હરિના મારગ પર કંટકો બિછાવેલાં હોય છે!
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- આજે તો ક્યાંક સાધુ અને શેઠની જુગલબંધી જોવા મળે છે. જ્યાં ધનિક થોડું સાચું ધન અને વધુ કાળું ધન આપીને ધર્મકાર્ય કરે છે એમાં પુણ્ય માને છે. પરંતુ એ ધર્મકાર્ય જ્યારે પ્રસિદ્ધિ તરફ જાય છે ત્યારે ધર્મનો આત્મા ગુંગળાવા લાગે છે. આથી જેમ ઇશ્વરને ફરિયાદ કરો તે ખોટું છે, તેમ એની પાસે સ્વપ્રશંસાની માગણી કરો તે પણ ખોટું
- સમરાંગણના યુદ્ધ કરતાં હૃદયાંગણનું યુદ્ધ વધુ કપરું છે. આંતરયુદ્ધમાં આંતરશત્રુ દેખાયા પછી પણ એના પર સીધેસીધું આક્રમણ કરી શકાતું નથી
સા ધનાનાં માર્ગે જતા પૂર્વે આપણા મનનાં ગોડાઉનમાં પડેલી અતૃપ્તિને ઓળખવી જરૂરી બને છે. ભીતરમાં પડેલી એ વૃત્તિઓનો સ્વીકાર કરવાને બદલે મોટે ભાગે એનું દમન કર્યું હોય છે. આવે સમયે એ વૃત્તિની ભીતરમાં જવું પડશે, એની અતૃપ્તિનાં કારણો જાણવા પડશે અને પછી એ અતૃપ્તિનું નિવારણ થાય એવું કાર્ય કરવું પડશે.
ખોટી રીતે ડિગ્રી મેળવીને પ્રગતિ સાધી હોય, એ પ્રગતિને જાળવી રાખવા માટે પ્રપંચ ખેલ્યા હોય અને પછી એ પ્રપંચને સહારે પ્રતિષ્ઠા ઊભી કરી હોય તો એવી વ્યક્તિને સૌથી પહેલા તો પોતાની જાતને પારખવી પડશે અને એ જાતને શોધવા જતા એણે આજ સુધી મેળવેલું જતું કરવું પડશે. પોતાની ભૂલો શોધીને ક્ષમા યાચવી પડશે અને આથી સાધકનું સૌથી પહેલું કામ પોતાના સ્વદોષ જોઈને એની ચિકિત્સા કરવાનું છે. કોઈ કુશળ ડૉક્ટર જે રીતે હૃદય, આંતરડાં કે કિડનીનું ઓપરેશન કરે એ સમયે પોતાનું સમગ્ર લક્ષ્ય એ અંગ પર કેન્દ્રિત કરીને એની ઝીણામાં ઝીણી નસને જુએ, એ રીતે પોતાના દોષની પરખ અને નિવારણની પ્રક્રિયા કરવી જોઈએ. વિચાર કરીએ કે મહાન ભક્તકવિ સૂરદાસે 'મૌ સમ કૌન કુટિલ ખલ કામી' એમ કહ્યું હશે, ત્યારે એમણે એમના નાનામાં નાના દોષને કેવી સૂક્ષ્મ નજરે જોયો હશે અને એનો આ રીતે ખુલ્લા દિલે સ્વીકાર કર્યો હશે. આથી પ્રભુને પામવા માર્ગને 'હરિનો મારગ છે શૂરાનો' એમ કેમ કહ્યું હશે? જ્યાં પ્રભુ પ્રત્યે પૂર્ણ સમર્પણ હોય, ત્યાં વળી શૂરવીરતા કઈ દાખવવાની? જ્યાં કોઈ સંઘર્ષ ન હોય, ત્યાં સાહસ શું કરવાનું? જ્યાં બધું જ હરિને સોંપ્યું હોય, ત્યાં તમારો શત્રુ કોણ હોય? જ્યાં પરમાત્મામાં લીન થવાનું હોય, ત્યાં વળી લડવાનું કોની સાથે હોય?
હકીકતમાં 'હરિના મારગે' ચાલનારે પ્રબળ વીરતા દાખવવી પડે છે. બાહ્ય વીરતા કરતાં આંતરિક વીરતા વધુ મુશ્કેલ અને પડકારરૂપ છે. યુદ્ધના મેદાન પરની શૂરવીરતા કરતાં અંત:કરણના મેદાન પર શૂરવીરતા દાખવવી વધુ ચડિયાતી અને વધુ કઠિન છે. બહારના સંઘર્ષ કરતાં આધ્યાત્મિક સંઘર્ષ વધુ કપરો અને વધુ આંતરપુરૂષાર્થ માગનારો હોય છે. બહારના શત્રુ કરતાં અંદરનો શત્રુ વધુ પ્રબળ, ખૂંખાર અને નાશક હોય છે. બહાર તો નજર સમક્ષ દેખાતા દુશ્મન સામે લડવાનું હોય છે, જ્યારે ભીતરમાં તો પોતાનાં જ ભાવો, લાલસાઓ અને વૃત્તિઓ સામે યુદ્ધ ખેલવાનું હોય છે.
સમરાંગણના યુદ્ધ કરતાં હૃદયાંગણનું યુદ્ધ વધુ કપરું છે. રણમેદાન પરના યુદ્ધમાં શત્રુને તમે પ્રત્યક્ષ નિહાળીને એની શક્તિને જાણો છો, એની વ્યૂહરચનાને સમજો છો, એની તાકાતનું માપ કાઢી શકો છો, પછી એના પર પ્રહાર કરો છો, પરંતુ આ આંતરયુદ્ધમાં તો શત્રુને શોધવાની અથાગ મહેનત કરવી પડે છે અને એ આંતરશત્રુ દેખાયા પછી એના પર સીધેસીધું આક્રમણ કરી શકાતું નથી. કારણ કે એ એક આંતરશત્રુ બીજા ઘણા આંતરશત્રુઓનું રૂપ લઈને અને જુદી જુદી વ્યૂહરચના કરીને કાર્યરત હોય છે, તેથી એના પર પ્રહાર કરવો અને એના પર વિજય મેળવવો એ ખાંડાના ખેલ છે.
ભગવાન મહાવીર સ્વામીએ જગતને આત્મધર્મની વાત કરી અને આત્માનું મહિમાગાન કર્યું. તેઓ પણ આ આત્મવિજયનો મહિમા કરતી વખતે એમના અંતિમ ઉપદેશમાં, 'શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ની એક ગાથામાં કેવું ગહન, આધ્યાત્મિક સત્ય પ્રગટ કરે છે. તેઓ કહે છે,
'દુર્જેય સંગ્રામમાં દસ લાખ શત્રુઓને માણસ હરાવે, તેના કરતાં પોતાના આત્મા ઉપર વિજય મેળવે એ જ પરમ વિજય છે.'
આવો મહિમા છે આત્મવિજય કરનારાનો. આવો આત્મવિજય સાધવા માટે આપણે શું કરીશું? આપણે પ્રભુ પાસે શું માગીશું? કઈ રીતે એની સન્મુખ ઊભા રહીશું? એના પ્રત્યે આપણી પ્રાર્થના કેવી હશે? વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઇશ્વરને બે હાથ જોડીને પ્રણામ કરનાર મનમાં એના પ્રત્યે ઘણી વાર કટુવચનો કહેતો હોય છે. એ કહેતો હોય છે કે, 'આટલાં વર્ષોથી તારી અખંડ ઉપાસના કરું છું, છતાં મને કેમ દ્રવ્યલાભ થતો નથી,' 'તને આજીજી કરી કરીને થાક્યો, છતાં કેમ પ્રમોશન આપતો નથી,' 'રોજ સવારે કરબદ્ધ થઈને તારી પાસે મહેલ જેવા મકાનની માગણી કરું છું, છતાં અને પ્રત્યે સહેજે લક્ષ્ય કેમ આપતા નથી?'
આવી રીતે ફરિયાદ લઈને જે પરમાત્મા પાસે જાય છે, એ ખોટે માર્ગે ચડી જાય છે. એ પરમનો સ્પર્શ પામવા ઇચ્છા રાખતો નથી, પરંતુ પદાર્થની પ્રાપ્તિની ઇચ્છા રાખે છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ, વસ્તુ કે સમૃદ્ધિની વાંછનાથી વ્યક્તિ પરમાત્મા પાસે જાય છે, ત્યારે એની ભૌતિકતાને સાથે લઈને જતો હોય છે, એના મસ્તક પર રાગ અને દ્વેષનું પોટલું હોય છે. મનમાં ઇચ્છાઓ અને એષણાઓ હોય છે અને આથી એ ઈશ્વરને બદલે હકીકતમાં તો પોતાની ઇચ્છા, લાલસા અને વૃત્તિની શરણાગતિ સ્વીકારતો હોય છે. આમ, 'હરિના મારગ'માં ભૌતિક ઇચ્છા સેવનાર હરિના મારગને બદલે પોતાની ઇચ્છાઓ અને વાસનાઓના માર્ગે ચાલવા માંડે છે.
જેમ કેટલાક ફરિયાદ લઈને ઇશ્વર પાસે જાય છે, એ જ રીતે કેટલાક પ્રશંસાપ્રાપ્તિની ઇચ્છા સાથે જાય છે. ઇશ્વર વળી ક્યાંથી એની પ્રશંસા કરવાનો? પણ ના, હકીકતમાં એ ઇશ્વરને પ્રશંસાપ્રાપ્તિનું માધ્યમ બનાવે છે. એના દ્વારા એ સામાજિક પ્રતિષ્ઠા મેળવવા ચાહે છે, ધાર્મિક વ્યક્તિ તરીકે ઓળખ ઊભી કરવા ઇચ્છે છે અને એ માત્ર એટલેથી જ અટકતો નથી, પરંતુ પોતાની આ ધાર્મિકતાની સહુ કોઈ કદર કરે એમ ઇચ્છે છે. વ્યાસપીઠ પરથી કે પાટ પરથી કોઈ સંત જ્યારે શ્રેષ્ઠીની પ્રશંસા કરે ત્યારે માનવું કે હરિના માર્ગેથી બીજા માર્ગે ફંટાઈ ગયા છે. જોકે આજે તો ક્યાંક સાધુ અને શેઠની જુગલબંધી જોવા મળે છે. જ્યાં ધનિક થોડું સાચું ધન અને વધુ કાળું ધન આપીને ધર્મકાર્ય કરે છે એમાં પુણ્ય માને છે. પરંતુ એ ધર્મકાર્ય જ્યારે પ્રસિદ્ધિ તરફ જાય છે ત્યારે ધર્મનો આત્મા ગુંગળાવા લાગે છે. આથી જેમ ઇશ્વરને ફરિયાદ કરો તે ખોટું છે, તેમ એની પાસે સ્વપ્રશંસાની માગણી કરો તે પણ ખોટું. વળી કોઈના પ્રત્યે દુર્ભાવ રાખીને હરિના મારગે જાવ તો પહેલે પગલે જ અટવાઈ જશો અને આનંદ સુધી પહોંચી શકશો નહીં.
આથી પરમાત્મા પાસે તો શુભ ભાવનું સ્મરણ જ કરવાનું હોય. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે:
'હે પરમાત્મા, મને આપ અસત્યમાંથી સત્ય પ્રતિ, અંધકારમાંથી પ્રકાશ પ્રતિ, મૃત્યુમાંથી અમૃત પ્રતિ લઈ જાઓ.'
પરમાત્મા પાસેથી શું માગવાનું હોય? તેનો કેવો અદ્ભૂત ઉદ્ગમ અહીં સાંભળવા મળે છે? બસ, એટલી જ ઇચ્છા કે તે સત્ય, પ્રકાશ અને અમૃત તરફ લઈ જાય. એવી ત્રણ બાબતો કે જેનાથી જીવન ભર્યું ભર્યું થઈ જાય.
પ્રસન્નતા એ પરમેશ્વરની પ્રસાદી છે. જીવનની પ્રત્યેક ક્ષણને પરમાત્મા પ્રસન્નતાથી મઢી દે છે. સાધક મનોમન નિશ્ચય કરે છે કે હવે આ યાતનાગ્રસ્ત, તનાવગ્રસ્ત, ચિંતાગ્રસ્ત અને કષાયગ્રસ્ત જીવનમાંથી બહાર નીકળવું છે. આજ સુધી એ હરિના મારગની યાત્રાનો સાચો આનંદ પામી શક્યો નહીં, કારણ કે એ માટેની શૂરવીરતા હું કેળવી શક્યો નહીં, હવે દ્રઢ નિર્ધાર સાથે અધ્યાત્મની યાત્રાનો હું પ્રારંભ કરી રહ્યો છું.