તે બહુ મોડું કરી દીધું .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'એક વ્યક્તિ પોતાના સંસારમાં હોવા છતાં બીજી વ્યક્તિ પ્રત્યે કેવી રીતે આકર્ષાય? તેમાંય કદાચ લાગણી જન્મે તો પણ પોતાનો સંસાર છોડીને તો ન જ જઈ શકાય ને!'
'મા ણસની લાગણીઓ બહુ જ વિચિત્ર હોય છે. ઘણી વખત એવું બને છે કે, આપણને કોઈ વ્યક્તિ માટે સવિશેષ લાગણી થઈ જાય અથવા તો તે વ્યક્તિ જીવનના એવા પડાવે આવીને ગમવા લાગે કે આપણે દ્વિધામાં આવી જઈએ. આપણે લગ્નજીવન ગુમાવવા ન માગતા હોઈએ અને લગ્નેતર સંબંધમાં જવા પણ ન માગતા હોઈએ છતાં તે નવી વ્યક્તિનું વળગણ, આકર્ષણ અને કદાચ તેનાથી આગળ કહીએ તો તેની આદત આપણને બહુ અસર કરતી હોય છે.'
'તમને નથી લાગતું, આ લેખક થોડું વધારે પડતું જ વિચારી રહ્યા છે? એક વ્યક્તિ પોતાના સંસારમાં હોવા છતાં બીજી વ્યક્તિ પ્રત્યે કેવી રીતે આકર્ષાય? તેમાંય કદાચ લાગણી જન્મે તો પણ પોતાનો સંસાર છોડીને તો ન જ જઈ શકાય ને! સામાન્ય રીતે લગ્ન થઈ ગયા પછી ફરી પ્રેમ થતો નથી. મને આ કલ્પનો ખાસ ગમતા નથી અને અસર પણ કરતા નથી.' મહાશ્વેતાએ હાથમાં રહેલું 'પાનખરનું ગુલાબ' નામનું પુસ્તક નીચે મુકતા કહ્યું.
'વાત એવી છે, મેડમ કે આ પુસ્તક લખનાર લેખક છે, તે ગણિત સાથે જોડાયેલો નથી. તેને ધારો કે નામના શબ્દ સાથે દિલનો સંબંધ છે, મગજનો અને ગણતરીનો નહીં. તે ચાહનારી વ્યક્તિ ધારી લે છે અને ધારેલી વ્યક્તિને ચાહી શકે છે. તેણે ક્યાંય કશું જ સિદ્ધ કરવાનું હોતું નથી. તેનો પ્રેમ પણ પૂર્વધારણા જેવો હોય છે જેમાં સિદ્ધ કરવાને કોઈ અવકાશ હોતો જ નથી.' સ્ટાફરૂમમાં પ્રવેશ કરતાં જ સૌમ્ય ત્રિવેદીએ મહાશ્વેતાની વાતને કાપી.
'લો મેડમ, તમને જેની સામે વાંધો હતો તે લેખક અને આપણી સ્કૂલનો નવો ગુજરાતીનો શિક્ષક સૌમ્ય ત્રિવેદી આવી ગયો. હવે તમે લોકો ભેગા થઈને ગણિત અને ગુજરાતીના શિંગડા ભરાવે રાખજો!' ગામના સરપંચ અને સ્કુલના ટ્રસ્ટી પટેલકાકાએ સૌમ્યનો પરિચય આપતા કહ્યું.
રણાસણ ગામના કે.ટી પટેલ શૈક્ષણિક સંકુલના સ્ટાફરૂમમાં મુખ્ય શિક્ષક મહાશ્વેતા દવે અને બદલી કરાવીને આવેલા સૌમ્ય ત્રિવેદીએ એકબીજાની સામે જોયું. જાણે કે તપોભંગ થયું હોય તેવી ચમક મહાશ્વેતાની આંખોમાં આવી ગઈ, પણ તેણે જાતને સંભાળી લીધી.
'વેલકમ મિસ્ટર ત્રિવેદી. અમારી સ્કૂલમાં ઘણા વખતથી સારા ભાષાશિક્ષક નહોતા પણ હવે તો સાક્ષાત લેખક જ આવી ગયા છે. દર વર્ષે બે-ચાર કવિ અને લેખકો બહાર પડશે તેવું લાગે છે.' મહાશ્વેતાએ કહ્યું અને બધા હસી પડયા.
'કાકા, તમારી વાત બિલકુલ સાચી છે. મેડમની દરેક વાત ફુટપટ્ટીથી મપાયેલી અને કાગળના કાળજે કોણમાપક મુકીને પરિકરથી ભેદાયેલી હોય તેવી લાગે છે. તેઓ કાયમ તાળો મેળવવામાં જ વ્યસ્ત રહ્યા લાગે છે.' સૌમ્યએ પણ જવાબ આપ્યો અને સ્ટાફરૂમમાં ફરીથી હાસ્યનું મોજું ફેલાઈ ગયું.
સૌમ્ય અને મહાશ્વેતા આ રીતે એકબીજાના સંપર્કમાં આવ્યાં. સૌમ્ય સાવ ધૂની અને એકાકી જીવ હતો છતાં તેને મહાશ્વેતાનું ખેંચાણ અને આકર્ષણ ભરપૂર હતું. બીજી તરફ મહાશ્વેતા પોતાના પરિવારમાં વ્યસ્ત અને સંતાનોથી ઘેરાયેલી છતાં કોઈ અગોચર કારણસર સૌમ્યના શબ્દોમાં અનેક વખત ડૂબકી મારી લેતી. ઘણી વખત તે જાણી જોઈને સૌમ્યની ટીકા કરતી અને તેના જવાબથી મળતા અસ્ખલિત રસાસ્વાદને માણતી રહેતી. સૌમ્ય ઘણી વખત ફ્રી પિરિયડમાં કે પછી ફાજલ સમયમાં મહાશ્વેતાની ઓફિસમાં જઈને બેસતો, તેની સાથે વાતો કરતો, ઓફિસની અને સ્કૂલની કામગીરીની સાથે સાથે પોતાની લાગણીઓને વ્યક્ત કરતો અને મહાશ્વેતાની આંખોમાં રહેલી દુવિધાના વર્તુળોને જોયા કરતો. બંને વચ્ચે અકથ્ય લાગણીઓનો સેતુ બંધાતો જતો હતો.
સૌમ્યને ખાસ વાંધો આવે તેમ નહોતો પણ મહાશ્વેતાની સ્થિતિ થોડી જુદી હતી. તે સ્કુલની પ્રિન્સિપાલ હતી. બીજી તરફ ગામમાં જ તેનું ઘર હતું. તેના પતિ અને બાળકોની સાથે જ તે રહેતી હતી. તેને પોતાના સંસારથી કોઈ તકલીફ નહોતી કે કોઈ ફરિયાદ નહોતી, પણ એકાએક તેના જીવનમાં સૌમ્ય નામનું એક કઠોર વાવાઝોડું આવી ગયું હતું. એક બિંદુએ કેન્દ્રિત થયેલો મહાશ્વેતાનો સંસાર અને બીજા બિન્દુ તરફ આકર્ષિત થવા લાગ્યો હતો. બે બિંદુઓ વચ્ચે જે રેખા ખેંચાવા લાગી હતી તે કદાચ હવે સમાજમાં દેખાય તેમ હતી.
એક બપોરે આવી જ રીતે સૌમ્ય અને મહાશ્વેતા ઓફિસમાં બેસીને વાતો કરતાં હતાં. સૌમ્ય હવે સ્કૂલ છોડીને જવા માગતો હતો. એક રીતે મહાશ્વેતા માટે સારું હતું પણ તેનું મન આ માટે તૈયાર નહોતું. બંને વચ્ચે વાતો અને લાગણીના ખેંચાણ સિવાય કશું જ નહોતું છતાંય મહાશ્વેતા દ્વિધામાં હતી. સૌમ્યને તેને દબાણ કર્યું નહોતું છતાં તેનું ખેંચાણ અસીમિત હતું. 'મને લાગે છે કે, આપણા સંબંધો ત્રિભુજ જેવા થઈ જાય તેની પહેલાં મારે અહીંથી જતા રહેવું જોઈએ. મને તું ગમે છે અને મને ખબર છે કે, મને પણ તું પસંદ કરે છે. હું તારા સંસારમાં આમ જોવા જઈએ તો એક વદ્દી બનીને આવ્યો છું. જો તું મારો ઉમેરો કરવા જઈશ તો ભાગ્યના ભાગાકારમાં ઘણું બધું ભાંગી પડશે અને કદાચ જે શેષ વધશે તે સુખના અવશેષો જેવી હશે. તેનો તાળો મેળવતા આખી જિંદગી જતી રહેશે.' સૌમ્યને પોતાની આગવી છટાથી કહ્યું.
'તારા માટે બહુ સરળ છે, નહીં? કોઈની જિંદગીમાં ઝંઝાવાતની જેમ આવવું અને અચાનક ચાલ્યા જવું. તને શું લાગે છે કે, તારા ગયા પછી પણ મારી જિંદગી સરળ થઈ જશે? તું શાંતિથી જીવી શકીશ?' મહાશ્વેતાની આંખમાં આંસુ અને આક્રોશ હતાં.
'મને એટલું સમજાય છે કે, આપણે અમસ્તા જ એકબીજાની જિંદગીમાં આવી ગયાં. મને સાચો પ્રેમ મળ્યો નહોતો અને તને ક્યારેય પ્રેમ થયો નહોતો. આ સ્કૂલ માધ્યમ બન્યું અને આપણાં મન કારણ વગર છેદાઈ ગયા. છોડ એ બધું. હું ફરીથી બદલી કરાવીને કાયમ માટે તારાથી દૂર જાઉં છું. હું ફરી આ તરફ પાછો આવીશ નહીં. તારે આવવું હોય તો બધું છોડીને આવતી રહેજે. હું સ્વીકારી લઈશ. આજીવન હું તારી રાહ જોતો રહીશ.' સૌમ્યએ કહ્યું અને ઊભો થઈને ઓફિસની બહાર નીકળી ગયો.
અઠવાડિયા બાદ તેણે પાલનપુર પાસે કોઈ ગામમાં ટ્રાન્સફર લઈ લીધી. મહાશ્વેતા આ ઘટનાથી ખૂબ જ દુ:ખી હતી. તેને પસ્તાવો એ વાતનો હતો કે, સંસારમાં બંધાયા બાદ તેને પહેલી વાર પ્રેમ થયો હતો. તે કશું જ કરી શકે તેમ નહોતી.
આ ઘટનાને લગભગ એક દાયકો પસાર થઈ ગયો. તેની સ્કૂલમાં એક શિક્ષક બદલી કરાવીને આવ્યા. તેઓ પાલનપુરની એ જ સ્કૂલમાંથી આવ્યા હતા જ્યાં સૌમ્ય ભણાવતો હતો. તેણે માહિતી આપી કે સૌમ્ય જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાય છે. તેને છેલ્લાં સ્ટેજનું કેન્સર છે અને તેને મહેસાણા ખાતે કોઈ હોસ્પિટલમાં દાખલ કરેલો છે.
મહાશ્વેતાએ બે વખત સૌમ્યનો મોબાઈલ નંબર ડાયલ કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન કટ કરી દેતી. આ રીતે લગભગ અસમંજસમાં અઠવાડિયું પસાર થઈ ગયું. એક દિવસ તે આખરે મહેસાણા જવા રવાના થઈ. તે મહેસાણાની હોસ્પિટલમાં પહોંચી. મૃત્યુના મુખમાં પહોંચી ગયેલા સૌમ્યના ચહેરા સ્મિત દોડી આવ્યું અને મહાશ્વેતાની આંખોમાં આંસુ.
'સૌમ્ય, હું તને અઢળક પ્રેમ કરું છું. મારા દરેક શ્વાસના ઉંડાણથી હું તને ચાહું છું પણ મારા સંસારને છોડીને તારી સાથે આવી શકું તેમ નહોતી. આજે તને માત્ર જોવા આવી છું અને કહેવા આવી છું કે, ભલે મારાં લગ્ન રિતેશ સાથે થયાં પણ તું મારી જિંદગીનો પહેલો અને છેલ્લો પ્રેમ રહીશ. કદાચ તારા કારણે મારું મન વધારે સૌમ્યતાથી ધબકતું થયું અને તેની ધારણાઓની ડોર તૂટી ગઈ.'
'શ્વેતા મને ખબર છે, તે મને પારાવાર ચાહ્યો છે પણ તારી મજબૂરીઓનું ભારણ એટલું મોટું હતું કે, મારો પ્રેમ તને તેમાંથી મુક્ત કરી શકે તેમ નહોતો. તેં આવવામાં બહુ મોડું કરી દીધું. તેમ છતાં તે જે કહ્યું તે મારા માટે બાકીના દિવસો કાઢવા પૂરતું છે. આઈ લવ યુ મહાશ્વેતા.' સૌમ્યએ આટલું કહી પોતાનો હાથ છોડાવ્યો અને આંખો બંધ કરી દીધી.
મહાશ્વેતા રડમસ ચહેરે રૂમની બહાર નીકળી ગઈ.