Get The App

સમાંતર પ્રકરણ - 7 .

Updated: May 24th, 2025

GS TEAM

Google News
Google News
સમાંતર પ્રકરણ - 7                                        . 1 - image


- શિશિર રામાવત

- લઘુનવલ

- 'મુક્ત થવું હોય તો મરવું પડે, કારણ કે જીવતેજીવ મુક્તિ જેવું કશું હોતું નથી. માણસનું રી-સેટ બટન એક જ વસ્તુથી દબાઈ શકે છે - મૃત્યુથી!'

- ' સિકયોરિટી... શું કરો છો  તમે લોકો ? એક માણસ રિસ્ટ્રિક્ટેડ એરિયામાં ઘુસી ગયો છે ને તમને કશી ખબર જ નથી ?   એ ઉપર આવી રહ્યો છે... પકડો એને...

અ નિકેત પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યો ત્યાં સુધીમાં ચતુર્વેદી અને ખુરાના આવી ગયા હતા, ચા-કોફી-નાસ્તાની પ્લેટ્સ ગોઠવાઈ ચૂકી હતી. 

'સોરી ટુ કીપ યુ વેઇટિંગ,' અનિકેત ડ્રોઇંગ રૂમમાં આવીને સોફાચેર પર ગોઠવાયો. 

ચતુર્વેદી જોઈ રહ્યો, 'સર, તમે થાકેલા-થાકેલા દેખાઓ છો.'

 'હા, યાર. કાલે રાત્રે કોણ જાણે કેમ મોડે સુધી ઊંઘ જ ન આવી. લોકેશ ક્યાં છે?' 

'ક્યાંક અટવાઈ ગયો લાગે છે. આવવો જ જોઈએ,' ખુરાનાએ કહ્યું. 

'આપણે શરૂ કરી દઈએ, નહીં તો ચા ઠંડી થઈ જશે.' 

ત્રિભુવને આજે સવારના નાસ્તામાં હાંડવો, ઢોકળા અને થેપલાં બનાવ્યા હતા. ચતુર્વેદીએ કહ્યું, 'આ ત્રિભુવન ખરો જાણકાર માણસ છે. ઓરિસાનો છે, પણ ગુજરાતી નાસ્તા પણ કેટલા સરસ બનાવે છે, ખરુંને સર?' 

'તમે રસોઈની વાત કરો છો, ચતુર્વેદી?' અનિકેતના ચહેરા પર રહસ્યમય સ્મિત ફરકી ગયું,  'ત્રિભુવન પાસે રસોઈ સિવાયની પણ એવી બધી જાણકારી છે જેની તમે કલ્પના પણ કરી ન શકો.' 

ચતુર્વેદી અને ખુરાનાની સામસામી નજર ટકરાઈ. 'કેવી જાણકારી, સર?' 

'એમાં તમારે બહુ પડવા જેવું નથી. લીવ ઇટ! આપણે ખાતાં ખાતાં થોડી કામની વાતો કરી લઈએ.' 

ગઈ કાલના કામનું ઝડપી આકલન અને આજના આખા દિવસનું શેડયુલ નક્કી કરતાં અનિકેતને પૂરી દસ મિનિટ પણ ન થઈ. 

ખુરાના કહે, 'આમ તો આપણે બિલકુલ ટ્રેક પર જ છીએ, સર, પણ મને લાગે છે કે-'

અચાનક અનિકેતના મનમાં વીજળીની જેમ કશુંક ત્રાટક્યું. એ સફાળો ઊભો થઈ ગયો. 'હું હમણાં આવ્યો' કહીને ઉતાવળે એ બેડરૂમ તરફ ભાગ્યો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. 

પેલો કાગળ મેં કાલે રાત્રે ક્યાં રાખ્યો? એ કાગળ, જે શિલ્પાએ મને બંધ કવરમાં આપ્યો હતો...

અનિકેતે સાઇડ ટેબલ પર જોયું. કાગળ ત્યાં નહોતો. એણે અધ્ધર શ્વાસે બારી નીચે મૂકેલા ટેબલના બન્ને ડ્રોઅર જોઈ લીધાં. કાગળ ત્યાં પણ નહોતો. આ કાગળ જો બીજા કોઈના હાથમાં આવી ગયો તો... અનિકેતના હૃદયમાં ધબકારા વધી ગયા. બાથરૂમમાં હશે? અનિકેત અટેચ્ડ બાથરૂમમાં ઘુસ્યો. ના, કાગળ અહીં પણ નથી. બાથરૂમમાં કાગળ કેવી રીતે હોય? એણે ડબલ બેડ પર અસ્તવ્યસ્ત પડેલી રજાઈ ઝાપટી નાખી, ઓશિકાં ઊંચાં કર્યાં- 

આ રહ્યો!

કાગળ એક ઓશિકાની નીચે દબાઈને પડયો હતો. અનિકેતનો જીવ હેઠો બેઠો. એણે ઝપટ મારીને કાગળ ઉઠાવી લીધો, તેના પર ફરી એક વાર નજર ફેરવી લીધી, ને પછી ગડી વાળીને વોર્ડરોબના ડ્રોઅરમાં સાચવીને મૂકી દીધો. 

આ કાગળને કારણે જ કાલે આખી રાત એને ઊંઘ નહોતી આવી- 

અનિકેત પાછો ડ્રોઇંગ રૂમમાં આવીને બેસી ગયો.  

ખુરાનાએ કહ્યું, 'સર... હું ચતુર્વેદીને કહી રહ્યો હતો કે તમારી સાથે કામ કરવાની આ જ મજા છે. કામનો ભાર બિલકુલ લાગતો નથી, અને છતાંય કામ સરસ રીતે આગળ વધતું રહે છે.' 

'આઇ એગ્રી,' ચતુર્વેદીએ પ્રશંસાત્મક સૂરે કહ્યું, 'યુ જસ્ટ લેટ અસ બી! તમે અમને કે અમારી કામ કરવાની રીતને બદલવાની જરાય કોશિશ કરતા નથી. આવા બોસ આસાનીથી મળતા નથી!'

અનિકેતે કશી પ્રતિક્રિયા ન આપી. એ એકદમ શાંત થઈ ગયો હતો. કેટલીય પળો ચુપ રહ્યા પછી એણે ધીમેથી કહ્યું, 'સામેના માણસને એ જેવો હોય એવો રહેવા દેવો, એને બદલવાની કોશિશ ન કરવી... આ કદાચ બહુ ઊંચી વાત ન પણ હોય. સામેનો માણસ ખોટું કરતો હોય, ભયંકર અજ્ઞાનમાં જીવતો હોય, પોતાનું જ નુક્સાન કરી રહ્યો હોય તો શું એને બદલવાની કોશિશ કરવી એ આપણી ફરજ નથી?'

ચતુર્વેદી અને ખુરાના ગુંચવાઈને ચુપ થઈ ગયા. અનિકેત એવી રીતે બોલી રહ્યો હતો જાણે એ વર્તમાનની સપાટી પરથી ઉખડીને અચાનક કોઈ જુદા જ ધરાતલ પર મૂકાઈ ગયો હોય. 'સર,' ચતુર્વેદીએ ગળું ખંખેર્યું,  'તમે આ કયા સંદર્ભમાં બોલી રહ્યા છો એ તો હું જાણતો નથી. તમે કહો છો કે કોઈ ખોટું કરતો હોય તો એને બદલવાની કોશિશ કરવી જોઈએ, બરાબર છે, પણ મારો સવાલ આટલો જ છે - સામેના માણસને સાચું કરવામાં રસ જ ન હોય તો? જો એને અંધારામાં જ જીવવું હોય તો તમે શું કરી શકો?' 

'ફેક્ટરી રી-સેટ!' અનિકેત દૂર શૂન્યમાં કશેક એકીટશે તાકી રહ્યો હતો, 'મોબાઇલ ખરાબ થઈ ગયો હોય, એમાં વાઇરસ ઘૂસી ગયા હોય તો નછૂટકે ફેક્ટરી રી-સેટ કરવું પડે છે. એક વાર ફેક્ટરી રી-સેટ થાય એટલે મોબાઇલનો બધો ડેટા ડિલીટ થઈ જાય, બધી એપ્સ-અપડેટ્સ અનઇન્સ્ટોલ થઈ જાય, બધાં સેટિંગ્સ ગાયબ થઈ જાય... માણસનું પણ એવું જ છે. માણસે આખી જિંદગી વિચારો, આગ્રહો, પૂર્વાગ્રહો, સંસ્કારો, કુસંસ્કારો, યાદો, પોતાની જાતજાતની ઓળખ આ બધા ડેટાનો ડુંગર ખડકી દીધો હોય છે. આ ડેટાને ડિલીટ કરી નાખવો... એ જ મુક્તિ છે! અને મુક્ત થવું હોય તો મરવું પડે, કારણ કે જીવતેજીવ મુક્તિ જેવું કશું હોતું નથી. માણસનું રી-સેટ બટન એક જ વસ્તુથી દબાઈ શકે છે - મૃત્યુથી!' 

ઓરડામાં વિચિત્ર ખામોશી પ્રસરી ગઈ. ચતુર્વેદીએ હસવાનો પ્રયત્ન કર્યો, 'સવાર-સવારમાં તમે એકદમ ફિલોસોફર બની ગયા, સર!'  

ખુરાના પણ થોડું હસ્યો. આ ક્ષણ વધારે ખેંચાઈ હોત, પણ એ જ વખતે લોકેશ હાંફતો હાંફતો આવ્યો.  

'આઇ એમ સોરી, આઇ એમ લેટ!' 

'તું ક્યાં ખોવાઈ ગયો હતો, લોકેશ? અમારો બ્રેકફાસ્ટ તો ક્યારનો પૂરો થઈ ગયો,' ચતુર્વેદીએ કહ્યું.  

'અરે, મારો કઝિન આવ્યો હતો, મને મળવા...' લોકેશ કહેવા લાગ્યો, 'એ મુંબઈમાં જ રહે છે, ફ્રેન્ડ્ઝ સાથે મનોરી આવ્યો છે. એ કેમ્પસની છેક અંદર આવવા નહોતો માગતો એટલે એને મળવા હું મેઇન એન્ટ્રેન્સ પાસે ગયો હતો... અને સર,' લોકેશે અનિકેત સામે જોયું, 'તમારો ફોન બંધ છે? અમેરિકાથી રિયા મેડમનો ફોન આવ્યો હતો.' 

'શું?' અનિકેત ચમકી ગયો. 

'રિયા મેડમ ક્યારના તમારા ફોન પર ટ્રાય કરી રહ્યાં હતાં, પણ તમારો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો એટલે મારા નંબર પર કૉલ કર્યો. તમને એક મેસેજ આપવાનું કહ્યું છે.' 

'કેવો મેસેજ?' 

'એ લોકો અમેરિકાથી પાછાં આવી રહ્યાં છે. બુધવારે સવારે મુંબઈ લેન્ડ થઈ જશે!' 

***

મોબાઇલ સ્ક્રીન પર વીડિયો સળવળી રહ્યો છે. વીડિયોમાં રિયા બ્લુ આસમાન નીચે દરિયાકાંઠે બેઠી છે. ખુલ્લી હવામાં ઉડ ઉડ થઈ રહેલા વાળ ચહેરા પર આવી રહ્યા છે. પાછળ, થોડે દૂર આર્જવ અને ઝારા રેતીમાં કશુંક બનાવી રહ્યાં છે. રિયા વાળ ઠીક કરતાં કરતાં બોલી રહી છે:  

'અનિકેત... સૌથી પહેલાં તો તારો ફોન કચરામાં ફેંકી દે! તદ્દન યુઝલેસ છે! ઇન્ડિયામાં બીજા બધાના ફોન લાગે છે, એક તારો જ લાગતો નથી! એટલે પછી મારે તારા કલીગના નંબર પર કૉલ કરવો પડે છે ને તને આ રીતે વીડિયો મેસેજ મોકલવો પડે છે. અચ્છા સાંભળ, અમે લોકો ટૂર ટૂંકાવીને પાછા ઇન્ડિયા આવી રહ્યાં છીએ. હોમ સ્વીટ હોમ! બહુ થઈ ગયું અમેરિકા! હું હવે બોર થઈ રહી છું. બચ્ચાઓ પણ આખો દિવસ ડેડી-ડેડી કર્યા કરે છે અને તારી તબિયત પણ... અનિકેત, તું બોલતો પણ નથી કે તને આંચકી ઉપડી હતી અને તને હોસ્પિટલમાં એડમિટ કરવો પડયો હતો? આ તો લોકેશે કહ્યું ત્યારે ખબર પડી. મને વાત તો કરવી જોઈએ? એનીવે, હવે રૂબરૂ જ બધી વાતો કરીશું. ઘણું બધું કહેવાનું છે તને! ચલ બાય... તું મારું ઇન્સ્ટાગ્રામ જુએ છે કે નહીં? મેં ઘણા નવા ફોટા અને રીલ્સ શેર કર્યા છે. સાન ફ્રાન્સિસ્કોના એક ફેમસ યુટયુબર સાથે મેં કોલેબ પણ કર્યું છે. એ વીડિયોની લિન્ક મેં તને વોટ્સએપ પર શેર કરી છે. જોઇને કહેજે કેવો લાગ્યો. ચલ આવજે. સી યુ સૂન!' 

***

લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર અટકી. અનિકેત બહાર આવ્યો. બિહારી સિક્યોરિટી ગાર્ડ સામે જ ઊભો હતો. એ અનિકેતને ધારી ધારીને જોતો રહ્યો ને પછી બોલી ગયો, 'સલામ, સાબ.' 

એને અવગણીને અનિકેત કારમાં ગોઠવાયો. બધા એની રાહ જોઈ રહ્યા હતા. કાર ઉપડી. રેસિડેન્શિયલ બિલ્ડિંગો પાછળ સરકવા લાગી.  

'અરે, કાલે રાત્રે કેમ્પસમાં બે મોટી ટ્રક આવી હતી એ તમે કોઈએ જોઈ?' લોકેશે એકદમ કહેવા માંડયું.   

ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલા ચતુર્વેદીએ પાછળ વળીને લોકેશ સામે જોયું, 'ટ્રકમાં જોવા જેવું શું છે? કેમ્પસમાં આટલા બધા લોકો રહે છે, આટલા પેશન્ટ્સ છે, કેટલાય કિચન ધમધમે છે. માલસામાન ભરેલા ગુડ્ઝ કરિયર્સ રોજ કેમ્પસમાં આવ-જા કરતાં જ હોય છે.' 

'પણ આ રુટિન ટ્રક નહોતો,' લોકૈશે રસપૂર્વક કહેતો હતો, 'એ ટ્રક ક્યાં જઈને ઊભો રહ્યો, ખબર છે? ત્યાં!' 

લોકેશે સેન્ટ્રલ કિચનની પાછળ ઊભેલી સૌથી ઊંચીં એકલીઅટૂલી બિલ્ડિંગ તરફ આંગળીથી નિર્દેશ કર્યો. બધાની ગરદન બિલ્ડિંગ 

તરફ ઘુમી. 

'પણ આ બિલ્ડિંગમાં તો કોઈ રહેતું નથી, ત્યાં કોઈ એક્ટિવિટી પણ થતી નથી!' ખુરાનાએ પૂછયું,

'એક્ઝેટ્લી! મને એટલે જ નવાઈ લાગી કે આ બિલ્ડિંગમાં આટલો બધો સામાન કેમ લઈ જવામાં આવે છે?' લોકેશે કહ્યું.

'શું હતું સામાનમાં?'   

' બહુ સમજાયું નહીં, પણ ફરનિચર અને ઘરવખરી જેવું લાગ્યું. આખો ટ્રક એનાથી ભર્યો હતો.' 

'સ્ટ્રેન્જ!' ખુરાનાએ કહ્યું, 'સર, તમને કંઈ ખ્યાલ છે આના વિશે?'   

'હેં? ના!' અનિકેત બેધ્યાનપણે બોલી ગયો, 'મને કેવી રીતે ખબર હોય?'

અનિકેતે કહ્યું નહીં કે આ એ જ બિલ્ડિંગ છે, જેમાંથી થોડા દિવસો પહેલાં એણે મધરાતે ઠક્ ઠક્ ઠ્ક અવાજ સાંભળ્યો હતો, અને જેના સૌથી ઉપલા માળે ભેદી રીતે બત્તી જલતી જોઈ હતી... 

અનિકેતે ડ્રાઇવરના ખભે હાથ મૂક્યો, 'ભૈયા, જરા રુકના.'  

કાર એડમિનિસ્ટ્રેટિવ વિંગ પાસે હળવા આંચકા સાથે ઊભી રહી.

'તમે લોકો કામ શરૂ કરો, હું સુપ્રિન્ટેન્ડન્ટને મળીને આવું છું,' કહીને અનિકેત કારમાંથી બહાર નીકળી ગયો. 

***

સુપ્રિન્ટેન્ડન્ટ સદભાગ્યે એમની ચેમ્બરમાં જ હતા. 

'આવો અનિકેત, બેસો.' સુપ્રિન્ટેન્ડન્ટે છેલ્લા પાને સહી કરીને ફાઇલ બંધ કરી, 'તમે એકદમ ટાઇમ પર આવ્યા. હું રાઉન્ડ પર નીકળવાની તૈયારીમાં જ હતો. કહો, શું 

ખબર છે?'

અનિકેત કશું બોલ્યા વગર આમતેમ જોવા લાગ્યો. 

સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, 'તે દિવસે તમે કાનજી સાથે મારું શૂટિંગ તો કર્યું, પણ એ તમને ઉપયોગી થશે કે નહીં?'

'હં? હા. સરસ હતું ઇન્ટરેક્શન. મને કામ આવશે...' અનિકેત લગભગ બે-મનથી બોલી ગયો. 

સુપ્રિન્ટેન્ડન્ટ અનિકેતને તાકી રહ્યા હતા. એનિકેતે સુપ્રિન્ટેન્ડન્ટની પાછળની દીવાલ પર લટકાવેલી ગ્રીક દેવી નેમોસિનીની તસવીર તરફ જોઈને સહેજ હસવાની કોશિશ કરી, 'આ તમારાં યાદશક્તિનાં દેવી... બહુ ડરાવી દે છે મને...'   

સુપ્રિન્ટેન્ડન્ટ ખડખડાટ હસી પડયાં. 'દેવીથી ડરવાની શી જરૂર છે? દેવીની તો ઉપાસના કરવાની હોય! મને તો બહુ રસ પડે છે ગ્રીક માઇથોલોજીમાં. ગ્રીક ગોડ્સ અને ગોડેસીસ મને આપણાં હિંદુ દેવી-દેવતાં જેટલાં જ આકર્ષક લાગ્યાં છે. ઇન ફેક્ટ, મેં મારા ઘરમાં પણ બે-ત્રણ ગ્રીક દેવતાઓનાં મોટાં આર્ટિસ્ટિક પેઇન્ટિંગ્સ ફ્રેમ કરાવીને રાખ્યાં છે, સ્ટડી રૂમમાં. તે દિવસે તમે ઘરે આવ્યા ત્યારે મારે તમને દેખાડવાની 

જરૂર હતી.' 

'સર, તે દિવસે...' અનિકેતના શબ્દો ગોઠવવા લાગ્યો, 'મેં કદાચ તમને અનકમ્ફર્ટેબલ કરી 

નાખ્યા હતા.'

'ઇટ્સ ઓકે, અનિકેત. એના માટે મેં તમને ક્યારના માફ કરી 

દીધા છે.'

'પણ મેં તમારી માફી ક્યારે માગી?' અનિકેતની આંખો ફરી ગઈ.  

સુપ્રિન્ટેન્ડન્ટ સહમી ગયા. શું બોલવું તે એમને સમજાયું નહીં. 

અનિકેતના ચહેરા પર તીવ્રતા આવી ગઈ, 'હવે સમજાયું, સર... કે તમે કોઈને માફ કરી દેવા માગતા હો, પણ સામેના માણસને માફી જોઈતી જ ન હોય તો કેવું ફીલ થાય છે?' 

'તમે કહેવા શું માગો છો?' 

'કોઈને માફી જોઈતી જ ન હોય ને તોય તમે માફી આપો તો એ વણમાગી માફી બૂમરેંગની જેમ પાછી ત્રાટકે છે અને તમને લોહીલુહાણ કરી મૂકે છે, સર!'

સુપ્રિન્ટેન્ડન્ટ અનિકેતને જોઈ રહ્યા. પછી સમજવાનો પ્રયત્ન કરવાનું માંડી વાળ્યું હોય તેમ ફાઇલ લઈને ઊભા થઈ ગયા, 'મારો રાઉન્ડમાં જવાનો સમય થઈ ગયો છે.' એમનો અવાજ સહેજ ખેંચાઈ ગયો હતો, 'તમારે બીજું કંઈ કહેવાનું છે?'

'હા. હું તમને એ કહેવા માટે આવ્યો હતો કે મારી ડોક્યુમેન્ટરીનું કામ હવે પૂરું થઈ ગયું છે. હું હવે કેમ્પસમાંથી રજા લઈશ.' 

સુપ્રિન્ટેન્ડન્ટ નવાઈ પામી ગયા. 'આટલું જલદી? તમે એક-બે દિવસ પહેલાં તો ઇમેલઇમાં અપડેટ આપ્યું હતું કે તમારું કામ હજુ સાઠ-સિત્તેર ટકા જ પત્યું છે!'

'ના, પણ હવે મને લાગે છે કે જેટલું જોઈતું હતું એટલું મટીરિયલ મળી ગયું છે. વધારે ખેંચવાનો મતલબ નથી. ઇન ફેક્ટ, હું આજે જ અહીંથી નીકળી જવા માગું છું.' 

'એમ ન જવાય. તમારે એક-બે દિવસ રોકાવું પડશે.'

'કેમ?' 

'એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનવાની છે, તમારા માટે ખૂબ કામની છે. એ પૂરી થાય એટલે નીકળી જજો.' 

'શું બનવાનું છે?' 

'તમને ખબર પડી જશે.' 

***

અનિકેત ઝપાટાભેર એડમિનિસ્ટ્રેટિવ વિંગનાં પગથિયાં ઉતરીને પોતાના સાથીઓ પાસે જવાને બદલે હોસ્પિટલ તરફ વળી ગયો. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ વિંગના પાછળના ભાગમાં આવેલી હતી. હોસ્પિટલનું મકાન કેમ્પસમાં સૌથી નાનું હતું અને ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર ફેલાયેલું હતી. અનિકેતન ચુપચાપ અંદર ઘુસી ગયો. એને બરાબર યાદ હતું કે તે દિવસે આંચકી ઉપડી હતી ત્યારે સારવાર માટે એને ક્યા સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યો હતો. પછી મોડી રાતે એને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો 

હતો અને...  

અનિકેતે જોયું કે એક લોબીના સાવ છેવાડે પગથિયાં છે, જે નીચે ઉતરે છે. અનિકેત ધીમે પગલે ત્યાં પહોંચી ગયો. એ જેમ જેમ પગથિયાં નીચે ઉતરતો ગયો તેમ તેમ એની આંખો પહોળી થતી ગઈ. એને ભાન થયું કે બહારથી નાનકડી દેખાતી આ હોસ્પિટલના ભોંયતળિયે એક નહીં, ત્રણ-ત્રણ ફ્લોર ધમધમે છે! 

કાનમાંથી લોહી ખેંચી કાઢે એવી ધારદાર શાંતિ ફેલાયેલી હતી ચારે તરફ. ક્યાંય કોઈ દેખાતું કેમ નથી? અનિકેત ચોરપગલે લોબીમાં ચાલવા લાગ્યો. થોડે થોડે અંતરે બંધ દરવાજા આવતા જતા હતા. દરેક દરવાજાની ઉપર તકતી લગાવી હતી, જેમાં લાલ અક્ષરોમાં લખાણ લખેલું હતું. અનિકેત વાંચતો ગયો: 'બિહેવિયરલ રીકંડિશનિંગ-ફેઝ ૨'.... 'ટિશ્યુ વાયેબિલિટી ટેસ્ટિંગ લેબ'... 'પોસ્ટ-સર્જિકલ કોગ્નિટિવ એસેસમેન્ટ યુનિટ'.... અનિકેત થંભી ગયો. પોસ્ટ સર્જિકલ કોગ્નિટિવ એસેસમેન્ટ યુનિટ એટલે? અહીં કઈ વસ્તુનું એસેસમેન્ટ થતું હશે? સર્જરી દરમિયાન પોતાના શરીરમાંથી અંગ કાઢી લેવામાં આવ્યું છે તેનું પેશન્ટને ભાનમાં આવ્યા પછી ભાન થાય છે કે કેમ તેની ચકાસણી થતી હશે અહીં? અનિકેત કાંપી ઉઠયો. 

આ યુનિટની સામે આખું સ્ટ્રેચર સમાઈ શકે એટલી મોટી લિફ્ટ હતી. બાજુમાં બીજો દાદરો પડતો હતો, જેની દીવાલ પર 'લેવલ-ટુ' સંજ્ઞા ચિતરેલી હતી. નીચે મોટા અક્ષરોમાં લખ્યું હતુ: 'નો એન્ટ્રી'. અનિકેત દાદરો ઉતરી ગયો. લોબીમાં ડોકિયું કર્યું. કોઈ દેખાતું નથી. એ ધીમે ધીમે આગળ વધ્યો. અહીં  પણ કતારબદ્ધ ઓરડાઓ હતા. અનિકેતની આંખો સતત બંધ દરવાજાઓ પર લગાડવામાં આવેલી તકતીઓનું લખાણ વાંચી રહી હતી: 'મેમરી ઇન્ટેગ્રિટી રિવ્યુ ચેમ્બર'... 'ઇન્ટર્નલ આઇડેન્ટિટી ડિસ્પ્લેસમેન્ટ સેન્ટર'.... 'એનેટોમિકલ રિડિસ્ટ્રિબ્યુશન ફેસિલીટી....' અનિકેતનું લોહી ઉકળી રહ્યું હતું. એનેટોમિકલ રિડિસ્ટ્રિબ્યુશન... અંગો-ઉપાગોનું પુન:વિતરણ...? શું આ તમામ શબ્દપ્રયોગો સ્વયંસ્પષ્ટ નથી? ત્રિભુવન સાચો છે! એના ભાઈની કિડની અહીં કાઢી લેવામાં આવી હતી તેમાં હવે કોઈ શંકા નથી. ત્રિભુવનનો ભાઈ જ શું કામ, એના જેવા કેટલાંય પાગલ દર્દીઓના અંગ-ઉપાંગો કાઢી લઈને એનો વેપલો કરવાનું રીતસર કૌભાંડ ચાલી રહ્યું છે અહીં... 

'મિસ્ટર અનિકેત?' 

પાછળથી અવાજ આવ્યો. અનિકેતે ઝાટકો મારીને ગરદન ઘુમાવી. એક અધખૂલા દરવાજા પાસે લીલું એપ્રન પેહેરેલો કોઈ માણસ પથ્થર જેવા ચહેરે ઊભો હતો. આ માણસને અગાઉ ક્યારેય જોયો નહોતો. 

'તમે અહીં કેવી રીતે આવી ગયા? નો એન્ટ્રીની સાઇન વાંચી નહીં? યુ આર નોટ અલાઉડ હીઅર...' 

અનિકેત કશોય જવાબ આપ્યા વગર ચાલવા લાગ્યો. 

'સર!' 

અનિકેતે ધ્યાન ન આપ્યું. એ ઝપાટાભેર ચાલતો રહ્યો. અચાનક એની નજર એક દરવાજા પર લગાડેલી તકતી પર ગઈ, જેના પર લખ્યું હતુ: 'પ્રોજેક્ટ કાનજી!' 

અનિકેત ચોંકી ઉઠયો. કાનજી પ્રોજેક્ટ? આ લોકો માટે કાનજી એક પ્રોજેક્ટ છે?

'મિસ્ટર અનિકેત... ત્યાં જ ઊભા રહી જાઓ!' પેલો માણસ સત્તાવાહી સ્વરે કહ્યું.  

અનિકેતે ગતિ વધારી દીધી. માણસે ઝપટ મારીને દીવાલ પર જડેલા ઇન્ટરકોમનું રિસીવર કાને માંડયું, 'સિક્યોરિટી.... શું કરો છો તમે લોકો? એક માણસ રિસ્ટ્રિક્ટેડ એરિયામાં ઘુસી ગયો છે ને તમને કશી ખબર જ નથી? એ ઉપર આવી રહ્યો છે... પકડો એને...' 

અનિકેત બબ્બે પગથિયાં ચડવા માંડયો. એ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચે ત્યાં સુધીમાં તો ચેતવણીસૂચક સાયરન ચીસો પાડવા લાગી. એણે જોયું કે સામે મુખ્ય દરવાજામાંથી સિક્યોરિટીના બે માણસો ધડ્ ધડ્ કરતાં આવી રહ્યા છે. અનિકેત વિરુદ્ધ દિશામાં ભાગ્યો. સામે એક ખુલ્લી બારી દેખાતી હતી. અનિકેત છલાંગ મારીને બારીમાંથી બહાર કૂદી ગયો. 

આ હોસ્પિટલનું પાછલું કમ્પાઉન્ડ લાગે છે. સામે લોખંડનો નાનો ગેટ છે. ગેટની બહાર કોઈ ઊભું હશે? અનિકેત દોડીને બહાર આવી ગયો. આ ગેટની બહાર કોઈ સિક્યોરિટી ગાર્ડ નહોતો. આ જ સમય છે, આ જ તક છે, આ ભેદી કેમ્પસમાંથી નાસી છૂટવાની! અનિકેતે દરવાજામાંથી બહાર સરકીને કેમ્પસના મુખ્ય દરવાજા તરફ દોટ મૂકી. બહાર આમતેમ નિરુદ્દેશ ફરી રહેલા પાગલો ભાગી રહેલા અનિકેતને જોઈને ઊભા રહી ગયા. અનિકેત હાંફી રહ્યો હતો. કેમ્પસનો મેઇન ગેટ સામે જ દેખાઈ રહ્યો છે, બસ્સો-ત્રણસો મીટરના અંતરે... હું અવોર્ડવિનિંગ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર.... કેમ્પસમાંથી માનભેર વિદાય લેવાને બદલે એક અપરાધીની જેમ ભાગી રહ્યો છું! પણ હું પાછો આવીશ, પોલીસ ફોર્સ સાથે... કાનજીને છોડાવવા!

'સર, રુક જાઈએ...' 

કેમ્પસના ઊંચા લોખંડી મુખ્ય દરવાજાની આગળ સિક્યોરિટીના સાત-આઠ માણસો ઊભા રહી ગયા હતા. અનિકેતે જમણી તરફ આવેલા નાનકડા ગેટ તરફ છટકવાની કોશિશ કરી. સિક્યોરિટીના માણસોએ એને ઝડપી લીધો. 

'જવા દો મને...' અનિકેત છૂટવા માટે તરફડિયા મારવા લાગ્યો.  

'આપ કહીં નહીં જા સકતે, સર!' એક ઊંચો-તગડો સિક્યોરિટી ઓફિસર કહી રહ્યો હતો. અનિકેતે જોર અજમાવાનું બંધ ન કર્યું. 'છોડો મને...' 

અચાનક અનિકેતની ગરદનમાં કશુંક તીક્ષ્ણતાથી ભોંકાયું. અનિકેતની ચેતના લથડવા લાગી. 

એક મિનિટ, બે મિનિટ, અઢી મિનિટ.... 

અનિકેત બેહોશ થઈને ફસડાઈ પડયો.  (ક્રમશ:)

Tags :