિંમતે ચિત્રો વેચવામાં સફળ થાય છે એ વાત સાથે બધા જ સહમત છે.

હવે તો વિદેશમાં પણ ભારતીય ચિત્રકારોનાં સર્જન ખરીદનારનો મોટો વર્ગ અચાનક ફૂટી નીકળ્યો છે. ઘણા કહે છે કે માત્ર બિનનિવાસી ભારતીય દેશપ્રેમ બતાવવા ચિત્રો ખરીદતા હોય છે. જો કે આશિષ બલરામ નાગપાલ કહે છે કે જે ચિત્રકાર આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે ચિત્રો બનાવે એનાં ચિત્ર જ હમેશાં વેચાય.

પેન્ટિંગ બિઝનેસમાં તેજી અંગે એ કહે છે કે અગાઉ વિશ્વના જાણીતા ઓક્શન હાઉસ દ્વારા ભારતીય મિનિયેચર આર્ટને પ્રમોટ કરવામાં આવતી. હવે કન્ટેમ્પરરી આર્ટને પણ વધુ પ્રાધાન્ય મળવાથી ભારતીય ચિત્રોની માગ વધી છે, પરિણામે ભારતીય ચિત્રકારોનાં પેન્ટિંગ્સના ભાવ ઊંચકાયા છે.

- ભાલચંદ્ર જાની