Get The App

થોડા ક્રિયાવાચી ગુજરાતી શબ્દો .

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
થોડા ક્રિયાવાચી ગુજરાતી શબ્દો                            . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- ગુજરાતી ભાષાના કેટલાક ક્રિયાવાચી શબ્દોના અર્થો તપાસીએ ત્યારે આપણને ભાષાના વૈભવનો પરિચય થાય. અર્થભેદક રીતે પ્રયોજાતો ધ્વનિ ભાષાનો ધ્વનિઘટક ગણાય છે

ગુ જરાતી ભાષાના કેટલાક ક્રિયાવાચી શબ્દોના અર્થો તપાસીએ ત્યારે આપણને ભાષાના વૈભવનો પરિચય થાય. અર્થભેદક રીતે પ્રયોજાતો ધ્વનિ ભાષાનો ધ્વનિઘટક ગણાય છે, પણ એ અર્થભેદ કેવો કરે છે તે પણ તપાસવું પડે. અહી આપણે કેટલાંક દ્રષ્ટાંતો જોઈએ. એક જ ધ્વનિ બદલાતાં કેવો ચમત્કાર થાય છે!

(૧) ઊકલવું - ગૂંચ પડી ગઈ હોય, સંકુલ સમસ્યા ઊભી થઈ હોય ત્યારે 'ઊકલવું' શબ્દ તમામ ગૂંચો/સમસ્યા નિવારણનો અર્થ આપે છે. ઘરઆંગણે જીવનમાં ઘણા અવસરો-પ્રસંગો (બેન, દીકરી, દીકરાને પરણાવવાનાં, જન્મ-મરણના) આવે તે પણ પાર પાડવાની ઘટના 'ઊકલવું'થી ઓળખાય છે.

(૨) ઊખડવું - ચોંટયું હોય ત્યાંથી ખેંચી કાઢવું. આ ક્રિયા ધરતી સાથે જોડાયેલી વનસ્પતિ માટે જ નથી, કોઈ ગુંદરિયા મહેમાન, ગુંદરિયા વાતોડિયા માણસો પણ ઝડપથી ઊખડતા નથી. છોડ ઊખડી ગયો/ વિદેશ જનારા વતનથી ઊખડી જાય છે.

(૩) ઊકળવું - વધારે ગરમ કરવાના પ્રવાહી પદાર્થની સ્થિતિ ઊકળવું કહે છે. (ચા, દૂધ, કોફી, તેલ) માણસ પણ વધારે ગુસ્સો કરે ત્યારે પણ 'ઊકળી ઊઠયો' 

કહેવાય છે.

(૪) ઊકણવું - નાસી જવું, ભાગી જવું, મેદાન છોડી દેવું.

(૫) ઊગરવું - બચી જવું, મુશ્કેલીમાંથી બહાર આવવું.

(૬) ઊછળવું - કૂદવું, ઉછાળો મારવો, છૂટે હાથે આપવું - દરિયો ઊછળે, પૈસા ઉછાળાય અને ઘોડો ઊછળે છે. છંલાંગ મારવી.

(૫) ઊછરવું - મોટા થવું - કોઈ જીવ (વનસ્પતિ/વ્યક્તિ) વિકાસ કરે તેને ઊછરવું કહે છે.

(૬) ઊઘડવું - ફૂલ ઊઘડયું, પોલિસે ચોરને ઊઘાડયો.

(૭) ઊગડવું - અનાજ ઊગવું, બારણું ખોલવું - ઊગાડવું ખોલવાનો અર્થ ઉપનવું એટલે ઉત્પન્ન થવું, ઊબળવું એટલે ઊકલી જવું (ફરી ફરી વકરવું), ઊથલવું એટલે ઊંધુ કરવું અને ઊંચલવું એટલે ઉપાડવું તેમ ઊપજવું એટલે પેદા થવું અથવા સામેના સાથે સંવાદ રચવાનો પ્રયત્ન કરવો. અમેરિકા પાસે પાકિસ્તાનનું કશું ના ઊપજે. અને ખેતરમાંથી આ વર્ષે બટાટાની સારી ઊપજ થઈ. ઊભરવુંનો અર્થ દેખાઈ આવવું. ગુણિયલ યુવાનો સમાજમાં ઊભરી આવતા હોય છે. 'ઊઘલવું' શબ્દનો અર્થ બહાર નીકળવું અથવા વરરાજા ઊઘલ્યા. 'વર ઊઘલાવો' થયો. જાન ઊઘલી એ બધામાં સજ્જ થઈ બહાર નીકળવાની વાત છે. ખેતરમાં પણ ધાન બહાર નીકળે ત્યારે આ પ્રયોગ થતો હોય છે. 'ઊગરવું' એટલે બચી જવું. 'ભગવાને મને ઉગારી લીધો.' કહીએ ત્યારે બચાવી લેવાનો અર્થ હોય છે. આફતમાંથી ઊગરી ગયો બચી ગયો. અથવા બહાર નીકળી ગયો એવો અર્થ આપે છે. 'ઊકલી જવું'નો અર્થ મૃત્યુ પામવું એવો થતો હોય છે. ઉચી જવું એટલે વસૂકી જવું, ભેંસો દૂધ આપતી બંધ થઈ જાય ત્યારે ઉચી ગઈ એવો પ્રયોગ થતો હોય છે. ઊતરી જવું ક્રિયાના તો અનેક અર્થો છે. વાસી થઈ જવું બગડી જવું, પદભ્રષ્ટ થવું, ક્રમ પ્રમાણે નીચે આવવું પગથિયાં ઊતરવાં, તાવ ઊતરવો, માથુ ઊતરવું, થાક ઊતરવો જેવા તો અનેક અર્થો છે. બાધા ઉતારી, આરતી ઉતારી, નજર ઉતારી જેવા રૂઢિપ્રયોગો પણ ગુજરાતી ભાષક ઉપયોગમાં લેતો હોય છે. ઊજણી ઉતારવીનો વળી પાછો જુદો અર્થ છે. ઊજળવું એટલે ચોકખુ કરવું, માંજવું અને 'ઊજળી જવું' એટલે નખ્ખોદ જવું - ઉજ્જડ થઈ જવાના અર્થમાં વપરાતા શબ્દ છે. ઉજવણી કરવા માટે 'ઊજવવું' શબ્દ વપરાય છે ક્યારેક કોઈકને પાણી દેખાડવાનું હોય ત્યારે પણ આજે તો 'ઊજવી નાખ્યું' એમ કહીને પોતાની ક્ષમતાનો પરિચય અપાતો હોય છે.

વા વાયાં ને વાદળ ઊમટયાં

ગોકુળમાં ટહુક્યા મોર...

જેવી પંક્તિમાં 'ઊમટયાં' શબ્દનો અર્થ સજ્જ થઈને આવી પહોંચ્યાં. સેના ઊમટી, સૈનિકો ઊમટયા એમ બોલાતું જ હોય છે. 'ઊથલપાથલ' શબ્દમાં પણ અવળસવળ, અસ્તવ્યસ્તનો અર્થ છે. 'ઊથલો માર્યો' એટલે ફરીથી આવવુંનો અર્થ છે. ઊથલી નાખવામાં ફેરવી નાખવાનો અર્થ રહ્યો છે. ખાતરમાં માટી ને ઊથલાવી નાખી. ઊપણવુંમાં કૃત્રિમ પવન નાખવાની વાત છે - જ્યારે જાણીબુઝીને વાતને જાહેર કરી દેવાની ઘટનાને પણ ઊપણવું કહીએ છીએ. ખાનગી વાત જ્યારે જેના દ્વારા જાહેર થાય ત્યારે જે તે વ્યક્તિએ ઊપણી નાંખી એમ બોલાય છે. કામ વગર જે તે વાતમાં વચ્ચે કૂદી પડનાર માટે 'ઊલળી પડયો' એવો પ્રયોગ કરી બોલાય છે. ગાડું પાછળ વધારે વજનવાળું થાય ત્યારે ઊલળી પડતું હોય છે. ઊંરડાનો ભાગ ત્યારે ઊંચો થઈ જતો હોય છે.

'ઊચરવું' એટલે ઉચ્ચાર કરવો - બોલવું. નરસિંહ મહેતા કહે છે - 'જિહ્ના થકી જે અસત્ય ન ઊચરે... ધનધન જનની તેની રે.' ઊલવું એટલે મોસમ પૂર્ણ થઈ જતાં એનો ફાલ ઊતરવો બંધ થઈ જવો. ઉનાળા પૂર્વે મૂળા ઊલી જતા હોય છે. આમ ગુજરાતી ભાષામાં સંજ્ઞાવાચી શબ્દોની તુલનામાં ક્રિયાવાચી શબ્દોની સંખ્યા ઓછી છે, પણ એમાં એક જ ક્રિયાવાચી શબ્દો અનેક સંદર્ભોમાં વપરાતો હોવાને કારણે ભાષાનો અર્થ વૈભવ સમૃદ્ધ કરે છે. આપણે એક જેવા લાગતા કેટલા બધા શબ્દોમાંથી અર્થો ઊપનવ્યા!! (ઉત્પન્ન કર્યાં ?)