Get The App

'અગસ્ત્ય સંહિતા'માં વિદ્યુત પેદા કરતી 'બેટરી'નું વર્ણન!

Updated: Sep 24th, 2022

GS TEAM

Google News
Google News
'અગસ્ત્ય સંહિતા'માં વિદ્યુત પેદા કરતી 'બેટરી'નું વર્ણન! 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

- પશ્ચિમના વૈજ્ઞાનિકો પહેલાં જ, ભારતીય ઋષિ વિદ્યુત ઉત્પાદનનું રહસ્ય જાણતા હતા?

થો ડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર, ભેળસેળિયા સમાચાર વાંચવા મળ્યા. જેનો કેન્દ્રસાર હતો કે 'પ્રાચીનકાળમાં અગત્સ્ય ઋષિ દ્વારા  વિદ્યુત ઉર્જા પેદા કરવા, એટલે કે હાલમાં આપણે જે  બેટરી અથવા સેલ  વાપરીએ છીએ. તેને લગતી માહિતી / ફોર્મ્યુલા  તેમણે 'અગસ્ત્ય સંહિતા'માં આપેલ છે. આ વાતને સમર્થન આપતી હોય તેવી એક ઓથેન્ટિક વીડિયો 'કાશ્મીર ફાઈલ'ના ફિલ્મ નિર્માતા-નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની યુટયુબ ચેનલ ઉપર છે. ચેનલનાં 'ભારત કી બાત'ના  છઠ્ઠા એપિસોડમાં વિદ્યુત અને ઇલેક્ટ્રિક પાવર  જનરેશનની વાત કરવામાં આવી છે. જેમાં ઋષિ અગસ્ત્ય અને 'અગસ્ત્ય સંહિતા'માં આપેલ વિદ્યુતકોષનું  વર્ણન થતું હોય તેવો  શ્લોક પણ દર્શાવાયો છે. ઘણા લોકોને આશ્ચર્ય થયું કે 'શું ખરેખર અગત્સ્ય સંહિતામાં વિદ્યુત શક્તિને લખતો સિદ્ધાંત છે ખરો?. જો  હોય તો તે ખરેખર કામ કરે છે?  અગત્સ્ય સંહિતામાં આપેલ વીજળીને લગતા શ્લોક અને સિદ્ધાંત ખોટો છે? એવું સાબિત કરવા માટે, ફક્ત ભારતમાં જ નહીં, અમેરિકામાં વસતા કહેવાતા બૌદ્ધિકો પણ કામે લાગી ગયા હતા?  અગત્સ્ય સંહિતાનાં વીજળીને લગતા શ્લોકમાં ખરેખર શું છે? ચાલો તેની ભીતરમાં ઉતરીને સ્પષ્ટ જવાબ મેળવવાની કોશિશ કરીએ.

વી આર નોટ ધ ફર્સ્ટ -'રાઈડલ્સ ઓફ એન્સીયંટ સાયન્સ'

લેખક એન્દ્રું થોમસ આ સવાલનો જવાબ આપે છે. આ ઘટનાનો ઉલ્લેખ, લંડનની સ્પીઅર બુક્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત, એન્દ્રું થોમસનાં પુસ્તક 'વી આર નોટ  ધ  ફર્સ્ટ - રાઈડલ્સ ઓફ અન્સીયંટ સાયન્સ' (૧૯૭૧)માં જોવા મળે છે. લેખક પુસ્તકના પ્રકરણ-૧૩માં ( પુષ્ઠ ૧૨૩) નોંધે છે કે 'તેમના ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનના રાજકુમારની લાઇબ્રેરીમાં અગત્સ્ય સંહિતાના કેટલાક દસ્તાવેજો તેમનાં ધ્યાનમાં આવ્યા હતા. જેમાં વિદ્યુત બેટરી કઈ રીતે બનાવવી તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. યાદ રહે આ ઉલ્લેખ અગત્સ્ય ઋષિએ આપેલ સંસ્કૃત શ્લોક મુજબનો છે. લેખક લખે છેકે મિત્ર-વરુણ એટલે  વિદ્યુતમાં આવતા બે ધ્રુવ  કેથોડ એનોડ છે. આ લખાણ  બગદાદમાં આર્કિયોલોજિસ્ટ કોનીગને મળેલ, કોનીગ બેટરી કરતાં પણ વધારે પ્રાચીન છે. જેનો સ્પષ્ટ અર્થ એ થાય કે 'ભારતની અગત્ય સંહિતાનુ જ્ઞાન સુમેર બેબીલોન અને ઇજીપ્ત સુધી પહોંચ્યું હતું.' આજના કહેવાતા બૌદ્ધિકો સવાલ કરે છેકે 'અગસ્ત્ય ઋષિ દ્વારા  પ્રકાશિત અગત્ય સંહિતામાં આ શ્લોક તો છે જ નહીં?  આનો શું જવાબ  આપીશું?' લો આગળ વાંચો. 

આપણે રામાયણમાં  પુષ્પક વિમાનનો ઉલ્લેખ જોયો છે. રાવણ સીતાજીને ઉઠાવીને હવાઈમાર્ગે લંકા પહોંચ્યો હતો. સીતાજીને તે જે રથ/વાહનમાં ઉઠાવે છે. તેને આપણે વિમાન કહીશું કે આકાશયાન? ૧૯૨૦ની આસપાસ  એક મહારાષ્ટ્રિયન સંસ્કૃત વિદ્વાન પરશુરામ  હરિ થત્તે, પ્રાચીન સાહિત્યમાં  દર્શાવેલ  વિમાન ઉપર 'આકાશયાન' નામનું પુસ્તક લખી રહ્યા હતા. આ સમયે તેમને કેટલાક સવાલ થયા? તેઓ આકાશયાનની બાહ્ય રચનાનું  જ્ઞાન  પ્રાચીન ગ્રંથોમાંથી મેળવી શક્યા પરંતુ, તેની આંતરીક રચના કેવી હતી તે બાબતે તેમને કેટલાક સવાલ ઉઠતા હતા. આવાં સમયે વિદ્વાન રાવ સાહેબ કૃષ્ણજી વાજે તેમની મદદે આવ્યા. કૃષ્ણજી વાજે  પાસે સંસ્કૃતમાં  ટેકનીકલ માહિતી આપતા હોય તેવા પુસ્તકોનો સંગ્રહ હતો.

'અગસ્ત્ય સંહિતા'ની 'બેટરી'નું વર્ણન

संस्थाप्य मृण्मये पात्रे

ताम्रपत्रं सुसंस्कृतम् ।

छींदयेच्छिखिग्रीवेन

चार्दाभिः काष्ढापासुभिः ।।

दस्तालोष्टो निधात्वयः

पारदाच्छादितस्ततः।

संयोगोज्जायते तेजो मित्रावऱुणसंज्ञितम् ।।

- अगसत्य संहिता

આજે દરેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણમાં વપરાતી બેટરીનું પ્રાચીન રૂપ, અગસ્ત્ય મુનિએ તેમના શ્લોકમાં આપેલું છે.  શ્લોકનો અનુવાદ આ પ્રમાણે થાય. એક માટીનું વાસણ લો, તેમાં તાંબાનીપટ્ટી ગોઠવો. તેમાં કોપર સલ્ફેટ નાખો, પછી વચમાં કરવત વડે લાકડું કાપતી વખતે પેદા થયેલ ભુક્કો ભીનો કરી ગોઠવો, ઉપર પારો અને ઝીંક મૂકી દો, (પછી બે છેડા ઉપર) વાયરો ભેળવીશું તો મિત્રવરુણશક્તિ (વિદ્યુત શક્તિ)નો ઉદય થશે. આ શ્લોક અને તેમાં દર્શાવેલ માહિતીની ચર્ચાની શરૂઆત ૨૦૧૫માં થઈ હતી. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા, ફરીવાર આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

૧૯૩૮-૩૯માં  જર્મન આર્કિયોલોજીસ્ટ  વિલ્હેમ કોનીગને  બગદાદમાં ખોદકામ વખતે માટીના કુંજા આકારનાં કેટલાક પાત્ર મળ્યા. જેનો ઉપરનો ભાગ ડામરથી ઢાંકી દેવામાં આવ્યો હતો. કેન્દ્રમાં તાંબાના નળાકારમાં  લોખંડનો સળીયો ગોઠવેલો હતો.  તેમણે પોતાની શોધ વિશે ઓસ્ટ્રેયાના '‘9 Jhre Irak'માં તેનું  વર્ણન આપ્યું. કોનીગે આ પાત્રોને પ્રાચીન બેબીલોનની બેટરી તરીકે ઓળખાવ્યુ. કેટલાક લોકો તેને /'બગદાદ બેટરી' તરીકે પણ ઓળખે છે. મજાની વાત એ છે કે 'બીજા વિશ્વયુદ્ધ પછી જનરલ ઇલેક્ટ્રિક કંપનીના વિલાર્ડ ગ્રે  નામના વૈજ્ઞાનિકે બગદાદ બેટરી જેવી જ રચના કરી. પરંતુ તેમાં વિદ્યુત પેદા થઈ નહીં. તેને લાગ્યું કે પાત્રમાંથી કોઈ ઇલેક્ટ્રોલાઇટ કેમિકલ  બાષ્પીભવન પામી ચૂકયું છે એટલે તેમાં  કોપર સલ્ફેટ ઉમેર્યું.  અને.. જાણે ચમત્કાર થયો. આ બેટરી વિદ્યુત પેદા કરતી હતી. વિલાર્ડ ગ્રેએ જાહેર કર્યું કે 'બેબીલોન દ્વારા શોધવામાં આવેલી બેટરી, ખરેખર કામ કરતી હતી. જેનો મતલબ એ થયો કે 'બેબીલોન વાસીઓ વિદ્યુત ઉર્જા વિશે જાણતા હતા.' હવે જ્યારે વિલાર્ડ ગ્રે નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલી બેટરીની રચના જોઈએ છે ત્યારે, આપણને સમજાય છે કે 'અગસ્ત્ય ઋષિએ શ્લોકમાં જે પ્રકારની રચના વર્ણવી હતી, લગભગ તેવી જ રચના  બગદાદ કે બેબીલોન બેટરીમાં જોવા મળે છે. સવાલ એ થાય કે 'ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં દર્શાવેલ, અગસ્ત્ય મુનિનો શ્લોક બગદાદ સુધી કઈ રીતે પહોંચ્યો?

શિખિગ્રીવ એટલે મોરની ગરદન?

રાવ સાહેબ કૃષ્ણજી વાજેએ ૧૮૯૧માં પૂનામાંથી એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરી હતી. ભારતમાં વૈજ્ઞાનિક ગ્રંથો શોધતી વખતે તેમને ઉજ્જૈનમાં શ્રી એન.વી. ગાડગીલ, કહારવોડી દ્વારા કેટલાક દસ્તાવેજો મળ્યા. જે અગસ્ત્ય સંહિતા સાથે સંકળાયેલા હતા. આ નકલ ઉજ્જૈનના જગન્નાથ મંદિરના દામોદર ત્ર્યંબક જોશી પાસેથી મળી હતી. જેનો સમાવેશ 'અગત્સ્ય સંહિતા'માં  થયો ન હતો. આ દસ્તાવેજો ૧૫૫૦ની આસપાસના હતા. દસ્તાવેજોમાં દર્શાવેલ વર્ણન વાંચીને, નાગપુરમાં સંસ્કૃત વિભાગના વડા એવા ડૉ.એમ. સી. સહસ્ત્રબુદ્ધેને સમજાયું કે 'આ વર્ણન ડેનિયલના કોષ (વિદ્યુત બેટરી) જેવું જ છે. તેથી, તેમણે નાગપુરમાં એન્જિનિયરિંગના પ્રોફેસર શ્રી પી.પી. હોલેને દસ્તાવેજોની માહિતી અને એમાં આપેલી રચના તપાસવા કહ્યું. જેમાં અગસ્ત્યનું સૂત્ર નીચે મુજબ હતું- 'संस्थाप्य मृण्मेय पात्रे...मित्रावऱुणसंजितम् ।। '

શ્લોક વર્ણનના આધારે, શ્રી હોલ અને તેમના મિત્રએ બેટરી બનાવવાની તૈયારીઓ શરૂ કરી. શ્લોકમાં દર્શાવેલ બધી જ સામગ્રી તેમની સમજમાં આવી, પરંતુ શિખિગ્રીવનો  સાચો અર્થ સમજી શક્યા નહીં. તેમણે સંસ્કૃતિના પારંપરિક અર્થ પ્રમાણે તેનો અર્થ 'શિખિગ્રીવ એટલે મોરની ગરદન' કર્યો. મોરની ગરદન મેળવવા માટે તેઓ નજીકના પ્રાણીસંગ્રહાલયમાં ગયા. ત્યાંના પ્રમુખને પૂછયું કે, 'તમારા પ્રાણી સંગ્રહાલયમાં મોર ક્યારે મરી જશે? આ વાત સાંભળીને  પ્રમુખ  ગુસ્સે થયા અને કહ્યું કેમ? પછી શ્રી હોલે કહ્યું 'એક પ્રયોગ માટે મોરની ગરદનની જરૂર છે.' આ સાંભળીને તેણે કહ્યું, ઠીક છે. તમે મને એક અરજી આપો. હું વ્યવસ્થા કરીશ.' 

થોડા દિવસો પછી આ વિષય ઉપર પી.પી. હોલે એક આયુર્વેદાચાર્ય સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે તેમણે આયુર્વેદાચાર્યને આખી ઘટના સંભળાવી ત્યારે તેઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું, અહીં શિખિગ્રીવનો અર્થ મોરની ગરદન નથી, પરંતુ તેના ગળાનાં રંગ જેવા કોપર સલ્ફેટનો ઉલ્લેખ છે. આ માહિતી મળતાની સાથે જ સમસ્યાનું નિરાકરણ થઇ ગયું. તેના આધારે એક બેટરી સેલ બનાવવામાં આવ્યો. જે  ખરેખર વિદ્યુત પેદા કરતો હતો. આ પ્રકારની બેટરીનું પ્રદર્શન ૭ ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ સ્વદેશી વિજ્ઞાન સંશોધન સંસ્થા (નાગપુર)ની ચોથી વાર્ષિક સામાન્ય સભામાં અન્ય વિદ્વાનોની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડિજિટલ મલ્ટિમીટર દ્વારા વિદ્યુત પ્રવાહ માપવામાં આવ્યો, ત્યારે ઓપન સર્કિટનું  વીજ દબાણ (વોલ્ટેજ) ૧.૩૮ વોલ્ટ હતું, અને  સર્કિટ કરંટ (વિદ્યુત પ્રવાહ) 23 mA હતો.

'આકાશયાનઃ પરશુરામ હરિ થત્તે'

અગત્સ્ય ઋષિ કોણ હતા?  અગસ્ત્ય સંહિતા શું છે?.  તેની માહિતી તમને સ્ત્રોત દ્વારા પણ મળી શકશે. અહીં અગસ્ત્ય ઋષિએ આપેલા સંસ્કૃત શ્લોક અને શ્લોકનો અનુવાદ  પુસ્તકોમાં કઈ રીતે પહોંચ્યો તેની પણ વાત કરવી છે. 'આકાશયાન' પુસ્તકની માહિતી આપતો, એક સંશોધન લેખ મરાઠી વિદ્વાન શ્રી પરશુરામ હરિ થત્તેએ સૌપ્રથમ 'વેદિક સામયિક અને ગુરુકુલ સમાચાર', લાહોર, ભાગ.  XXI, નં.૭, ડિસેમ્બર ૧૯૨૩માં પ્રકાશિત કર્યો. તે લેખ ફરીવાર એપ્રિલ ૧૯૫૫  સાપ્તાહિક શિલ્પા-સંસાર, ભાગ.૧ અંક ૧૬માં  પુનઃ પ્રકાશિત થયો. જેની નકલ  જર્મની,  અમેરિકા  અને કેટલાક અન્ય દેશોની લાઇબ્રેરીમાં જોવા મળે છે.  પરંતુ ત્યાં માત્ર કોલેજ યુનિવર્સિટી કે અન્ય નામાંકિત વિદ્વાનો જ પહોંચી શકે છે. પરશુરામ હરિ થત્તેનાં લેખમાં માત્ર વિમાનની રચના જ નહીં,  વીજ ઉત્પાદન માટે અગત્સ્ય ઋષિએ આપેલ 'संस्थाप्य मृण्मये पात्रे... मित्रावऱुणसंजितम् ।।' શ્લોકનો વિધિવતનો પ્રથમવાર ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં  ધાતુ પર બીજી ધાતુનો ઢોળ કઈ રીતે ચઢાવવો?  તે બાબતનો  ઇલેક્ટ્રોપ્લેટિંગને લગતો શ્લોક પણ છે. વિમાન માટે દોરડાની રચના કઈ રીતે કરવી તેને લગતો શ્લોક પણ છે. આ બધી માહિતી  પ્રાચીન વિમાનને લગતા પુસ્તક 'આકાશયાન'માં આપેલી છે. નસીબની બલિહારી કે 'પરશુરામ હરિ થત્તેનું' 'આકાશયાન' પુસ્તકનું પ્રકાશન થઈ શક્યું નહીં.' તેમના અન્ય અપ્રકાશિત પુસ્તકો સાથે અહીં દર્શાવેલ અપ્રકાશિત હસ્તપ્રત હવે ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ પુના દ્વારા સાચવવામાં આવી છે.

ત્યાર બાદ એન્દ્રું થોમસનાં  પુસ્તક 'વી આર નોટ  ધ  ફર્સ્ટ -   રાઈડલ્સ ઓફ અન્સીયંટ સાયન્સ' (૧૯૭૧)માં  અગત્સ્ય સંહિતા અને વિદ્યુત બેટરીનું આલેખન  થયેલું જોવા મળે છે. આ પુસ્તકનો રેફરન્સ લઈને,  બીજું એક પુસ્તક ૨૦૦૦માં પ્રકાશિત થાય છે.' જેનું નામ છેઃ 'ટેકનોલોજી ઓફ ગોડ'. જેના લેખક છે. ડેવિડ હેચર ચાઈલ્ડ્રેસ. પ્રકરણ-૪ 'એન્સિયન્ટ  ઈલેક્ટ્રીક સીટી એન્ડ સક્રેડ ફાયર'માં 'વી આર નોટ  ધ  ફર્સ્ટ'નો સંદર્ભ આપ્યો છે. ઉપરાંત જુલાઈ ૧૯૬૪માં પોપ્યુલર ઇલેક્ટ્રોનિક્સમાં પ્રકાશિત થયેલા લેખની માહિતી પણ છે. વિદ્યુત બેટરી ૨૦૦૦ વર્ષ પ્રાચીન છે, તેવો લેખ એપ્રિલ ૧૯૫૭ના સાયન્સ ડાઈજેસ્ટ પ્રકાશિત થયો હતો. તેનો ઉલ્લેખ પણ છે. કોઈ ભારતીય વિદ્વાને આ વિવાદમાં ઊંડા ઉતારવાનું પસંદ ન કર્યું, માત્ર સવાલ જ કર્યો કે 'અગસ્ત્ય સંહિતા'માં આ શ્લોક છે જ નહીં? જો હોય તો પ્રકરણ ક્રમાંક અને શ્લોકનો ક્રમાંક જણાવશો.' બસ એટલુ જ લખ્યુ. 

Tags :